ગુજરાતી ભાષાની આ ખૂબીઓ આપ જાણો છો?

    • લેેખક, બાબુ સુથાર
    • પદ, પીએચ.ડી. યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, અમેરિકા

માનો કે તમે ગુજરાતી ભાષાનું સંગ્રહાલય જોવા નીકળ્યા છો તો તમને ત્યાં શું જોવા મળશે? મોટા ભાગનાં સંગ્રહાલયમાં ઐતિહાસિક વસ્તુઓ હોય છે. પણ, આ સંગ્રહાલય જરા જુદા પ્રકારનું છે.

ગુજરાતી ભાષાની પણ ઐતિહાસિક વસ્તુઓ છે. પણ જો એ વસ્તુઓને સંગ્રહાલયમાં મૂકવા જઈએ તો કદાચ એ સંગ્રહાલય કેવળ પંડિતોનું જ બની જાય. દાખલા તરીકે એ સંગ્રહાલયમાં એક ઠેકાણે આવું લખેલું છે: અઇ/અઇં > એ, અઉ > ઓ, અઉં > ઉં.

તમને થશે આ વળી શું છે? અહીં એમ કહેવામાં આવ્યું છે કે ગુજરાતીમાં એક જમાનામાં લોકો 'અઇ' કે 'અઇં' બોલતા હતા એ બદલાઈને આપણા જમાનામાં 'એ' થયો.

એ જ રીતે, એક જમાનામાં ગુજરાતીઓ 'અઉ' અને 'અઉં' બોલતા હતા એ બદલાઈને આપણા સમયમાં અનુક્રમે 'ઓ' અને 'ઉં' થયા.

દેખીતી રીતે જ તમે આ સંગ્રહાલયમાં કદાચ અહીંથી આગળ નહીં જાઓ. એટલે આપણે એની વાત નથી કરવી.

આપણે તો અત્યારની ગુજરાતી ભાષાની વાત કરવી છે. આપણે "અત્યારની ગુજરાતી ભાષામાં શું જોવા જેવું છે" એની વાત કરવા માગીએ છીએ.

તમને કક્કો તો આવડતો જ હશે? જો ન આવડતાં હોત તો તમે આ વાંચી જ ન શકત? પણ તમે એ કક્કો વિશે કદી પણ વિચાર્યું છે ખરું?

તમને અંગ્રેજી ભાષા તો આવડે જ છે. એની એબીસીડી પણ આવડે છે. અને એ ભાષાના કેટલાક શબ્દો પણ આવડે જ છે. પણ, તમે કદી ય ગુજરાતી કક્કો અને અંગ્રેજી એબીસીડીની તુલના કરી છે ખરી?

અમારા શિક્ષક એક જમાનામાં એમ કહેતા કે અંગ્રેજીમાં પાંચ સ્વર છે, જ્યારે ગુજરાતીમાં? તમે જ ગણી જોજો. કેમ કે મને એવી વસ્તી ગણતરીમાં રસ નથી.

પણ, ગુજરાતી કક્કાના સંદર્ભમાં તમે એક વાત તો નોંધી જ હશે. આપણે સ્વર અને વ્યંજન જુદા લખીએ છીએ. અંગ્રેજીમાં એવું નથી. એનાં કારણો જુદાં છે.

એટલું જ નહીં, તમે સ્વરની બાબતમાં પણ એક વાત નોંધી હશે: 'અ'ને બાદ કરતાં બીજા બધા સ્વરો માટે આપણી પાસે બબ્બે ચિહ્નો છે.

એક ચિહ્ન સ્વર એકલો હોય ત્યારે વપરાય, બીજું જ્યારે સ્વર વ્યંજન સાથે જોડાય ત્યારે વપરાય.

દા.ત. 'ઓ' સ્વર લો. 'ઓસડ'માં 'ઓ' સ્વર એકલો, પણ 'છોકરો'માં 'ઓ' 'છ્' અને 'ર્' વ્યંજન સાથે આવે. આવું અંગ્રેજીમાં નથી.

એક બીજી વાત પણ તમે નોંધી હશે. આ વ્યંજન સાથે આવતાં સ્વરચિહ્ન વ્યંજન પહેલાં પણ આવે. જેમ કે 'કિરણ'ના 'કિ'માં. વ્યંજન પછી પણ આવે. જેમ કે 'કીર્તન'ના 'કી'માં.

વ્યંજનની ઉપર પણ આવે. જેમ કે 'કેળું'ના 'કે'માં. એ જ રીતે એ વ્યંજનની નીચે પણ આવે. જેમ કે 'કૂતરું'ના 'કૂ'માં.

આ કક્કાની ભૂમિતિ માણવા જેવી નથી લાગતી? અક્ષરની ચારે બાજુ સ્વરનું દ્વિતીય ચિહ્ન આવી શકે. એનો અર્થ એ થયો કે અંગ્રેજીમાં બધું ડાબેથી જમણે લખાય પણ ગુજરાતીમાં એવું નથી.

ગુજરાતીમાં ડાબે, જમણે, ઉપર, નીચે સ્વરનાં દ્વિતીય ચિહ્નો આવે. ગુજરાતીમાં એકેએક અક્ષર એક એક ચિત્ર જેવો. એમાં configuration મહત્ત્વનું.

ચાલો. હવે આપણે આગળ જઈએ. અહીં એક ભીંત પર ગુજરાતી ભાષાના નમૂના આપવામાં આવ્યા છે. ઓગણીસમી સદીથી લઈને આજ દિન સુધીના. તમને આ બધું કદાચ એક ચિત્ર જેવું લાગતું હશે.

પણ, ના. જરા ધ્યાનથી જુઓ. ઓગણીસમી સદીમાં જેમ અત્યારે હિન્દીમાં છે એમ ગુજરાતીમાં પણ શિરોરેખા વપરાતી હતી. એ શિરોરેખા કાળક્રમે નીકળી ગઈ. કેમ એવું થયું હશે?

એક મત એવો છે કે છાપખાનાના માણસોને એ શિરોરેખા બહુ કંટાળાજનક લાગી. એમણે એને કાઢી નાખી! લોકો પણ એમને અનુસરવા લાગ્યા. પરિણામે શિરોરેખા ગઈ!

એ જ રીતે, ઓગણીસમી સદીમાં બે શબ્દો વચ્ચે જગ્યા રાખવામાં ન'તી આવતી. અત્યારે સંસ્કૃતમાં છે એમ. પછી છાપખાનાના માણસોએ બે શબ્દો વચ્ચે ટપકાં મૂકવા લાગ્યા. ત્યાર પછી કેટલાકે એ ટપકાં પણ કાઢી નાખ્યાં. પરિણામે આપણે બે શબ્દો વચ્ચે જગ્યા રાખવા લાગ્યા.

તમને થશે કે એમાં શું? એવું તે ચાલ્યા કરે. ભાષા છે. પણ, ના. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે કે આ ફેરફારોને કારણે આપણા ભાષાવૈજ્ઞાનિક ચિત્તમાં પણ કેટલાક ફેરફારો આવ્યા.

આપણે ગુજરાતી ભાષા પણ સંસ્કૃત ભાષાની જેમ લખતા હતા ત્યારે એનો પદચ્છેદ કરવા માટેના નિયમો આપણે શીખવા પડતા હતા.

હવે આપણે બે શબ્દો વચ્ચે જગ્યા રાખીએ છીએ એટલે આપણે એ પદચ્છેદના નિયમો શીખવા પડતા નથી. કેમ કે આપણે જે ચિત્તમાં હતું એ હવે ચિત્તની બહાર લઈ આવ્યા! એ સાથે જ જે invisible હતું, એ visible બન્યું!

ઘણાને ખબર નહીં હોય પણ આ ઘટનાએ ગુજરાતી લેખન વ્યવસ્થાની એક નવી જ ભાત ઊભી કરી. પણ, એ ભાત હજી સ્થાયી થઈ નથી.

તમે 'રમેશજ' લખશો કે 'રમેશ જ'. એ જ રીતે, 'રમેશય' લખશો કે 'રમેશ ય'? આટલાં વરસો પછી પણ આપણે હજી આ બાબતે એકમત નથી.

જુઓ અહીં લખ્યું છે: ચાંદાને મામા, ધરતીને માતા ને સૂરજને દાદા કેમ કહીએ છીએ? હું મારા ક્લાસમાં ગુજરાતી ભણતા અમેરિકન-ગુજરાતી વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોમવર્કમાં આપતો.

આપણે બધાં જાણીએ છીએ એમ પૃથ્વી અને ચંદ્ર સૂરજમાંથી છૂટાં પડ્યાં. એટલે એ બન્ને ભાઈબહેન થયાં.

આપણે પૃથ્વીનાં સંતાનો. એટલે ચંદ્ર આપણા મામા થયા કે નહીં? અને સૂરજ દાદા થયા કે નહીં? દરેક ભાષામાં આવું 'સૌંદર્ય' ક્યાંકને ક્યાંક હોય છે. આપણે એ જોવું પડે.

એમ તો તમે 'સવાર થઈ' અને 'સવાર પડી' બન્ને વાક્યો સાંભળ્યાં હશે. કેટલાક ભાષાશાસ્ત્રીઓ કહે છે કે જ્યાં સપાટ મેદાનો છે એ લોકો સૂરજને સીધો ધરતી પર ઊગતાં જૂએ એટલે એમને 'સવાર થઈ' એવું લાગે.

પણ જે લોકો પહાડી પ્રદેશમાં રહે છે એ લોકોને સૂરજ એકાએક ઊગતાં કે આથમતાં જુએ એટલે એ લોકો 'સવાર પડી' કે 'સાંજ પડી' બોલે!

જો કે, એવું પણ બને કે 'સવાર થઈ' વાળો માણસ 'સવાર પડી'વાળા વિસ્તારમાં રહેવા જાય તો પણ એ 'સવાર થઈ' જ બોલશે.

તમને સવારે દસ વાગે કોઈ અંગ્રેજીમાં પૂછે કે કેટલા વાગ્યા તો તમે કહેશો: It is 10 AM. જો આ જ જવાબ તમે ગુજરાતીમાં આપો તો? તમે કહેશો, "સવારના દસ વાગ્યા (છે)." 'છે' બોલો પણ ખરા ને ન પણ બોલો.

હવે તમે આ બન્ને વાક્યોની તુલના કરો. અંગ્રેજીમાં તમે વર્તમાનકાળ વાપર્યો છે ને ગુજરાતીમાં ભૂતકાળ. કેમ આમ?

ગુજરાતી ભાષક એમ માને છે કે જ્યારે હું 'દસ વાગ્યા' એમ કહું ત્યારે દસ ઉપરાંત એક કે એથી વધારે સેકન્ડનો સમય વીતી ગયો છે. એટલે મારે ભૂતકાળમાં જ વાપરવો પડે.

ગુજરાતી ભાષાના આ સંગ્રહાલયમાં આવી અનેક અજાયબીઓ છે. છેલ્લે હું તમને એક 'અજાયબી' બતાવું.

તમે "હું ઘેર ગયો' અને 'હું ઘરે ગયો' બન્ને સાંભળ્યાં હશે. અહીં 'ઘરે'ને લાગેલો '-એ' સ્થળ બતાવે છે. ગુજરાતીમાં આ એક જ શબ્દ એવો છે જેને આ '-એ' પહેલા અક્ષર પર પણ લખાય છે ને છેલ્લા અક્ષર પર પણ.

આ '-એ'ને વિભક્તિનો પ્રત્યય કહેવાય છે. વળી આ એક જ વિભક્તિનો પ્રત્યય એવો છે જે 'ઘર' શબ્દમાં બન્ને જગ્યાએ વાપરી શકાય!

તમને નથી લાગતું કે આપણે સોગન ખાવા હોય તો આ '-એ'ના સોગન ખાવા જોઈએ. કેમ કે એ આ અર્થમાં અનેરો પ્રત્યય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો