કસરત કરીએ ત્યારે આપણા શરીરની ચરબી ક્યાં જાય છે?

કસરત કરવાથી શરીરમાંની ચરબીમાં ઘટાડો થાય છે પણ એ ચરબી આખરે જાય છે ક્યાં? તમારા પાસે છે આ કોયડાનો જવાબ?

આ સવાલનો આશરે 150 ડૉક્ટરો, આહાર નિષ્ણાતો અને શારીરિક પ્રશિક્ષકોએ ખોટો જવાબ આપ્યો હતો.

આ વિશે તમે શું જાણો છો એ ચકાસીએ.

સવાલ અત્યંત સરળ છેઃ કોઈ વ્યક્તિ કસરત કરીને તેનું વજન ઘટાડે ત્યારે તેના શરીરમાંની ચરબી ક્યાં જાય છે?

આ સવાલના જવાબ માટે ત્રણ વિકલ્પ છે.

  • ચરબીનું રૂપાંતર ઊર્જા અને ઉષ્મામાં થાય છે
  • ચરબીનું રૂપાંતર માંસપેશીમાં થાય છે
  • ચરબીનું રૂપાંતર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં થાય છે

તમારો જવાબ વિકલ્પ 1 અથવા 2 હોય તો ચિંતા કરશો નહીં. તમારો જવાબ ખોટો છે.

ઑસ્ટ્રેલિયાની ન્યૂ સાઉથ વેલ્સ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ બાયોમોલિક્યૂલર સાયન્સના વિજ્ઞાની રુબેન મીરમૈન હાથ ધરેલા એક સર્વે હેઠળ 147 નિષ્ણાતોએ આ રીતે ખોટો જવાબ આપ્યો હતો.

ઘણા નિષ્ણાતો નથી જાણતા જવાબ

ચરબીનું રૂપાંતર ઊર્જામાં થાય છે એ સર્વસામાન્ય પ્રતિભાવ હતો.

ચરબીનું ઊર્જામાં રૂપાંતર વાસ્તવમાં ભૌતિક દ્રવ્ય સંરક્ષણના નિયમોની વિરુદ્ધ છે, જેમાં તમામ રસાયણિક પ્રતિક્રિયાઓનું પાલન કરવામાં આવે છે.

વિકલ્પ ક્રમાંક બે વિશે મીરમૈને જણાવ્યું હતું કે ચરબીનું માંસપેશીમાં રૂપાંતર અશક્ય છે.

બ્રિટિશ મેડિકલ જર્નલમાં 2014માં પ્રકાશિત કરવામાં આવેલા મીરમૈનના એક સંશોધન મુજબ, આ સવાલનો સાચો જવાબ વિકલ્પ ક્રમાંક 3 છે. ચરબીનું રૂપાંતર કાર્બનડાયૉક્સાઇડ અને પાણીમાં થાય છે.

તેમાં શરીરના મુખ્ય ઉત્સર્જન અંગે ફેફસાંની ભૂમિકા સૌથી મહત્ત્વની હોય છે.

સંશોધનના તારણ અનુસાર, "શરીરમાંથી પાણી, પેશાબ, શ્વાસ અને અન્ય શારીરિક તરલ પદાર્થોના સ્વરૂપમાં બહાર નીકળે છે."

મીરમૈને theconversation.com પર લખ્યું હતું, "તમારા શરીરમાંથી 10 કિલો ચરબી ઓછી કરો તો તેમાંથી 8.4 કિલો કાર્બનડાયૉક્સાઈડના માધ્યમથી અને બાકીની 1.6 કિલો પાણીના સ્વરૂપમાં બહાર નીકળે છે."

સરળ શબ્દોમાં સમજીએ તો વ્યવહારિક રીતે આપણે વજનમાં જે ઘટાડો કરીએ છીએ તે આપણે શ્વાસના સ્વરૂપમાં છોડતા હોઈએ છીએ.

ડૉક્ટરો ખોટા કેમ હતા?

આ સર્વેક્ષણ હેઠળના 150 નિષ્ણાતો પૈકીના માત્ર ત્રણે સાચો જવાબ આપ્યો હતો. મીરમૈને ઑસ્ટ્રેલિયાના નિષ્ણાતોને આ સર્વેક્ષણમાં આવરી લીધા હતા.

તેમણે બીબીસીને જણાવ્યું તેમ, અમેરિકા, બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં પણ આવી ખોટી ધારણા પ્રવર્તતી હોવાનું તેમને જાણવા મળ્યું હતું.

આપણે જે કંઈ ખાઈએ છીએ તેમાં કેટલો ઑક્સિજન લઈએ છીએ તેની ગણતરી પણ થવી જોઈએ આ તથ્ય મીરમૈનના નિષ્કર્ષનો આધાર છે.

દાખલા તરીકે, તમારા શરીરમાં 3.5 કિલો ખાવાનું અને પાણી જતું હોય તો એ દરમિયાન 500 ગ્રામ ઓક્સિજન પણ જતો હોય છે.

તેથી તમારા શરીરમાંથી ચાર કિલો સામગ્રીનો નિકાલ થવો જોઈએ.

મીરમૈનના જણાવ્યા મુજબ, "એવું નહીં થાય તો તમારું વજન વધી જશે."

સ્થૂળતા ઘટાડવા શું કરવું?

મીરમૈનના જણાવ્યા અનુસાર, "વજન ઘટાડવા માટે ફેટ કોશિકાઓમાંથી કાર્બન બહાર કાઢવો જરૂરી હોય છે."

જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે કાર્બન છોડીએ છીએ. આપણે વધુ શ્વાસ લઈશું તો કાર્બનમાં રૂપાંતરિત થયેલી ફેટને ઘટાડવામાં સફળ થઈએ એવું બની શકે?

મીરમૈન લખે છે, "કમનસીબે એવું થતું નથી, કારણ કે જરૂર કરતાં વધુ શ્વાસ લેવાથી હાઇપર્વેન્ટલેશન થઈ જશે. તેના લીધે તમને ચક્કર આવશે. તમે બેભાન પણ થઈ શકો."

"તમારા શરીરમાંથી બહાર નીકળતા કાર્બનડાયૉક્સાઇડની માત્રા વધી શકે તેનો એકમાત્ર ઉપાય છે. એ માટે તમારે તમારી માંસપેશીઓની ગતિવિધિઓને વધારવી પડશે."

શું છે સૌથી રામબાણ ઉપાય?

કસરત ઉપરાંત જેનાથી આપણે કાર્બનડાયૉક્સાઇડ ઉત્પન્ન કરીએ છીએ તેવા અન્ય તરીકાઓ પણ મીરમૈન જણાવે છે.

દાખલા તરીકે, 75 કિલો વજન ધરાવતી એક વ્યક્તિ આરામના સમયમાં 590 ગ્રામ કાર્બનડાયૉક્સાઇડ ઉત્પન્ન કરતી હોય છે.

મીરમૈન કહે છે, "આ પ્રમાણમાં કોઈ દવા કે પીણું વધારો કરી શકે નહીં."

ઊંઘતી વખતે એક વ્યક્તિ લગભગ 200 ગ્રામ કાર્બનડાયૉક્સાઇડનું ઉત્સર્જન કરતી હોય છે.

એ ઉપરાંત ઊભા રહીને તૈયાર થવાથી તમારો મેટાબોલિક રેટ બમણો થઈ જાય છે. ભોજન રાંધવાથી, ઘરની સફાઈ કરવાથી અને ટહેલવા જવાથી એ દર ત્રણગણો થઈ જાય છે.

તેથી મીરમૈનના જણાવ્યા મુજબ, વજન ઘટાડવું હોય તો "ઓછું ખાઓ અને શરીરને વધુમાં વધુ ચલાવો."

મીરમૈન અંતે નોંધે છે, "જે આહારથી તમારા શરીરમાં ઓછી ઊર્જા આવતી હોય તે તમારું વજન ઘટાડવામાં બહુ મદદરૂપ સાબિત થશે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો