'યુનિફોર્મ પર માસિકનો ડાઘ પડ્યો, પાછળ 40 પુરુષો હતા...'

દાગ અચ્છે હૈ! ખરેખર? જો એ ડાઘ માસિકના હોય તો? માસિક અંગેની ચર્ચામાં જોડાયેલા મંજિતા વણઝારાએ તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. શાસ્ત્રીય નૃત્ય કૂચિપૂડી તાલીમબદ્ધ મંજિતા વણઝારાની મુખ્ય ઓળખ ગુનેગારોને નાથતા જાંબાઝ મહિલા પોલીસ અધિકારી તરીકેની છે.

મંજિતા વણઝારા, એસીપી

એ વખતે અમદાવાદમાં ક્રાઇમ કૉન્ફરન્સ ચાલુ હતી.

એ કૉન્ફરન્સમાં અમારે સવારે 11 વાગ્યાથી લઈ સાંજે 5 વાગ્યા સુધી સતત યુનિફોર્મમાં બેસવું પડે છે.

મારો યુનિફોર્મ જરા આછા રંગનો છે. મારા પિરિયર્ડ્સ એ સમયે જ ચાલુ થયા.

મારા યુનિફોર્મ પર ખૂબ મોટો ડાઘ લાગ્યો અને મારી ખુરશીની સીટ પણ ભીની થઈ ગઈ. મને મારા પર શરમ આવવા લાગી.

કારણ કે એ સમયે મારા ડિપાર્ટમેન્ટમાં હું એકમાત્ર મહિલા ઑફિસર હતી.

બધા જ પુરુષો હતા. હું એ વખતે કોને કહું? હું કેવી રીતે ઊભી થાઉં?

જ્યારે કૉન્ફરન્સ પૂરી થાય ત્યારે અમારે અમારા બૉસને ઊભા થઈને સેલ્યુટ મારવાની હોય છે.

એ સમયે મને ખૂબ જ શરમ આવતી હતી, કારણ કે આ બાબત ખરાબ છે તેવું સમાજે મારા મગજમાં ઠસાવી દીધું હતું. તે ગંદું લાગી રહ્યું હતું.

એ ગંદી બાબત છે. મારો આત્મવિશ્વાસ ખૂબ જ મજબૂત છે, છતાં મને શરમ આવતી હતી કે હું કેવી રીતે ઊભી થાઉં?

બધાની વચ્ચે હું સેલ્યુટ કરીશ તો મારી પાછળ લાગેલો મોટો ડાઘો બધાને દેખાશે.

પણ મેં નક્કી કર્યું કે, ભલે કોઈ મારી હાંસી ઉડાવે, હું મારી ફરજ તો બજાવીને જ રહીશ.

સેલ્યુટ કરી

એટલે મેં ઊભા થઈને મારા સિનિયરને સેલ્યુટ કરી.

મને ખબર હતી કે જ્યાં સુધી હું નહીં નીકળું ત્યાં સુધી કોઈ નહીં નીકળે એટલે મેં ચાલવાનું શરૂ કર્યું.

મારી પાછળ લગભગ અમારી ફોર્સના 40 પુરુષો હતા, તેમણે બધાએ મારા યુનિફોર્મ પર લાગેલો એ ડાઘો જોયો હતો.

એ વખતે મેં મારા મનને ભારે મજબૂત બનાવી દીધું અને મારી જાતને કહ્યું કે, "મંજિતા તારે આ સ્વીકારવું જ પડશે."

હું એ વખતે વચ્ચેથી ઊભી થઈને, કોઈ ડાયરી કે ફાઇલ પાછળ એ ડાઘ છુપાવીને નીકળી શકી હોત.

પણ મેં એમ ન કર્યું. મારા બૉડીગાર્ડ કમાન્ડોએ પણ કહ્યું કે, મેડમ ડાઘ દેખાઈ રહ્યો છે.

ત્યારે મેં એને કહ્યું કે, "તું ચિંતા ના કર. આ નેચરલ છે, મારે એ સ્વીકારવું પડશે અને આપણા લોકોએ પણ તેને ધીમેધીમે સ્વીકારવું જ પડશે."

મારી સાથે આ થયું છે, અને મેં મારા સબ-ઑર્ડિનેટ્સને પણ કહ્યું છે કે જ્યારે કોઈ મહિલા તેમની પાસે આ પ્રકારની રજૂઆત લઈને આવે ત્યારે ડ્યૂટીમાં તેમને થોડી રિલીફ આપે.

ડાઘથી કોઈ મુશ્કેલી નથી

મને તેમની સ્થિતિ ખબર છે, કારણ કે મને તેનો અનુભવ છે.

હું આ વાત એટલા માટે કરી રહી છું કે બધા જ લોકો એ જાણે.

કારણ કે મોટા ભાગની મહિલાઓએ આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો જ પડે છે.

હવે મને ડાઘથી કોઈ મુશ્કેલી નથી. મેં મારા પુરુષ બૉડીગાર્ડને પણ કહી રાખ્યું છે કે જો મારા યુનિફોર્મ પર કોઈ ડાઘ લાગે તો સંકોચ રાખ્યા વિના મને જણાવે.

આ પ્રકારનું પરિવર્તન દરેક મહિલામાં આવવું જોઈએ. એમણે પિરિયડ્સથી શરમાવવાની કે સંકોચ અનુભવવાની જરૂર નથી. એમણે એ સહજતાથી સ્વીકારવું જોઈએ. એ વિશે વાત કરવી જોઈએ.

જે મારી સાથે થયું એવું લગભગ ઘણી મહિલાઓ સાથે થાય છે.

પણ આપણો સમાજ એને ઢાંકવામાં-છુપાવવામાં માને છે.

કુદરતી રીતે શરીરમાં થયેલા ફેરફારને કારણે પડેલો ડાઘો દેખાય તો ખોટું શું છે? એમાં શરમાવવા જેવું શું છે?

હું જે ફિલ્ડમાં કાર્યરત છું એમાં મહિલાઓ ઓછી છે. એમાં પણ સિનિયર લેવલે તો સાવ જ ઓછી.

મારી જુનિયર મહિલા અધિકારીઓને પણ આવી સમસ્યાઓ આવતી જ હોય છે.

જેમ કે એક વખત અમે પોલીસ બંદોબસ્તમાં હતાં.

મારી એક જુનિયર મહિલા અધિકારીએ એના સિનિયરને વિનંતી કરી કે એને 'લેડીઝ પ્રૉબ્લેમ' છે, તો હળવી ડ્યૂટી આપે.

હાંસીપાત્ર બનાવી દીધી છે

તો એના સિનિયરે બધાની વચ્ચે એને ખખડાવી કે તારે ફરજ નથી બજાવવી એટલે બહાનાં બનાવે છે.

મહિલા જો પોતાની તકલીફ રજૂ કરે તો એને 'સિમ્પથી ગેઇનર' કહેવામાં આવે છે.

આપણા સમાજમાં પુરુષોને એ શીખવવામાં જ નથી આવ્યું કે એ દિવસોમાં મહિલાઓને માત્ર શારીરિક દુઃખ જ નહીં, માનસિક તણાવ પણ રહે છે.

એમના મનમાં સતત ચાલતું હોય છે કે તેમને સતત બ્લીડિંગ થઈ રહ્યું છે.

તેમણે ઘેરાં રંગનાં કપડાં નથી પહેર્યાં એટલે જો કપડાં પર ડાઘ લાગી જશે તો લોકો તેમના પર હસશે અને તેમણે શરમમાં મુકાવું પડશે.

આપણે એવું વાતાવરણ સર્જ્યું છે કે, પિરિયર્ડ્સને કુદરતી ઘટના તરીકે સ્વીકારવાને બદલે લોકોએ તેને હાંસીપાત્ર બનાવી દીધી છે, જે વધુ દુઃખ આપે છે.

આપણા ત્યાં એવો કાયદો હોવો જોઈએ કે કોઈ પણ મહિલા તેના પિરિયર્ડ્સના દિવસોમાં જો કોઈ હળવું કામ માગે તો તેને એ મળવું જોઈએ.

તેમની સાથે યોગ્ય રીતે વર્તન થવું જોઈએ. મહિલાઓ એ સમયે કોઈ બહાનું નથી બનાવતી હોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો