સચીને કેમ પાઠવી ભારતના મહિલા ક્રિકેટર ઝૂલન ગોસ્વામીને શુભેચ્છા?

ભારતના ઝૂલન ગોસ્વામી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં 200 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગયા છે.

કિમ્બર્લીમાં આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) વુમન ચેમ્પિયનશિપમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ઝૂલને આ સિદ્ધિ હાંસલ કરી હતી.

ભારતની મહિલા ક્રિકેટ ટીમે પહેલા બેટિંગ કરતાં 302 રન ફટકાર્યા. વળતો દાવ લેવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 124 રન ફટકારી શકી હતી.

ભારતે બીજો વનડે 178 રને જીત્યો. મેચમાં પૂનમ યાદવે ચાર વિકેટ્સ લીધી, જ્યારે સ્મૃતિ મંધાનાએ 135 રન ફટકાર્યા.

જોકે, સૌથી વધુ ચર્ચા એક વિકેટ દ્વારા 200 વિકેટ્સની સિદ્ધિ હાંસલ કરનારા ઝૂલન ગોસ્વામીની રહી.

તમને આ પણ વાંચવું ગમશે

ઝૂલનની વિશેષ વાતો

ઝૂલનનો જન્મ તા. 25મી નવેમ્બર 1982ના થયો હતો, તેઓ હાલ 35 વર્ષના છે. ઝૂલનનું ઉપનામ 'બાબુલ' છે.

વર્ષ 2002માં વનડે તથા ટેસ્ટમાં ઇંગ્લૅન્ડ સામે કારકિર્દીનો આરંભ કર્યો હતો. ઝૂલન લાંબા સમયથી ભારતનાં સ્ટાર બૉલર છે.

ઝૂલનની ગણના વિશ્વનાં સૌથી ઝડપી મહિલા બૉલર્સમાં થાય છે, તેઓ કલાકના 120 કિમીની ઝડપે બૉલિંગ કરી શકે છે.

વર્ષ 2007માં ઝૂલનને 'આઈસીસી વુમન પ્લૅયર ઑફ ધ યર' ચૂંટવામાં આવ્યા હતા. એ વર્ષે ભારતના એકપણ પુરુષ ખેલાડીને આઈસીસી ઍવૉર્ડ મળ્યો ન હતો.

166 વનડે મેચમાં ઝૂલન 200 વિકેટ્સ લઈ ચૂક્યાં છે. જ્યારે 10 ટેસ્ટમાં 665 રન આપીને 40 વિકેટ્સ ખેરવી છે.

ટી-20 મેચોમાં પણ ઝૂલને સુંદર પ્રદર્શન કર્યું છે. 60 મેચમાં 50 વિકેટ્સ લીધી છે. ઝૂલનનું શ્રેષ્ઠ પ્રદર્શન 31 રન આપીને છ વિકેટ્સ છે.

ઝૂલન 166 મેચમાં 1003 રન ફટકારી ચૂક્યા છે, જેમાં એક અર્ધશતકનો પણ સમાવેશ થાય છે.

જ્યારે 10 ટેસ્ટ્સમાં 283 રન બનાવ્યા છે, જેમાં બે અર્ધી સદીનો સમાવેશ થાય છે.

ક્રિકેટ ઉપરાંત ઝૂલન ગોસ્વામીને શાહરુખ ખાન પસંદ છે.

ઝૂલન ગોસ્વામીએ 200 વિકેટ્સ મેળવવાનો રેકોર્ડ બનાવ્યો, ત્યારે સામાન્યથી માંડીને વિશેષ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

સચિનન તેંડૂલકરે ટ્વીટ કર્યું, "સ્મૃતિ મંધાનાએ ફરી એકવખત સુંદર ઇનિંગ્ઝ રમી તેમને અભિનંદન. ઝૂલન ગોસ્વામીને 200 વિકેટ્સ મેળવવા બદલ અભિનંદન."

પ્રિયંકાએ લખ્યું, "ભારતીય મહિલા દુનિયાની ટોચ પર. આ કીર્તિમાન હાંસલ કરનાર ઝૂલનને અભિનંદન. હું આશા કરું છું કે હવે લોકો દીકરીઓને મારવાનું બંધ કરશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો