You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની એ જગ્યા જ્યાં ખેતરો અને ખુલ્લાં મેદાનોમાં હીરા શોધે છે લોકો
- લેેખક, ડી એલ નરસિમ્હા
- પદ, આંધ્ર પ્રદેશના અનંતપુરથી બીબીસી ગુજરાતી માટે
ચોમાસાની શરૂઆત સાથે જ આંધ્ર પ્રદેશના કરનૂલ અને અનંતપુર જિલ્લાનાં ગામોમાં હીરાની શોધખોળ શરૂ થઈ જાય છે.
આંધ્ર પ્રદેશનું રાયલસીમા ક્ષેત્ર 'હીરાની ધરતી' તરીકે ઓળખાય છે કારણકે અહીંની જમીનમાં મોટી માત્રામાં ખનિજ મળી આવે છે.
જીએસઆઈ અધિકારીઓનું કહેવુ છે કે વજરાકરૂર, જોન્નાગિરી, પાગ દી રાઈ, પેરાવલી, તુગ્ગાલી જેવા વિસ્તારોને હીરાનો ખજાનો માનવામાં આવે છે.
પાડોશી રાજ્યોના લોકો અહીં હીરાની શોધમાં આવે છે. આ લોકો કોઈ પણ જાતની ટેકનિકલ જાણકારી વગર અહીં હીરા શોધવાના કામમાં જોતરાઈ જાય છે.
બીબીસીએ અનંતપુર જિલ્લાના ગામમાં એ લોકો સાથે વાત કરી કે જેઓ ખુલ્લાં મેદાનો અને ખેતરોમાં હીરા શોધી રહ્યા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
એક શ્રમિકે કહ્યું, "અહીં હીરા મળશે એ આશામાં અમે અમારી દરરોજની મજૂરી છોડીને આવીએ છીએ"
ગુંટૂરથી હીરાની શોધમાં આવેલા અન્ય એક વ્યક્તિ બાલૂ નાઇક કહે છે કે ગયા વર્ષે તેમના એક સંબંધીને હીરો મળ્યો હતો. એટલે આ વખતે તેઓ પણ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેવી રીતે શોધે છે હીરા?
અહીં હીરા શોધવા માટે આવતા લોકો પાસે હીરા શોધવા માટે કોઈ ટેકનિકલ કે વૈજ્ઞાનિક જાણકારી હોતી નથી. થોડા અલગ દેખાતા પથ્થરને તેઓ પોતાની બૅગમાં મૂકી દે છે.
જોકે, કઈ જગ્યાએ હીરાની શોધ કરવી એ નક્કી કરવાની પદ્ધતિ છે. આ વિશે વન્નુરુસા કહે છે કે જમીન પર પડતા સૂર્ય કે ચંદ્રના કિરણોના પ્રતિબિંબના આધારે તેઓ હીરો શોધવાની જગ્યાની પસંદગી કરે છે.
કાર્બન ડાયોક્સાઇડ કહેવાતો એક પથ્થર દેખાડીને તેઓ કહે છે કે આ પ્રકારનો પથ્થર જ્યાં પણ મળે ત્યાં હીરા મળે છે. એટલે અમે એ જગ્યાની આસપાસ જ હીરાની શોધખોળ શરૂ કરીએ છીએ.
તેઓનું એવું પણ કહેવું છે કે આ પથ્થરના આધારે જ અંગ્રેજોએ હીરા માટે ખોદકામ શરૂ કર્યુ હતું.
તેમને પણ અહીં પહેલાં એક નાનો હીરો મળી ચૂક્યો છે અને ભવિષ્યમાં પણ મળશે એવી આશા રાખે છે.
હીરાનું શું કરાય છે?
હીરા શોધી રહેલા લોકો પૈકી એકે જણાવ્યું કે હીરો મળ્યા બાદ આ લોકો તેને વચેટિયાને આપે છે.
જે તેમને હીરાની કિંમતનો નાનો હિસ્સો મહેનતાણા સ્વરૂપે આપી દે છે.
આ વિસ્તારમાં હીરા મળવા સાથે અનેક કથાઓ પણ જોડાયેલી છે.
ઇતિહાસની વાત કરીએ તો શ્રી કૃષ્ણ દેવરાયના શાસનમાં વેપારીઓ હીરા અને કિંમતી પથ્થરોને ખુલ્લા બજારમાં વેચતા હતા.
લોકો કહે છે કે સમય જતા સામ્રાજ્યોના પતન, કુદરતી આફતો અને યુદ્ધો પછી આ તમામ સંસાધન ખોવાઈ ગયા પણ હવે વરસાદ પડે ત્યારે દેખાવા લાગે છે.
જિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના ઉપ નિદેશક રાજા બાબૂ કહે છે, "આંધ્ર પ્રદેશમાં કરનૂલ અને અનંતપુર જિલ્લા તથા તેલંગાનામાં મહબૂબનગર જમીનમાં મળી આવતી ખનીજ સંપત્તિઓ માટે જાણીતાં સ્થળો છે.
જ્યારે જમીનના આંતરિક પડ પર પ્રાકૃતિક પરિવર્તન થાય છે ત્યારે આ હીરા જમીનની ઉપર આવી જાય છે."
તેઓ જણાવે છે કે હીરાને કિમ્બરલાઇટ અને લૅમ્પ્રોઇટ પાઇપમાં રાખવામાં આવે છે, જે જમીનની અંદર હોય છે.
આ પ્રકારના હીરા કરનૂલ અને અનંતપુર જિલ્લામાં પૃથ્વીના ઉપરના પડની નજીક હોય છે.
પાણી, પૂર કે વરસાદથી જમીનની ઉપર આવી જાય છે. આ પણ એક કારણ છે કે આ વિસ્તારોમાં લોકો મોટાભાગે વરસાદમાં હીરાની શોધખોળ કરે છે.
શું છે કાળો પથ્થર?
રાજા બાબૂ કહે છે, "આ વિસ્તારમાં છેલ્લાં 5000 વર્ષોમાં થયેલું માટીનું ધોવાણ પણ હીરા જમીન પર આવવા માટે કારણભૂત છે."
જીએસઆઈના અધિકારીઓ પ્રમાણે, "140-190 ફૂટ ઊંડે આવેલા ધરતીના નીચેના સ્તર પર કાર્બન પરમાણુ વધારે તાપમાન અને દબાણના કારણે હીરામાં પરિવર્તિત થઈ જાય છે."
"ધરતીમાં વિસ્ફોટ થવાથી લાવા બનવા લાગે છે અને પછી આ લાવા કાળા પથ્થરમાં બદલાઈ જાય છે. જેને કિમ્બરલાઇટ અને લૅમ્પ્રોઇટ પાઇપ કહે છે."
"આ પાઇપ હીરાના સ્ટોર હાઉસની જેમ કામ કરે છે. ખનન કંપનીઓ ધરતીમાં આ પાઇપોની ઉપસ્થિતિના આધારે જ ખોદકામ કરે છે."
16મી અને 17મી સદીનાં પુસ્તકો અને અભિલેખોથી ખ્યાલ આવે છે કે શ્રી કૃષ્ણ દેવરાય અને અંગ્રેજોના શાસન વખતે આ વિસ્તારમાં ખોદકામ કરાતું હતું.
આ વિસ્તારમાં કિમ્બરલાઇટ પાઇપ જોવા મળે છે. કેન્દ્ર સરકારે 1970માં આ શાફ્ટની આસપાસ હીરા પ્રોસેસિંગ કેન્દ્ર શરૂ કર્યું હતું.
ત્યારબાદ એ જ જગ્યાએ કિમ્બરલાઇટ પાર્ક અને એક મ્યુઝિયમ એ જ જગ્યાએ બનાવાયું હતું.
કર્ણાટકથી પણ લોકો આવે છે
લોકોની માન્યતાને સાબિત કરતા જીએસઆઈ એડિશનલ ડિરેક્ટર શ્રીધર કહે છે કે જોન્નાગિરી પાસે આવેલો અશોકનો શિલાલેખ આ વિસ્તારમાં ખનીજની હાજરીનો પૂરાવો છે.
જોકે, આર્કિયૉલૉજિકલ સોસાઇટી ઑફ ઇન્ડિયા સમર્થન આપે એ જરૂરી છે.
માત્ર આંધ્ર પ્રદેશથી જ નહીં, પાડોશી રાજ્ય કર્ણાટકના બેલ્લારીથી પણ આ ગામોમાં લોકો હીરા શોધવા આવે છે.
તેઓ આ જગ્યાની આસપાસ અસ્થાયી આવાસ બનાવી લે છે.
પોતાનું નસીબ અજમાવવા માટે વૃક્ષની છાયા, સ્થાનિક સ્કૂલો અને મંદિરોમાં રહે છે અને હીરા શોધવાની કામગીરીમાં જોતરાઈ જાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો