દારૂ પીવાથી બેધડક અભિવ્યક્તિના દરવાજા ખુલી જાય?

રોજિંદા વ્યવહારમાં અંગ્રેજી ભાષા નહીં બોલતા લોકો દારૂ પીધા પછી ઈંગ્લિશમાં વાતો કરવા લાગતા હોવાનું તમારા ધ્યાનમાં આવ્યું હશે.

તમે કોઈ બીજી ભાષા બોલવાનો પ્રયાસ કરો ત્યારે તમારી સાથે પણ આવું થયું હશે.

યોગ્ય શબ્દ શોધવાનું મુશ્કેલ બની જાય અને તેનો યોગ્ય ઉચ્ચાર તો પડકાર બની જાય.

અલબત, થોડો દારૂ પી લો તો એ બીજી ભાષાના શબ્દો તમે ફટાફટ બોલવા લાગશો.

તમને આ વાંચવું પણ ગમશે :

શબ્દોની શોધનો અંત આવી જશે અને તમારી વાતો રસાળ લાગવા માંડશે. જાણે કે એ તમારી માતૃભાષા હોય.

સામાજિક વ્યવહાર

દારૂના સંદર્ભમાં આ કોઈ નવી વાત નથી. હવે આ સંબંધે એક સંશોધન કરવામાં આવ્યું છે.

સાયન્સ મેગેઝીન 'જર્નલ ઓફ સાઈકોફાર્માકોલોજી'માં પ્રકાશિત કરવામાં આવેલા એક સંશોધન મુજબ, થોડો દારૂ બીજી ભાષા બોલવામાં મદદરૂપ થાય છે. આપણી યાદશક્તિ અને ધ્યાન કેન્દ્રીત કરવાની ક્ષમતા પર દારૂની અસર થાય છે.

એ સંદર્ભમાં દારૂ એક અડચણ છે. બીજી તરફ દારૂ આપણો ખચકાટ દૂર કરે છે, આત્મવિશ્વાસ વધારે છે અને સામાજિક વ્યવહારમાં સંકોચ ઓછો કરે છે.

આપણે બીજી વ્યક્તિને મળીએ અને તેની સાથે વાત કરીએ ત્યારે આ બધી વાતોનો પ્રભાવ આપણી ભાષાકીય ક્ષમતા પર પડતો હોય છે. આ વિચારને અત્યાર સુધી કોઈ વૈજ્ઞાનિક આધાર વિના સ્વીકારવામાં આવતો હતો.

કેવી રીતે થયો પ્રયોગ?

યુનિવર્સિટી ઑફ લીવરપુલ, બ્રિટનની કિંગ્સ કોલેજ અને નેધરલેન્ડ્ઝની યુનિવર્સિટી ઑફ માસ્ટ્રિચના સંશોધકોએ આ વિચારનું પરીક્ષણ કર્યું હતું.

એ પ્રયોગ માટે તાજેતરમાં જ ડચ ભાષા શીખેલા જર્મનીના 50 લોકોના એક જૂથની પસંદગી કરવામાં આવી હતી.

કેટલાક લોકોને જે પીણું આપવામાં આવ્યું હતું તેમાં થોડો આલ્કોહોલ હતો. લોકોને તેમના વજન અનુસાર આલ્કોહોલ આપવામાં આવ્યો હતો.

કેટલાક લોકોના ડ્રિંક્સમાં આલ્કોહોલ ન હતો.

પરીક્ષણનો હિસ્સો બનેલા જર્મનીના લોકોને નેધરલેન્ડ્ઝના લોકો સાથે ડચ ભાષામાં વાત કરવાનું જણાવવામાં આવ્યું હતું.

કોણે દારૂ પીધો છે અને કોણે નથી પીધો તેની ડચ લોકોને ખબર ન હતી.

પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે જેમણે દારૂ પીધો હતો તે લોકો વધુ સારા ઉચ્ચારો સાથે વાત કરતા હતા.

બહુ ઓછી માત્રામાં દારૂ આપવાથી આ પરિણામ મળ્યું હોવાની ચોખવટ સંશોધકોએ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો