You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વના સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડનું સંચાલન હવે કોણ કરશે?
- લેેખક, આદેશકુમાર ગુપ્ત
- પદ, સ્પોર્ટ્સ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા(બીસીસીઆઈ)ની આજકાલ માઠી દશા ચાલી રહી છે.
વિશ્વના આ સૌથી સમૃદ્ધ ક્રિકેટ બોર્ડની હાલત એવી છે કે તેના પદાધિકારીઓ પણ અસમંજસમાં છે. સુપ્રિમ કોર્ટે નિમેલા વહીવટકર્તાઓએ કાર્યકારી પદાધિકારીઓના અધિકારોમાં ઘટાડો કર્યો છે.
આ ખેંચતાણ ક્યાં જઈને અટકશે અને બીબીસીઆઈનું શું થશે એ સવાલ હવે યક્ષ પ્રશ્ન બની ગયો છે. તેથી વિવાદ ઉકેલાવાની બધી આશા સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે.
આ ગૂંચવાડા વિશે વાત કરતાં ક્રિકેટ સમીક્ષક વિજય લોકપલ્લીએ કહ્યું હતું, "આ મામલો ઘણો આગળ વધી ગયો છે તેમાં કોઈ શંકા નથી."
"વહીવટકર્તાઓની સમિતિનું પહેલું કામ બંધારણ અમલી બનાવવાનું હતું, જે હજુ સુધી થયું નથી."
"આ સમિતિ તેનો અહેવાલ આપી ચૂકી છે તથા તેનું કહેવું છે કે બીસીસીઆઈના પદાધિકારીઓનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. હવે તેમણે જવું જ પડશે."
"બીજી તરફ, વહીવટકર્તાઓની સમિતિનું કામ બીસીસીઆઈને ચલાવવાનું નથી. એ માટે તો બીસીસીઆઈના અધિકારીઓ જ જોઈએ."
"માત્ર બે અધિકારીઓથી બીસીસીઆઈનું સંચાલન કરવું મુશ્કેલ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શું છે સમગ્ર કિસ્સો?
વિનોદ રાયના વડપણ હેઠળની વહીવટકર્તાઓની સમિતિએ બીસીસીઆઈના કાર્યવાહક અધ્યક્ષ સી. કે. ખન્ના, સેક્રેટરી અમિતાભ ચૌધરી અને ખજાનચી અનિરુદ્ધ ચૌધરીના વહીવટી અધિકાર પાછલા દિવસોમાં છીનવી લીધા હતા.
નવી વ્યવસ્થા અનુસાર, આ પદાધિકારીઓએ તેમના પ્રવાસના ખર્ચ માટે પરવાનગી લેવી પડશે. એ ઉપરાંત ઉપસમિતિની બેઠક માટે નોટિસ પણ આપવી પડશે.
આ પદાધિકારીઓ કોઈ મોટો નિર્ણય નહીં કરી શકે. કાયદાકીય સલાહ માટે ખર્ચ નહીં કરી શકે.
માર્કેટિંગ વિભાગનાં જનરલ મેનેજર પ્રિયા ગુપ્તાની નિમણૂંકની મંજૂરી આપવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો છે. પ્રિયા ગુપ્તાનો વાર્ષિક પગાર 1.65 કરોડ રૂપિયા છે.
ક્રિકેટરોના કોન્ટ્રાક્ટ પર સહી કરવાનો સેક્રેટરી અમિતાભ ચૌધરીએ ઇનકાર કર્યો એ પછી પરિસ્થિતિ બગડી હતી.
એટલું જ નહીં, મીડિયા રાઇટ્સ હવે ટેન્ડરને બદલે ઇલેક્ટ્રોનિક લિલામ મારફત આપવામાં આવશે.
વિજય લોકપલ્લીના જણાવ્યા અનુસાર, આ વિવાદ શરૂ થયો ત્યારથી કોર્ટમાં બધો ખર્ચ બીસીસીઆઈએ જ કરવો પડ્યો છે.
ખરડાઈ રહી છે બીસીસીઆઈની પ્રતિષ્ઠા
વિજય લોકપલ્લી કહે છે, "આ પરિસ્થિતિને કારણે દુનિયામાં ખોટો મેસેજ જઈ રહ્યો છે. બીસીસીઆઈના અધિકારીઓ આપસમાં માત્ર લડી રહ્યા હોય એ સ્તરે સંસ્થાની વહીવટનું સ્તર પહોંચ્યું છે."
"જોકે, આ ત્રણેય અધિકારીઓ ઝડપભેર હટી જશે તો વહીવટકર્તાઓ કેટલી ઝડપથી બંધારણ અમલી બનાવે છે એ જોવાનું રસપ્રદ બનશે."
"સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કેટલો ઝડપથી આવે છે તેના પર પણ નજર રહેશે."
ભારતીય ખેલાડીઓના ઉત્તમ પ્રદર્શનને કારણે બીસીસીઆઈ પાસે અઢળક પૈસા આવે છે. એ નાણાંને માત્ર કાયદાકીય વિવાદમાં બરબાદ કરી શકાય? એ પણ પોતાની સ્થિતિ યથાવત રાખવા માટે?
તેમણે આ નિર્ણય લેવો જ પડશે અને એ પણ નક્કી કરવું પડશે કે ક્યા અધિકારી ફેંસલા કરશે.
આ કાયદાકીય લડાઈ ઘણી લાંબી ચાલી છે. તેમાં ખર્ચાયેલા કરોડો રૂપિયાથી ખેલાડીઓનું ભલું થઈ શક્યું હોત.
બીસીસીઆઈની પ્રતિષ્ઠા ખરડાવાની સાથે ક્રિકેટને પણ નુકસાન થઈ રહ્યું છે. તેથી નિરાકરણ જલદી થાય એવું સુપ્રીમ કોર્ટ પણ ઈચ્છશે.
પ્રિયા ગુપ્તાના પેકેજ સામે સવાલ
વિજય લોકપલ્લી માને છે કે વહીવટકર્તાઓની સમિતિ કાયદાકીય સીમામાં રહીને જ કામ કરશે.
પ્રિયા ગુપ્તા વિશે વાત કરતાં તેમણે સવાલ કર્યો હતો, "કોઈને આટલો પગાર આપવાની છૂટ છે? 1.65 કરોડ રૂપિયાના વાર્ષિક પગારવાળા પદ માટે કોઈ જાહેરાત બહાર પાડવામાં આવી હતી? "
"ખુદ વિનોદ રાય બીસીસીઆઈ પાસેથી એક પૈસો નથી લેતા."
વિનોદ રાયના વડપણ હેઠળની વહીવટી સમિતિ એવું કોઈ કામ ન કરી શકે જેની બાદમાં ટીકા કરવામાં આવે.
વિજય લોકપલ્લી માને છે કે આ વિવાદની કોઈ અસર આઈપીએલ પર નહીં થાય.
તેમણે કહ્યું હતું, "બીસીસીઆઈના કાર્યકારી પદાધિકારીઓ હાલ કોઈ નીતિગત નિર્ણય લઈ નહીં શકે. આ સ્થિતિમાં બીસીસીઆઈ અને ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે આ મડાગાંઠ ઉકેલવી જરૂરી છે."
"બીસીસીઆઈ કઈ રીતે ચાલશે અને તેનું સંચાલન કોણ કરશે તેનો નિર્ણય હવે સુપ્રીમ કોર્ટ જ કરી શકશે. આપણે સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ રાખવો જોઈએ."
બીજી તરફ એક અન્ય ક્રિકેટ સમીક્ષક અયાઝ મેમણે જણાવ્યું હતું કે બીસીસીઆઈના કાર્યકારી પદાધિકારી અને વહીવટકર્તાઓની સમિતિ વચ્ચેનો સંબંધ ગયા વર્ષથી જ બગડેલો છે.
બીસીસીઆઈના અધિકારીઓ તેમની સત્તા છોડવા ઈચ્છતા નથી. તેની સામે હકીકત એ છે કે વહીવટકર્તાઓની સમિતિ પણ તેનું કામ પુરું કરી શકી નથી.
તેઓ બીસીસીઆઈની જૂની કાર્યપદ્ધતિને બદલી શક્યા નથી, પણ હવે બીસીસીઆઈએ લોઢા સમિતિના સૂચનોનો કદાચ અમલ કરવો પડશે.
એ નિર્ણય સામે બીસીસીઆઈ અદાલતમાં જશે તો એ માટે નક્કર કારણો પણ આપવાં પડશે.
વાત રહી વિનોદ રાયની. તેમનો કાર્યકાળ જુન-જુલાઈ સુધીમાં પૂરો થશે તો તેઓ પણ એ પહેલાં તમામ આદેશોને અમલી બનાવવાના પ્રયાસ કરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો