અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં વીનિંગ શોટ ફટકારનાર ગુજરાતી હાર્વિક દેસાઈ

ન્યૂ ઝિલૅન્ડના ઑવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવીને ભારતની અન્ડર-19ની ટીમે ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.

પૃથ્વી શૉના નેતૃત્વમાં ટીમે ઑલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.

મેચમાં ભારતના વિજય માટે મનોજ કાલરા અને હાર્વિક દેસાઈની પાર્ટનરશિપ મહત્ત્વપૂર્ણ રહી હતી.

મનોજ 102 બૉલમાં 101 રન ફટકારીને અણનમ રહ્યા. સામે છેડે ગુજરાતના હાર્વિક દેસાઈએ પણ તેમને આપ્યો હતો.

હાર્વિકે અણનમ 47 રન ફટકાર્યા હતા. હાર્વિકે ટીમ માટે વિનિંગ શૉટ ફટકાર્યો હતો.

હાર્વિકના પ્રદર્શન અંગે અંગે બીબીસી ગુજરાતીના શૈલી ભટ્ટે ભાવનગરના દેસાઈ પરિવાર તથા તેમના કોચ સાથે વાત કરી હતી.

હાર્વિક મૂળ ભાવનગર

હાર્વિક દેસાઈ મૂળ ભાવનગરના છે. તેમના પિતા મનોજભાઈ કપડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

તેમનો પરિવાર વર્ષોથી ભાવનગરમાં ટેલરિંગ શોપ ચલાવે છે. હાર્વિકના માતા અમીબહેન ક્રિકેટ જોવાના ઘણાં શોખીન છે.

મનોજભાઈએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "હું પણ એક સમયે ક્રિકેટ રમતો હતો, પણ ક્યારેય આગળ વધવાનું વિચાર્યું નહિ.

"હાર્વિકે જે કરી દેખાડ્યું તેનો અમને ગર્વ છે. હાર્વિકના મમ્મીને ક્રિકેટ જોવાનો ઘણો શોખ છે. જીત્યા પછી હાર્વિકે તેની જ સાથે ફોન પર વાત કરી હતી."

18 વર્ષના હાર્વિક ભાવનગરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ભણે છે.

તેમના પિતા મનોજભાઈના કહેવા પ્રમાણે, "ભણવામાં હાર્વિક હોશિયાર છે. પ્રેક્ટિસ અને ભણતર બંને બહુ મહેનતથી કરે છે.

"5-6 વર્ષના હતા ત્યારથી હાર્વિક ક્રિકેટ પ્રત્યે આકર્ષણ ધરાવતા હતા.

"જોકે, હાર્વિકની ફોર્મલ ટ્રેનિંગ નવ વર્ષની ઉંમરે ભાવગરમાં જ શરૂ થઈ હતી. તે પ્રેક્ટિસ માટે સવારે સાડા છ વાગ્યે ઉઠીને જતો, ત્યાંથી બપોરે 11 વાગ્યે સ્કૂલે જતો.

"સ્કૂલથી ત્રણ વાગ્યે છૂટીને ફરી પ્રેક્ટિસમાં જાય. સાંજે સાડા છ-સાત વાગ્યે ઘરે આવે."

એ હતી હાર્વિકની કમજોરી

હાર્વિકને છેલ્લા ત્રણ વર્ષથી કોચિંગ આપતાં હિતેશ ગોસ્વામીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું:

"તે જ્યારે અંડર-16માંથી અંડર-19માં આવ્યો, ત્યારે તેની ઇમેજ રન સ્કોરરની હતી.

"તેનું કીપિંગ સારું કરવા માટે અમારે તેની ફિટનેસ પર કામ કરવું પડ્યું હતું.

"જો હાર્વિક પહેલા કીપિંગ કરે તો તેની બેટિંગ પર અસર થતી હતી અને જો બેટિંગ પહેલાં કરે તો તેનું કીપિંગ બગડતું.

"જોકે, છેલ્લા બે વર્ષથી તેમાં સુધારો થયો છે."

'ના મારે આ મેચ રમવી જ છે...'

હિતેશભાઈએ સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન હાર્વિકના સિલેક્શનનો એક રસપ્રદ કિસ્સો જણાવ્યો.

તેમણે કહ્યું, "આ ટુર્નામેન્ટ માટે અંડર-19 સ્ક્વૉડનું સિલેક્શન ડિસેમ્બર-2016માં થયું હતું, જેમાં 50 ખેલાડીઓને સિલેક્ટ કરાયા હતા.

"આ સિલેક્શનના દસ દિવસ પહેલા, રાજકોટમાં 'કૂચ બિહાર ટ્રૉફી'ની મેચ રમાઈ હતી. તે સમયે હાર્વિકના જમણા હાથની રિંગ ફિંગરમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું.

"અમારા ફિઝિયો અને ડૉક્ટરે હાર્વિકને આરામ કરવા માટે કહ્યું હતું પણ હાર્વિકે આવીને કહ્યું, 'ના સર, આ સૌરાષ્ટ્ર માટે મહત્વની મેચ છે એટલે મારે રમવી જ છે.' તેણે દવા લઈને મેચ રમી.

"એ મેચમાં હાર્વિકે કીપિંગ કર્યું અને 100 રન પણ ફટકાર્યા.

"એ મેચ પછી હાર્વિકને વર્લ્ડ કપ માટેના સંભવિતોની યાદીમાં સ્થાન મળ્યું અને એ પછી પ્લેઇંગ-11માં પણ સિલેક્ટ થયો. હાર્વિકમાં શિસ્ત અને મહેનતનું સરસ મિશ્રણ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો