દલિત ગૌરવની વાતથી સવર્ણ હિંદુઓને તકલીફ શા માટે?

    • લેેખક, રાજેશ પ્રિયદર્શી
    • પદ, ડિજિટલ એડિટર, બીબીસી હિન્દી

ભારત એક સંતરા જેવું છે-ઉપરથી એક, પણ અંદર અનેક પેશી.

સંતરું સંગઠીત રહે એવું બુદ્ધિશાળી લોકો ઇચ્છતા હતા અને તેમણે 'અનેકતામાં એકતા', 'ફૂલ છે અનેક, છતાં માળા છે એક' અને 'વિવિધતામાં જ આપણી શક્તિ છે' એવાં સૂત્ર બનાવ્યાં હતાં.

એ બુદ્ધિશાળી લોકો જાણતા હતા કે ભારતમાં અનેક પ્રકારના લોકો સદીઓથી ઝઘડા કર્યા વિના એકમેકની સાથે વસતા રહ્યા છે.

તે જાણતા હતા કે ભારત મામૂલી સંતરું નથી. તેની પેશીઓ અલગ-અલગ હોવાની સાથે અલગ-અલગ આકારની પણ છે.

તેમનાં સુખ-દુઃખ તથા ચાહત-નફરત સમાન નથી. કોઈ પેશી રસભરી તો કોઈ સૂકાયેલી અને કોઈક મોટી તો કોઈક બહુ નાની છે.

તમામ વિરોધાભાસ છતાં આઝાદ ભારતમાં એક નવી શરૂઆત કરવાનો પડકાર તેમની સામે હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

તેમને ખબર હતી કે ઇતિહાસને પાછળ જઈને ઠીકઠાક કરી શકાય નહીં.

તેમના ઇરાદા દેશને રિવર્સ ગિઅરમાં ચલાવવાનો કે પોતપોતાની જ્ઞાતિ, વંશ કે સાંપ્રદાયિક સ્વાભિમાન અનુસાર ઇતિહાસને પાછલી તારીખથી ફરી લખવાનો નહીં, પણ વિકાસનો નકશો આલેખવાનો હતો.

ન્યાય વિના શાંતિ ક્યારે સ્થપાઈ છે?

એ બુદ્ધિશાળી લોકોએ ઊંચનીચ અને પરંપરાગત શોષણને ઈશ્વરનો ન્યાય માનતા સમાજમાં 'એક મત, સમાન અધિકાર, સૌની સરકાર' જેવો ક્રાંતિકારી વિચાર રજૂ કર્યો હતો.

એ વિચાર એવા સમયમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે ઇસ્લામના નામે પાકિસ્તાનની રચના થઈ ચૂકી હતી અને ભારતમાં બંધારણના સ્થાને મનુસ્મૃતિને કાયદાકીય સ્વરૂપ આપવાની માગ થઈ રહી હતી.

અલબત, એ પછી જે 'પરંતુ' શબ્દ આવે છે એ બહુ મોટો છે.

ભારતની એકતાની વાત તો સારી છે, 'પરંતુ' ન્યાય વિના શાંતિ ક્યારે સ્થપાઈ છે, ન્યાય ક્યાં થયો છે?

મુસલમાનોએ તેમનો દેશ બનાવી લીધો એટલે હિંદુઓને પણ એવો દેશ મળવો જોઈએ, જેને તેઓ કાયદાથી નહીં, પણ ધર્મથી ચલાવી શકે.

તેઓ આ બાબતને ન્યાય માનતા હતા, પણ એ ન્યાય થઈ શક્યો નહીં.

ઇસ્લામી પાકિસ્તાનની સ્થિતિ બધા જોઈ રહ્યા છે અને હિંદુ ભારતનું વિઝન પણ તેનાથી અલગ નથી.

ડૉ. ભીમરાવ આંબેડકર માનતા હતા કે હિંદુ ભારત બનશે તો દલિતો માટે એ ભારત અંગ્રેજ રાજ કરતાં ઘણું વધારે ક્રૂર હશે.

આ આશંકા બાબતે તેમણે સંખ્યાબંધ વખત ચેતવણી આપી હતી.

જન્મના આધારે થતા અપમાન-અન્યાય-અત્યાચારને ધર્મ અને સંસ્કૃતિ ગણવો, તેને સામાન્ય નિયમ ગણાવીને તેનું પાલન કરવું અને પાલન ન કરે તેને દંડવા.

બંધારણ અને કાયદાઓ હોવા છતાં આ બધું ચાલી રહ્યું છે.

સંઘનું હિંદુત્વ અને દલિત પડકાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (સંઘ) હંમેશા હિન્દુ એકતાનો હિમાયતી રહ્યો છે.

જ્ઞાતિઓમાં વહેંચાયેલા હિંદુઓને સંઘ એક રાજકીય શક્તિ બનાવવા ઈચ્છે છે, જેથી ભારત સંઘની કલ્પના અનુસારનું સ્વાભિમાની અને ગૌરવશાળી હિંદુ રાષ્ટ્ર બની શકે.

સંઘ દલિતોનો ટેકો ઇચ્છે છે, પણ એ હિંદુ ધર્મની વર્ણાશ્રમ વ્યવસ્થાની વિરુદ્ધ નથી.

સંઘ સાથે જોડાયેલા અનેક 'વિદ્વાનો' અને નેતાઓએ જ્ઞાતિ આધારિત વ્યવસ્થિત અન્યાય માટે ક્યારેક અંગ્રેજોને તો ક્યારેક મુસલમાનોને જવાબદાર ગણાવ્યા હતા.

સામાજિક ન્યાયની જવાબદારીનો સ્વીકાર સંઘે કર્યો નથી. જ્ઞાતિ આધારિત ચિરંતન અન્યાયને ખોટો ઠરાવવાના પ્રયાસ સંઘે હંમેશા કર્યા છે.

ભારતમાં સામાજિક અધ્યયનની ટોચની સંસ્થા છે આઈસીએસએસઆર અને બી.બી. કુમાર તેના પ્રમુખ છે.

બી.બી. કુમાર માને છે કે ભૂંડનું માંસ ખાનારા લોકોને મોગલોના અત્યાચારે દલિત બનાવી દીધા હતા. એ પહેલાં બધા સમાનતા સાથે હળીમળીને રહેતા હતા.

મનુસ્મૃતિને અંગ્રેજોએ બગાડી હોવાનું પણ તેઓ જણાવે છે.

ઉનામાં દલિતોની મારપીટ, રોહિત વેમુલાની આત્મહત્યા જેવી ઘટનાઓ તાજેતરની છે.

અલબત, સંઘે એ ઘટનાઓ બાબતે મૌન રહેવાનું બહેતર ગણ્યું છે અથવા એ ઘટનાઓનો વિરોધ કરતા લોકો પર જ્ઞાતિવાદી હોવાનું લેબલ લગાવ્યું છે.

રોહિત વેમુલા દલિત હતો કે નહીં તેમાં મામલાને ગૂંચવવાનું આસન હતું, પણ દલિતો સાથે સંસ્થાગત સ્તરે અન્યાય થતો રહ્યો છે. અત્યારે પણ થઈ રહ્યો છે, પરંતુ તેનો સ્વીકાર તેઓ કરે એ શક્ય નથી.

જ્ઞાતિવાદીની સામાન્ય વ્યાખ્યા એવી છે કે જે વ્યક્તિ જ્ઞાતિને આધારે ખુદને શ્રેષ્ઠ તથા અન્યને ઉતરતા ગણે એ જ્ઞાતિવાદી છે.

દલિતો પોતાને ક્યારથી શ્રેષ્ઠ માનવા લાગ્યા કે તેઓ જ્ઞાતિવાદી થઈ ગયા?

જ્ઞાતિને આધારે કરવામાં આવતા અન્યાયનો પ્રતિકાર કરવો એ જ્ઞાતિવાદ હોય તો ન્યાયની ગુંજાઈશ ક્યાં રહી?

તેથી સામાજિક ન્યાયની વાતો કરતા બધા લોકો સંઘ તથા ભારતીય જનતા પાર્ટી(બીજેપી)ની નજરમાં જ્ઞાતિવાદી બની રહ્યા છે.

લાલુપ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ અને માયાવતી જેવા જે લોકોએ સામાજિક ન્યાયની રાજકીય હિમાયત કરી , પરંતુ તેમનાં કામ તથા બદનામી મૂળ મુદ્દાને ફગાવી દેવામાં ઉપયોગી બન્યાં.

બીજેપીના પ્રમુખ અમિત શાહે દલિતના ઘરે ભોજન લીધું હતું.

અલબત, સહારનપુરમાં રાજપુતો સાથેની અથડામણ સંબંધે દલિત નેતા ચંદ્રશેખરને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ લાંબા સમય સુધી જેલમાં ધકેલી દેવાયા હતા.

બીજી તરફ રાણા પ્રતાપ જયંતિ નિમિત્તે સરઘસના નામે ખુલ્લી તલવારો લઈને હિંસા કરનારાઓ સામે એવી જ કાર્યવાહી કરવામાં ન આવી. આ બધું સનાતન ચલણનો એક ભાગ છે.

રાષ્ટ્રનિર્માતાઓ અને સંઘની ભૂલસમાન?

ન્યાય વિના શાંતિ સ્થપાય એ શક્ય નથી.

આંબેડકર, નેહરુ અને સરદાર પટેલ જેવા રાષ્ટ્રનિર્માતાઓએ દલિતો પરના અત્યાચારનો હિસાબ સરભર કર્યા વિના સમાન અધિકારની વ્યવસ્થા કરી હતી.

જોકે, એ વ્યવસ્થા ઉપયોગી સાબિત થવાની ન હતી, કારણ કે અન્યાય યથાવત્ રહ્યો હતો.

તેને ધ્યાનમાં રાખીને દલિતો અને પછાત વર્ગના લોકો દેશની કથાના આગલા અધ્યાયમાં ભૂમિકા ભજવી શકે એવા હેતુસર, શોષણ અટકાવવા અને સમાનતાના હેતુસર બંધારણમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

'ઈશ્વરીય વ્યવસ્થા'ની સરખામણીએ આ એક માનવીય વ્યવસ્થા છે, જે ઘણા અંશે સફળ થઈ છે.

અલબત, અનામત વ્યવસ્થા પર પૂર્ણવિરામ મૂકવાની માગણી સંઘ અને બીજેપીમાંથી વારંવાર થતી રહી છે.

સંઘના વડા મોહન ભાગવતે બિહારની ચૂંટણી પહેલાં જ આવું એક નિવેદન આપ્યું હતું.

જોકે, ચૂંટણી સંબંધી હિસાબ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેવું પડ્યું હતું કે "હું મારા પ્રાણના ભોગે અનામતનું રક્ષણ કરીશ."

બીજેપીના સિનિયર નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સી. પી. ઠાકુરે થોડા દિવસ પહેલાં જ કહ્યું હતું કે હવે એક દલિત વ્યક્તિ દેશની રાષ્ટ્રપતિ છે. વડાપ્રધાન પણ પછાત વર્ગમાંથી આવે છે.

તેથી અનામત પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઈએ.

તેનો અર્થ એ થાય કે સદીઓથી ચાલતા રહેલા જ્ઞાતિ આધારિત શોષણનો હિસાબ સરભર થઈ ગયો છે એવું માની લેવું જોઈએ.

બીજેપીના કેન્દ્રીય પ્રધાન અનંત હેગડે કહી ચૂક્યા છે કે તેમનો પક્ષ બંધારણ બદલવા માટે સત્તા પર આવ્યો છે.

જોકે, હેગડેના એ નિવેદનના મુદ્દે સંસદમાં ધમાલ થઈ પછી એ મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો હતો, પણ દેશના સમતામૂલક બંધારણ સામેનો સંઘનો વિરોધ અનેક વખત નોંધાયો છે.

'સમરસતા' સંઘનો પ્રિય નારો છે. તેનો અર્થ એ છે કે દેશના તમામ નાગરિકો હિંદુત્વના રંગમાં રંગાઈ જાય, પરંતુ જ્ઞાતિ આધારિત શ્રેષ્ઠતાના ભાવથી સર્જાયેલા શોષણના અંત વિના સમરસતા કઈ રીતે સ્થપાય?

સંઘનો દાવો છે કે તેમને ત્યાં જ્ઞાતિભેદ જેવી કોઈ ચીજ જ નથી.

અલબત, હકીકત એ છે કે સંઘના 92 વર્ષના ઈતિહાસમાં માત્ર એક જ બિન-બ્રામ્હણ સરસંઘચાલક થયા છે. એ સરસંઘચાલક ઉત્તર પ્રદેશના રાજપુત રાજેન્દ્ર સિંહ ઉર્ફે રજ્જૂભૈયા હતા.

આ હકીકતનો ઉલ્લેખ કરવો તેને જ્ઞાતિવાદી માનસિકતાથી પ્રેરિત કૃત્ય ગણાવવામાં આવે છે, પણ આવું કરવું જ્ઞાતિવાદ નથી.

સ્વાભિમાન માત્ર સવર્ણો શોધે?

બીજેપીના એક રાજપુત મુખ્યમંત્રીએ ઝાંસીની રાણીને નહીં, પણ પદ્માવતીને 'રાષ્ટ્રમાતા' જાહેર કર્યાં છે. કરણી સેનાના રાજપુતોને સંઘ અને બીજેપીનો ભરપૂર ટેકો મળ્યો હતો.

ગુજરાતના ગૌરવનો નારો ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગાવ્યો હતો. એવું લાગ્યું હતું કે ગુજરાતમાં જન્મેલા બધા લોકો મહાન છે અને બાકીના તેમનાથી ઊતરતા છે.

મેક ઇન ઇન્ડિયા, વિકાસ, સ્કિલ્ડ ઈન્ડિયા અને સ્માર્ટ સિટી જેવા નારાઓને ચગાવ્યા બાદ વર્તમાન કેંદ્ર સરકારના એજન્ડામાં વૈદિક-સાંસ્કૃતિક-ઐતિહાસિક ગૌરવની પુનઃસ્થાપના સૌથી ઉપર છે.

તેમાં બ્રાહ્મણો અને રાજપુતો સિવાય બીજા કોની ચર્ચા થાય છે?

તેના પર ધ્યાન આપો, પણ ધ્યાન આપશો તો તમને જ્ઞાતિવાદી જાહેર કરી દેવામાં આવશે.

સમય-જરૂરિયાતના હિસાબે અલગ-અલગ સ્તરે ક્યારેય પટેલ, ક્યારેક આંબેડકર, ક્યારેક બિરસા મુંડા તો ક્યારેક બીજા કોઈને યાદ કરવામાં આવે છે.

અલબત, એ રાષ્ટ્રીય નહીં, પણ સ્થાનિક અને તાત્કાલિક એજન્ડા હોય છે.

આખા દેશમાં વિકાસ, ન્યાય, સમતા, શિક્ષણ અને આરોગ્યને બદલે જ્ઞાતિય-સાંપ્રદાયિક-ક્ષેત્રીય ગૌરવનું રાજકારણ રમાઈ રહ્યું હોય ત્યારે દલિતોને શા માટે રોકવા જોઈએ?

'આત્મસન્માન' અન્યો માટે મૂછનો સવાલ છે, જ્યારે દલિતો માટે એ વાસ્તવિક જરૂરિયાત છે.

કોરેગાંવ ભીમાની લડાઈમાં 200 વર્ષ પહેલાં બ્રામ્હણ-મરાઠા સૈન્યને હરાવવાની સ્મૃતિ દલિતોના દિલમાં ગૌરવ પેદા કરતી હોય તો તેમને તેની અનુભૂતિ કરતાં દેશનો ક્યો કાયદો રોકી શકે?

તેમના વિરુદ્ધ સત્તાની શક્તિનો ઉપયોગ સમરસતાના નારાને વધુ બોદો જ બનાવશે.

જે લોકો ખુદને રાષ્ટ્રનાયક સમજે છે તેમના માર્ગે અન્ય લોકો ચાલે તો તેમણે રાજી થવું જોઈએ, પોલીસ અને કોર્ટ કેસોનો સહારો ન લેવો જોઈએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો