પાણી વિના માણસ કેટલા દિવસ જીવંત રહી શકે?

દર વર્ષે 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. પાણી સંબંધી પડકારો વિશે લોકોમાં જાગૃતિ આવે એ હેતુસર સંયુક્ત રાષ્ટ્રસંઘે આ દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી.

સોશિઅલ મીડિયા પર આ સંબંધે ઘણાં સવાલ પૂછવામાં આવે છે, જેમાંથી એક સવાલ એ છે કે પાણી વિના માણસ કેટલા દિવસ જીવંત રહી શકે?

વધુમાં વધુ કેટલા દિવસ?

અનેક લોકપ્રિય લેખોના સારસ્વરૂપે ગૂગલ આ સવાલના જવાબમાં જણાવે છે કે માણસ ભોજન લીધા વિના લગભગ 20 દિવસ સુધી જીવતો રહી શકે, પણ પાણી વગર ત્રણ-ચારથી વધારે દિવસ જીવવું મુશ્કેલ છે.

બીજી તરફ બાયોલોજીના અમેરિકન પ્રોફેસર રેંડલ કે. પેકર જણાવે છે કે આ સવાલનો જવાબ આટલો સરળ ન હોઈ શકે.

મતલબ કે ગરમીની મોસમમાં બંધ મોટરકારમાં બેઠેલું બાળક ગરમીમાં રમતા ઍથ્લીટને પાણી ન મળે તો તેમનું ગણતરીના કલાકોમાં મૃત્યુ થઈ શકે છે.

પાણીનું સંતુલન

સવાલ એ છે કે આવું શા માટે થાય છે? તેનો એક જ જવાબ છેઃ ડિહાઈડ્રેશન. એટલે કે શરીરમાં પાણીની માત્રામાં જોરદાર ઘટાડો.

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર, ડિહાઈડ્રેશન એવી અવસ્થા હોય છે જ્યારે તમારું શરીર જેટલી માત્રામાં પાણી છોડી રહ્યું હોય છે એટલી માત્રામાં તેને પાણી મળી રહ્યું હોતું નથી.

નાનાં બાળકો અને વયોવૃદ્ધોમાં ડિહાઈડ્રેશનનું જોખમ સૌથી વધુ હોય છે. તેના પર યોગ્ય સમયે ધ્યાન આપવામાં ન આવે તો ડિહાઈડ્રેશન જીવલેણ સાબિત થઈ શકે છે.

પાણી ન મળે તો મોત કેવી રીતે થાય?

  • શરીરમાં પાણીની માત્રા ઘટે ત્યારે સૌથી પહેલાં મોં સૂકાય છે, તરસ લાગે છે. એ ડિહાઈડ્રેશનની પહેલી નિશાની છે.
  • એ પછી પેશાબનો રંગ એકદમ પીળો થવા લાગે છે. તેમાં દુર્ગંધ વધી જાય છે.
  • ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, શરીરમાં પાણી ઘટવાથી લોહીમાં સુગર તથા સોડિયમનું સંતુલન ખોરવાય જાય છે. તેથી આવું થાય છે.
  • થોડા કલાકો પછી થાકની અનુભૂતિ થવા લાગે છે. બાળકો રડે તો છે, પણ તેમને આંસુ આવવાનું બંધ થઈ જાય છે.
  • એ પછીની કેટલીક કલાકોમાં પેશાબની માત્રા એકદમ ઘટી જાય છે. કેટલાક લોકોને ચક્કર આવવા લાગે છે અને આંખોમાં થાક અનુભવાય છે.
  • બીજા દિવસે વધારે ઊંઘ આવે છે. શરીર કોઈ પણ ભોગે પાણી બચાવવાના પ્રયાસ કરવા લાગે છે.
  • ડાયાબિટીસના, હૃદયરોગના દર્દીઓ તથા અતિસારથી પીડાતા લોકોમાં આ લક્ષણો વહેલાં જોવા મળી શકે છે.
  • વધુ પ્રમાણમાં દારૂ પીતા અને 38 ડિગ્રી ઉષ્ણતામાનમાં કામ કરતા લોકોની હાલત પણ વધારે ઝડપથી બગડે છે.
  • બીજા દિવસના અંત સુધીમાં પેશાબનો અંતરાલ આઠ કલાકથી વધારેનો થઈ જાય છે.
  • ધબકારા ઝડપી બની જાય છે. ત્વચા પર પાણીની ઓછપ સ્પષ્ટ દેખાવા લાગે છે.
  • લોકો કંઈ નિહાળી શકતા નથી અથવા તો તેમની દૃષ્ટિ ધૂંધળી થઈ જાય છે.
  • નબળાઈ એટલી વધી જાય છે કે ઊભા રહેવામાં પણ તકલીફ થવા લાગે છે. હાથ-પગ ઠંડા પડતા જાય છે.

પાણી છે બહુ જરૂરી

આ સ્થિતિ ખતરનાક હોય છે. એ પછી કોઈનું પણ મોત થઈ શકે છે અથવા સારવાર પછી પણ દર્દીને બચાવવાનું ડૉક્ટર્સ માટે પડકારરૂપ બની શકે છે.

દર્દીની આસપાસનું ઉષ્ણતામાન કેટલું છે, તેને શું બીમારી છે અને તેણે તેના શરીરને કેટલું હલાવવું પડે છે તેના આધારે દર્દીની હાલત કેવી છે તે નક્કી થાય છે.

ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, દિવસમાં આપણે જેટલીવાર ખાઈએ એટલીવાર પાણી તો જરૂર પીવું જોઈએ.

પાણી ઓછું પીવાથી કિડની સંબંધી તકલીફો થવાની શક્યતા વધી જાય છે. પાચનતંત્ર ખરાબ થાય છે અને લોહીની ગુણવત્તા બગડે છે.

માનવશરીરમાં પાણીનું કામ

  • હોર્મોન બનાવવા માટે પાણીની જરૂર હોય છે.
  • શરીરમાં પાણીથી લાળ બને છે, જે પાચનક્રિયા માટે જરૂરી હોય છે.
  • શરીરનું ઉષ્ણતામાન પાણીના પ્રમાણને આધારે નક્કી થાય છે.
  • શરીરમાંના કોષોમાં પાણીના આધારે વૃદ્ધિ થાય છે અને નવા કોષો તૈયાર થાય છે.
  • શરીરમાંની ગંદકી બહાર લાવવા માટે પાણી જરૂરી હોય છે.
  • હાડકાંઓના સાંધા વચ્ચેની ચિકાશ અને ત્વચામાંની ભીનાશ જળવાઈ રહે એ માટે પાણી જરૂરી હોય છે.
  • શરીરમાં ઓક્સિજનનું જરૂરી પ્રમાણ જાળવી રાખવા માટે પણ પાણી જરૂરી હોય છે.

પાણી માટે મારામારી

22 માર્ચ, 2018ના વિશ્વ જલ દિવસથી સંયુક્ત રાષ્ટ્રસંઘે દસ વર્ષની એક ઝુંબેશની શરૂઆત કરી છે.

એ ઝુંબેશનું લક્ષ્યાંક દુકાળ, પૂર અને પાણી સાથે જોડાયેલાં અન્ય જોખમો વિશે લોકોને માહિતગાર કરવાનું છે.

થોડા સમય પહેલાં વિશ્વનાં 11 એવાં શહેરોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં પીવાનું પાણી જરૂર કરતાં બહુ ઓછું હશે અથવા તો ખતમ થઈ જશે.

એ યાદીમાં દક્ષિણ ભારતના બેંગલુરુ શહેરનું નામ પણ સામેલ છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના અનુમાન અનુસાર, 2030 સુધીમાં પાણીની માગમાં 40 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

આ પરિસ્થિતિમાં પાણીનું યોગ્ય રીતે વ્યવસ્થાપન નહીં કરવામાં આવે તો પાણી માટેની મારામારીમાં દેખીતી રીતે વધારો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો