રાજસ્થાનમાં દલિત હત્યાકાંડ : માતાનું રુદન, 'મારા દીકરાને નિર્દયતાથી માર્યો તેના બદલે ગોળી મારી દેવી હતી' - ગ્રાઉન્ડ રિપોર્ટ

    • લેેખક, મોહરસિંહ મીણા
    • પદ, હનુમાનગઢથી, બીબીસી હિન્દી માટે

"નિર્દયતાથી મારી-કૂટીને કેમ મારી નાખ્યો? ગોળી મારી દેવી હતી. મારો દીકરો પાંચસો-છસો કમાણી કરીને લાવતો હતો અને અમારું ગુજરાન ચાલતું હતું. હવે શું કરીશું? મારા દીકરાને દયાહીન થઈને શું કામ મારી નાખ્યો? હાય, મારો જગદીશ!"

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામથકથી 50 કિલોમિટર દૂર લગભગ એક હજાર ઘર અને પાંચ હજારની વસતીનું પ્રેમપુરા ગામ આવેલું છે.

ગામમાં પ્રવેશ કરતાં જ અંદર સાંકડી ગલીમાં કાચા-પાકા મકાનમાં બે પરિવારો રહે છે. પેઢીઓથી સામસામે આ કુટુંબો આમ જ રહે છે. કેટલાય દાયકા પછી હવે આ ઘરોની ઓળખ 'મૃતક જગદીશ મેઘવાલનું ઘર' અને 'હત્યાના મુખ્ય આરોપી મુકેશ ઓઢનું ઘર' એવી રીતે કરવામાં આવી રહી છે.

ગત 7મી ઑક્ટોબરે જગદીશ મેઘવાલની સૂરતગઢના એક સરકારી ફાર્મ પર નિર્દયી રીતે મારપીટ કરીને હત્યા કરી દેવામાં આવી. જગદીશની મારપીટનો વીડિયો પણ બનાવાયો અને તેને વાઇરલ પણ કરવામાં આવ્યો. બાદમાં મૃતદેહને જગદીશના ઘરની બહાર જ છોડી દેવાયો.

આ પછી દેશભરમાં રાજસ્થાનના પ્રેમપુરા ગામની આ ઘટના વિશે ચકચાર મચી જવા પામી હતી.

ગામમાં પ્રસરેલો સન્નાટો

મંગળવાર સવારે પ્રેમપુરા ગામની ગલીઓમાં અમે પસાર થયા ત્યારે તે ભેંકાર લાગતી હતી. બહુ થોડા લોકો દેખાતા હતા. એક સાંકડી ગલીમાં અમે વળ્યા તેના પહેલા મકાનની બહાર સફેદ કપડું પાથરીને કેટલાક લોકો બેઠા હતા.

આ જગદીશ મેઘવાલના કાકાનું ઘર છે. તેના દાદા મનીરામ મેઘવાલ અને પિતા બનવારીરામ મેઘવાલ પણ બેઠા હતા. સાથે ગામના કેટલાક લોકો પણ બેઠા હતા. બાજુમાં જ મૃતક જગદીશનું પાકું મકાન આવેલું છે.

બે ઓરડાના આ નાના મકાનમાં પૂરતો પ્રકાશ પણ નથી. એક ઓરડામાં પગને હાથથી વીંટીને અને માથે સાડી ઓઢીને માતા બેઠાં છે, તેઓ પોતાના જુવાન દીકરાની હત્યા પર કહે છે, "બેરહમીથી મારી-મારીને મારી નાખ્યો, તેના કરતાં ગોળી મારી દેવી હતી."

મારપીટનો વીડિયો જોઈને પોતાના દીકરાની કેટલી ક્રૂરતાથી હત્યા થઈ, તેનું દર્દ એક મા જ સમજી શકે.

શું છે મામલો?

સાત ઑક્ટોબરે જગદીશ પોતાના ગામ પ્રેમપુરાથી સૂરતગઢ ગયો હતો. પરિવારજનોનો દાવો છે કે મુખ્ય આરોપી મુકેશ ઓઢ જ જગદીશને પોતાની મોટરસાઇકલમાં બેસાડીને સૂરતગઢના એક સૂમસામ ફાર્મ પર લઈ ગયો હતો.

કુટુંબે દાખલ કરેલી ફરિયાદ અનુસાર, "અડધો ડઝન જેટલા આરોપીઓએ જગદીશને લાકડીઓ દ્વારા બેરહમીથી માર્યો અને તે ઘટનાનો વીડિયો પણ ઉતાર્યો. જેને પોતાના પરિચિતોનાં વૉટ્સઍપ ગ્રૂપમાં શૅર પણ કર્યો."

"અનહદ માર માર્યા પછી આરોપીઓ મોટરસાઇકલ પર જ જગદીશને પ્રેમપુરા ગામમાં લાવ્યા અને લગભગ સાડા ચાર વાગ્યે ઘરની બહાર છોડી દીધો."

ઘરની બહાર બેઠેલા જગદીશના પિતા બનવારીલાલે હાથથી ઇશારો કરતાં અમને કહ્યું, "અહીં ઘરની સામે જ જગદીશને ફેંકી દીધો. હું દોડીને ગયો અને જોયું પણ તેનો શ્વાસ ચાલતો નહોતો."

તેઓ કહે છે, "આરોપીઓને ખ્યાલ નહોતો કે જગદીશનું મોત થયું છે. તેઓ એને જીવતો સમજીને અહીં નાખી ગયા હતા."

FIR અને પોલીસની કાર્યવાહી

આ ઘટનાના બીજા દિવસે 8 ઑક્ટોબરે સવારે દસ વાગ્યે પીલીબંગા પોલીસસ્ટેશને મૃતકના પિતા બનવારીલાલ મેઘવાલે એફઆઈઆર દાખલ કરાવી.

એફઆઈઆરમાં આરોપી મુકેશ અને તેનાં પૂર્વ પત્ની, વિનોદ, સંદીપ, લાલચંદ, ઓમપ્રકાશ, ઇન્દ્રાજ, હંસરાજ સહિત 11 લોકોનાં નામો લખાવાયાં હતાં.

પોલીસે આઈપીસીની કલમ 302, 365, 147, 149, 120બી અને એસસી એસટી ઍક્ટની કલમ 3(2)(વી) તથા 3(2)(વીએ) હેઠળ કેસ નોંધ્યો.

હનુમાનગઢ જિલ્લાના પોલીસ વડા (એસપી) પ્રીતિ જૈને જણાવ્યું, "આ પ્રકરણમાં નોંધાયેલા 11 આરોપીઓમાંથી આઠની અને વીડિયો બનાવનાર સહિત નવની ધરપકડ કરવામાં આવી છે."

એસપી પ્રીતિ જૈને જણાવ્યું કે, "આરોપી મુકેશની પૂર્વ પત્ની તથા અન્ય એક આરોપીની આ ઘટનામાં સંડોવણી જણાઈ નથી. આરોપીઓએ જગદીશને એકલો હતો ત્યારે પકડ્યો હતો."

"આ ઘટનામાં સામેલ નવ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હવે કેટલીક બાબતોની તપાસ કરવાની બાકી છે, જેને ઝડપથી પૂરી કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે."

શું દલિત હોવાને કારણે હત્યા થઈ?

આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો તે પછી જગદીશની હત્યાને દલિત હોવાની વાત સાથે જોડવામાં આવી રહી છે.

આ વિશે પૂછવામાં આવતાં એસપી જૈને જણાવ્યું કે, "કલેક્ટર અને હું વળતર આપવા માટે ગયા, ત્યારે મૃતકના પરિવારે અમને જણાવ્યું હતું કે 100 વર્ષથી તેઓ સામસામે પડોશી તરીકે રહે છે."

"સામાજિકપ્રસંગે પણ આવવા-જવાનું હતું. અત્યાર સુધીની તપાસમાં તે દલિત હોવાને કારણે તેની હત્યા થઈ, તેવું કશું જાણવા મળ્યું નથી."

તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, "પ્રેમસંબંધનો વિવાદ હતો અને તેના કારણે હત્યા કરવામાં આવી હોય, તેવું સામે આવ્યું છે. અમે કોશિશ કરીએ છીએ કે દરેક ઍંગલની તપાસ કરવામાં આવે."

'પૈસાના મામલે હત્યા થઈ'

ગામના લોકો તથા મૃતકના પરિવારો સાથે થયેલી વાતચીતમાં પણ જગદીશની હત્યા દલિત હોવાને કારણે થઈ હોવાનું કોઈ કારણ સામે આવ્યું નહોતું.

ગામમાં જ રહેતા સલીમ ખાન કહે છે, "જગદીશ અને આરોપી સારા મિત્રો હતા. જગદીશે જ તેનું મકાન બનાવ્યું હતું અને તેના પૈસાની બાબતમાં વિવાદ હતો."

મૃતક જગદીશનાં માતા ગીતાદેવી વારેવારે દીકરાને યાદ કરીને રડતાં હતાં.

હત્યાનું કારણ શું હશે તે વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "બે મહિના એણે ત્યાં રાતદિવસ કામ કર્યું અને મકાન પૂરું કરી આપ્યું. પૈસાને કારણે મારા દીકરાને માર્યો છે. અમારે બીજા કોઈ ઝઘડા નહોતા."

તેમણે પણ એ વાત કહી કે, "બધા ઘરના લોકો એક બીજાને ત્યાં આવતા-જતા હતા."

અમે જે ઓરડામાં જગદીશનાં માતા સાથે વાત કરતા હતા, તેની દીવાલ પર ચાર યુવાનોની એક છબિ હતી. છબિ ઉતારીને તેના પર આંગળી મૂકીને તેમણે જણાવ્યું કે, "આગળ બેઠો છે તે જગદીશ છે અને તેની પાછળ લાલચંદ અને વિનોદ છે."

લાલચંદ અને વિનોદ પણ હત્યાના આરોપી છે. ચાર વર્ષ પહેલાં આ યુવાનોએ સાથે આ તસવીર પડાવી હતી. તેના પરથી પણ બંને પરિવારો વચ્ચે સારો સંબંધ હોવાનો ખ્યાલ આવે છે.

જોકે જગદીશનાં માતા કહે છે, "જગદીશની અલગ તસવીર કરાવીશ અને આ હત્યારાઓની તસવીર હઠાવી દઈશ."

'પ્રેમસંબંધને કારણે વિવાદ વધ્યો'

મૃતક જગદીશ મેઘવાલના પિતા બનવારીલાલના જણાવ્યા અનુસાર જગદીશના છૂટાછેડા 20 દિવસ પહેલાં જ થયા હતા.

જગદીશ અને આરોપી મુકેશનાં પૂર્વ પત્ની વચ્ચે પ્રેમસંબંધ હોવાની વાત પણ સામે આવી રહી છે.

આ વિશે અમે પૂછ્યું ત્યારે બનવારીલાલે ભારપૂર્વક કહ્યું કે, "પ્રેમસંબંધની કોઈ વાત નથી, તેનું મકાન પણ જગદીશે જ બનાવ્યું હતું. જો આવું હોત તો મકાન બનાવવા માટેનું કામ જગદીશને કેમ સોંપ્યું?"

હત્યાના કારણ વિશે વાત કરતા તેઓ કહે છે, "જગદીશ સારું કમાતો હતો અને તેની સાથે મજૂરો કામ કરતા હતા. આરોપીને કોઈ પૂછતું પણ નહોતું."

એસપી પ્રીતિ જૈન કહે છે, "અત્યાર સુધી જે માહિતી મળી છે તે પ્રમાણે પ્રેમસંબંધના કારણે બંનેના પોતપોતાની પત્નીઓથી છૂટાછેડા થઈ ગયા હતા."

જગદીશ મેઘવાલ સામે ભૂતકાળમાં કોઈ ફરિયાદ થઈ હતી ખરી?

આ વિશે એસપી જૈને કહ્યું કે, "બંને પક્ષો વચ્ચે પ્રેમસંબંધ હતો, તેના કારણે મૃતક વિરુદ્ધ તેની પત્નીએ કલમ 498એ હેઠળ પીલીબંગા પોલીસસ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તેની સામે નોટિસ પણ કાઢી હતી. તે બંનેએ અલગ રહેવાનું સ્વીકારી લીધું હતું."

પ્રેમસંબંધ અંગે પરિવારનો ઇન્કાર

એસપી જૈન કહે છે, "મુખ્ય આરોપી મુકેશ ઓઢે આ કામ કર્યું હતું. પ્રેમસંબંધને કારણે તે પણ તેની પત્નીથી જુદો થયો છે. તેની પત્નીએ સૂરતગઢમાં કેસ દાખલ કર્યો હતો. ત્યાર બાદ પરસ્પર સમજૂતિથી બંનેના છૂટાછેડા થયા હતા."

માથે સાડી ઓઢીને બેઠેલાં દાદી ગુલાબદેવી પ્રેમસંબંધોની વાતનો ભારપૂર્વક ઇન્કાર કરતાં કહે છે, "પ્રેમસંબંધની કોઈ વાત નહોતી."

જોકે પ્રેમપુરા ગામના જ એક રહેવાસીએ નામ ના આપવાની શરતે કહ્યું કે, "પ્રેમસંબંધને કારણે મુકેશના છૂટાછેડા થયા અને જગદીશની પત્નીએ પણ છૂટાછેડા લઈ લીધા હતા."

તેમણે વધુમાં જણાવ્યું કે, "જગદીશના છૂટાછેડા થયા તેના પછી તણાવમાં તેના સસરા કૃષ્ણલાલ મેઘવાલે થોડા દિવસ પહેલાં જ આત્મહત્યા કરી લીધી છે."

જગદીશના પરિવારે તેની ફારગતી વિશે કોઈ વાત કરવા ના પાડી દીધી હતી.

આરોપીના ઘરમાં કોઈ નથી

મૃતક જગદીશના દાદા મનીરામે કહ્યું કે "જગદીશને જીવતો સમજીને આરોપી તેને ઘરની સામે નાખીને પોતાના ઘરે જતો રહ્યો હતો. બાદમાં ખ્યાલ આવ્યો કે જગદીશ તો મરી ગયો છે અને બધા નાસી ગયા."

પ્રેમપુરા ગામમાં એક હજાર જેટલાં કુટુંબો છે, તેમાંથી અડધોઅડધ મેઘવાલ સમાજના છે. ઓઢ રાજપૂત સમાજના માંડ 15 ઘર હશે.

જગદીશની હત્યાના મુખ્ય આરોપી મુકેશ ઓઢ સહિત બધા જ આરોપીઓ ઓઢ રાજપૂત સમાજના છે.

આરોપીઓનાં ઘરે તાળાં લટકી રહ્યાં છે, પરંતુ કેટલાક ઓરડા ખુલ્લા છે અને તેમાં વાસણો વિખરાયેલાં પડ્યાં છે, કેમ કે આ ઘટના પછી ઘરના સભ્યો જતા રહ્યા છે. તેમના દુઝાણાં ગામના લોકોએ નજીકની ગૌશાળામાં રાખી દીધાં છે.

શું આ મામલે રાજકારણ થઈ રહ્યું છે?

કૉંગ્રેસશાસિત રાજસ્થાનમાં આવી ઘટના થઈ તેની સામે દિલ્હી સુધી વિપક્ષોએ પ્રતિક્રિયા આપી છે.

રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી લખીમપુર ખીરી ગયાં અને રાજસ્થાન ન ગયાં તે મુદ્દે ભાજપ ટીકા કરી રહ્યો છે. તેની સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પુનિયાએ ત્રણ ધારાસભ્યોને પીડિત પરિવારના ઘરે મોકલ્યા હતા.

મંગળવારે પીડિત પરિવારના ઘરે પહોંચેલા ભાજપના ધારાસભ્ય મદન દિલાવરે પોલીસની કામગીરી સામે સવાલો ખડા કર્યા હતા. તેમણે આક્ષેપ મૂકતાં કહ્યું કે તંત્ર જગદીશ મેઘવાલના પ્રેમસંબંધની વાતો કરીને વાતને આડે પાટે ચડાવવા કોશિશ કરી રહ્યું છે.

મંગળવારે જયપુરમાં મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે પત્રકારોને જણાવ્યું હતું કે, "હનુમાનગઢના દલિતની હત્યાના મામલે લખીમપુર સાથે જોડવાની વાત બેવકૂફી છે."

આ મામલે રાજકારણ ગરમ થઈ ગયું છે. સત્તાધારી અને વિપક્ષ એક બીજા સામે આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યા છે.

એસસી કમિશનના અધ્યક્ષની મુલાકાત

બુધવારે અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ વિજય સાંપલા પીડિત પરિવારના ઘરે પ્રેમપુરા પહોંચ્યા હતા.

સ્થાનિક પત્રકાર પુરુષોત્તમ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર વિજય સાંપલાએ પરિવારના લોકો સાથે બંધબારણે ચર્ચા કરી હતી.

ત્યાર બાદ ત્યાં હાજર મીડિયા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે, "જગદીશનો એક વીડિયો બહુ જ પ્રચલિત થયો છે. તેમાં તેની મારપીટ થઈ રહી છે અને એટલો માર મારવામાં આવ્યો કે તેનું મોત થઈ ગયું."

તેમણે કહ્યું, "એવું જણાવાયું કે મોત પછી તેને અહીં ગલીમાં ઘર સામે ફેંકી દેવાયો."

આ ઘટનાને અમાનવીય ગણાવતા સાંપલાએ કહ્યું કે, "આ બાબતની નોંધ અમે લીધી છે, અમે આજે પરિવાર માટે સંવેદના વ્યક્ત કરવા આવ્યા હતા."

આ બાબતમાં માહિતી આપવા માટે એક પત્રકારપરિષદનું આયોજન થયું હતું, પણ સમય આપ્યા પછી વિજય સાંપલા ત્યાં હાજર રહ્યા નહોતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો