મોટા ઘટાડા બાદ ભારતીય બજારોની રિકવરી

એક મોટા ઘટાડા બાદ ભારતીય શેરબજારોએ મોટી રિકવરી કરી લીધી.

મંગળવારના ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 561 પોઇન્ટ ઘટીને (-1.61%) અને એનએસઈ નિફ્ટી 168.20 પોઇન્ટ (-1.58%) ઘટીને બંધ થયો હતો.

સોમવારે અમેરિકન શેરબજાર ડાઉ જોન્સ 1175 પૉઇન્ટના ઘટાડા સાથે બંધ થયું. વર્ષ 2008ના નાણાંકીય સંકટ બાદ નોંધાયેલો આ સૌથી મોટો ઘટાડો હતો.

આ ઘટાડાની કથિત અસર ભારતના શેરબજારો પર પણ પડી હોવાનું જણાય છે.

મંગળવાર સવારે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો સૂચકાંક સેન્સેક્સ 1000 પોઇન્ટ નીચે ખૂલ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો સૂચકાંક નિફ્ટી 400 પોઇન્ટના ઘટાડા સાથે ખૂલ્યો હતો.

ડાઉ જોન્સ 4.6 ટકા ઘટાડા સાથે સોમવારે 24,345 પૉઇન્ટ પર બંધ થયું. એસ એન્ડ પી 500 સ્ટૉક ઇન્ડેક્સ 3.8 ટકા અને નેસ્ડેક 3.7 ટકા ઘટાડા સાથે બંધ થયા.

આ ઘટાડા વિશે વ્હાઇટ હાઉસે એક નિવેદન જાહેર કર્યું છે કે જેમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિનું ધ્યાન લાંબા ગાળાના અર્થતંત્ર પર છે.

વર્ષ 2008માં નાણાંકીય સંકટ દરમિયાન ડાઉ જોન્સમાં 777.68 પૉઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

આ બધું ઇન્વેસ્ટમેન્ટ બેંક લેહમેન બ્રધર્સના પતન બાદ 700 અબજ અમેરિકી ડોલરની બેંક બેલઆઉટ યોજનાના કોંગ્રેસ દ્વારા અસ્વીકાર બાદ થયું હતું.

ટકાવારીના મામલે આ ઘટાડો ઓગસ્ટ 2011 બાદ સૌથી મોટો ઘટાડો છે, ત્યારે 'બ્લેક મન્ડે' બાદ બજારોમાં ઘટાડો નોંધાયો હતો. એ સમયે સ્ડાન્ડર્ડ એન્ડ પૂઅર્સે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું હતું.

અમેરિકી બેંકોએ કરવો પડશે વ્યાજદરોમાં વધારો

અમેરિકાના રોકાણકારો અમેરિકાની અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણમાં નાના પરંતુ મહત્ત્વપૂર્ણ ફેરફાર પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

અમેરિકાના શ્રમ વિભાગે રોજગાર સંખ્યા જાહેર કરી તો શુક્રવારના રોજ સ્ટૉક માર્કેટમાં વેચવાલી વધી ગઈ હતી.

આમ થવા પાછળનું કારણ શ્રમના વેતનદરોમાં અનુમાન કરતા વધારે વૃદ્ધિ થવાનો અંદાજો હતો.

જો પગાર વધે છે તો આશા છે કે લોકો વધારે ખર્ચ કરશે અને ફુગાવો વધશે.

આ સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે અમેરિકાની કેંદ્રીય બેંકોએ વ્યાજદરોમાં વધારો કરવો પડશે.

અમેરિકી ફેડરલ રિઝર્વે આ વર્ષે માત્ર બે કે ત્રણ વખત વ્યાજદરોમાં વધારાનું અનુમાન લગાવ્યું હતું.

હવે અનુમાન છે કે વ્યાજદરોમાં હજુ વધારો નોંધાઈ શકે છે.

શા માટે ડાઉ જોન્સમાં થયો કડાકો?

સ્ટૉક માર્કેટના ઉછાળા પર વધારે ઇતરાવું એ એક ખતરનાક ખેલ છે અને મોટાભાગના અમેરિકી રાષ્ટ્રપતિ તેનાથી બચતા રહે છે.

બરાક ઓબામાએ પણ પોતાના કાર્યકાળમાં ક્યારેક ક્યારેક જ એવું કર્યું હતું અને એ પણ ત્યારે જ્યારે અમેરિકાની અર્થવ્યવસ્થામાં 2008ની બરબાદી બાદ સારો એવો સુધારો આવી ગયો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રચાર અભિયાન દરમિયાન ડાઉ જોન્સ વિશે ઘણી ખરી-ખોટી વાતો કહી હતી. પણ હવે તેઓ આ શેરબજારના વખાણ કરતા થાકતા નથી.

તેઓ પોતાના ટ્વીટ, રેલીઓ અને તેમના છેલ્લા અઠવાડિયાના સ્ટેટ ઑફ ધ યૂનિયન ભાષણમાં પણ તેનો ઉલ્લેખ કરતા રહ્યા છે.

ટ્રમ્પે પોતાના ભાષણોમાં ટેક્સમાં કાપથી થતા ફાયદા પર ઘમંડ કરતા રહ્યા અને ડાઉ જોન્સના કડાકાથી તેમની છબી ઝાંખી પડી ગઈ છે.

અમેરિકી શેરબજારોમાં આવેલા આ ઘટાડાના પગલે એશિયાઈ બજારો પર પણ અસર જોવા મળી છે.

જાપાનના નિક્કી સૂચકાંકમાં પણ પ્રારંભિક સમયમાં ચાર ટકા કરતા વધારે ઘટાડો નોંધાયો હતો.

'અર્થવ્યવસ્થાનું ફરી એક વખત મૂલ્યાંકન જરૂરી'

એસ એન્ડ પી ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના પોર્ટફોલિયો મેનેજર એરિન ગિબ્સનું કહેવું છે કે સોમવારની વેચવાલીએ કંપનીઓને શેર વેચવા માટે આગળ વધવા પર મજબૂર કર્યા છે.

એરિન ગિબ્સ કહે છે, "આ અર્થવ્યવસ્થાનું પતન નથી. ચિંતાનો વિષય એ નથી કે શેરબજાર સારી રીતે નથી ચાલી રહ્યું, કે અમેરિકાનું કોર્પોરેટ ક્ષેત્ર સારું કામ કરી રહ્યું નથી."

"પરંતુ ચિંતાનો વિષય એ છે કે અર્થવ્યવસ્થા ખરેખર આશા કરતા વધારે આગળ વધી રહી છે અને આપણે ફરી એક વખત તેનું મૂલ્યાંકન કરવાની જરૂર છે."

જેરોમ પાવેલના ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ શેયર બજારની કિંમતોમાં ઘટાડો નોંધાવો તે એક મોટા પડકારને રેખાંકિત કરે છે.

આ પડકાર છે કે તેઓ એવા નિર્ણય લઈ શકે કે જે રોકાણકારોને પરેશાન કર્યા વગર અર્થવ્યવસ્થાનો વિકાસ યથાવત રાખે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો