આ પાંચ બાબતો પર આધાર રાખે છે કે તમારું વજન વધશે કે નહીં

લોકો કદાચ એવું વિચારતા હશે કે સ્થૂળતા સામે જે વ્યક્તિ ઇચ્છે તે લડી શકે છે અને પોતાનું વજન ઓછું કરી શકે છે. પરંતુ શું ખરેખર આવું થાય છે? મેડિકલ સંશોધનો આ વિશે કંઈક અલગ જ તથ્યો રજૂ કરે છે.

બીબીસીએ પણ પાંચ એવાં તથ્યો શોધી કાઢ્યાં છે કે જે તમારા વજન પર અસર કરે છે.

1. ડાયટિંગ છતાં સારું પરિણામ કેમ મળતું નથી?

કેટલાક વ્યક્તિઓ યોગ્ય પ્રમાણમાં જમે છે, કસરત પણ કરે છે તો પણ તેમને યોગ્ય પરિણામ કેમ મળતાં નથી?

જ્યારે બીજી બાજુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓ થોડી જ કસરત કરે છે પણ છતાં તેમનું વજન માપમાં રહે છે.

કેમ્બ્રિજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો માને છે કે આપણા વજન પર 40-70 ટકા અસર જનીનની હોય છે.

પ્રોફેસર સદ્દાફ ફારૂકી કહે છે, "આ એક લૉટરી છે."

"એ વાત હવે સ્પષ્ટ છે કે જનીન વજન પર અસર કરે છે. જો તમારા જનીનમાં કોઈ સમસ્યા છે, તો તેનાથી તમે મેદસ્વિતાનો શિકાર બની શકો છો."

કેટલાક જનીન એવા હોય છે કે જે વ્યક્તિની ભૂખ પર અસર કરે છે. આપણે કૅલરી કેવી રીતે ઓછી કરીએ છીએ તેના પર પણ જનીન ધ્યાન રાખે છે.

ઓછામાં ઓછા 100 પ્રકારના જનીન એવા છે કે જે વજન પર અસર કરી શકે છે, તેમાં MC4Rનો પણ સમાવેશ થાય છે.

એવું માનવામાં આવે છે કે 1000માંથી એક વ્યક્તિ એવી હોય છે કે જેની અંદર MC4R જનીનનો ખામીભર્યો ભાગ હોય છે. તે મગજમાં કામ કરીને ભૂખ અને જમવાની ઇચ્છા પર નિયંત્રણ કરે છે.

જે લોકોની અંદર આ જનીન હોય છે તે લોકોને વધારે ભૂખ લાગે છે અને તેમને ચરબીયૂક્ત વસ્તુઓ ખાવાનું વધારે મન થાય છે.

પ્રોફેસર ફારૂકી કહે છે, "જનીન મામલે તમે કંઈ કરી શકતા નથી પણ જે લોકો પોતાના જનીનને ઓળખે છે તેઓ પોતાની કસરત અને ભોજનમાં બદલાવ લાવી શકે છે કે જેથી વજન પર કાબુ મેળવી શકાય."

2. તમારો જમવાનો સમય શું છે?

જૂની કહેવત છે કે 'રાજાની જેમ સવારનો નાસ્તો અને ભિખારીની જેમ ડિનર કરવું જોઈએ.' આ કહેવત પાછળ એક તથ્ય છૂપાયેલું છે.

મેદસ્વિતા મામલે નિષ્ણાત ડૉ. જેમ્સ બ્રાઉન કહે છે કે જેટલું મોડું આપણે જમીએ છીએ, તેટલું વજન વધે છે. એટલે નહીં કે આપણે રાત્રે કોઈ કામ કરતા નથી, પણ એ માટે કેમ કે આપણા શરીરની ઘડિયાળ આ રીતે કામ કરે છે.

તેઓ કહે છે, "રાત્રિના અંધારાની સરખામણીએ દિવસના સમયગાળા દરમિયાન જ્યારે અજવાળું હોય છે, ત્યારે શરીર સારી રીતે કૅલરીને હેન્ડલ કરે છે"

આ જ કારણ છે કે જે લોકો અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે, ત્યારે શરીરનું ચક્ર બગડી જાય છે અને વજન વધી શકે છે.

રાત્રીના સમયે શરીર ચરબી અને સુગર ધરાવતાં તત્ત્વોની પાચનક્રિયા કરે છે. એટલે કે સાંજે 7 વાગ્યા પહેલાં જમી લેવાથી વજન ઘટી શકે છે.

નાસ્તો દિવસનો સૌથી મહત્ત્વનો ખોરાક છે. તેમાં તમે માત્ર એક બ્રેડ ખાઈને ચલાવી લો, તે યોગ્ય નથી.

ડૉ. બ્રાઉન પ્રમાણે નાસ્તામાં કંઈક એવું લેવું જોઈએ કે જેમાં ખૂબ પ્રોટીન હોય અને થોડી ચરબી અને કાર્બોહાઇડ્રેટ્સ પણ હોય. જેમાં ઇંડા અને ઘઉંના લોટની બ્રેડનો સમાવેશ થઈ શકે છે.

3. વજન ઉતારવા મગજને મૂર્ખ બનાવો

ઘણા લોકોને એ ખબર રહેતી નથી કે તેઓ દિવસ દરમિયાન કેટલું ખાય છે, કેટલી કૅલરી તેમના ખોરાકમાં છે.

વૈજ્ઞાનિકત હ્યુગો હાર્પર કહે છે કે આવી પરિસ્થિતિમાં કૅલરીની ગણતરી કરવાના બદલે જમવાની પસંદ બદલવાની જરૂર હોય છે.

જેમ કે જો તમને સામે કોઈ વસ્તુ પડેલી જોઈને તે ખાવાનું મન થઈ જાય છે, તો તેની જગ્યા બદલો.

ઉદાહરણ તરીકે તમારા કિચનમાં સૌથી પહેલાં એવા નાસ્તા મૂકવામાં આવ્યા છે કે જે તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે, તો તેના બદલે તે જગ્યાએ ફળો રાખવાનું ચાલુ કરો. એવા નાશ્તા રાખો કે જે ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન પહોંચતું નથી.

ટીવીની સામે એક મોટું બિસ્કિટનું પેકેટ લઇને બેસવાનું ટાળો. એક પ્લેટમાં થોડા બિસ્કિટ લઇને ખાઓ.

સૉફ્ટ ડ્રિક્સ પીવાનું પસંદ કરો છો, તો તેમાં પણ ડાયટ ડ્રિંક્સ પીવાની ટેવ પાડો.

4. જીવાણુંઓને કારણે વજન વધે છે

જિલિયન અને જેકી જોડિયાં બહેનો છે પરંતુ જોડિયાં હોવા છતાં બન્નેના વજનમાં 41 કિલોનો તફાવત છે.

ટ્વિન્સ રિસર્ચ યૂકે સ્ટડીના પ્રોફેસર ટીમ સ્પેક્ટર છેલ્લાં 25 વર્ષોથી બન્નેના વજન પર નજર રાખી રહ્યા છે.

તેમનું માનવું છે કે બન્નેનાં વજનમાં આ અંતર તેમનાં આંતરડાનાં ઊંડાણમાં રહેતાં જીવાણુઓના કારણે છે.

તેઓ કહે છે, "જ્યારે પણ તમે કંઈક ખાઓ છો, ત્યારે તમે કરોડો જીવાણુઓને પણ ખવડાવો છો. તમે ક્યારેય એકલા જમતા નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

જ્યારે બન્ને જોડિયાં બહેનોનાં મળના નમૂના લેવામાં આવ્યા ત્યારે, જિલિયન કે જેઓ બન્ને બહેનોમાંથી પાતળા હતાં, તેમના મળમાં અલગ અલગ પ્રકારનાં જીવાણુઓ જોવાં મળ્યાં હતાં. જ્યારે જેકીના મળના નમૂનાથી જાણવા મળ્યું કે તેમનાં આંતરડામાં એક જ પ્રકારનાં જીવાણુઓ છે.

પ્રોફેસર સ્પેક્ટર કહે છે, "જીવાણુઓ જેટલા અલગ અલગ હશે, તે વ્યક્તિ તેટલી જ પાતળી હશે. જો તમારું વજન ખૂબ વધારે છે, તો જીવાણુઓ એટલા અલગ અલગ હોતા નથી જેટલા હોવા જોઈએ."

તેમણે આ પેટર્ન 5000 લોકો પર પરીક્ષણ કર્યા પછી શોધી કાઢી છે.

પરંતુ આ અલગ અલગ પ્રકારનાં જીવાણુઓ બને છે કેવી રીતે?

તો તેનો જવાબ છે સ્વસ્થ અને અલગ અલગ પ્રકારનું ભોજન.

એવું ભોજન કે જેમાં ફાઇબર મળી રહે, તે ભોજનમાંથી અલગ અલગ પ્રકારનાં જીવાણુઓ બને છે.

પ્રોફેસર સ્પેક્ટર કહે છે કે બ્રિટનના લોકો જરૂરિયાત કરતા અડધા ભાગનું જ ફાઇબર ગ્રહણ કરે છે.

ફાઇબર મેળવવાના સૌથી યોગ્ય સ્રોત છેઃ

  • ઘઉં, મકાઈ જેવી વસ્તુઓમાંથી બનેલો નાશ્તો
  • બૅરીઝ અને નાસપતી જેવાં ફળો
  • બ્રોકોલી અને ગાજર જેવાં શાકભાજી
  • દાળ
  • કઠોળ
  • ડ્રાયફ્રૂટ

5. હૉર્મોન (અંતઃસ્ત્રાવ)

મેદસ્વિતા ઘટાડવા માટે કરવામાં આવતી બારીઆટ્રીક સર્જરી ન માત્ર પેટની ચરબી ઘટાડે છે, પણ સાથે સાથે હૉર્મોન (અંતઃસ્ત્રાવ)માં પરિવર્તન લાવે છે.

આપણી ભૂખ પર હૉર્મોનનું નિયંત્રણ હોય છે અને સંશોધનમાં એ જાણવા મળ્યું છે કે બારીઆટ્રીક સર્જરી ભૂખની સંતુષ્ટીના સંકેત આપતા હૉર્મોનમાં વધારો કરે છે. જ્યારે ભૂખનો અનુભવ કરાવતા હૉર્મોનમાં ઘટાડો થાય છે.

આ એક ખૂબ મોટું ઑપરેશન છે કે જેમાં પેટમાં રહેલી ચરબી 90% ઘટી જાય છે.

ઇમ્પિરિયલ કૉલેજ લંડનના સંશોધકોએ ફરી એવાં આંતરડાના હૉર્મોનનું નિર્માણ કર્યું છે કે જે બારીઆટ્રીક સર્જરી બાદ ભૂખમાં ફેરફાર કરી શકે છે.

દર્દીઓને ચાર અઠવાડિયા સુધી દરરોજ ત્રણ હૉર્મોનનું મિશ્રણ ધરાવતું ઇન્જેક્શન આપવામાં આવ્યું.

ડૉ. ટ્રિસિયા ટેન કહે છે, "આ પરીક્ષણ બાદ દર્દીઓને ભૂખ ઓછી લાગે છે, તેઓ ઓછું જમે છે અને તેમણે માત્ર 28 દિવસમાં 2 થી 8 કિલો વજન ઘટાડ્યું છે."

જો આ દવા સુરક્ષિત સાબિત થઈ જાય, તો તેને એ દર્દીઓ પર ભવિષ્યમાં વાપરી શકાશે કે જેમનું વજન ખૂબ વધારે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો