વોડકા, વાઈન, વિસ્કી કે રમ: જેવો દારૂ એવું વર્તન!

શું તમે જાણો છો કે, જેમ બીયર, વાઈન, વિસ્કી, વોડકા અને રમના સ્વાદ જુદા જુદા હોય છે, તેમ તેને પીધા પછી થનારો નશો પણ અલગ પ્રકારનો હોય છે.

એટલું જ નહીં દારૂના વિવિધ પ્રકારોની શરીર પર અસર પણ જુદી જુદી હોય છે.

એક સંશોધનનાં તારણો મુજબ, વિવિધ પ્રકારના દારૂ આપની મન:સ્થિતિ પર ભિન્ન રીતે અસર કરે છે.

સંશોધકો કહે છે કે દારૂનું સેવન કર્યા બાદ લોકો આક્રમક, સેક્સી કે ભાવનાશીલ થઈ જાય છે. રેડ વાઇન અથવા બીયર પીધા બાદ લોકોને આરામ મળે છે.

બી.એમ.જે. ઓપન જર્નલમાં પ્રકાશિત થયેલા રિસર્ચમાં સંશોધકોએ 21 દેશોના 18થી 34 વયના 30 હજાર લોકોનું સર્વેક્ષણ કર્યું હતું.

આ લોકો બીયર, વાઇન અથવા વિસ્કી પીતા હતા. રિસર્ચમાં જાણવા મળ્યું કે દરેક પ્રકારના દારૂ લોકોને અલગ રીતે અસર કરે છે.

આ ગોપનીય ઑનલાઇન સર્વેક્ષણમાં લોકોએ તેમના અનુભવો શેર કર્યા છે. વાઇટ વાઇન કરતાં રેડ વાઇન લોકોને વધારે આળસુ બનાવે છે.

લોકોએ જણાવ્યું કે રેડ વાઇન અથવા બીયર પીવાથી રાહતની લાગણી અનુભવાય છે. સર્વેક્ષણમાં સામેલ 40 ટકા કરતાં વધુ લોકોએ કહ્યું કે સ્પિરિટ (ગાળેલો દારૂ) પીવાથી તેમને વધુ સેક્સી હોવાનો અનુભવ થાય છે.

(સ્પિરિટમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે, અને નિસ્યંદનની પ્રક્રિયા દ્વારા ટીપે-ટીપે આ પ્રકારનો દારૂ એકઠો કરવામાં આવે છે.)

અડધાથી વધારે લોકોએ કહ્યું કે સ્પિરિટ ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. પરંતુ એક તૃતીયાંશ વ્યક્તિઓએ જણાવ્યું કે દારૂ પીધા બાદ તેઓ આક્રમક બની ગયાં હતાં.

અન્ય દારૂ કરતાં સ્પિરિટ આક્રમકતા, અસ્વસ્થતા અથવા લાગણીના ભાવ વધુ જગાડે છે. તમામ પ્રકારના વાઇન્સ તથા દારૂ સાથે સંકળાયેલી આક્રમકતાની ભાવના, મહિલાઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળી હતી.

થોડી માત્રામાં દારૂ પીવાથી આનંદનો અનુભવ થઈ શકે, પરંતુ સંશોધકોનું કહેવું છે કે તેમનું રિસર્ચ દારૂના વ્યસન સામે ચેતવે છે. સમયાંતરે નિયમિત દારૂ પીવાથી ઘણા લોકોને નશો ચડતો નથી.

આથી, 'હકારાત્મક' લાગણીઓનો અનુભવ કરવા માટે તેઓ વધારે પ્રમાણમાં દારૂ પીવાનું શરૂ કરી શકે છે.

પબ્લિક હેલ્થ વેલ્સ એન.એચ.એસ. ટ્રસ્ટ સાથે સંકળાયેલા સંશોધક પ્રોફેસર માર્ક બેલીઝ જણાવે છે કે આવા લોકોમાં નકારાત્મક લાગણીઓ પણ ઉદભવી શકે છે.

કેટલી માત્રામાં દારૂ પીવો યોગ્ય છે?

આ સંશોધનનાં તારણો માત્ર વ્યવહાર સંબંધિત બાબતો જણાવે છે.

પ્રોફેસર બેલીઝ કહે છે કે મદ્યપાન ઘરમાં કરવામાં આવે છે કે ઘરની બહાર, તે પણ એક મહત્ત્વપૂર્ણ મુદ્દો છે.

તેમના જણાવ્યા પ્રમાણે, "દારૂ જેવા હાર્ડ ડ્રિંક્સ સામાન્ય રીતે બહાર પીવામાં આવે છે, જ્યારે વાઇન લોકો ભોજન સાથે ઘરમાં પીવે છે."

પરંતુ આ વ્યક્તિગત ઇચ્છા પર પણ આધારિત છે. જો કોઈ વ્યક્તિ થોડો આરામ કરવા માગે છે, તો તેઓ બીયર અથવા વાઇન પીવાનું પસંદ કરશે.

વધુમાં તેમણે કહ્યું કે જે રીતે વિવિધ પ્રકારના દારૂનો પ્રચાર થાય છે, તે મુજબ લોકો પોતાની મનઃસ્થિતિ ધ્યાનમાં રાખીને જુદા પ્રકારના દારૂ પસંદ કરે છે.

પરંતુ આ કરવાથી લોકોમાં નકારાત્મક લાગણીઓ પણ પેદા થઈ શકે છે.

બ્રિટનના મુખ્ય તબીબી અધિકારીઓની માર્ગદર્શિકા પ્રમાણે, નુકસાન ટાળવા માટે મહિલાઓ અને પુરુષોએ દર અઠવાડિયામાં 14 યુનિટથી વધારે દારૂ ન પીવો જોઈએ.

સમાન ગણતરીમાં 14 યુનિટ એટલે આલ્કોહોલનું ઊંચું પ્રમાણ હોય તેવા દારૂના 12 પેગ, 3.4 લિટર બીયર અથવા 175 મિલીલિટરના 6 વાઇન ગ્લાસના જેટલું થાય છે.

(આ અહેવાલ સૌપ્રથમ 2017માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો