You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૃષિકાયદા : ખેડૂતો સામે મોદી સરકાર ઝૂકી ગઈ કે માસ્ટરસ્ટ્રૉક માર્યો?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
"કૃષિ સુધાર કાયદાઓની અમલવારીને એકથી દોઢ વર્ષ માટે મોકૂફ રાખી શકાય છે. આ દરમિયાન ખેડૂત સંગઠન તથા સરકારના પ્રતિનિધિ આંદોલનના અલગ-અલગ મુદ્દે વિસ્તારપૂર્વક ચર્ચા કરે તથા કોઈ યોગ્ય ઉકેલ કાઢે."
ઉપરોક્ત ફકરો કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનનો અંશ છે.
કાયદા મોકૂફ રાખવાનો મોદી સરકારનો નિર્ણય અનપેક્ષિત છે. કેટલાક જાણકારોના કહેવા પ્રમાણે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની દખલ બાદ લેવામાં આવ્યો હતો.
કેટલાકના માનવા પ્રમાણે સુપ્રીમ કોર્ટના વલણ બાદ સરકાર પાસે કોઈ વિકલ્પ વધ્યો ન હતો, તો બીજા કેટલાકના માનવા પ્રમાણે આ પગલું મોદીનો 'માસ્ટરસ્ટ્રૉક' છે.
'અકાલી દળ' જેવા જૂના સાથીપક્ષની નારાજગીને પણ મચક નહીં આપનાર સરકારનું આ પગલું ચર્ચા ઊભી કરનાર છે.
રાજ'નીતિ' અને કારણ
આગામી મહિનાઓમાં અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાશે, ત્યારે સરકાર, સંઘ કે ભાજપ કોઈ આ કાયદા મુદ્દે જોખમ લેવા નથી માગતું.
અત્યારસુધી ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેને ખેડૂતોને લાભકારક ગણાવતા. વડા પ્રધાન 'મન કી બાત' લોકોને કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરનો પત્ર વાચવા માટે ભલામણ કરતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છેલ્લા બે મહિનાથી ખેડૂતો દિલ્હીની બૉર્ડર ઉપર પ્રદર્શન કરી રહ્યા છે, છતાં મચક નહીં આપનારી સરકારનું આ વલણ ચોંકાવે તે સ્વાભાવિક છે.
આ અંગે સંઘની ભગિની સંસ્થા 'સ્વદેશી જાગરણ મંચ' માને છે કે આ કાયદા ખેડૂતો માટે લાભકારક છે, પરંતુ કૃષિ ઉત્પાદનો માટે ટેકાના ભાવ નક્કી થાય તે જરૂરી છે.
સહસંયોજક અશ્વિની મહાજને બીબીસીને જણાવ્યું, "આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે ત્રણેય કાયદા મુદ્દે સરકારનું મન ખુલ્લું છે, તેમાં 'સરકાર પોતાના સ્ટૅન્ડ પરથી હઠી ગઈ' જેવું કંઈ મને નથી લાગતું."
"અગાઉ પણ ભૂમિ અધિગ્રહણ કે જિનૅટિકલી મૉડિફાઇડ ક્રૉપ જેવા મુદ્દે વાંધાવચકાં પછી સરકાર તેના નિર્ણય પરથી પાછળ હઠી છે. અગાઉ પણ સરકારે કાયદા મુદ્દે લોકોના વાંધાને દૂર કરવાના પ્રયાસ કર્યાં છે."
મહાજનનું કહેવું છે કે સરકારના નિર્ણયનું સ્વાગત થવું જોઈએ તથા તેમાં તેમની કોઈ ભૂમિકા નથી.
કાળપટ પર કાયદાનો કકળાટ
કોઈ કાયદા મુદ્દે કેન્દ્ર સરકારે પોતાનું વલણ બદલ્યું હોય એવું પ્રથમ વખત નથી બન્યું. આ પહેલાં જમીન અધિગ્રહણ કાયદા ઉપર પણ સરકારે પીછેહઠ કરી હતી.
એ કાયદા અંગે સંસદમાં ચર્ચા કરતી વેળાએ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોદી સરકારને 'સૂટ-બૂટવાળી સરકાર' કહી હતી. આ સિવાય એન.આર.સી. (નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝન) કે શ્રમ કાયદા મુદ્દે અગાઉ જેટલી આક્રમક નથી રહી.
નોંધનીય છે કે સંઘે આર.સી.ઈ.પી. (રિજનલ કૉમ્પ્રિહૅન્સિવ ઇકૉનૉમિક પાર્ટનરશિપ) તથા જમીન અધિગ્રહણ ઉપર પણ વાંધા ઉઠાવ્યા હતા. એટલે જ એવું માનવામાં આવે છે કે સંઘના દબાણ હેઠળ સરકારે આ નિર્ણય લીધો છે.
સરકાર પાસે મર્યાદિત વિકલ્પ
ભાજપના પૂર્વ નેતા સુધીન્દ્ર કુલકર્ણીએ ટ્વીટ કરીને આ મુદ્દે પોતાના વિચાર રજૂ કર્યા અને તેને સરકારની પીછેહઠ ગણાવી હતી. આ અંગે બીબીસી સાથે વાતચીત વેળાએ તેમણે જણાવ્યું :
"વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે કહેવાય છે કે તેઓ એક વખત કોઈ નિર્ણય લઈ લે, એટલે તેના ઉપરથી પીછાહઠ નથી કરતા, આ પગલું તેમના સ્વભાવથી વિપરીત છે."
કુલકર્ણી માને છે કે દબાણ હેઠળ 'કાયદા મોકૂફી'નો નિર્ણય લેવામાં આવ્યો છે અને સરકાર પાસે કોઈ વિકલ્પ વધ્યો ન હતો.
તેમના કહેવા પ્રમાણે, "બે મહિનાથી દિલ્હીમાં ખેડૂત રસ્તા ઉપર બેઠાં છે. દુનિયાભરમાં તેના પ્રત્યાઘાત પડ્યા છે."
સરકારના નિર્ણયના એક દિવસ પહેલાં સંઘમાં બીજા ક્રમાંકનું સ્થાન ધરાવનારા ભૈય્યાજી જોશીએ અંગ્રેજી અખબાર 'ઇન્ડિય એક્સપ્રેસ'ને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું :
"બંને પક્ષોએ સમસ્યાના ઉકેલ અંગે વિચારવું જોઈએ. લાંબા આંદોલનોથી કોઈ લાભ નથી થતા. આંદોલન સામે કોઈને વાંધો ન હોવો જોઈએ, પરંતુ વચ્ચેનો રસ્તો નીકળવો જોઈએ."
ભૈય્યાજીના ઇન્ટર્વ્યૂના એક દિવસ પછી સરકારના વલણમાં બદલાવ એ સંયોગ હોય શકે છે, પરંતુ તેને વચ્ચેનો રસ્તો કાઢવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
'મોદી સરકારનો માસ્ટરસ્ટ્રૉક'
વરિષ્ઠ પત્રકાર અદિતિ ફડણિસના મતે કાયદાને મોકૂફ રાખવાનો પ્રસ્તાવએ સરકારનો માસ્ટરસ્ટ્રૉક છે તથા તેમાં સંઘની કોઈ ભૂમિકા નથી જણાતી.
અદિતિનાં કહેવા પ્રમાણે, સંઘે લાંબા સમય અગાઉ આ માગ કરી હતી, તો સરકારે અત્યાર સુધી વાત કેમ ન માની? તેઓ કહે છે :
"સરકારે ખેડૂતોની કોઈ માગ સ્વીકારી નથી. માત્ર 18 મહિના સુધી કાયદા મોકૂફ રાખવાની વાત કહી છે, ત્યાર સુધી અનેક મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં ચૂંટણી સમાપ્ત થઈ જશે. ખેડૂતોની માગ કાયદા પાછા ખેંચવાની તથા એમ.એસ.પી. (મિનિમમ સપૉર્ટ પ્રાઇસ)ને કાયદાકીય સ્વરૂપ આપવાની."
"સરકારે ના તો કાયદા પાછા ખેંચવાની વાત કરી છે કે ના તો એમ.એસ.પી. મુદ્દે કોઈ ખાતરી આપી છે. આથી, સરકારે પોતાનું વલણ બદલ્યું છે, એમ ન કહી શકાય."
ફડણિસ માને છે, "જો ખેડૂતોની મૂળ માગ ન સ્વીકારીને પણ સરકાર આંદોલનને સમાપ્ત કરાવવામાં સફળ રહે તો તે સરકારનો માસ્ટરસ્ટ્રૉક ગણાશે. સરકારની સમસ્યા એ છે કે ખેડૂતો આંદોલન સમાપ્ત કરવા તૈયાર નથી અને તે 'પૉલિટિકલ ઇન્ફ્રૅક્શન'ની જેમ દેશભરમાં ફેલાઈ રહ્યું છે."
અદિતિ ઉમેરે છે કે સરકાર અગાઉ પણ આ વિકલ્પ આપી શકતી હતી. આ આંદોલન મુદ્દે અત્યાર સુધી સરકારે ગુમાવ્યું ઘણું છે અને ખાસ કંઈ મેળવ્યું નથી.
હઠ સામે પીછેહઠ?
રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય રાકેશ સિંહાના મતે સરકારનું વલણ લોકશાહીને અનુરુપ છે. બીબીસી સાથે વાત કરતા સિંહાએ કહ્યું :
"આંદોલનને સમાપ્ત કરવા માટે સરકારની સામે રીત હતી. એક તો શાંતિપૂર્ણ રીતે વાતચીત કરીને ખેડૂતોના મુદ્દા ઉકેલે અથવા તો બળપ્રયોગ કરે. ઇંદિરા ગાંધીના સમયમાં આપણે બળપ્રયોગ જોયો છે."
"અમારી સરકાર હંમેશાથી વાતચીત દ્વારા સમસ્યાને ઉકેલવાની હિમાયતી રહી છે."
"વાટાઘાટોમાં અડચણ આવી તો સરકારે દોઢ વર્ષ માટે કાયાદાને મોકૂફ કરવાનો નવો વિકલ્પ વિચાર્યો. આજે પણ અમે આ કાયદા પાછા નથી ખેંચ્યા."
સિંહા કહે છે, "અમે ખેડૂતોના દુરાગ્રહને લોકશાહી ઢબે જીતવાનો પ્રયાસ કર્યો. આ ખેડૂતોનું આંદોલન ન હતું, પરંતુ કુલક (રશિયન ભાષામાં મુઠ્ઠી. રશિયન ક્રાંતિ દરમિયાન આંદોલનનું પ્રતીક). કુલક આંદોલનમાં ભોળા ખેડૂતોને ભ્રમિત કરવાનો પ્રયાસ થયો હતો."
"ભારતના આંદોલન દરમિયાન પણ એવું જ થયું છે. આ દોઢ વર્ષના ગાળામાં અમે ભ્રમિત થયેલા ખેડૂતોને સાચી વાત સમજાવીશું."
કેટલાક જાણકારોના કહેવા પ્રમાણે, દોઢ વર્ષનો ઉપયોગ કરીને ઈ.ડી. (ઍન્ફૉર્સમૅન્ટ ડાયરેક્ટ્રેટ) તથા અન્ય સરકારી સંસ્થાઓનો ઉપોયગ કરીને આંદોલનને ફરીથી બેઠું જ નહીં થવા દે. આ સવાલના જવાબમાં સિંહા કહે છે :
"માત્ર 'કુલક'ને બાકાત કરતાં દેશના 11 કરોડ ખેડૂત અમારી સાથે છે. કેટલાક કુલકની પાછળ વિદેશી લોકોનો દોરીસંચાર છે અને તેઓ ભારતમાં માહોલ ખરાબ કરવા માગે છે."
સિંહા કહે છે કે નવા કાયદાના આધારે અમે જે-જે ચૂંટણીઓ લડીશું, તેમાં વિજયી થઇશું, તેમાં બે મત નથી.
હવે ખેડૂતોના પ્રસ્તાવની રહા જોવાઈ રહી છે. શું સરકારના પ્રસ્તાવ બાદ આંદોલન સમાપ્ત થઈ જશે?