You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ગુજરાતીને ફ્લૅટ મળશે, મરાઠીને નહીં', શું સોસાયટી જાતિના આધારે મકાન આપવાનો ઇનકાર કરી શકે?
- લેેખક, મયંક ભાગવત
- પદ, બીબીસી મરાઠી
ગુજરાતી, જૈન અને મારવાડી સમુદાયના લોકોને જ ફ્લૅટ વેચવામાં આવશે એવું કારણ દર્શાવીને એક મરાઠી વ્યક્તિને ફ્લૅટ વેચવાના ઇનકારની ઘટના મુંબઈ નજીકના મીરા રોડમાં બની છે.
બે કોમ વચ્ચે વૈમનસ્યના નિર્માણના પ્રયાસના આરોપસર પોલીસે ફ્લૅટમાલિક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
બંધારણમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ, "ભારતમાં રહેતી દરેક વ્યક્તિને દેશના કોઈ પણ રાજ્યમાં વસવાટ કરવાનો અધિકાર છે." તેથી ભાષા, ધર્મ, જ્ઞાતિ અને ભોજનશૈલી (ઇટિંગ હેબિટ્સ)ના આધારે કોઈને મકાન વેચવાનો ઇનકાર કરવો ગેરકાયદે છે.
તેમ છતાં આવી ઘટનાઓ ક્યાંકને ક્યાંક બનતી રહે છે. તેથી સવાલ થાય છે કે મરાઠી માણસને ઘર વેચવાનો ઇનકાર કરવાનો અધિકાર સોસાયટીને છે?
આ વિશે કાયદો શું કહે છે? અમે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો.
મરાઠી માણસને ફ્લૅટ વેચવાનો ઇનકાર શા માટે?
આ ઘટના મુંબઈ નજીકના મીરા રોડ નામના ઉપનગરમાં ત્રણ દિવસ પહેલાં બની હતી.
વ્યવસાયે શૅરમાર્કેટ ટ્રેડર અને મીરા રોડમાં રહેતા ગોવર્ધન દેશમુખ રહેવા માટે ઘર શોધી રહ્યા હતા. તેમણે મીરા રોડના સૅક્ટર-સાતના શાંતિનગરમાં આવેલો એક ફ્લૅટ ખરીદવા તેના માલિકને પૂછપરછ કરી હતી, પણ પોતે મરાઠી હોવાને કારણે જ એ ફ્લૅટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ દેશમુખે કર્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમનો આક્ષેપ છે કે "મરાઠી, મુસ્લિમ અને ખ્રિસ્તીઓને ફ્લૅટ વેચવામાં આવતા નથી. આ સોસાયટીનો નિયમ છે. ગુજરાતી, જૈન અને મારવાડી સમાજની વ્યક્તિને જ ફ્લૅટ વેચવામાં આવશે એવું જણાવીને મને ફ્લેટ વેચવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો."
ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલી ઘરના વેચાણની જાહેરાત વાંચીને દેશમુખે તેના માલિકનો સંપર્ક કર્યો હતો. પોતાને ઘર વેચવાનો ઇનકાર કરવામાં આવ્યો એ પછી દેશમુખે મકાનમાલિક વિરુદ્ધ નયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
દેશમુખ કહે છે, "સ્થાનિક મરાઠી લોકોને ઘર વેચવાનો ઇનકાર કરવામાં આવે છે. તેની સામે યોગ્ય પગલાં લેવાવાં જોઈએ."
પોલીસે મકાનમાલિક રિંકુ દેઢિયા અને રાહુલ દેઢિયા વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ક્રમાંક 153 (એ) અંતર્ગત સમાજના બે વર્ગ વચ્ચે તિરાડ પાડવા બદલ ગુનો નોંધ્યો છે.
પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં નયાનગર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સપેક્ટર જિતેન્દ્ર વનકોટીએ કહ્યું હતું, "મકાનમાલિકોને શહેર છોડીને ક્યાં ન જવાની સૂચના આપવામાં આવી છે. ચાર્જશીટ દાખલ કરતી વખતે કોર્ટમાં હાજર રહેવાની સૂચના પણ તેમને આપવામાં આવી છે."
ધર્મ, જ્ઞાતિ કે ભાષાને આધારે ઘર આપવાનો ઇનકાર કરી શકાય?
કાયદા નિષ્ણાતો જણાવે છે કે ભાષા, ધર્મ, જ્ઞાતિ કે ભોજન શૈલીના આધારે કોઈને ઘર આપવાનો ઇનકાર કરવાનું કૃત્ય ભારતીય બંધારણની જોગવાઈ વિરુદ્ધનું છે.
બંધારણ શું કહે છે?
- બંધારણની કલમક્રમાંક 19 અનુસાર, ભારતીય નાગરિક દેશમાં ગમે ત્યાં જઈ શકે છે
- કલમક્રમાંક 14 જણાવે છે કે સમાનતાના હક્ક પર સરકાર તરાપ મારી શકે નહીં
- કલમક્રમાંક 15 જણાવે છે કે ધર્મ, જ્ઞાતિ, જાતિ કે જન્મસ્થળના આધારે સરકાર લોકો વચ્ચે ભેદભાવ કરી શકે નહીં
બૉમ્બે હાઈકોર્ટમાં સિનિયર વકીલ તરીકે કાર્યરત્ ગણેશ સોવાની કહે છે, "બંધારણની જોગવાઈ અનુસાર, સરકાર ભાષા, ધર્મ કે જ્ઞાતિના આધારે ભેદભાવ કરી શકે નહીં. કાયદા સમક્ષ બધા સમાન છે. તેથી રાજ્યમાં રહેતી કોઈ પણ વ્યક્તિ સાથે ભાષા, ધર્મ કે જ્ઞાતિના આધારે ભેદભાવ કરી શકાય નહીં."
મીરા રોડની ઘટના બાબતે વાત કરતાં તેઓ કહે છે, "ઘર કોને આપવું તેનો નિર્ણય સોસાયટી કરી શકે નહીં. તે બંધારણવિરોધી છે."
મુંબઈમાં રહેતા રમેશ પ્રભુ મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલફેર ઍસોસિયેશનના પ્રમુખ છે.
મરાઠી વ્યક્તિને ઘર આપવાના ઇનકારની ઘટના બાબતે બીબીસી સાથે વાત કરતાં રમેશ પ્રભુ કહે છે, "પ્રત્યેક સોસાયટી એક સ્વતંત્ર સંસ્થા છે, પરંતુ બંધારણ વિરુદ્ધના નિયમ કોઈ ઘડી શકે નહીં."
મહારાષ્ટ્રમાંની દરેક સોસાયટીનો વહીવટ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ - 1860 હેઠળ ચલાવવામાં આવે છે.
રમેશ પ્રભુ ઉમેરે છે, "મહારાષ્ટ્રમાં ઓપન મેમ્બરશિપની વ્યવસ્થા છે. તેથી કોઈને જ્ઞાતિ, ધર્મ કે ભાષાને આધારે ઘર આપવાનો ઇનકાર કરી શકાય નહીં. કોઈ પણ સોસાયટીમાં ઘર ખરીદવાની અને ઘર ખરીદ્યા પછી સોસાયટીનું સભ્યપદ મેળવવાની છૂટ છે."
મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ શું કહે છે?
કોણ સોસાયટીનો મેમ્બર બની શકે તેની અને ઓપન મેમ્બરશિપનો અર્થ શું થાય તેની માહિતી મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટની કલમક્રમાંક 22 તથા 23માં આપવામાં આવી છે.
તે માહિતી મુજબ, ભારતીય કૉન્ટ્રાક્ટ કાયદા પ્રમાણે યોગ્ય હોય તેવી કોઈ પણ વ્યક્તિ સોસાયટીની મેમ્બર બની શકે છે.
રમેશ પ્રભુના જણાવ્યા મુજબ, "કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટની કલમક્રમાંક 22માં મેમ્બરના અધિકાર વિશે સ્પષ્ટતા કરવામાં આવી છે. ઓપન મેમ્બરશિપની વ્યવસ્થા હોવાથી જ્ઞાતિ, ધર્મ કે ભાષાને આધારે સોસાયટીનું સભ્યપદ આપવાનો ઇનકાર કરી શકાય નહીં. તેથી ઘર આપવાના ઇનકારની શરત પણ લાદી શકાય નહીં."
ગુજરાતમાં ઓપન મેમ્બરશિપની વ્યવસ્થા નહીં હોવાની માહિતી પણ રમેશ પ્રભુએ આપી હતી.
મહારાષ્ટ્રમાં કોઈ પણ હાઉસિંગ સોસાયટીને મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ હેઠળ પોતાના નિયમ ઘડવાનો અધિકાર છે કે કેમ, તેની માહિતી અમે બૉમ્બે હાઈકોર્ટમાં વકીલ તરીકે કાર્યરત દીપ્તિ બાગવે પાસેથી મેળવી હતી.
દીપ્તિ બાગવે કહે છે, "સોસાયટીને પોતાના નિયમ બનાવાનો અધિકાર છે. મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ-1860 હેઠળ સોસાયટીઓને તેમના બાય-લૉઝના અમલની છૂટ છે."
સોસાયટીના બાય-લૉઝ તેના દરેક સભ્યને બંધકારક હોય છે.
દીપ્તિ બાગવે ઉમેરે છે, "ધર્મ, જ્ઞાતિ કે ભાષાના આધારે સંસ્થાની રચના કરી શકાય એવું કાયદામાં ક્યાંય લખ્યું નથી. એ કારણસર સોસાયટીનું સભ્યપદ મેળવી કે ઘર ખરીદી શકાય નહીં, એવી કોઈ જોગવાઈ કાયદામાં નથી."
ઘર આપવાના ઇનકાર સામે શું કાર્યવાહી થઈ શકે?
મુંબઈમાં મરાઠી માણસને ઘર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોય એવી આ પહેલી ઘટના નથી. મહાનગરના અનેક ભાગોમાં રેસિડેન્શિયલ સોસાયટીઓમાં આવા વણલખ્યા નિયમો છે.
રમેશ પ્રભુ કહે છે, "આવી ઘટનાઓ બને છે. સોસાયટીઓમાં વણલખ્યા નિયમો હોય છે."
કેટલીક સોસાયટીઓમાં કુંવારાં છોકરા-છોકરીને ઘર ભાડે નહીં આપવાનો નિયમ હોય છે, જ્યારે કેટલીક સોસાયટીઓમાં માંસાહાર કરતા લોકોને ઘર આપવામાં આવતું નથી.
ગણેશ સોવાનીના જણાવ્યા મુજબ, "આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધે છે, પણ આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી. જોકે, આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરીને કેસની કાર્યવાહી હાથ ધરી શકાય છે."
મુંબઈમાં આવી અનેક ઘટનાઓ બની છે.
દીપ્તિ બાગવે કહે છે, "આવા કિસ્સામાં જે વ્યક્તિને ઘર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોય તે સોસાયટી રજિસ્ટ્રારને ફરિયાદ કરી શકે છે. રજિસ્ટ્રાર યોગ્ય જણાય તો કાર્યવાહી કરી શકે છે."
મુંબઈમાં અગાઉ પણ આવું બન્યું હતું?
મીરા રોડમાં બનેલી ઘટના કંઈ આવી પહેલી ઘટના નથી. લોકોને તેમના ધર્મ કે ખાનપાનની આદતને લીધે ઘર આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોય એવી અનેક ઘટનાઓ અગાઉ બની છે.
- 2017માં વસઈમાં એક મુસ્લિમ યુવકને સોસાયટીમાં ફ્લૅટ ખરીદવા માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
- 2015માં મલાડની એક સોસાયટીએ માંસાહાર કરતા લોકોને સોસાયટીમાં ફ્લૅટ નહીં આપવાની પ્રતિજ્ઞા કરી હતી.
ઘર આપવાના ઇનકાર સંબંધે કોર્ટે શું આદેશ આપ્યા છે?
- વર્ષ 2000માં ચેમ્બૂરની સેન્ટ એન્થની કો-ઑપરેટિવ સોસાયટીએ માત્ર રોમન કૅથલિક સમાજના લોકોને જ ફ્લૅટ આપવાનો નિર્ણય કર્યો હતો. હાઈકોર્ટે સોસાયટીની વિરુદ્ધમાં ચુકાદો આપ્યો હતો.
- 1999માં તાડદેવની તાલમાકીવાડી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીએ માત્ર કંસારા સારસ્વત બ્રાહ્મણ સમુદાયના લોકોને જ ઘર આપવાનો નિર્ણય કર્યો હતો. અદાલતે મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ સોસાયટીઝ ઍક્ટ અને ઓપન મેમ્બરશિપ ઍક્ટ હેઠળ તે સોસાયટીના નિર્ણયને ગેરકાયદે ઠરાવ્યો હતો.
- ઝોરાસ્ટ્રીયન રાધિયા સોસાયટીએ માત્ર પારસી લોકોને જ ઘર આપવાનો નિર્ણય કર્યો હતો, પણ હાઈકોર્ટે તે નિર્ણયને રદ્દ કર્યો હતો.
એ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને રદ્દ કર્યો હતો.
કોર્ટે અરજદારને સોસાયટીના બાય-લૉઝ પ્રમાણે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. હાઉસિંગ સોસાયટી એક સ્વતંત્ર સંસ્થા હોવાનું પણ કોર્ટે જણાવ્યું હતું.
મરાઠી વિરુદ્ધ બિન-મરાઠીના મુદ્દે રાજકારણ
મુંબઈમાં બિલ્ડરો તથા સોસાયટીઓ દ્વારા માંસાહારી મરાઠીઓને ઘર આપવાના ઇનકાર રાજકારણનો મોટો મુદ્દો બની રહ્યો છે.
મરાઠીઓના મુદ્દે રાજકારણ કરતા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને શિવસેના જેવા પક્ષોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. માંસાહારી લોકોને ઘર આપવાના ઇનકારના મુદ્દે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ 'ચામુંડા રિઅલ્ટર્સ'ને 2017માં પત્ર લખ્યો હતો અને પાઠ ભણાવવાની ચેતવણી આપી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો