You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં ગટર સફાઈ કરતા દર વર્ષે 100 કામદારોનાં મોત
- લેેખક, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદદાતા, દિલ્હી
દિલ્હીના હિરણ કુદના વિસ્તારમાં વહેતા આ નાળામાં આસપાસનાં ઘર, મહોલ્લા અને ફેક્ટરીઓના કચરા, મળમૂત્ર અને કેમિકલ્સ ભેગાં થાય છે.
અહીં જ રસ્તા પાસેની ખાલી જગ્યામાં નાળામાંથી કાઢેલા કચરાનો ઢગલો જૂનો હોવાથી સૂકાઈને કઠણ થઈ ગયો હતો.
ચારેય તરફ ફેલાયેલી દુર્ગંધને કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ હતું. એ સમયે નીતુ અને અજીત એ ગંધાતા નાળામાં ગળા સુધી ડૂબેલા હતા.
નાળાનું ગંદુ પાણી ક્યારેક તેમના નાક સુધી પહોંચી જતું હતું. તેમણે પ્રયત્નપૂર્વક પોતાનું મોઢું બંધ કરી રાખ્યું હતું.
એકના હાથમાં વાંસનો ટુકડો હતો. બીજાના હાથમાં લોખંડનો કાંટો હતો. વાંસના ટુકડા અને લોખંડના કાંટાથી એ બન્ને નાળાને તળિયે ફસાયેલા કચરાને ખોદતા હતા.
તેમણે કાંટો હલાવ્યો કે તરત જ મેલા પાણીની સપાટી પર કાળાશ તરી આવી અને કાળાશે તેમને ઘેરી લીધા.
નીતુએ ઇશારો કરીને કહ્યું કે, "કાળું પાણી ગેસનું પાણી હોય છે. આ એજ ઝેરીલો ગેસ છે, જે લોકોનો જીવ લઈ લે છે."
"પાણીમાં ગેસ છે કે નહીં, એ અમે વાંસ મારીને જાણી લઈએ છીએ. એ પછી જ અમે પાણીમાં ઊતરીએ છીએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોકો એટલે જ મરી જાય છે, કારણ કે એ આ બધું જોયા વિના પાણીમાં ઘૂસી જાય છે."
દિવસના 300 રૂપિયા કમાવા માટે તેઓ નાળામાં ભરાયેલા સાપ અને દેડકા જેવા જ પ્રાણીઓનો સામનો કરવા માટે પણ તૈયાર હોય છે.
નાળામાંથી બહાર નીકળીને જાંગિયો પહેરેલા દુબળા-પાતળા નીતુ થોડી વાર તડકામાં ઉભા રહ્યા, ત્યારે શરીર પર લાગેલા ગંદા પાણી અને કિચડ સાથે પરસેવો મળવાને કારણે કંઇક વિચિત્ર વાસ આવતી હતી.
ગટરમાંના કાચ, કૉંક્રીટ કે કટાયેલું લોખંડ વાગવાથી નીતુના પગમાં કેટલીય વખત જખમ થયા હતા.
તેના કિચડવાળા પગના કેટલાક ઘા હજી તાજા હતા, કારણ કે એ ઘાને રૂઝાવાનો કે ઈલાજ કરવાનો મોકો જ નહોતો મળ્યો.
ગટરમાં મોત વધી રહ્યા છે
બિન-સરકારી સંસ્થા પ્રેક્સિસે એક અહેવાલને ટાંકીને જણાવ્યું છે કે દર વર્ષે દિલ્હીમાં ગટર સફાઈ કરતા લગભગ 100 કામદારોનાં મોત થાય છે.
2017ના જુલાઈ-ઓગસ્ટના માત્ર 35 જ દિવસમાં આવા 10 કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા.
સપ્ટેમ્બરમાં નોઇડામાં વધુ ત્રણ કામદારના મોત થયા.
સફાઈ કર્મચારી આંદોલનના જણાવ્યા મુજબ, 1993થી અત્યાર સુધીમાં થયેલા 1500 ગટર સફાઈ કામદારોના મોતના દસ્તાવેજો તેમણે મેળવ્યા છે.
પણ મોતનો વાસ્તવિક આંકડો ઘણો વધારે હોવાનું કહેવાય છે.
આજે લાખો લોકો આ કામમાં જોતરાયેલા છે.
એમાંથી મોટાભાગના લોકો દલિત છે.
ગટરમાં ઉત્પન્ન થતા હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસને કારણે સફાઈ કામદારો મૃત્યુ પામે છે.
ગટર સફાઈનું કામ કરતા લોકો શ્વાસ, ચામડી અને પેટના જાતજાતના રોગોનો ભોગ બને છે.
નીતુ 16 વર્ષના હતા, ત્યારથી આ કામ કરી રહ્યા છે.
તે દિલ્હીમાં તેમના બનેવી દર્શન સિંહની ફાસ્ટ ફૂડની દુકાનમાં રહે છે.
દુકાન સુધી પહોંચવા તેમણે ઝૂંપડપટ્ટીની સાંકડી ગલીમાંથી પસાર થવું પડે છે.
એ ઝૂંપડપટ્ટીમાં જ ઘણા ગટર સફાઈ કામદારો રહે છે.
સાંકડી ગલીમાં બન્ને તરફના ઝૂંપડામાં ક્યાંક કોઈ મહિલાઓ ચૂલ્હા પર રોટલી શેકતી હતી.
ક્યાંક દુકાનદારો શાકભાજીની સાથે મરઘીના અલગ-અલગ હિસ્સા સજાવીને ગ્રાહકોની રાહ જોઈ રહ્યા હતા.
આજુબાજુમાં એટલા બધા લોકો હતા કે શ્વાસ લેવા માટે પણ જોર કરવું પડતું હતું. કચરાને પાર કરીને અમે દર્શન સિંહના ઢાબા પર પહોંચ્યા હતા.
દર્શન સિંહે બાર વર્ષ સુધી ગટર સાફ કરી હતી.
પણ બાજુની બિલ્ડિંગમાં તેમના બે સાથીઓના મોત પછી તેમણે એ કામ છોડવાનો નિર્ણય લીધો હતો.
તેમણે કહ્યું, "એક અપાર્ટમેન્ટમાં એક જૂની ગટર લાંબા સમયથી બંધ હતી. તેમાં બહુ જ ગેસ હતો. અમારી ઝૂંપડપટ્ટીમાં રહેતા બે જણે એ ગટર સાફ કરવાનો કોન્ટ્રેક્ટ માત્ર બે હજાર રૂપિયામાં લીધો હતો. ગટરમાં પહેલા ઘૂસેલો માણસ ગટરમાં જ રહી ગયો, કારણ કે તેમાં જબરદસ્ત ગેસ હતો."
"તેના દીકરાએ પપ્પા-પપ્પા કહીને તેને બોલાવવાનો પ્રયાસ કર્યો. પપ્પાને શોધવા એ ગટરમાં ઊતર્યો પણ એ પણ પાછો ન આવ્યો. બાપ-દીકરો ગટરમાં જ ખલાસ થઈ ગયા. મહામહેનતે તેમને બહાર કાઢવામાં આવ્યા. ત્યારથી મેં એ કામ બંધ કરી દીધું."
ખુલ્લા શરીરે સફાઈ
કાયદા અનુસાર, અનિવાર્ય સંજોગોમાં જ ગટર સફાઈનું કામ હાથેથી કરવાનું હોય છે અને એ માટે સફાઈ કર્મચારીને સલામતીના સાધનો આપવાનાં હોય છે.
પણ વાસ્તવિક સ્થિતિમાં મોટાભાગના કર્મચારીઓ ઉઘાડા શરીરે ગટર સફાઈનું કામ કરે છે.
ગટર સફાઈનું કામ કરતા કર્મચારીનું મોત થાય તો તેના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જોગવાઈ કાયદામાં છે. જોકે આમ થતું નથી.
અખિલ ભારતીય દલિત મહાપંચાયતના મોર સિંહના જણાવ્યા મુજબ, વળતર મેળવવા માટે લાંબી દસ્તાવેજી કાર્યવાહી કરવી પડે છે કે, દરેક મૃતકના પરિવારને એ આર્થિક સહાય મળતી નથી.
આવી જ એક ઘટનામાં દિલ્હીની લોકનાયક હોસ્પિટલની ગટર સાફ કરતી વખતે 45 વર્ષના ઋષિ પાલનું મૃત્યુ થયું હતું.
એ દિવસે રવિવાર હતો. ઋષિ પાલની દીકરી જ્યોતિને તેના પપ્પાના એક મિત્રએ ફોન કરીને કહ્યું કે એના પપ્પાની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલે તે ઝડપથી હૉસ્પિટલે પહોંચે.
ઋષિ પાલનાં પત્ની અને ત્રણ બાળકો ઉતાવળે હૉસ્પિટલે પહોંચ્યાં ત્યારે તેમને ખબર પડી કે ઋષિ પાલનું મોત થયું છે.
તેમના શબને એક સ્ટ્રેચર પર રાખવામાં આવ્યું હતું. એમના શરીર અને કપડાં પર એ સમયે પણ ગટરની ગંદકી લાગેલી હતી.
જ્યોતિએ કહ્યું, "મારા પપ્પા સલામતીના કોઈ સાધનનો ઉપયોગ નહોતા કરતા, એની ખબર અમને હૉસ્પિટલે ગયા ત્યારે પડી."
બાજુમાં અન્ય મહિલાઓ સાથે બેસેલાં જ્યોતિનાં મમ્મીને આઘાતની કળ વળી ન હતી. સાથી સફાઈ કર્મચારીઓ ગુસ્સામાં હતા. એ લોકો મને જ્યાં ઋષિ પાલનું મોત થયું હતું એ ગટર સુધી લઈ ગયા.
નજીક ઉભેલા સુમિતે ઋષિ પાલને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ એ પોતે જ મરતાં-મરતાં બચ્યા હતા.
સુમિતે મને કહ્યું, "ઋષિ પાલ દોરડું બાંધીને ગટરમાં ઊતર્યા હતા. પછી મેં તેમને પૂછ્યું હતું કે ઉસ્તાદ તમે નીચે પહોંચી ગયા? તેમણે હાથ ઉંચો કર્યો અને અચાનક પડી ગયા. મને લાગ્યું કે કિચડને કારણે તેમનો પગ લપસી ગયો હશે."
"ગટરમાં જવા માટે મેં સીડી પર પગ મૂક્યો એટલી વારમાં મારા શ્વાસમાં એટલો ગેસ ભરાઈ ગયો હતો કે હું હિંમત કરીને બહાર આવ્યો અને બાજુમાં જ સૂઈ ગયો. એ પછી શું થયું એની મને યાદ નથી."
બાજુમાં ઊભેલી એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, "એ ઘટના હૉસ્પિટલની બહાર બની હોત તો બીજા લોકો પણ મર્યા હોત."
જવાબદાર કોણ?
હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર જે સી પાસીએ સફાઈ કામદારોના મોતનો શોક વ્યક્ત કર્યો, પણ તેની જવાબદારી લેવાનો ઇન્કાર કર્યો હતો.
તેમણે કહ્યું કે, "હૉસ્પિટલની ગટરની જવાબદારી જાહેર બાંધકામ વિભાગની છે...ગટર સફાઈ કામદારને સલામતીનાં સાધનો આપવામાં ન આવ્યાં ન હોય તો એ જવાબદારી મારી નથી."
દિલ્હી જળ નિગમનાં ડિરેક્ટર (રેવેન્યૂ) નિધિ શ્રીવાસ્તવે સફાઈ કામદારોના મોતની જવાબદારી લીધી હતી અને આકરાં પગલાં લેવાની ખાતરી આપી હતી.
આવી ખાતરી પર કેટલો ભરોસો કરવો?
સફાઈ કર્મચારી આંદોલનના બેજ઼વાડ઼ા વિલ્સને કહ્યું, "એક મહિનામાં દિલ્હીમાં દસ ગાય મરી જાય તો ધમાલ થઈ જશે અને લોકો રસ્તા પર ઊતરી આવશે. પણ આ શહેરમાં એક જ મહિનામાં 10 દલિત કામદારો ગટર સફાઈ કરતી વખતે મરી ગયા, એ વિશે એક અવાજ પણ નથી ઉઠાવ્યો. આ મૌન અકળાવનારું છે."
તે કહે છે, "કોઈપણ વ્યક્તિને બીજાના મળ-મૂત્ર સાફ કરવાનું ન ગમે. પણ સામાજિક વ્યવસ્થાને કારણે દલિતોએ મજબૂરીમાં આ કામ કરવું પડે છે. આપણે મંગળયાન સુધી જવાનું વિચારી શકિએ છીએ, તો આ સમસ્યા કેમ નથી ઉકેલતા."
વિલ્સનના જણાવ્યા અનુસાર, સરકાર લાખો નવાં ટૉઇલેટ્સના નિર્માણની વાતો કરે છે, પણ એ ટૉઇલેટ્સ માટે બનાવવામાં આવતા શોષ ખાડાની સફાઈ વિશે કોઈ નથી વિચારતું.
નીતુના બનેવી દર્શન સિંહે કહે છે, "અમે અભણ છીએ. અમારી પાસે કોઈ કામ નથી. પરિવારના ભરણપોષણ માટે અમારે આ કામ કરવું પડે છે. બંધ ગટર બાબતે કોઈ સવાલ કરીએ ત્યારે અધિકારીઓ અમને કહે છે કે ગટરમાં ઘૂસો અને કામ કરો. અમારે આ કામ પેટ માટે કરવું પડે છે."
"આ કામ ગંદુ છે એટલે એની વાત અમે અમારાં બાળકોને પણ નથી કરતા. બાળકોને કહીએ છીએ કે અમે મજૂરી કરીએ છીએ. અમને એવું લાગે છે કે બાળકોને સાચું જણાવીશું તો તેઓ અમારાથી નફરત કરશે."
"કેટલાક લોકો દારૂ પીએ છે. મજબૂરીમાં આંખો બંધ કરીને આ કામ કરે છે. લોકો અમને પીવાનું પાણી પણ દૂરથી આપે છે. અમને કહે છે કે પાણી ત્યાં રાખ્યું છે, લઇ લો."
"ઘણા અમારાથી નફરત પણ કરે છે, કારણ કે ગટર સફાઈનું કામ ગંદુ છે. અમે આ કામથી નફરત કરીશું તો અમારા પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે?"
(તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો)