ગુજરાતનું એવું ગામ કે જ્યાં પાણી નથી એટલે કોઈની પાસે રાણી નથી!

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતમાં સંખ્યાબંધ લોકો વિકાસ કરવા માટે ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર કરે છે ત્યારે 32 વર્ષના જીગ્નેશ પટેલે બાપદાદાની ખેતી સંભાળવા માટે શહેરમાં ન જવાનું નક્કી કર્યું.

એમણે આધુનિક ખેતી કઈ રીતે કરાય તે ઇન્ટરનેટ પરથી શીખી લીધું. કડકડાટ અંગ્રેજી બોલતા જીગ્નેશ પોતાની આવકનો આંકડો કહેતા નથી.

એમનું ભણતર અને આર્થિક સ્થિતિ જોઈને ઘણી છોકરીઓનાં માગા આવતાં હતાં.

મેટ્રીમોનિયલ સાઇટ પર પણ ઘણાં માગા આવ્યાં પણ છોકરીવાળા જેવા તેમના ગામની મુલાકાત લે ત્યારે છોકરો ગમતો હોવા છતાં છોકરી આપવાની ના પાડી દે.

આવું જ જીગ્નેશનાં ગામના પરેશભાઈ પટેલ સાથે પણ થયું છે.

48 વર્ષના પરેશ પટેલ પાસે 30 વીઘા જમીન છે, બેન્કમાં 50 લાખનું બેલેન્સ છે, પણ લગ્ન નથી થતાં.

કેમ આ ગામમાં કોઈ છોકરીઓ પરણાવવા તૈયાર નથી?

કારણ કે ગામમાં પ્રદૂષિત પાણીના લીધે કોઈ છોકરી પરણાવવા તૈયાર નથી. પરેશભાઈ ઘરે એકલા રહે છે.

એમનું જમવાનું બનાવવા રસોઇયો આવે છે. પત્ની વિના પરેશભાઈ જિંદગી જીવતા શીખી ગયા છે.

આ વાંચ્યું કે નહીં?

આ વાત છે, વાઇબ્રન્ટ ગુજરાતનાં શહેર અમદાવાદથી પથરો નાંખીએ એટલે દૂર આવેલાં ચોસર ગામની.

આ ગામમાં લોકો પાસે પૈસા છે, જમીન છે, ઘર છે પણ ઘર માંડવા માટે રાણી નથી, કારણ કે ગામમાં શુદ્ધ પાણી નથી. વાંચીને થોડી નવાઈ લાગશે પરંતુ આ હકીકત છે.

અમદાવાદના છેવાડે આવેલા ચોસર ગામમાં અડધોઅડધ લોકો એવા છે કે જેમની પાસે બૅન્કમાં લાખો રૂપિયાનું બેલેન્સ હોય, ખેતીની માતબર આવક હોય પણ પત્ની ન હોય.

કારણ કે આ ગામમાં પાણી એટલું પ્રદૂષિત છે કે ગામના જુવાનિયાઓ સાથે કોઈ પરણવા તૈયાર થતું નથી. પ્રદૂષિત પાણીના કારણે આખુંય ગામ રાણીની શોધમાં ફરે છે.

80ના દાયકામાં ચોસરમાં પશુપાલન અને ખેતી એટલા મોટા પાયે હતી કે બાજુમાં આવેલાં ગામડી ગામમાંથી ડેરીનું દૂધ અમદાવાદમાં વેચાવા આવતું હતું.

હવે વટવા જીઆઇડીસીનું પ્રદૂષિત પાણી એટલી હદે વધી ગયું છે કે, ગામમાં પાણીના કારણે લોકો બીમાર પડે છે.

તેથી આ ગામમાં કોઈ પોતાની છોકરીને પરણાવવા તૈયાર થતું નથી.

નહાવા માટે પાણી બહારથી મંગાવવું પડે

અમદાવાદને અડીને આવેલા આ ગામમાં ખારી નદીના પ્રદૂષિત પાણીનો એટલો કહેર છે કે અહીં ગામમાં પ્રવેશતાની સાથે જ નાક પર રૂમાલ રાખવો પડે છે.

ગામની નદીમાં કાળું પાણી વહે છે. તેમાંથી આવતી ગંધને કારણે નદી પાસેથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે.

પ્રદૂષિત પાણીનાં કારણે ગામમાં લોકોને ચામડી અને પેટના રોગો થાય છે.

ચોસર ગામના ડૉ. પ્રવીણ પટેલ કહે છે, “ચોસર ગામમાં 40 વર્ષથી મેડિકલ પ્રેક્ટિસ કરું છું."

“લગભગ દરેક ઘરમાં ચામડીના રોગ છે. પેટની સમસ્યા તો છે જ, ઝાડા-ઉલ્ટીના કેસ વધારે આવે છે. ફેફસાંના રોગોનું પ્રમાણ વધી ગયું છે.”

ડૉ. પટેલ ઉમેરે છે, “ઍલર્જિક બ્રોન્કાઇટિસનું પ્રમાણ પણ ખૂબ વધી ગયું છે."

“એટલું જ નહીં, જેના કારણે ગામમાં લોકો માત્ર પીવાનું પાણી જ નહીં, નહાવા માટે પણ બહારથી પાણી મંગાવે છે."

“અલબત્ત સંપન્ન લોકોને જ આવું પોસાય છે. મહીને દરેક જણને નહાવા માટે પાણી ખરીદવા 1500 રૂપિયા ખર્ચવા પડે છે.”

ગામમાં 150 લોકો કુંવારા

ગામના ભૂતપૂર્વ સરપંચ ગાભાજી ઠાકોર કહે છે કે, “અહીં ગામમાં પ્રદૂષિત પાણીનાં કારણે લોકો ફળદ્રુપ અને ઉપજાઉ જમીન સસ્તામાં વેચીને અમદાવાદ જવા લાગ્યા છે."

“અમે સરકારમાં અનેક વખત રજૂઆત કરી પણ કોઈ જ ફરક પડ્યો નથી. ગામમાં શુદ્ધ પાણી ન મળતું હોવાને કારણે છોકરાઓ વાંઢા રહે છે.”

આવી જ રીતે ચોસર ગામમાં પોતાની અનાજની દુકાન બંધ કરી ઘર વેચીને અમદાવાદ રહેવા ગયેલા ફરીદ પટેલે દુકાનને ગોડાઉન બનાવી દીધું છે.

તેઓ કહે છે કે અમદાવાદ મોંઘું છે પણ છોકરાઓના ભવિષ્ય માટે જમીન અને ઘર વેચીને અમદાવાદમાં ફ્લેટ લીધો છે અને દુકાન બનાવી છે.

ચોસરની દુકાન ગોડાઉન તરીકે રાખી છે, જેથી ગામ સાથેનો નાતો તૂટી ન જાય.

છેલ્લાં 25 વર્ષથી પ્રદૂષિત પાણીનાં કારણે ચોસરના લોકોની જિંદગી નર્ક સમાન બની ગઈ છે, છતાં સરકારની નજર અહીં પડતી નથી.

ગામના આગેવાન મુકેશ પટેલ કહે છે, “અહીં 150 પુરુષોનાં લગ્ન થયાં નથી. આ ગામમાં રહેનારા યુવકોને કોઈ છોકરી પરણાવવા તૈયાર થતું નથી.”

મુકેશ પટેલે ઉમેર્યું, “પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાંથી પાણીનાં સેમ્પલ લઈ ગયા છે અને શું કાર્યવાહી થઈ રહી છે એની ખબર નથી.”

GPCB એ હવે પગલાં ભરવાનું શરૂ કર્યું

અલબત્ત મોડેથી જાગેલું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હવે લાલ આંખ કરી રહ્યું છે.

જીપીસીબીના રિજનલ ઓફિસર પરાગ દવે કહે છે, “હવે બોર્ડે કડક પગલાં લીધાં છે. અહીં વટવા જીઆઇડીસીમાંથી છોડવામાં આવતું પ્રદૂષિત પાણી બંધ કરાવવામાં આવ્યું છે."

“પ્રદૂષિત પાણી ટ્રીટમેન્ટ કર્યા પછી જ નદીમાં છોડવામાં આવે છે. આ નિયમનું કડક પાલન થાય એ માટે વિજિલન્સ કમિટીની રચના કરવામાં આવી છે.”

“આ કમિટી દ્વારા ખારી નદીમાં કોઈ ખરાબ પાણી ન નાંખે એની તકેદારી રાખવામાં આવે છે. જો કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા અશુદ્ધ પાણી નાખવામાં આવે તો કડક કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

“તેથી આવનારા દિવસોમાં પાણીનાં પ્રદૂષણની સમસ્યા હલ થઈ શકશે.”

ગામ લોકોનો અનોખો પ્રયાસ

સરકારી બાબુ ભલે કહેતા હોય કે પાણીની સમસ્યાનો નિકાલ આવશે, પરંતુ પાતળી વોટ બેન્ક ધરાવતા આ ગામે હવે 'પાણી નહીં, તો વોટ નહીં'નો નિર્ધાર કર્યો છે.

એટલે જે લોકો ગામ છોડીને ગયા છે એ તમામના વોટર આઇડી કાર્ડ ગામના એડ્રેસ પર બનાવાયાં છે.

જેથી મતદાતાની સંખ્યા વધવાને કારણે એમની વાત સરકાર કાને ધરે પરંતુ જે રીતે ખારી નદીનાં પ્રદૂષિત પાણીના કારણે લોકોનાં લગ્ન નથી થતાં અને 150 જણા પૈણું-પૈણું કરે છે.

બીજી તરફ લોકો ગામ છોડીને શહેરમાં જઈ રહ્યા છે, ત્યારે ચોસર ગામનું નામ આવનારા દિવસોમાં વાંઢાનું ગામ થાય તો નવાઈ નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો