બીજાનું મળ શરીરમાં નાખવાથી જિંદગી બચી શકે

    • લેેખક, જેમ્સ ગલ્લાઘેર
    • પદ, બીબીસી રેડિયો 4ના ‘ધ સેકન્ડ જીનોમ’ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા

ટ્રાન્સ-પૂ-સિયન તરીકે પણ ઓળખાતું ફીકલ ટ્રાન્સપ્લાન્ટ તબીબી સારવારની સૌથી વધુ ચીતરી ચડે તેવી પ્રક્રિયા છે.

આ પ્રક્રિયા તમે વિચારો છો તેવી જ છે. તેમાં એક વ્યક્તિના મળનો થોડો ભાગ દર્દીમાં આરોપણ કરવામાં આવે છે અને આ પ્રક્રિયાથી દર્દીનો જીવ બચી શકે છે.

તે દર્શાવે છે કે આપણાં શરીરની દરેક સપાટી નજીક એકઠાં થતાં માઈક્રોબ્ઝ આપણાં આરોગ્ય માટે કેટલાં મહત્ત્વનાં છે.

આપણાં આંતરડામાં વિવિધ પ્રકારનાં માઇક્રો-ઓર્ગેનિઝમ્સમાં એકમેકની સાથે તેમજ માનવ કોષો વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા ચાલતી હોય છે.

માનવ શરીરમાંનાં આંતરડાના ઓક્સિજનથી વંચિત ઊંડાણમાં રેઈનફોરેસ્ટ કે કોરલ રીફ જેવી જ સમૃદ્ધ ઈકોસીસ્ટમ હોય છે.

જોકે, ક્લોસ્ટ્રિડિયમ ડિફ્ફિસાઈલ (સી ડિફ્ફિસાઈલ) નામના એકકોષી જીવાણું વગ વધારીને આંતરડા પર કબજો જમાવી શકે છે.

કોઈ દર્દીને એન્ટિબાયોટિક્સ આપવામાં આવે પછી આ તકવાદી એકકોષી જીવાણુઓ સામાન્ય રીતે દર્દીના આંતરડા પર અંકુશ જમાવી લે છે.

એન્ટિબાયોટિક દવાઓ આધુનિક યુગનો ચમત્કાર છે, પણ એ દવાઓ સારા અને ખરાબ બેક્ટિરિયાનો એકસાથે નાશ કરતી હોય છે.

જેમ આગને કારણે જંગલનો વિનાશ થાય તેમ આ દવાઓ આંતરડાના માઇક્રોબાયમનો નાશ કરતી હોય છે અને એ પછી સર્જાતી પરિસ્થિતિમાં સી ડિફ્ફિસાઈલ પૂરબહારમાં વિકસતાં હોય છે.

શું છે માક્રોબાયમ?

  • આપણાં શરીરમાં 43 ટકા માઇક્રોબ્ઝ એટલે કે સુક્ષ્મ જીવાણુંઓ હોય છે, જ્યારે બાકીના માઇક્રોબાયમ હોય છે. તેમાં બેક્ટિરિયા, વાયરસ, ફંગી અને માઈક્રોઓર્ગેનિઝમ્સનો સમાવેશ થાય છે.
  • જનીનોમાં સંકેતોરૂપે સચવાયેલી 20 હજાર જૈવિક સૂચનાઓથી હ્યુમન જીનોમ બનેલાં હોય છે.
  • તેમાં આપણા માઇક્રોબાયમનાં તમામ જનીનોનો ઉમેરો કરીએ તો તેનો સરવાળો બેથી 20 મિલિયન માઇક્રોબિઅલ જનીનોનો થાય અને તે સેકન્ડ જીનોમ તરીકે ઓળખાય છે.

કઈ રીતે થાય છે ટ્રાન્સપ્લાન્ટ?

જે વ્યક્તિનાં આંતરડાં પર સી. ડિફ્ફિસાઈલ્સ કબજો જમાવી લે તેને પાણી જેવા અને લોહીવાળા ઝાડા થાય છે. પેટમાં પારાવાર પીડા થાય છે, તાવ આવે છે. કેટલાક કિસ્સામાં દર્દીનું મોત થાય છે.

આવા દર્દીને સારવારમાં વધારે એન્ટીબાયોટિક્સ આપવામાં આવે છે અને વિષચક્ર ચાલતું રહે છે.

આ સંજોગોમાં સ્ટૂલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે અને તેનો હેતુ સ્વસ્થ વ્યક્તિના મળના આરોપણ મારફત દર્દીના આંતરડામાં માઈક્રોબ્ઝનું પ્રમાણ વધારવાનો હોય છે.

સમાન બેક્ટિરિયા ધરાવતા દર્દીના સગાનાં મળનો જ આ માટે સામાન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે.

શું તમે આ વાંચ્યું?

દર્દીના સગાના મળનું 'સેમ્પલ' લીધા બાદ તેમાં પાણી ભેળવવામાં આવે છે.

દર્દીના શરીરમાંના અસરગ્રસ્ત વિસ્તાર સુધી એ મિશ્રણ દર્દીના મોં અથવા તો ગુદામાર્ગ મારફત પહોંચાડવામાં આવે છે.

આ પ્રક્રિયાને સફળ પૂરવાર કરવાના પ્રયાસ કરતી ટીમમાં અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટની પેસિફિક નોર્થવેસ્ટ નેશનલ લેબોરેટરીનાં માઇક્રોબીઅલ ઇકોલોજિસ્ટ ડૉ. જેનેટ જેનસનનો સમાવેશ થાય છે.

61 વર્ષનાં એક મહિલા આઠ મહિનાથી ઝાડાની તકલીફથી પીડાતાં હતાં અને આ તકલીફને કારણે તેમનું વજન 27 કિલો ઘટી ગયું હતું.

ડૉ. જેનેટ જેનસને કહ્યું હતું, "આ તકલીફના નિરાકરણની તાતી જરૂરિયાત હતી. સી. ડિફ્ફિસાઈલ્સના ચેપને કારણે એ વૃદ્ધાનો જીવ જવાનું જોખમ હતું. તમામ એન્ટીબાયોટિક્સ બિનઅસરકારક પુરવાર થયાં હતાં."

એ વૃદ્ધાના આંતરડામાં તેમના પતિનો સ્વસ્થ મળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો.

આ પ્રયોગની સફળતાથી પોતે આશ્ચર્યચકિત થયાં હોવાનું ડૉ. જેનેટ જેનસને બીબીસીને જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું, "ટ્રાન્સપ્લાન્ટના બે દિવસ પછી વૃદ્ધા કુદરતી હાજત કરી શક્યાં હતાં. તેમનાં આંતરડા રાબેતા મુજબ કામ કરતાં થઈ ગયાં હતાં. તેઓ સાજા થઈ ગયાં હતાં."

"એક માઇક્રોબીઅલ ઇકોલોજિસ્ટ તરીકે મને આ બાબત અસાધારણ લાગી હતી."

આ પ્રક્રિયા 90 ટકા કિસ્સામાં અસરકારક સાબિત થતી હોવાનું પ્રયોગો દર્શાવે છે.

આ પ્રક્રિયાની સફળતાને પગલે કેટલાક લોકો ખુદ પર આવા ટ્રાન્સપ્લાન્ટ કરવા લાગ્યા છે અને અમેરિકામાં ઓપનબાયોમ જેવાં જૂથોએ સાર્વજનિક સ્ટૂલ બૅન્ક શરૂ કરી છે.

સવાલ એ છે કે આ પ્રક્રિયા સી ડિફ્ફિસાઈલની સમસ્યાના નિરાકરણથી વિશેષ કંઈ છે કે નહીં?

દરેક પ્રકારના રોગ સંદર્ભે માણસ અને તેના માઇક્રોબીઅલ્સ વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાની તપાસ કરવામાં આવે છે.

આંતરડા પરના સોજા, ડાયાબિટીસ, પાર્કિન્સન્સ, ડીપ્રેશન તથા ઓટિઝમ જેવા રોગો અને કેન્સરની દવા કારગત સાબિત થઈ રહી છે કે નહીં તે બધા સાથે માઈક્રોબીઅમ સંકળાયેલું છે.

વિપરીત પરિણામની શક્યતા

તેનો બીજો અર્થ એવો થાય કે સ્ટૂલ ટ્રાન્સપ્લાન્ટનું વિપરીત પરિણામ પણ આવી શકે છે.

2015ના એક અહેવાલ અનુસાર, એક મહિલા પર તેમની દીકરીનો મળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યો હતો. એ પછી મહિલાનું વજન 16 કિલો વધી ગયું હતું. તેથી એ મહિલાને સ્થૂળ વ્યક્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં હતાં.

પાતળા કે સ્થૂળકાય માણસના માઇક્રોબીઅમ ટ્રાન્સપ્લાન્ટ કરીને ઉંદરડાને પાતળા કે સ્થૂળકાય બનાવવાનું શક્ય છે, પણ આ નિયમ માણસોને લાગુ પડે છે કે કેમ તે સ્પષ્ટ થયું નથી.

એ ઉપરાંત રોગસર્જક માઈક્રોબ્ઝ ટ્રાન્સફર કરવામાં દેખીતું જોખમ પણ છે. તેથી વિજ્ઞાનીઓ મળને બદલે બેક્ટીરિયાના મિશ્રણના દાન મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે.

વેલકમ સંગેર ઈન્સ્ટિટ્યૂટના ડૉ. ટ્રેવર લોવ્લીએ જણાવ્યું હતું કે ભાવિ સારવાર વધારે શુદ્ધ તથા લક્ષ્ય આધારિત હશે.

તેમણે કહ્યું હતું, "દરેક ઉપચાર પદ્ધતિમાં દર્દીની સલામતીનો સૌથી વધુ વિચાર કરવાનો હોય છે."

"દર્દીને કઈ દવા આપવી એ હવે આપણે જાણીએ છીએ. તેથી સલામત મિશ્રણ ઉપલબ્ધ હોય તો રોગનું નિરાકરણ શક્ય છે."

માઈક્રોબીઅલ મેડિસિનનું ભાવિ એ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો