You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનું દેવું કેમ વધી રહ્યું છે અને તેનો ભાર તમારા માથે કઈ રીતે આવશે?
- લેેખક, દિપલકુમાર શાહ
- પદ, બીબીસી સંવાદદાતા
શું તમને ખબર છે કે, તમારા પર અંદાજે 50 હજાર રૂપિયાનું દેવું છે? હા, આ દેવું તમારે નહીં પણ તમારા વતી ગુજરાત સરકારે ચૂકવવાનું છે. સરવાળે તો તેનો બોજો તમારા પર જ આવશે.
આર્થિક બાબતોના વિશ્લેષકો અનુસાર ગુજરાતમાં રહેતા દરેક વ્યક્તિ પર અંદાજે 50 હજાર રૂપિયાનું દેવું છે અને હજુ આ દેવું જંગી રીતે વધી રહ્યું છે, અને ભવિષ્યમાં આ જાહેર દેવું વધશે એવું પણ અનુમાન છે.
તમને સવાલ થશે કે તમે કોઈ એવું કરજ લીધું નથી, જેમાં તમારે 50 હજારનું દેવું થયું હોય. તો પછી આ કયા પ્રકારનું દેવું છે અને સરકાર કેમ એ દેવું ચૂકવશે? વળી આ દેવું વધી કેમ રહ્યું છે? અને સરવાળે તેનો બોજ તમારા પર કઈ રીતે આવશે?
આ તમામ સવાલોના જવાબ સમજવા માટે કેટલીક બાબતો અને આંકડાઓ જાણવા જરૂરી છે.
ગુજરાતનું વર્ષ 2021નું બજેટ 2.27 લાખ કરોડ રૂપિયાનું છે. ગુજરાતની જીડીપી 16 લાખ કરોડ રૂપિયા છે, તથા તેની સામે ગુજરાત પર ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનું જાહેર દેવું છે.
આ મોટા આંકડાઓ તમે અખબારોમાં, સમાચારોમાં વાંચ્યા જ હશે. જોકે, આ દરમિયાન એક બીજો ચોંકાવનારો મોટો આંકડો સામે આવ્યો છે અને એ આંકડો વૈશ્વિક સ્તરનો છે.
વૈશ્વિક દેવું 226 લાખ કરોડ, ભારતનું દેવું પણ વધ્યું
આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ (આઈએમએફ) અનુસાર વૈશ્વિક દેવું 226 લાખ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીને સ્પર્શી ગયું છે. ડોલરમાં જો વાત કરીએ તો વૈશ્વિક દેવું 226 ટ્રિલિયન ડૉલર્સને આંબી ગયું છે.
આઇએમએફએ પોતાના ફિસ્કલ મૉનિટર રિપોર્ટમાં જણાવ્યું છે કે 2016માં ભારતનું દેવું જીડીપીની તુલનામાં 68.9 ટકા હતું. જે વધીને 2020માં 89.6ટકા થઈ ગયું છે. તે 2021માં વધીને 90.6 ટકા થવાનો અંદાજ છે, આમ ભારતનું દેવું પણ વધી રહ્યું છે. આમ ગુજરાત, ભારત અને વિશ્વનું દેવું વધ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત એક લોકશાહી ધરાવતો દેશ છે. નાગરિકો સરકારને કર ચૂકવે છે અને સરકાર તેમાંથી ખર્ચ કરે છે. નાગરિકો માટેની યોજના પાછળનાં નાણાં પણ સરકાર આ ભંડોળમાંથી ખર્ચે છે તથા સરકારી કામકાજના ખર્ચનું પણ તેમાંથી જ વહન થાય છે.
જોકે, સરકાર આ સિવાય પણ અન્ય સ્રોતોમાંથી નાણાં ઊભાં કરે છે; જેમાં કરજ, બજારમાંથી ભંડોળ લેવું, સરકારી સંપત્તિઓનું વેચાણ-લીઝ, લૉન, ડોનેશન, રોકાણનું વળતર, વ્યાજ સહિતનાં સ્રોતો સામેલ છે.
સરકાર પણ લૉન-કરજ લેતી હોય છે અને તેનું વ્યાજ તેણે ચૂકવવું પડતું હોય છે.
છેલ્લાં બે વર્ષમાં 75 હજાર કરોડની લૉન?
બજેટ-2021 અનુસાર રાજ્ય સરકારે છેલ્લાં બે વર્ષમાં 75,971 કરોડની લૉન લીધી છે. વર્ષ 2019ની લૉનનો વ્યાજદર સાતથી નવ ટકા હતો. જ્યારે 2020માં છથી નવ ટકાના વ્યાજદરે લૉન લેવાઈ હતી.
વિધાનસભામાં તત્કાલિન નાણામંત્રી નીતિન પટેલે ગુજરાતના દેવા વિશે વાત કરતી વખતે કહ્યું હતું કે કેન્દ્રીય દેવા પાછળ સૌથી વધુ વ્યાજદરની ચૂકવણી કરવામાં આવી રહી છે.
ગુજરાતનું જાહેર દેવું 3.10 લાખ કરોડ રૂપિયાને સ્પર્શી ગયું હોવાના આંકડા પણ આવ્યા છે. કહેવાય છે કે વર્ષ 2015-16થી 2019-20નાં પાંચ વર્ષના ગાળામાં 86 હજાર કરોડ માત્ર વ્યાજપેટે સરકારે ચૂકવ્યા છે. જ્યારે મુદ્દલપેટે 61 હજાર કરોડ રૂપિયા ચૂકવ્યા છે.
31 ડિસેમ્બર-2019ની સ્થિતિ પ્રમાણે રાજ્યનું કુલ જાહેર દેવું 2.40 લાખ કરોડ રૂપિયા હોવાનું સરકારે ગૃહમાં કબૂલ્યું હતું.
લૉન વ્યાજની ચૂકવણી અંગે વિગતો આપતાં નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2014-15માં 365 કરોડ, વર્ષ 2015-16માં 514 કરોડ, વર્ષ 2016-17માં 469 કરોડ, વર્ષ 2017-18માં 430 કરોડ તથા વર્ષ 2018-19માં 406 કરોડ રૂપિયા વ્યાજપેટે ચૂકવ્યા છે.
ઉલ્લેખનીય છે કે વૈશ્વિક દેવું અને ભારતનું દેવું વધવા પાછળ નિષ્ણાતો કોરોના વાઇરસની મહામારી અને તેની રોકથામ માટે અપનાવવામાં આવેવા વિવિધ પગલાં પાછળના ખર્ચને મહત્ત્વનું પરિબળ ગણે છે.
આર્થિક મામલાના નિષ્ણાતો ગુજરાતના દેવાને એક ચિંતાજનક મુદ્દો ગણે છે, કેમ કે બજેટ કરતાં દોઢગણું દેવું છે.
આર્થશાસ્ત્રી પ્રો. હેમંતકુમાર શાહ અનુસાર, “વાઇબ્રન્ટ સમિટના નામે ભપકાબાજી કરવી, આફ્રિકાના નાના દેશોના નેતાઓને આમંત્રિત કરવા, 'નમસ્તે ટ્રમ્પ' જેવા કાર્યક્રમો યોજવા, વિવિધ ઉત્સવો, ગરીબકલ્યાણ મેળા વગેરેમાં નાણાંનો વ્યય થાય છે. આવા બધા ખર્ચ ટાળ્યા હોત તો દેવું ઘણું ઓછું હોત."
તેઓ એક સવાલ પૂછે છે કે મુખ્ય મંત્રીએ પણ 191 કરોડનું વિમાન ખરીદવાની શી જરૂર હતી?
તેમનું કહેવું હતું કે, “સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાછળ પણ અઢળક ખર્ચ થયો છે. ગુજરાતની સમસ્યા એ છે કે કૅગનો રિપોર્ટ પણ વિધાનસભાના સત્રના અંતિમ દિવસે રજૂ કરવામાં આવે છે, તેથી તેની ચર્ચા નથી થઈ શકતી. અનેક નિગમોના ઑડિટેડ રિપોર્ટ તૈયાર નથી થતા.”
કોરોના મહામારીની અસર
કોરોનાના વર્ષ દરમિયાન ગુજરાત સરકારની જીએસટીની આવક રૂપિયા 25,000 કરોડ ઘટી હતી, જેની માટે મુખ્યત્વે લૉકડાઉનને જવાબદાર ગણવામાં આવે છે. લૉકડાઉન દરમિયાન મોટા ભાગના વેપાર-ધંધા બંધ હતા.
ગુજરાતમાં પ્રથમ ક્વાર્ટર દરમિયાન જીએસટીની વસૂલાતમાં 40 ટકા અને બીજા ક્વાર્ટરમાં 15 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ લૉકડાઉન પછી ઑક્ટોબર-ડિસેમ્બરમાં ઉદ્યોગો શરૂ થવા લાગ્યા હતા અને જીએસટીની વસૂલાત પાંચ ટકા વધી હતી.
જાન્યુઆરી 2021માં જીએસટીની વસુલાત વધીને રૂપિયા 3413 કરોડ સુધી પહોંચી હતી, જે એક વિક્રમ હતો. ફેબ્રુઆરી 2021માં આ વિક્રમ તૂટ્યો અને ગુજરાતે રૂપિયા 3514 કરોડની જીએસટી આવક મેળવી હતી.
જોકે, બીજી તરફ કેન્દ્ર સરકાર તરફથી મળનારા જીએસટીના વળતરની ચૂકવણીમાં વિલંબ થયો હતો.
વળી પહેલાં બે ક્વાર્ટરમાં દેશનો વૃદ્ધિદર માઇનસમાં જતો રહ્યો, પણ ત્રીજા ક્વાર્ટ પછી રિકવરીમાં આવ્યો હતો.
બીજી તરફ ફુગાવો પણ વધ્યો અને કોરોનાને પગલે વૈશ્વિક સ્તરે પણ આર્થિક ગતિવિધિને માઠી અસર પહોંચી.
સરકારોએ કોરોનાકાળમાં વિવિધ યોજનાઓ જાહેર કરી. તેની પાછળ ભંડોળ ખર્ચાયું.
સંખ્યાબંધ વેપાર-ધંધા બંધ થયા અને રોજગારીને ફટકો પડ્યો. તેની વિપરિત અસરોથી અર્થતંત્ર દબાણમાં આવી ગયું. દેશના આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પર અતિશય દબાણ આવી ગયું. પરંતુ વર્ષ 2021માં કોરોનાની બીજી ઘાતક લહેર આવી અને ફરીથી મોટો ફટકો પડ્યો.
એ પછી આત્મરનિર્ભર પૅકેજ જાહેર કરાયું. સાથે-સાથે અન્ય સહાય યોજનાઓ પણ લૉન્ચ કરવામાં આવી હતી. આનાથી સરકાર પર મોટું નાણાકીય દબાણ સર્જાયું.
આ દરમિયાન સરકારે રસીકરણ માટે પણ મોટું ભંડોળ ખર્ચ્યું, તેના ડોઝ સુરક્ષિત કરવા પાછળ મોટો ખર્ચ કરાયો છે.
સરકારે ગત વર્ષે મે મહિનામાં કહ્યું હતું કે તે બજારમાંથી કરજ લેવાનો અંદાજ છે.
આમ વધી રહેલા દેવાના બોજને પગલે વિપક્ષે સરકાર પર આકરા સવાલો ઉઠાવ્યા. વિપક્ષનો દાવો છે કે સરકાર તેની નાણાકીય ખાધનો આ વર્ષનો ટાર્ગેટ પૂરો નહીં કરી શકે.
ભારત કોની પાસેથી કરજ લે છે?
રાજ્યસભામાં નાણા મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ લેખિતમાં જણાવ્યું હતું કે ભારતનું દેવું વર્ષ 2021માં જીડીપીના 60.5 ટકા થઈ ગયું છે. તે નાણાકીય વર્ષ 2020માં 51.6 ટકા હતું, જે વધીને 60.5 ટકા થઈ ગયું છે.
જેમાં સરકારે કોવિડ મહામારી મામલે પગલાં લેવાં માટે મોટું કરજ લીધું હોવાથી પણ દેવામાં મોટો વધારો થયો હોવાનું આર્થિક નિષ્ણાતો માને છે.
આરબીઆઈના આંકડા અનુસાર ગત વર્ષે ભારત પર આ વર્ષની અંદાજિત 194 લાખ કરોડની જીડીપી સામે કુલ 147 લાખ કરોડનું દેવું હતું. આ વર્ષે સરકારનું વધુ 12 લાખ કરોડ રૂપિયાનું કરજ લેવાનું આયોજન છે.
માર્ચ-2021ની સ્થિતિએ ભારતનું બાહ્ય (ઍક્સટર્નલ) દેવું કુલ 570 બિલિયન ડૉલર છે. જેમાં ગત એક વર્ષ દરમિયાન 11.5 બિલિયન ડૉલરનો વધારો નોંધાયો હતો. ઍક્સર્ટનલ દેવું જીડીપી રેશિયોના 21.1 ટકા છે.
ઍક્સટર્નલ દેવું એટલે એ કરજ, જે કરજ વિદેશી બૅન્કો, સંસ્થાઓ કે સરકાર પાસે વિદેશી ચલણમાં લેવાયું હોય; અને જેને એ જ ચલણમાં ચૂકવવાનું હોય.
મોટાભાગે આવું કરજ વિદેશી વાણિજ્ય બૅન્કો, આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ), વિશ્વ બૅન્ક, એશિયન ડેલવપમૅન્ટ બૅન્ક અને વિદેશી સરકારો પાસેથી લેવાય છે.
ભારતે આની ચૂકવણી મામલે નાણાકીય વર્ષ 2020-21માં 34 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી, તેની વ્યાજની ચૂકવણીનો પણ બોજો વધારે છે.
વળી ભારતના આંતરિક દેવાની વાત લઈએ તો, એ દેવું 95 લાખ કરોડ રૂપિયા છે. જે જીડીપીના 48.5 ટકા છે.
આ નાણાં બજારમાંથી લેવાતી લૉન, વળતર અને બૉન્ડ, તથા રાજ્ય સરકારોને ચૂકવાતા ટ્રૅઝરી બિલની, કૉમર્સિયલ બૅન્ક અન્ય રોકાણકારો સહિતના ભંડોળનો સમાવેશ થાય છે.
બીજી તરફ સરકારી આંકડા અનુસાર બજેટના અંદાજ પ્રમાણે 18.2 ટકા સાથે કેન્દ્ર સરકાર સામે 2.74 લાખ કરોડની નાણાકીય ખાધનો પડકાર છે.
સરકારની ખર્ચ પદ્ધતિ પર સવાલ
તાજેતરમાં જ લોકહિતનાં કામો માટે ગુજરાત સરકાર દ્વારા કરાતી નાણાંની માગ અને તેની ફાળવણી તથા તેના વપરાશની રીત પર CAGએ સવાલ ઉઠાવ્યા છે.
રિપોર્ટમાં CAG નોંધે છે કે સંબંધિત યોજનાઓ માટે સરકાર દ્વારા ફાળવણી અને પૂરક જોગવાઈઓ કરવામાં આવી હતી, પરંતુ અમુક કિસ્સામાં વિભાગો 50 ટકા કરતાં વધુ રકમનો વપરાશ કરી શક્યા ન હતા. જે રકમની બચત થઈ, તેની મૂડી યોજના માટે ફાળવી શકાઈ હોત.
આ ઉપરાંત સરકારનાં કેટલાક નિગમો ખોટમાં ચાલી રહ્યાં છે.
હાલમાં જ પ્રસિદ્ધ થયેલા CAGના અહેવાલમાં દર્શાવ્યું છે કે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડે (જે સરકારની માલિકીના જાહેર ક્ષેત્રની કંપની છે) માર્ચ 2019માં એકંદરે 5128 કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે.
જોકે આ જ સંસ્થા સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું સંચાલન, તેની આસપાસ થતી વિકાસની કામગીરી, તેમજ પ્રવાસનસ્થળ તરીકે કરવામાં આવતાં તમામ કામોનું સંચાલન કરે છે.
આમ આદમી પર વધતો બોજ
સ્વાભાવિક છે કે સરકાર પર નાણાકીય બોજ વધતાં સરકારે વિવિધ કરોમાં વધારો કરવો પડે છે અથવા તો તેને યથાવત્ રાખવા પડે છે. તેમાં કોઈ રાહત નથી આપવામાં આવતી.
જેને પગલે આમ આદમી વધતા ફુગાવા તથા અન્ય આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે વધુ બોજ વેઠે છે.
ક્રૂડના ભાવો, ખાદ્ય ફુગાવો પણ લોકોનું બજેટ ખોરવી નાખે છે, ત્યારે બીજી તરફ સરકારોનાં જાહેર દેવાં લાંબા ગાળાની અસરો છોડી જાય છે.
સરકાર ખર્ચ પર કાપ મૂકે તો જનહિતની કલ્યાણકારી યોજાનાઓને અસર થાય, જેની સીધી અસર આરોગ્ય, શિક્ષણ સેવાઓ અને સામાજિક ન્યાયની ગુણવત્તા પર પડે છે.
વળી નાણાકીય મામલે સરકારો દ્વારા સરખું મૅનેજમૅન્ટ ન થાય, ત્યારે પણ તેનું આર્થિક નુકસાન કરદાતાઓનો બોજ વધારે છે.
સરકારે સરકારી સંપત્તિઓ વેચવાનો વારો આવે છે અને ખાનગીકરણનો માર્ગ મોકળો થઈ જાય છે.
સરકારો આ મામલે કેટલાંક પગલાં લઈ રહી છે, છતાં તેમની સામે નાણાકીય ખાધનો પડકાર ઊભો જ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો