એવું ગામ જ્યાં દરેક ઘરની બહાર કબર છે અને લોકો પૂજા કરે છે!

    • લેેખક, શ્યામ મોહન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કબ્રસ્તાનનું નામ સાંભળતાની સાથે જ ઘણા લોકોને ડરનો અહેસાસ થવા લાગે છે. પરંતુ કોઈ તમને કહે કે એક ગામમાં દરેક ઘરની સામે કબરો આવેલી છે, તો તમે શું કહેશો?

હા, આવું જ ગામ આંધ્ર પ્રદેશમાં આવેલું છે. રાયલસીમાના આય્યાકોંડા ગામમાં દરેક ઘરની સામે એક કબર આવેલી છે.

ઘર તો ઠીક પરંતુ અહીં શાળા અને મંદિરની સામે પણ કબર આવેલી છે.

અહીંના લોકોનું જીવન જાણે કબરોની આસપાસ વણાઈ ચૂક્યું છે.

અહીં બાળકો કબરોની આસપાસ રમે છે, મહિલાઓ કબરો પાસેથી જઈને પાણી ભરે છે.

અમે જ્યારે આ ગામમાં પ્રવેશ્યા ત્યારે એ જ ખબરના પડી કે ગામમાં કબરો છે કે કબ્રસ્તાનમાં ગામ બનાવી દીધું છે.

બીબીસી સાથે વાત કરતા ગામના લોકો કહી રહ્યા છે કે તેમના વડીલોએ કહ્યું હતું કે આ કબરો અમારા વડવાઓની છે એટલે અમે તેની પૂજા કરીએ છીએ.

વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ગામના લોકો આજે પણ અનુસરી રહ્યા છે. અહીં કબરોને નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે.

શા માટે ઘરની બહાર બનાવાઈ છે કબરો?

કબરોની આ વાત સાંભળીને હવે એ પ્રશ્ન થાય છે કે ઘરની સામે આ કબરો શા માટે બનાવવામાં આવી છે.

આ સવાલ અમે ગામના સરપંચ શ્રીનીવાસુલુને પૂછ્યો, તો તેમણે આવો રસપ્રદ જવાબ આપ્યો.

તેમણે કહ્યું, "વર્ષો પહેલાં નલ્લા રેડ્ડી નામના સંતે આ ગામ માટે પોતાની તમામ મિલકતો દાનમાં આપી દીધી હતી."

તમે આ વાંચ્યું કે નહીં?

"તેમના શિષ્ય ચિંતાલા મુનિસ્વામી, જે મલા દસારી (દલિત સાધુ) હતા. તે પણ આ ગામના જ હતા. બંનેએ મળીને આ ગામના વિકાસમાં બહું મોટું યોગદાન આપ્યું છે."

"આ બંનેની યાદમાં મંદિરો પણ બનાવવામાં આવ્યાં છે અને હાલ પણ તેમની પૂજા થાય છે."

"ત્યારબાદ આ ગામમાં પરંપરા શરૂ થઈ ગઈ કે જે કોઈ મૃત્યુ પામે તેની કબર ઘરની બહાર બનાવવામાં આવે છે."

આ રીતે થાય છે કબરોની પૂજા

અહીં ગામના લોકો કબરોની દરરોજ પૂજા પણ કરે છે.

દરરોજ જમતા પહેલાં આ કબરો આગળ ભોગ ધરાવવામાં આવે છે. ગામમાં એવી માન્યતા છે કે ભોગ ધરાવ્યા વિના ભોજન લેવાથી પરિવારમાં અમંગળ થાય છે.

જ્યારે ઘરમાં કોઈ નવી વસ્તુ ખરીદીને લાવવામાં આવે છે તો તેને પણ વાપરતાં પહેલાં કબર સામે મૂકવામાં આવે છે. આ વસ્તુઓમાં હાલનાં આધુનિક ગેજેટ્સનો પણ સમાવેશ થાય છે.

ગામના સરપંચે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને કારણે ગામના લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર કરવી ખૂબ મુશ્કેલ છે.

તેમનું કહેવું છે કે હવે બાળકોને શિક્ષણ આપી તેમના દ્વારા આ માન્યતા બદલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

શ્રીનીવાસુલુએ વધારે જણાવતા કહ્યું, "40થી વધારે બાળકો ગામમાં કુપોષણથી પિડાય છે. ગામમાં આંગણવાડીની જરૂર છે પણ સરકાર તરફથી આ વાતની અવગણના થઈ રહી છે."

શ્રીનીવાસુલુએ તેમણે આ માનિકતા બદલવા માટે હવે બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. હાલ ગામનાં બાળકોને તેઓ ફ્રીમાં શિક્ષણ આપે છે.

ગામમાં બીજા પણ અવનવા રિવાજો

આય્યાકોંડા ગામમાં આ સિવાય પણ કેટલાક અવનવા રિવાજો છે.

અહીં ગામમાંથી જ યુવકો-યુવતીઓ માટે યોગ્ય પાત્ર શોધી લગ્ન કરાવવામાં આવે છે. એટલે કે આ ગામના લોકો અન્ય ગામમાં લગ્ન કરતાં નથી.

બીજી એક એવી માન્યતા છે કે ખાટલા પર સુવાથી અમંગળ થશે. જેથી આખા ગામમાં કોઈ ખાટલા પર સુતું નથી.

આ ગામના બધા જ લોકો એક જ માલા દસારી જ્ઞાતિના છે.

પહેલા અહીં વાલ્મિકી અને બોયા જ્ઞાતિના બે પરિવારો રહેતાં હતાં, પણ લોકોનું કહેવું છે કે તેમને ગંભીર રોગ થતાં તેઓ ગામ છોડીને ચાલી ગયા છે.

આ ગામમાં રહેતા 150 પરિવારોમાંથી 80 ટકા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. મોટાભાગે અહીં મરચાં, મગફળી, ડુંગળી, બાજરાની ખેતી થાય છે.

મંડલ પરિષદ ટેરેટોરિયલ કોન્સ્ટીટ્યુઅન્સી MPTCના સભ્ય ખ્વાજા નવાબે જણાવ્યું કે, જો આ કબરોને ક્યાંક બીજે શીફ્ટ કરીએ તો શક્ય છે કે આ ગામના લોકોના મનની અંધશ્રદ્ધાઓમાં થોડો ફરક પડે. જોકે, સરકાર આ અંગે કોઈ નિર્ણય નથી લઈ રહી.

ગામના મુખી રંગાસ્વામીનું કહ્યું કે આ પ્રથા ગામમાં ઘણાં વર્ષોથી છે. જો હવે તેને તોડીએ કદાચ હેરાન થઈએ પણ આવી રીતે ક્યાં સુધી ચાલશે.

તેમનું કહેવું છે, "અમને ચિંતા છે કે ભવિષ્યમાં કબર બનાવવા માટે જગ્યા નહીં રહે, અમે સરકાર પાસે જગ્યા માગી રહ્યા છીએ. પણ કંઈ થઈ નથી રહ્યું. ચૂંટણી સિવાય કોઈ નેતાઓ અહીં આવતા નથી."

બીબીસીએ બુટ્ટા રેણુકા કે જે કુરનૂલના ધારાસભ્ય છે, તેમને સવાલ કર્યો કે કુરનૂલમાં એવું એક ગામ છે જે આટલા બધી અંધશ્રદ્ધામાં જીવી રહ્યા છે.

રેણુકાએ કહ્યું કે, ''તમે જણાવ્યું ત્યારે જ ખબર પડી કે અમારી બેઠકમાં આવું એક ગામ છે, મેં મારી ટીમને આ ગામના ફોટા લેવાનું કહ્યું છે. જિલ્લા કલેક્ટરની મદદથી અમે એક રિપોર્ટ પણ મંગાવીશું.

જો ગામના લોકોની ઇચ્છા અનુસાર કબ્રસ્તાનને ક્યાંક શિફ્ટ કરીશું કે પછી ગામના લોકોને જમીન ફાળવીને તેમને યોગ્ય જગ્યા આપીશું.''

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો