શું સચિન તેંડુલકર આજ સુધીના સૌથી મહાન ક્રિકેટર છે?

    • લેેખક, સુરેશ મેનન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એવું કહેવાનું મન થાય, ખાસ તો આંકડાં જોઈને કે સચિન તેંડુલકર પછી બેટિંગ કરવી એટલે એવરેસ્ટ સર કર્યા પછી પર્વતારોહણ કરવું.

જોકે, આખી વાતને સુનીલ ગાવસ્કરે યોગ્ય સંદર્ભમાં મૂકી આપી હતી. ગાવસ્કરે સૌ પ્રથમવાર 10,000 ટેસ્ટ રન પૂરા કર્યા, ત્યારની આ વાત છે.

ગાવસ્કરે કહેલું કે ઇતિહાસ હંમેશાં કોઈપણ સિદ્ધિને પ્રથમવાર હાંસલ કરનારને યાદ કરે છે.

જેમ કે એડમંડ હિલેરી, રોજર બેનિસ્ટર, નીલ આર્મસ્ટ્રૉન્ગ. તેંડુલકરનો રેકૉર્ડ ભવિષ્યમાં કોઈ તોડશે તો પણ તેમણે સૌપ્રથમ 50 ટેસ્ટ સદી કરી હતી તે યશ કોઈ છીનવી શકશે નહીં.

ડૉન બ્રેડમેને પોતે જ જો સરખામણી ના કરી હોત તો અન્ય લોકોએ ક્યારેય તેમની સાથે સચિનની સરખામણી કરવાની કોશિશ કરી ના હોત.

પોતાના પત્નીને બ્રેડમેને તે બંને વચ્ચે રહેલા સામ્ય વિશે વાત કરી ત્યારે તેંડુલકર માત્ર 23 વર્ષના હતા. સામાન્ય માણસ આટલી મોટી પ્રશંસા પચાવી શકે નહીં.

પણ ખરેખર સચિન આજ સુધીનો સૌથી મહાન ક્રિકેટર છે ખરા?

દિગ્ગજ અને બહેતર

પહેલાં તો એકદમ સરળ જવાબ. હા.

કેમ કે સ્પોર્ટ્સમાં હંમેશા વધુ દિગ્ગજ અને બહેતર ચેમ્પિયન પેદા થાય તે સહજ છે. રમતગમતમાં તેમ થવું કુદરતી છે.

સ્પોર્ટ્સમાં પ્રગતિનું માપ કાઢવાનું આવે ત્યારે પહેલાં કરતાં વધારે ઝડપ, વધારે લાંબો જમ્પ, વધારે ઊંચી છલાંગ આધુનિક એથ્લેટિક્સમાં નોંધાતા આપણે જોયા છે.

1988માં બેન જોન્સને 100 મિટરની દોડ 9.79 સેકન્ડ્સમાં પૂરી કરી દેવા માટે સ્ટેનોઝોલોલ લેવી પડી હતી.

આગલા વર્ષે ઉસૈન બૉલ્ટે તે દોડ આરામથી 9.58 સેકન્ડ્સમાં પૂરી કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

પણ ટીમ સ્પોર્ટ્સમાં શું?

પ્રાચીન અવશેષોનો અભ્યાસ કરનારા અને બેઝબોલના દિવાના જે ગોઉલ્ડે એકવાર આશ્ચર્ય વ્યક્ત કરતાં કહેલું કે બેઝબોલમાં પહેલાંની જેમ લગભગ પરફેક્ટ એવી એવરેજ હવે કેમ આવતી નથી.

ક્ષમતાના વૈવિધ્યમાં ઘટાડો થયો છે તેથી આમ થયું હોવાનું તારણ તેમણે કાઢ્યું હતું.

ભૂતકાળના ચેમ્પિયન્સ વધારે મહાન હતા અને હવે સ્ટાન્ડર્ડ ઘટી ગયું છે તેવી માન્યતાને તેમણે નકારી કાઢી.

તેમણે તેનાથી ઉલટી વાત જ સાબિત કરી કે પહેલાં કરતાં રમતનું સમગ્ર ધોરણ સુધરી ગયું છે.

ક્ષમતાના વૈવિધ્યમાં ઘટાડાનો અર્થ એ કે ઉત્તમ પરફૉર્મન્સ અને સરેરાશ પરફૉર્મન્સ વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું હતું.

વધુ ને વધુ ખેલાડીઓ સારો દેખાવ કરવા લાગે તેના કારણે ઉત્તમ કક્ષાના ખેલાડી અને બાકીના ખેલાડી વચ્ચેનું અંતર ઓછું થવા લાગે છે.

વર્ષો સુધીના બેઝબોલના આંકડાંના આધારે તેમણે આવું તારણ કાઢ્યું હતું.

ગોઉલ્ડની પદ્ધતિએ આંકડાંનું વિશ્લેષણ કરીને ટેસ્ટમાં રમતા બેટ્સમેનની ક્ષમતાનું તારણ કાઢી શકાય છે.

આંકડાશાસ્ત્રીઓએ એવું તારણ કાઢ્યું છે કે 'વર્તમાન બેટ્સમેને બ્રેડમેનની હરોળમાં આવવા માટે (વર્તમાન ગ્રેટ પ્લેયર્સની ક્ષમતાઓની ગણતરી સાથે કરીને વિચાર કરીએ તો તેણે) લગભગ 77ની એવરેજથી રન કરવા પડે.'

કોઈ બેટ્સમેન એટલી એવરેજે પહોંચ્યો નથી. જોકે તેનો અર્થ એ નથી કે માત્ર બેટિંગ એવરેજને ધ્યાને લઈએ.

મહાન બેટ્સમેનને ઓળખવા માટે બીજી વ્યાખ્યાઓ પણ જોવી પડશે, કેમ કે માત્ર આંકડાંથી તે સાબિત કરવી મુશ્કેલ છે.

લાંબો સમય રમવું (બ્રેડમેન 1928થી 1948 જેટલા લાંબા સમયગાળામાં રમ્યા હતા, જેમાં વચ્ચે યુદ્ધને કારણે ક્રિકેટમાં વિરામ હતો) એ અગત્યનું પરિબળ છે.

ટીમ જીતે છે કે હારે છે તે બીજું અગત્યનું પરિબળ છે. હરિફ ટીમ પર પ્રભાવ અને બોલિંગ આક્રમણની ગુણવત્તા તે બાબતોને પણ ધ્યાનમાં લેવી પડે.

આ ઉપરાંત 100 કરોડથી પણ વધુ ચાહકોની અપેક્ષાનો ભાર હોય તેનું શું?

સમગ્ર રમત પર પાડવામાં આવેલો પ્રભાવ અને લોકોને જુદી રીતે વિચારતા કરી દેવાની ક્ષમતા - શું તેનો પણ વિચાર કરવો રહ્યો ખરો?

બ્રેડમેન જ્યારે પણ રમવા ઉતરતા ત્યારે તેમના દેશની અપેક્ષાનો ભાર તેમના ખભા પર રહેતો, પણ તેમનો દેશ નાનો હતો.

તેંડુલકર પર અપેક્ષાનો જે ભાર હોય તેની સાથે સરખામણી થઈ ના શકે.

બીજા દૌરમાં જોર

બ્રેડમેને રમવાનું બંધ કર્યું તે પછી પણ વર્ષોવર્ષ તેમનો મહિમા વધતો રહ્યો હતો.

તે જ રીતે તેંડુલકરનું મહત્ત્વ પણ રિટાયર થયા પછી ઘટ્યું નથી. આ રમતની એ જ મજા છે.

એકાદ દાયકા પહેલાં મેં લખ્યું હતું કે તેંડુલકર એ તાજમહેલ સમાન છે - તેમના વિશે નવું કશું કહી શકાય તેવું રહ્યું નથી.

જોકે, સચિનનો બીજો દૌર (સેકન્ડ કમિંગ) વધારે નિખાર સાથેનો હતો, કેમ કે તેમાં તેના વધારે ક્રિએટિવ સ્ટ્રોકપ્લે જોવા મળ્યા હતા.

જોકે, કલા અને સાહિત્યની જેમ ક્રિકેટમાં પણ કોઈ એક ખેલાડી 'ગ્રેટેસ્ટ' ના હોય.

આવી ચર્ચા ક્રિકેટ સિવાયની રમતોમાં પણ થતી રહે છે. વૂડ્સ્ કે નિકોલસ? પેલે કે મેરાડોના? સ્પિટ્ઝ કે ફેલ્પ્સ?

આ મુદ્દા પર રાજકારણ કે ધર્મ કરતાંય વધારે પ્રમાણમાં આ ચર્ચા થતી રહી છે.

બ્રેડમેનને પણ સર્વાનુમતે ગ્રેટેસ્ટ તરીકે સ્વીકારાયા નહોતા.

ઓસ્ટ્રેલિયામાં ઘણાને એમ લાગતું હતું કે વિક્ટર ટ્રમ્પરની એવરેજ ભલે 39.04ની હોય, તે જ ગ્રેટેસ્ટ ક્રિકેટર હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

બ્રેડમેન - તેંડુલકરમાં સમાનતા

બ્રેડમેનની જેમ તેંડુલકર પણ સર્વગુણસંપન્ન બેટ્સમેનશીપનો એક નમૂનો હતો.

તમારે કવર ડ્રાઇવ માટે વીરેન્દ્ર સહેવાગ જોવો પડે; ઓન-ડ્રાઇવ માટે વીવીએસ લક્ષ્મણ, સ્કેવર કટ માટે રાહુલ દ્રવિડ અને લૉફ્ટેડ ડ્રાઇવ માટે કેવિન પિટરસનને જોવો પડે.

તેની સામે આ બધું જ તમને માત્ર તેંડુલકરમાં મળી જાય.

બ્રેડમેન અને તેંડુલકરની કરિયરમાં ફરક એ પડે છે કે તેંડુલકરે વધારે વૈવિધ્યપૂર્ણ ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનો અનુભવ લીધો છે.

બ્રેડમેનના સમયમાં વન-ડે પણ નહોતી. તેમણે માત્ર ઇંગ્લેન્ડનો જ પ્રવાસ કર્યો હતો. તેઓ દસ મેદાનમાં ક્રિકેટ રમ્યા હતા, પાંચ ઓસ્ટ્રેલિયામાં અને પાંચ ઇંગ્લેન્ડમાં.

તેની સામે તેંડુલકરે 10 દેશોમાં ટેસ્ટ અને 17 દેશોમાં વન-ડે મેચો રમી છે. સચિન જુદા જુદા 94 મેદાનોમાં રમ્યા છે.

બ્રેડમેનના વખતમાં વિકેટ અનકવર્ડ રહેતી હતી, જ્યારે તેંડુલકરે રિવર્સ સ્વિંગનો સામનો કરવો પડ્યો હતો.

બ્રેડમેનના જીનિયસને કાબૂમાં રાખવા માટે બોલિંગની એક નવીન શૈલી - બોડીલાઇન બોલિંગ વિકસાવી પડી હતી.

બોડીલાઇન બોલિંગમાં બેટ્સમેનનાં શરીર પર જ આવે તે રીતે બોલ નખાતો હતો.

તેને રમવો બહુ મુશ્કેલ પડતો હતો. કેચ પકડવા લેગ સાઇડમાં વધારે ફિલ્ડરો ગોઠવી દેવાતા હતા.

તમે બોલ રમો એટલે કેચ થઈ જાય અને ના રમો તો શરીર પર ઇજા થવાની શક્યતા રહે.

બોડીલાઇન બોલિંગ પછી બ્રેડમેનની એવરેજ ઘટીને માત્ર 56.67ની થઈ ગઈ હતી.

બાદમાં બોડીલાઇન બોલિંગ પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો.

ટેસ્ટમાં 50 સદીઓ પૂરી કર્યા પછી હવે શું તેવો સવાલ તેંડુલકર માટે થતો હતો, કેમ કે તેણે હંમેશા પોતાના માટે નવાં નવાં લક્ષ્યાંકો ઘડ્યાં હતાં અને સહેલાઈથી પાર પાડ્યાં હતાં.

ભારતીય ક્રિકેટ ચાહકો ઘણી વાર ટીમના દેખાવને જોવાના બદલે પોતાના પ્રિય ક્રિકેટરની રમતને જ મહત્ત્વ આપે તેવું જોવા મળ્યું છે.

તેથી જ એ વાત પણ એટલી જ સાચી છે કે સચિને 50 સદીઓ કરી તેમાંથી માત્ર 20માં ભારત જીત્યું હતું. પરંતુ તેંડુલકરે જ કહ્યું હતું તે પ્રમાણે તે પણ માત્ર એક આંકડો જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો