2002ના તોફાનોમાં મોબાઇલ ફોને આમ પકડાવ્યા તોફાનીઓને

    • લેેખક, પ્રશાંત દયાળ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

27 ફેબ્રુઆરી, 2002માં ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એકસપ્રેસના એસ-6 કોચને આગ ચાંપી દેવામાં આવી હતી.

કારણ તેમાં અયોધ્યામાં રામ મંદિર થવુ જોઈએ તેવી માંગણી કરતા કારસેવકો પ્રવાસ કરી રહ્યાં હતાં.

સાબરમતી એકસપ્રેસના એસ-6 કોચ આગમાં ખાખ થઈ ગયો જેમાં 57 કારસેવકો હતાં.

આ ઘટનાના બીજા દિવસે એટલે કે તા 28મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પણ ભડકે બળવા લાગ્યું અને અમદાવાદમાં ત્રણ મોટા નરસંહાર થયા.

જેમાં નરોડા પાટીયા-નરોડાગામ અને ગુલબર્ગ સોસાયટી પણ હતી.

આ ઘટના પછી પોલીસે પોતાની જૂની પુરાણી કામ કરવાની પધ્ધતિ પ્રમાણે રસ્તા ઉપર જે હાજર હતા તેમને પકડી પકડી અલગ અલગ કેસમાં પૂરી દીધા હતા.

જેમાંથી કેટલાંક દોષીત હતા, તો અનેક નિર્દોષ પણ હતા.

ગુજરાતમાં થઈ રહેલા તોફાનો રોકવા અને ભડકાવવામાં અલગ અલગ લોકોને રસ હતો, પણ ભાવનગરના ડીએસપી રાહુલ શર્માએ તોફાનીઓ દેખાય તેને ઠાર કરોનો આદેશ આપ્યો હતો.

તમે આવાંચ્યું કે નહીં?

જોકે આઈપીએસ અધિકારી રાહુલ શર્માનો આ આદેશ તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાને પસંદ પડયો નહીં, તેમણે તેમની બદલી અમદાવાદ કરી દીધી.

પરંતુ અમદાવાદ પહોંચેલા શર્મા ફરી વખત તંત્ર માટે માથાનો દુખાવો બન્યા.

શર્મા તોફાનમાં માલ-મિલ્કત અથવા માણસ ગુમાવ્યો હોય અને તેની ફરિયાદ ન નોંધાઈ હોય તેવા લોકોને બોલાવી બોલાવીને તેમની ફરિયાદ નોંધવા લાગ્યા.

એટલે અમદાવાદ પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડેએ તેમને કંટ્રોલરૂમમાંથી ખસેડી ક્રાઈમ બ્રાન્ચની મદદમાં મૂકી દીધા હતા.

ત્યાં રાહુલ શર્માને કંઈ જ કરવાનું નહોતું, પણ તેમણે કામ શોધી કાઢ્યું.

2002માં ગુજરાતમાં મોબાઇલ ટેલિફોનની સુવિધા આપતી બે જ કંપનીઓ હતી, તેમણે આ બે મોબાઇલ કંપનીઓને કહ્યું તે 28 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ મોબાઈલ ધારકોની કોલ્સ ડિટેઇલ આપો.

રાહુલ શર્માને મોબાઇલ કંપની દ્વારા જે કોલ ડિટેઇલ્સ આપવામાં આવી તે એક મોટો પુરાવો સાબિત થવાનો હતો.

ભારતમાં આ પ્રકારની ઘટનામાં મોબાઇલ કોલ્સનો ઉપયોગ ગુનેગારને પકડવામાં અને આરોપ સાબિત કરવામાં કેટલો મહત્ત્વનો પુરવાર થઈ શકે છે, એ ગુજરાત સરકારના વકીલોને ખબર પડી ગઈ હતી.

જેના કારણે ગોધરાકાંડની તપાસ કરી રહેલા જસ્ટિસ નાણાવટી સામેની જુબાનીમાં રાહુલ શર્માએ આ સીડી રજૂ કરી હતી.

બીજી તરફ ગુજરાત સરકારે તેમની પાસે આવી કોઈ સીડી હોવાનો ઇન્કાર કરી આવી સીડીને પુરાવો માની શકાય તેમ નથી એમ કહીને બચાવ કર્યો હતો.

પણ આશ્ચર્ય વચ્ચે નાણાવટી પંચમાં ગુજરાત સરકાર રાહુલ શર્માની સીડીનો વિરોધ કરી રહી હતી, ત્યારે તોફાનની તપાસમાં માટે નિયુકત સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમે (SIT) રાહુલ શર્માની સીડીને પુરાવા રૂપે ગણી.

SITએ કોલ્સ ડિટેલના આધારે જેઓ નહોતા પકડાયા અથવા જેમના નામ તોફાનમાં ખૂલ્યાં નહોતા તેવા લોકોને બોલાવી તેમની પૂછપરછ શરૂ કરી.

SITએ ફોન કોલ્સના આધારે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહરાજય મંત્રી ગોરધન ઝડફિયાને પણ નિવેદન નોંધવા માટે બોલાવ્યા હતા.

ઉપરાંત તોફાન વખતે ફરજ ઉપરના આઈપીએસ અધિકારી એમ કે ટંડન અને પી બી ગોંદીયાની હાજરી પણ કયાં હતી તે તેમના ફોન કોલ્સના આધારે ખબર પડી હતી.

SITનો હિસ્સો રહેલા ગુજરાતના આઈપીએસ અધિકારી હિમાંશુ શુકલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે રાહુલ શર્માની સીડીને અમે પુરાવા રૂપે લીધી હતી.

ટ્રાયલ કોર્ટ સામે પણ અમે પચાસ કરતાં વધુ આરોપીઓની હાજરી બનાવના સ્થળે પ્રસ્થાપિત કરવા તેમજ તેઓ કોની સાથે સંપર્કમાં હતા તે સાબિત કરવા તેમના જ ફોન કોલ્સનો રેકોર્ડ કોર્ટ સામે મુકયો હતો.

જે ટ્રાયલ કોર્ટે માન્ય પણ રાખ્યો હતો. ફોન કોલ્સ એક સાંયોગિક પુરાવો હતો. જેમાં માયાબહેન કોડનાની હાજરી પણ ફોન દ્વારા જ પ્રસ્થાપિત થઈ હતી.

જ્યારે અસરગ્રસ્તો વતી કેસ લડતા વકીલ શમશાદ પઠાણ બીબીસી ગુજરાતીને કહે છે, “SIT દ્વારા રાહુલ શર્માએ એકત્રિત કરેલા ફોન કોલ્સની ડિટેઇલ કોર્ટમાં રજૂ કરી પણ આ પુરાવો તેઓ સારી રીતે કોર્ટ સામે મૂકવામાં નિષ્ફળ ગયા છે.”

જ્યારે આ 2002માં તમામ ફોન ધારકોની કોલ્સ ડિટેલ મેળવનાર પૂર્વ આઈપીએસ રાહુલ શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, “માત્ર કોલ્સ ડિટેઇલ રજૂ કરવાથી કામ પૂર્ણ થતું નથી.”

“SITએ કોલ્સ ડિટેઇલ મૂકયા પછી તેની ઉપર આરોપી ફોનધારકની હાજરી બનાવ સ્થળે સાબિત કરવા માટે આરોપીના ફોનની માલિકી, ટાવરની હાજરીના પુરાવા રજૂ કરવાની જરૂર હતી.”

“જે દિશામાં કંઈ જ થયું નહીં, તેના કારણે ફોન કોલ્સ પુરાવા રૂપે કોર્ટમાં ટકી શકયા નહીં.”

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો