ચીન અરુણાચલ પ્રદેશને 'દક્ષિણી તિબેટ' કેમ કહે છે?

પૂર્વ લદ્દાખમાં એલએસી એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર પ્રવર્તમાન તણાવ મુદ્દે ભારત તથા ચીને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા છે.

સરહદ પર સૈન્ય તણાવને ઘટાડવા તથા યથાસ્થિતિ પૂર્વવત્ કરવા માટે 13મા રાઉન્ડની વરિષ્ઠ સૈન્ય કમાન્ડર સ્તરની વાટાઘાટ વચ્ચે કોઈ પણ નિષ્કર્ષ વગર આરોપ-પ્રતિઆરોપ સાથે સમાપ્ત થઈ.

બુધવારે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની બેઠક પર વાંધો વ્યક્ત કરતા ચીને કહ્યું હતું કે ભારતે એવું કોઈ કામ ન કરવું જોઈએ કે જેના કારણે બંને દેશો વચ્ચે સરહદી વિવાદ વકરે.

ચીનના નિવેદનની ગણતરીની કલાકોની અંદર ભારતે નિવેદન આપતા જણાવ્યું કે અરુણાચલ પ્રદેશ એ ભારતનું અવિભાજ્ય અંગ છે તથા તેને અલગ ન કરી શકાય.

સાથે જ ઉમેર્યું હતું કે ભારતીય નેતાઓની અરુણાચલ મુલાકાતની સામે વાંધો ઉઠાવવાનો કોઈ તર્ક નથી. આ પહેલાં વર્ષ 2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા સંરક્ષણમંત્રી રાજનાથસિંહ તથા વર્ષ 2020માં ગૃહમંત્રી અમિત શાહની અરુણાચલ પ્રદેશની મુલાકાત પર વિરોધ વ્યક્ત કરાયો હતો.

દરેક વખતે ભારત દ્વારા ચીનના વાંધાને ફગાવી દેવામાં આવે છે. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશની 90 હજાર વર્ગ કિલોમીટર જમીન પર ચીન દ્વારા દાવો કરવામાં આવે છે, જ્યારે ભારતનું કહેવું છે કે ચીન દ્વારા પશ્ચિમમાં અક્સાઈ ચીનના 38 હજાર વર્ગ કિલોમીટર વિસ્તાર પર કબજો કરી લેવામાં આવ્યો છે.

વિખ્યાત સામરિક વિશેષજ્ઞ બ્રહ્મા ચેલાનીએ ટ્વીટ કરીને કહ્યું હતું, "ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તિબેટ ગયા હતા, ત્યારે ભારતે કશું કહ્યું ન હતું. એટલે સુધી કે ભારતની સરહદથી માત્ર 15 કિલોમીટર દૂર પીપલ્સ લિબ્રેશન આર્મીના બેઝ ખાતે તેમણે રાતવાસો પણ કર્યો હતો. જેને ચીન દ્વારા યુદ્ધની તૈયારી તરીકે જોવામાં આવ્યું હતું. વેંકૈયા નાયડુના અરુણાચલ પ્રદેશ પ્રવાસ પર ચીનનો વાંધો આશ્ચર્યજનક નથી."

ચીનના ઇતિહાસ પર પુસ્તક લખનારા માઇકલ શુમૈને આ મુદ્દે ટ્વીટ કરતા લખ્યું છે, "ચીન દ્વારા ભારત સાથેના સંબંધોને બહુ જ ખરાબ રીતે હૅન્ડલ કરવામાં આવી રહ્યા છે. તે ચીનની વિદેશનીતિની મોટી નિષ્ફળતા હોઈ શકે છે."

અટલ બિહારી વાજપેયીની સરકારમાં વિદેશ સચિવપદે રહેલા કંવલ સિબ્બલે ચીનના વાંધા પર ભારતના જવાબને રી-ટ્વીટ કરતા લખ્યું, "ચીનના વિદેશ મંત્રાલયની ભાષા પડકાર આપતો હોય એવી છે. જેની સામે ભારતનો જવાબ ખૂબ જ ઉદાર છે. શક્ય છે કે વિવાદમાં ન પડવા પાછળ કોઈ નક્કર કારણ હોય, એટલે આપણે ધમકીભરી ભાષાનો ઉપયોગ ન કર્યો, પરંતુ આપણે સખ્તાઈથી જવાબ આપી શકીએ છીએ."

દક્ષિણ તિબેટ

ચીનનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશ એ દક્ષિણ તિબેટનો વિસ્તાર છે. બંને દેશો વચ્ચે 3500 કિલોમીટર લાંબી સરહદ છે. 1912 સુધી તિબેટ તથા ભારતની વચ્ચે કોઈ સ્પષ્ટ સીમારેખા ન હતી.

આ જગ્યા પર ન તો મુઘલોનો કબજો હતો કે ન તો અંગ્રેજોનું નિયંત્રણ હતું. ભારત તથા તિબેટના લોકો પણ સીમારેખા વિશે નિશ્ચિત ન હતા. બ્રિટિશરોએ પણ આ દિશામાં ખાસ કોઈ પ્રયાસ કર્યા ન હતા.

જ્યારે તવાંગમાં બૌદ્ધ મંદિર મળ્યું, ત્યારે સરહદ વિશે આકલન શરૂ થયું. 1914માં શિમલા ખાતે તિબેટ, ચીન તથા ભારતના પ્રતિનિધિઓની બેઠક થઈ તથા સરહદ-નિર્ધારણ થયું હતું.

ચીન તિબેટને સ્વતંત્ર દેશ નથી માનતું. 2014ના શિમલા કરાર વખતે પણ તેનો સ્વીકાર નહોતો કર્યો. 1950માં ચીને તિબેટ પર કબજો કરી લીધો હતો.

ચીન ઇચ્છતું હતું કે તવાંગ પણ તેના તાબા હેઠળ આવી જાય, જે તિબેટી બૌદ્ધો માટે મહત્ત્વપૂર્ણ ધાર્મિકસ્થળ છે.

ચીન તથા તિબેટ

1949માં માઓત્સે તુંગે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સ્થાપના કરી. પહેલી એપ્રિલ 1950ના ભારતે તેને માન્યતા આપી તથા તેની સાથે રાજકીય સંબંધ પ્રસ્થાપિત કર્યા.

ચીનને આટલું બધું મહત્ત્વ આપનાર ભારત પ્રથમ બિનસામ્યવાદી દેશ હતો.

1954માં તિબેટ પર ચીનની સંપ્રભુતાનો ભારતે સ્વીકાર કરી લીધો, મતલબ કે ભારતે સ્વીકારી લીધું કે તિબેટ એ ચીનનો જ ભાગ છે. આ સાથે જ 'હિંદી-ચીની, ભાઈ-ભાઈ'નો નારો પણ આપવામાં આવ્યો.

1914માં શિમલા કરાર હેઠળ ભારતે મૅકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારી લીધી, પરંતુ 1954માં નહેરુએ ચીન સાથે એક કરાર કર્યો તથા તિબેટને ચીનના ભાગરૂપ માની લીધું.

જૂન 1954થી જાન્યુઆરી 1957ની વચ્ચે ચીનના પ્રથમ વડા પ્રધાન ચાઉ એન લાઈ ચાર વખત ભારતની મુલાકાતે આવ્યા અને ઑક્ટોબર 1954માં નહેરુ પણ ચીન ગયા.

1950માં ચીને તિબેટ પર કબજો કરી લીધો, આને કારણે આ વિસ્તારની ભૂરાજકીય સ્થિતિ હંમેશાં માટે બદલાઈ ગઈ. હુમલા પહેલાં તિબેટ ચીન કરતાં ભારતની વધુ નજીક હતું.

1950ના દાયકાના મધ્ય ભાગમાં ચીન દ્વારા ભારતીય વિસ્તારોમાં પેશકદમીની શરૂઆત કરવામાં આવી. 1957માં ચીને અક્સાઈ ચીનના રસ્તે પશ્ચિમમાં 179 કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો.

તા. 25 ઑગસ્ટ 1959માં ચીનની પેટ્રોલિંગ ટુકડીએ નેફા (નૉર્થ-ઇસ્ટ ફ્રન્ટિયર) ખાતે લોંગજુ પર હુમલો કર્યો. એ જ વર્ષે તા. 21મી ઑક્ટોબરે લદ્દાખના કોંગકામાં ગોળીબાર થયો. જેમાં 17 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

ચીને તેને આત્મરક્ષા માટે કરવામાં આવેલી કાર્યવાહી ગણાવી હતી. એ સમયે ભારતે કહ્યું હતું કે 'ચીને તેના સૈનિકો પર અચાનક જ હુમલો કરી દીધો હતો.'

તિબેટ પર હુમલા બાદ બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ નાસી છૂટવું પડ્યું હતું. તા. 31મી માર્ચ 1959ના દલાઈ લામા ભારત આવ્યા હતા. તેઓ તા. 17મી માર્ચના રોજ તિબેટની રાજધાની લાહસાથી પગપાળા નીકળ્યા હતા અને હિમાલયના પહાડોને પાર કરીને 15 દિવસ બાદ ભારત પહોંચ્યા હતા.

એલએસી પણ બની એલઓસી?

એપ્રિલ-2017માં તિબેટી ધર્મગુરુ દલાઈ લામાએ અરુણાચલ પ્રદેશની યાત્રા કરી હતી ત્યારે પણ ચીને વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ભારતે આ મુલાકાતની મંજૂરી આપવી જોઈતી ન હતી અને તેનાથી ભારતને કોઈ લાભ નહીં થાય.

તા બીજી જૂન 2017ના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના સૅન્ટ પીટ્સબર્ગ ખાતે ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક ફોરમ ખાતે પેનલ ડિસ્કશન દરમિયાન કહ્યું હતું, "ચીન તથા ભારતની વચ્ચે સરહદ વિવાદ છે, પરંતુ બંને દેશો વચ્ચે ગત 40 વર્ષમાં એક પણ ગોળી નથી ચાલી." વડા પ્રધાનના નિવેદનનું સ્વાગત થયું હતું અને પ્રશંસા થઈ હતી.

હવે આમ કહી શકાય તેમ નથી. જૂન-2020માં ગલવાન ઘાટી ખાતે બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક સંઘર્ષ થયો હતો, જેમાં ભારતના 20 સૈનિકોનાં મૃત્યુ થયાં હતાં.

ચીનમાંથી મળતી માહિતી પ્રમાણે, તેના ચાર સૈનિક મૃત્યુ પામ્યાં હતાં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો