‘પિરિયડ્સનું લોહી મહિલાને વધારે મજબૂત બનાવે છે’

#LetsTalkPeriods બીબીસી ન્યૂઝ ગુજરાતીની એક વિશેષ સીરિઝ છે.

આ સીરિઝ અંતગર્ત ગુજરાતના જાણીતા લોકો પિરિયડ્સ અંગેના તેમનાં મંતવ્યો જણાવે છે.

આ જ કડી અંતર્ગત જાણીતા કટારલેખક જય વસાવડા સાથે અમે વાત કરી હતી.

તમને આ વાંચવું પણ ગમશે :

આ વિશે જય વસાવડાએ વાત કરતા જણાવ્યું કે,

"મારું માનવું છે અને જે જોયું છે એ મુજબ મહિલાઓ લાગણીશીલ હોય છે એથી પણ વધારે માનસિક રીતે મજબૂત હોય છે.

એક અંગ્રેજી પુસ્તકમાં મેં જે વાચ્યું હતું એ અહીં પણ લાગુ પડે છે. જે વધુ લોહી જુએ એ માનસિક રીતે વધુ મજબૂત બને.

નાની ઉંમરે વિધવા થયેલી સ્ત્રીઓને જોશો તો જણાશે કે એણે જિંદગીને કેટલી મજબૂતીથી લડત આપી છે.

તમે એવી મહિલાઓને જોશો કે જેમણે એકલા હાથે કુટુંબની જવાબદારી નિભાવી હોય.

સરખામણીએ આવા કિસ્સા પુરુષોમાં ઓછા હોય છે. કારણ કે મહિલાઓ પોતાના લોહીને દર મહિને જુએ છે.

માસિક એક સરળ બાયોલોજીકલ પ્રક્રિયા છે અને હું તો કહું છું કે જીવન સર્જનના ભાગરૂપ પ્રક્રિયા છે.

તેનાથી આભડછેટ રાખવી ના જોઈએ પરંતુ તેને પવિત્ર માનવી જોઈએ.

મારા મતે પિરિયડ્સ એક શુદ્ધિકરણ પ્રક્રિયા છે જેમાં વધારાનું લોહી કુદરતના નિયમ પ્રમાણે શરીરમાંથી બહાર નીકળી જાય છે.

પરસેવો વળે તો શરમ નથી આવતી, બાથરૂમ જવું હોય તો પણ શરમ નથી આવતી તો પિરિયડ્સમાં શું કામ આવવી જોઇએ?

'ખૂણો પાળવો' આવું પહેલાંના જમાનામાં કહેવાતું હતું પણ હવે એ ખૂણો શું કામ પાળવો જોઇએ?

આમ તો મહિલાઓને જોઇએ એટલી સ્પેસ આપવામાં આવતી નથી તો પછી માસિકના સમયમાં અલગ સ્પેસ શું કામ?

આ સમયે ઓછું કામ કરીને શરીરને આરામ આપવો જોઇએ એવું કહેનારા લોકો આ મામલે બોદો બચાવ કરતા હોય છે.

મેં એક અવલોકન કર્યું છે કે નાના કરતા મોટા ગામ કે શહેરમાં આ બાબતે ઘણી જાગૃતિ છે.

આપણે ગુજરાતીઓ ઘણા મોડર્ન થયા છીએ પણ હજુ અંદરથી પણ મોડર્ન થવાની જરૂર છે."

(મિહિર રાવલ સાથેની વાતચીત અનુસાર)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો