You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એ ગુજરાતી યુગલ, જેમના છૂટાછેડા ટૉઇલેટના લીધે થયા
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
શું તમે માની શકો કે ઘરમાં શૌચાલય ન હોય તો પત્ની છૂટાછેડા માગી શકે અને મળે પણ ખરા? સાથે જ સજાના ભાગરૂપે પતિએ દર મહિને પત્નીને પૈસા પણ આપવા પડે?
હા, આ શક્ય છે અને આવું જ બન્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસેના એક ગામમાં રહેતી મહિલાએ પતિ વિરુદ્ધ ઘરમાં શૌચાલય ન બનાવી આપવા અને મારઝૂડ કરવા મામલે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે કોર્ટે છૂટાછેડા આપીને પત્નીને ભરણપોષણ માટે પૈસા આપવાનો આદેશ કર્યો છે.
સાટાપાટા લગ્નની કહાણી
ગાંધીનગર પાસે રાંદેસણ ગામમાં રહેતાં મનીષા (નામ બદલ્યું છે) નાનપણથી ભણવામાં હોશિયાર હતાં, ગામમાં જ 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો.
તેઓ આગળ ભણવા માગતાં હતાં પણ તે શક્ય ન બન્યું. પિતાને આર્થિક મદદ કરવા તેમણે બ્યુટીશિયનનો કોર્સ કર્યો. થોડા વખતમાં ગાંધીનગરમાં એક જગ્યાએ બ્યુટીશિયનનું કામ કરવાનું શરૂ કર્યું.
મનીષાએ આગળની કહાણી જણાવતાં કહ્યું કે, "ભાઈનાં લગ્ન માટે છોકરી શોધતા હતા અને મારી પણ લગ્નની ઉંમર થઈ હતી."
તેઓ કહે છે કે, "અમે બક્ષીપંચમાંથી આવીએ છીએ અને અમારી જ્ઞાતિમાં સાટાપાટા લગ્નનો રિવાજ છે."
એટલે સાટાપાટ રિવાજ પ્રમાણે મનીષાનાં પણ લગ્ન થયાં. મનીષાના ભાઈ જયંતનાં લગ્ન કાન્તા નામની યુવતી સાથે થયાં, અને તેમના ભાઈ નરેન્દ્ર સાથે મનીષાનાં લગ્ન નક્કી થયાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શૌચાલય ન હોવાનું દુખ
મનીષા કહે છે કે, "મેં લગ્ન પહેલાં મારા થનારા પતિ મળવાનું નક્કી કર્યું, તેઓ મેઉ ગામમાં રહેતા હતા."
"બાપદાદાની છ એકર જમીન હતી અને ખેતીથી નવ હજારની આવક થતી હતી. દૂઝણાંથી મહિને 10 હજાર રૂપિયાની દૂધની આવક હતી અને તેઓ નોકરી કરતા હતા, જેમાં પાંચ હજાર રૂપિયા પગાર મળતો હતો. એટલે ઘર ખાધે-પીધે સુખી હતું.
મનીષા આગળ કહે છે કે આ સુખ છતાં એક તકલીફ હતી કે એના ઘરે શૌચાલય ન હતું.
મનીષા કહે છે કે તેમના થનારા પતિએ ઘરમાં લગ્ન પહેલાં શૌચાલય બંધાવી આપવાનું વચન આપ્યું હતું.
જે બાદ તેમનાં લગ્ન જૂન 2013માં થયાં.
'શૌચાલયની વાત કાઢું તો મારઝૂડ થતી'
મનીષાનાં લગ્ન થયાં પણ તેમની સાસરીમાં વચન પ્રમાણે શૌચાલય ન બન્યું અને તેના કારણે દંપતી વચ્ચે કડાકૂટ થવા લાગી હતી.
મનીષા કહે છે કે, "હું વારંવાર કહેતી હતી કે વચન આપ્યું હતું, એ પ્રમાણે ઘરમાં શૌચાલય બનાવો, તેઓ મારી વાત સાંભળતા નહોતા."
"મારા માટે ખુલ્લામાં શૌચ જવું મુશ્કેલ હતું અને મળસ્કે અંધારામાં અથવા સાંજે અંધારું થયા પછી ગામના સીમાડે જવું પડતું હતું."
મનીષા આપવીતી વર્ણવતાં કહે છે કે, "આ અરસામાં હું બીમાર થઈ, ફૂડ પૉઇઝનિંગ થયું અને મને વારે-વારે શૌચ માટે જવું પડતું હતું."
"ગામ વચ્ચેથી સંકોચ સાથે જવું પડતું હતું, જે મારી માટે અસહ્ય થઈ ગયું."
એ બાદ મનીષાએ ઘરમાં શૌચાલય બનાવવાની વાત કાઢી, એથી મારઝૂડ શરૂ થઈ ગઈ.
તેમના કહેવા પ્રમાણે તેમના પતિ તેમને માર મારતા હતા.
તેઓ કહે છે કે, "હું સહન કરતી હતી. ધીમે-ધીમે ત્રાસ વધવા લાગ્યો, નાની અમથી ભૂલમાં માર પડતો હતો, મારી સાથે જાનવર જેવું વર્તન કરાતું હતું. છેવટે હું પતિનું ઘર છોડીને પોતાના ઘરે આવી ગઈ."
એકને બદલે બે ઘર તૂટ્યાં
મનીષાના ભાઈ જયંત બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "મારી બહેન ઘર છોડીને આવી, એટલે એના પતિ નરેન્દ્રે મારી સાથે પરણાવેલી એની બહેનને પણ પરત બોલાવી લીધી."
તેઓ કહે છે કે, "મારા પિતા નારાજ હતા. સમાજમાં આબરૂ જવાના ડરથી સમાધાન કર્યું."
આ સમાધાન સહેલું નહોતું, મનીષાના પરિવારે સમાજના વડીલોની હાજરીમાં 'મનીષાની ભૂલના પ્રાયશ્ચિતરૂપે' દંડ ભરવાનો વારો આવ્યો.
જયંત કહે છે કે, "મારી બહેનની ભૂલ બદલ સાટાપાટાના દંડરૂપે અમે એક ભેંસ આપી અને મનીષાના પતિને ગાંધીનગરમાં કરિયાણાંની દુકાન કરવા પૈસા પણ આપ્યા."
સમાધાન બાદ મનીષાને પરિવારે વળાવી, એ સાથે જયંતનાં પત્ની કાન્તાને પણ તેમના પરિવારે પરત મોકલી દીધાં.
આમ છતાં મનીષાની સાસરીમાં શૌચાલય ન બન્યું અને મનીષા ફરી મારઝૂડનો ભોગ બન્યાં, છેવટે મનીષાએ લાંઘણજ પોલીસસ્ટેશનમાં ઘરેલુ હિંસાનો કેસ નોંધાવ્યો.
...અને છૂટાછેડા
એ સાથે જ મનીષાના ભાઈએ જયંત સાથે પરણાવેલાં કાન્તાને ફરીથી પરત બોલાવી લીધાં.
મનીષા આ બાદ છૂટાછેડા માટે ગાંધીનગરની અદાલતમાં ગયાં, ત્રણ વર્ષ ચાલેલા કેસ બાદ જસ્ટિસ કે. એસ. મોદીએ મનીષાની તરફેણમાં ચુકાદો આપ્યો.
અદાલતે છૂટાછેડા આપ્યા અને મનીષાના પતિને મનીષાનાં ભરણપોષણ માટે મહિને છ હજાર રૂપિયા આપવાનો આદેશ પણ કર્યો.
સાટાપાટા પ્રથાશું છે?
ગુજરાતની કેટલીક જાતિઓમાં લગ્ન માટે સાટાપાટાની પ્રથા બે સદીથી ચાલતી હોવાનો દાવો કરાય છે.
જાણીતા ઇતિહાસવિદ્ અને અમદાવાદસ્થિત એચ.કે. કૉલેજના પૂર્વ પ્રિન્સિપાલ સુભાષ બ્રહ્મભટ્ટે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું, "ખાસ કરીને ઉત્તર ગુજરાતની કેટલીક ઓબીસી કોમમાં સાટાપાટાની પ્રથા આજે પણ ચાલુ છે."
"આ પ્રથા મુખ્યત્વે પશુપાલન અથવા પશુના આધારે જીવનનિર્વાહ કરતી કોમમાં વધુ જોવા મળે છે."
સુભાષ બ્રહ્મભટ્ટ જણાવે છે કે "એનું મુખ્ય કારણ એ છે કે જયારે આ લોકો પોતાનાં પશુને લઈને બહાર જાય ત્યારે એમનાં બાળકોનું ધ્યાન રાખી શકાય. "
"કેમ કે જેમનાં સાટાપાટામાં લગ્ન થયાં હોય એ એક જ કુટુંબના હોય એટલે કે ભાઈની સાથે જે છોકરીએ લગ્ન કર્યાં હોય એ છોકરીના ભાઈએ એના બનેવીની બહેન સાથે લગ્ન કરવાનાં હોય છે."
સુભાષ બ્રહ્મભટ્ટ કહે છે, "આ પ્રથા પ્રમાણે જો કોઈ છૂટાછેડા આપે તો એની બહેન કે ભાઈના ફરજીયાત છૂટાછેડા થાય એટલે જે-તે લોકો છૂટાછેડા વિશે જલદી વિચારે નહીં. આમ સમાજવ્યવસ્થા જળવાઈ રહે એવા આશયથી આ પ્રથા શરૂ થઈ હતી."
(આ અહેવાલ 18 ઑક્ટોબર, 2021માં સૌપ્રથમ પ્રકાશિત થયો હતો)
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો