You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતથી દિલ્હી અને મુંબઈનું અંતર ઘટાડશે આ એક્સપ્રેસવે!
દેશની રાજધાની દિલ્હી અને મુંબઈ વચ્ચે દોડનારી ટ્રેનને સામાન્ય રીતે 1500 કિલોમીટરનું અંતર કાપવામાં 16 કલાકનો સમય લાગે છે. જોકે, તેનો નક્કી કરેલો સમય 14 કલાકનો છે.
પરંતુ આમ છતાં આ ટ્રેનનાં વખાણ કરનારા લોકો ઓછા નથી. દેશનાં બે મોટાં શહેરોને આટલા સમયમાં જોડનારી ટ્રેન ખરેખર ખાસ છે.
પરંતુ હવે એવો રોડ બનાવવાની વાત થઈ રહી છે જે ટ્રેન કરતાં પણ ઓછા સમયમાં તમને એક શહેરથી બીજા શહેર પહોંચાડી દેશે.
ખાસ વાત એ છે કે તે ગુજરાતમાંથી પસાર થઈને મુંબઈ જશે. જેથી ગુજરાતથી દિલ્હી અને મુંબઈ જવાનું વધારે સરળ થઈ જશે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ એક્સપ્રેસ પ્રોજેક્ટ હરિયાણાના મેવાત અને ગુજરાતના દાહોદ જેવા પછાત જિલ્લાઓમાંથી પસાર થશે.
તેનો પૂરો રૂટ દિલ્હી-ગુડગાંવ-મેવાત-કોટા-રતલામ-ગોધરા-વડોદરા-સૂરત-દહિંસર-મુંબઈ છે.
કુલ કેટલો ખર્ચ થશે?
કેન્દ્રીય માર્ગ અને વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દિલ્હીની બાજુમાં આવેલા ગુડગાંવ અને મુંબઈ વચ્ચે નવો એક્સપ્રેસવે બનાવવામાં આવશે અને તેનો ખર્ચ 1 લાખ કરોડ રૂપિયા આવશે.
માર્ગ અને વાહન વ્યવહાર વિભાગે એક નિવેદનમાં કહ્યું, "એક લાખ કરોડ રૂપિયા એક્સપ્રેસવે પર ખર્ચ કરવામાં આવશે. નીતિન ગડકરી દિલ્હી અને એનસીઆરમાં ટ્રાફિક ઓછી કરવા માટે અને ટ્રાફિકજામ ઘટાડવા માટે 356 અબજની કુલ 10 યોજનાઓ પર કામ કરી રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે આ વાંચ્યું કે નહીં?
એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે નેશનલ હાઇવે 8ના 1,450 કિલોમીટરના અંતરને ઘટાડીને 1,250 કિલોમીટર સુધી લઈ જવાશે.
સાથે જ આ અંતરને કાપવામાં 20થી 24 કલાકને બદલે 12 કલાકનો સમય લાગશે.
ગડકરીનું એ પણ કહેવું છે કે કામને ઝડપી બનાવવા માટે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર 40 અલગ-અલગ જગ્યાએ કામ શરૂ કરવામાં આવશે.
પરંતુ શું આ એક્સપ્રેસવે સફળ થશે? શું કેન્દ્ર સરકાર ખરેખર તેને 2020-21 સુધીમાં પૂરો કરી શકશે? સવાલ ઘણા છે અને જવાબ સમય જ આપશે.
શા માટે આ એક્સપ્રેસવેમાં લાગશે ઓછો સમય?
ઇન્ડિયન એક્પ્રેસ મુજબ આ એક્સપ્રેસવે અંતરને કાપવામાં લાગતા સમયમાં 8 કલાક ઓછા કરી દેશે.
તેનું એક મુખ્ય કારણ એ છે કે આ એક્સપ્રેસવે ઓછા વિકસિત વિસ્તારોમાંથી નીકળશે.
કારણ કે આ વિસ્તારોમાં વસતિ ઘણી ઓછી છે, ત્યાં ટ્રાફિક પણ બહુ ઓછો છે અને એક્સિડન્ટની શક્યતા પણ ઓછી હશે.
ટ્રાફિક ઓછી હોવાને કારણે ગાડી ચલાવનારા વધારે સ્પીડ રાખી શકશે.
આ સમગ્ર યોજના ચાર ચરણોમાં પૂરી કરવામાં આવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનું પહેલું ચરણ શરૂ થઈ ગયું છે.
તે દિલ્હીને જયપુર અને વડોદરાને મુંબઈ સાથે જોડશે. તે બાદ જયપુરને કોટા અને કોટાને વડોદરા સાથે જોડશે.
જોકે, આ યોજનામાં જમીન સંપાદન સૌથી મોટી અડચણ બની શકે છે. તેના પર કરોડો રૂપિયા ખર્ચવા પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો