You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ : મોદી વાલ્મીકિ જયંતિ પર ટ્વીટ કરે છે પણ તેમનું દુઃખ નથી વહેંચતા
- લેેખક, રાજીવ શાહ
- પદ, વરિષ્ઠ પત્રકાર બીબીસી ગુજરાતી માટે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચમી ઑક્ટોબરે ટ્વીટ કર્યું, “વાલ્મીકિ જયંતીની શુભેચ્છાઓ. એક મહાન ઋષિ અને પારંગત લેખક, તેમના ઉચ્ચતમ આદર્શો અને કાર્યોથી પેઢીઓને માર્ગદર્શન મળ્યું છે. વાલ્મીકિ જયંતીની શુભેચ્છાઓ.”
જો કે, મોદીની આ શુભેચ્છામાં વિશ્વનાં મહાન મહાકાવ્ય ‘રામાયણ’નાં સર્જક વાલ્મીકિને માત્ર એક “પારંગત લેખક”, એક “ઉચ્ચતમ આદર્શો અને કાર્યો” કરનારા વ્યક્તિ તરીકે જ ઓળખાવ્યા છે.
આમ છતાં તેમની શુભેચ્છાઓ તેમને આ મહાન સંતના અનુયાયી ગણાવતા વાલ્મીકિ સમાજના લોકો સુધી પહોંચવામાં નિષ્ફળ રહે છે.
તમને આ વાંચવું પણ ગમશે.
વાલ્મીકિ સમાજના લોકો મુખ્યત્વે માથે મેલું ઉપાડવાનું કામ કરે છે. તે દેશનો સૌથી વધારે ઉપેક્ષિત સમાજ છે અને ભારતની જ્ઞાતી પ્રથામાં તેમનું સ્થાન સૌથી નીચે છે.
સદીઓથી આભડછેટ સહન કરી રહેલા વાલ્મીકિઓ માટે વાલ્મીકિ જયંતીને દિવસે વડાપ્રધાને સહાનુભૂતિનો એક શબ્દ પણ કેમ નથી વાપર્યો તે સમજવું મુશ્કેલ નથી.
કર્મયોગમાં વિચારોની અભિવ્યક્તિ
એ 2007નું વર્ષ હતું. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે રાજ્યના ઉચ્ચ સનદી અધિકારીઓ સાથેની એક કર્મયોગી શિબિરમાં કરેલા ભાષણોનું સંકલન કરીને “કર્મયોગ” નામનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું.
આ પુસ્તકની પાંચ હજાર નકલો પ્રિન્ટ કરવામાં આવી હતી, પણ એ સમયે રાજ્યમાં ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયેલી હોવાથી તેની વહેંચણી નથી શકી નહોતી. કારણ કે ગુજરાતની ચૂંટણી ડિસેમ્બર 2007માં થવાની હતી.
એ સમયે રાજ્યની ટોચની જાહેર ક્ષેત્રની કંપની ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કૉર્પોરેશનને આ પુસ્તક માટેનો ખર્ચ આપવા માટે નિર્ધારિત કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સુંદર ફોટોગ્રાફ્સ ધરાવતાં આ રંગીન પુસ્તકના પાના નંબર 48 અને 49, મોદીએ વાલ્મીકિઓના અન્યોની વિષ્ટા (મળ) સહિતનો કચરો સાફ કરવાના સદીઓ જુનાં જ્ઞાતિ આધારિત વ્યવસાયને -- “આધ્યાત્મિક અનુભવ” હોવાનું જણાવ્યું હતું!
શૌચાલયની સફાઈ એક આધ્યાત્મિક અનુભવ
તેમણે એ પુસ્તકમાં કહ્યું, “જે શૌચાલયમાં કામ કરે છે, તેની આધ્યાત્મિકતા કઈ? ક્યારેય પેલા વાલ્મીકિ સમાજનો માણસ, જે મેલું હટાવે છે, જે ગંદકી દૂર કરે છે, એની આધ્યાત્મિકતાનો અનુભવ કર્યો છે?”
તેમણે ઉમેર્યું કે, “તેણે માત્ર પેટ ભરવા માટે કામ કરવાનું સ્વીકાર્યું હોય તો હું નથી માનતો કે તેણે લાંબા સમય સુધી કામ કર્યું હોત. પેઢી-દર-પેઢી સુધી તો ન જ કર્યું હોત.”
તેમણે વધુમાં કહ્યું કે, “પણ કોઈ એક જમાનામાં કોઈને સંસ્કાર થયા હશે કે સંપૂર્ણ સમાજની અને દેવતાની સુખાકારીની જવાબદારી મારી છે. તેની સુખાકારી માટે આ કામ પરમાત્મા રૂપે મારે કરવાનું છે.”
મોદીએ જણાવ્યું કે, “એના પરિણામે સદીઓ સુધી સમાજને સ્વચ્છ રાખવા માટેની એના ભીતરની આધ્યાત્મિક્તા હશે, જેનો વારસો નિરંતર પહોંચ્યો હશે.”
સમાચાર પ્રકાશિત થયાં પણ નોંધ ન લેવાઈ
નવેમ્બર 24, 2007ના દિવસે ‘ધી ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ની અમદાવાદ આવૃત્તિમાં મેં લખેલા સમાચાર "'Karmayogi' swears by caste order: 'Scavenging A Spiritual Experience For Valmiks'" શીર્ષક હેઠળ પ્રકાશિત થયા હતા.
એ પુસ્તક એ સમયે પણ પ્રસિદ્ધ નહોતું થયું ત્યારે જ મોદીએ વાલ્મીકિઓ પર સદીઓથી થોપી દેવામાં આવેલા માથે મેલું ઉચકવાના વ્યવસાયને “આધ્યાત્મિક અનુભવ” ગણાવીને વિવાદનો મધપુડો છેડ્યો હતો.
ગુજરાતનાં દલિતો બુદ્ધિજીવીઓ માટે મોદીનો આ મત બિલકુલ “અસ્વીકાર્ય” હતો.
જાણીતા દલિત કવિ નીરવ પટેલે કહ્યું કે એ શોષણ અને વર્ગ વિભાજન ચાલું રાખવા માટેના એક “મોટા કાવતરા”નો એક ભાગ હતો.
તેમણે ખૂબ જ ખિન્નતાપૂર્વક પૂછ્યું હતુ કે, “મોદીને એમ કેમ ન થયું કે, આ હલકું કામ કરવામાં મળતી આધ્યાત્મિકતાનો અનુભવ ક્યારેય ઉચ્ચવર્ગના લોકોએ શા માટે નથી કર્યો?”
તમને આ વાંચવું પણ ગમશે.
ગુજરાતી ભાષાના સાહિત્યકાર અને ઍક્ટિવિસ્ટ જોસેફ મેકવાને મોદીના આ મતને “સ્થિતિને યથાતથ્ જાળવી રાખવાનો અભિગમ અને બ્રાહ્મણવાદી દૃષ્ટિકોણ” ગણાવ્યો હતો.
તેમણે કહ્યું, “જે માણસને ગટરમાં ઊતરીને કામ કરવું પડતું હોય તેને આધ્યાત્મિક ફરજ કેવી રીતે ગણાવી શકાય?”
ભાજપના દલિત નેતાઓ આ મુદ્દે કોઈ ટિપ્પણી કરવા તૈયાર નહોતા. એ સમયનાં મંત્રી અને દલિત સ્વ. ફકિરભાઈ વાઘેલાએ આ મુદ્દે શું પ્રતિભાવ આપવો તે મુદ્દે મુંઝવણમાં હતાં.
ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટના દાવેદાર હતા એટલે તેમણે તેમના નામે કોઈ નિવેદન આપવાની તૈયારી કોઈ બતાવી નહોતી.
તામિલનાડુમાં પુસ્તકનો વિરોધ
ગુજરાતમાં આ સમાચારને ખાસ પ્રતિભાવ ન મળ્યો કારણ કે કોંગ્રેસના નેતાઓ ચૂંટણીમાં વ્યસ્ત હતા અને તેમની પાસે એ સમાચાર જોવાનો સમય નહોતો.
થોડા દિવસો પછી, જે અધિકારીએ મને આ પુસ્તક આપ્યું હતું તેમણે મને કહ્યું કે મે એ સમાચાર લખીને કેવી ઉથલ-પાથલ કરી નાખી હતી.
મેં જ્યારે તેમને કહ્યું કે, ઉથલ-પાથલ તો શું ગુજરાતમાં એ સમાચારની કોઈએ નોંધ પણ નથી લીધી.
ત્યારે તેમણે કહ્યું, “તામિલનાડુમાં એ સમાચારનો અનુવાદ પ્રકાશિત થયો હતો અને દલિતોએ મુખ્યમંત્રીનું પૂતળું બાળ્યું હતું.”
એ અધિકારીએ પુસ્તક પાછુ જોઇતું હતું, જે મેં એમને આપી દીધું.
મને પછીથી જાણવા મળ્યું હતું કે, મોદીની સૂચના બાદ ગુજરાત માહિતી વિભાગે એ પુસ્તકનું વિતરણમાંથી પાછું ખેંચી લીધું હતું.
પુસ્તક પાછું ખેંચી લેવાયું
આજે પણ આ પુસ્તકની એક પણ પ્રત ઉપલબ્ધ નથી. એ રાજ્યનાં માહિતી વિભાગનાં કોઈ અંધારીયા ગોડાઉનમાં ક્યાંક પડ્યાં હશે.
એ અધિકારીને પુસ્તક પાછુ આપતા પહેલા મેં એ પુસ્તકમાં વિવાદાસ્પદ આધ્યાત્મિક ટિપ્પણી ધરાવતા ચેપ્ટરને મિત્રોને મોકલવા માટે સ્કેન કરી લીધું હતું.
દલિત કાર્યકર્તામાંથી કોંગ્રેસના રાજકારણી બનેલા પ્રવિણ રાષ્ટ્રપાલે એક વર્ષ પછી આ પુસ્તકની સ્કેન કરેલી કોપી મેળવી લીધી અને રાજ્ય સભામાં આ મુદ્દો ઉઠાવ્યો. તેમણે મોદીને “દલિત વિરોધી” કહ્યા.
આ બધું એક વર્ષ પછી થયું.
જ્યારે આ મુદ્દો રાજ્યસભામાં ઉછળ્યો ત્યારે કોંગ્રેસના નેતાઓ સફાળા જાગ્યા અને માર સંપર્ક કરીને પૂછ્યું કે, મારી પાસે એ પુસ્તકની કોઈ કૉપી છે!
હજી ગયા વર્ષે કેટલાંક કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીનાં રાજકીય સલાહકાર અહેમદ પટેલ સહિત સંખ્યાબંધ ઍક્ટિવિસ્ટ્સ અને રાજકારણીઓએ એ પુસ્તકની કૉપી મેળવવા માટે મારો સંપર્ક કર્યો હતો.
મેં તેમને શાંતિથી જણાવ્યું હતું કે, એ પુસ્તકની કૉપી મારી પાસે નથી.
મોદીનો આશય શું હતો?
મને હજી પણ ખબર નથી પડી કે મોદીને પેઢીઓથી વાલ્મીકિઓ પર થોપી દેવાયેલા આ ગંદા કામમાં આધ્યાત્મિકતા દેખાવા પાછળનું કારણ શું હતું?
દેખીતી રીતે મને લાગે છે કે, મોદીએ જેમણે ‘કર્મયોગી’ તરીકે બોલાવવાનું શરૂ કર્યું હતું તે સરકારી કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસોનો એક ભાગ હતો.
પુસ્તકનું નામ ‘કર્મયોગ’ હતું, તેનો મુખ્ય આશય સરકારી બાબુઓને એ કહેવાનો હતો કે ફળની આશા રાખ્યાં વિના કરવામાં આવેલું ખરા દિલથી કરવામાં આવેલું કામ આધ્યાત્મિક કાર્ય જેવું હોય છે.
વિવિધ સ્તરના સરકારી કર્મચારીઓ માટે યોજાયેલી નિયમિત રીતે યોજાયેલી અસંખ્ય ચિંતન શિબિરો પણ એ કર્મચારીઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ હતો.
જેથી એ બધા તેનાં વ્યક્તિત્વની આસપાસ એક સંપ્રદાય જેવાં અનુયાયીઓ તૈયાર કરવા માટે અંતઃકરણપૂર્વક કામ કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો