બિટકૉઇનને પડકાર આપતી નવી મુદ્રા કઈ છે અને તેમાં શું ખાસ છે?

છેલ્લા કેટલાક દિવસોમાં બિટકૉઇનમાં આવેલા ઉછાળાએ લોકોને આશ્ચર્યમાં મૂક્યા છે.

પરંતુ બજારમાં સારા રિટર્ન આપતી બિટકૉઇન એકમાત્ર વર્ચ્યુઅલ કરન્સી નથી.

વધુ એક ક્રિપ્ટો કરન્સી એટલે કે વર્ચ્યુઅલ મુદ્રા છે કે જેમાં આવેલા ઉછાળાને કારણે બિટકૉઇનની ચમકમાં પણ ઘટાડો આવ્યો છે.

આ કરન્સીનું નામ છે આઈઓટા (IOTA). આ એક ઇન્વેસ્ટમેંટ પ્રોડક્ટ છે.

નવેમ્બરથી માંડીને અત્યાર સુધી IOTAની કિંમતોમાં 774 ટકાનો વધારો થયો છે.

તમને આ પણ વાંચવું ગમશે

કિંમતમાં આવેલા આ ઉછાળાએ IOTAની કુલ બજાર મૂડીને 12 અબજ ડૉલર સુધી પહોંચાડી દીધી છે.

આ સાથે જ તે દુનિયાની પાંચ સૌથી મોટી વર્ચ્યુઅલ મુદ્રાની યાદીમાં સામેલ થઈ ગઈ છે.

નાણાકીય સૂચનાઓ આપતી વેબસાઇટ માર્કેટ વૉચના આધારે તેમાં બિટકૉઇન, ઇથેરિયમ, બિટકૉઇન કેશ, IOTA અને રિપલ સામેલ છે.

આ વચ્ચે એવા સમાચાર પણ આવ્યા કે માઇક્રોસોફ્ટ જેવી ઘણી ટેકનિકલ કંપનીઓ જર્મનીની આ બિન-લાભદાયી સંસ્થા સાથે તાલમેલ બનાવી રહી છે.

તેની દેખરેખ હેઠળ IOTA એક સુરક્ષિત ડેટા માર્કેટ બનાવવામાં લાગેલી છે.

IOTAના સહ સંસ્થાપક અને સીઈઓ ડેવિડ સંસટેબોએ સીએનબીસીને જણાવ્યું કે હાલના સમયમાં 99 ટકા કિંમતી સૂચનાઓ ગુમ થઈ રહી છે.

તેઓ કહે છે, "IOTA મફતમાં ડેટા શેર કરવા અને જાણકારી સુરક્ષિત કરવા પ્રોત્સાહન આપે છે."

શું છે ક્રિપ્ટોકરન્સી?

નોટ અને સિક્કા જેવી પારંપરિક મુદ્રાની વિરૂદ્ધ ક્રિપ્ટોકરન્સીને કોઈ બેંક કે નાણાકીય સંસ્થા નથી છાપતી. આ એક ડિજિટલ મુદ્રા છે.

બિટકૉઇન હાલ સૌથી પ્રખ્યાત ડિજિટલ મુદ્રા છે જેમાં કમ્પ્યૂટર ફાઇલને ડિજિટલ વૉલેટમાં રાખવામાં આવે છે.

વર્ચ્યુઅલ મુદ્રા મેળવવાની ત્રણ રીત છે. તેને અસલી પૈસાના માધ્યમથી ખરીદી શકાય છે. અથવા તો બિટકૉઇનના બદલે મળતી સેવાઓ અને પ્રોડક્ટને વહેંચીને નફો રળી શકાય છે.

ત્રીજી રીત વર્ચ્યુઅલ મુદ્રા બનાવતી કંપનીઓ પાસેથી તેને લઈ શકાય છે. આ બજાર સંપૂર્ણપણે રોકાણકારોના હાથમાં હોય છે.

તેની માટે સરકારના કોઈ નિયમ કે નિર્દેશ નથી. તેનો વિકાસ પણ ઝડપથી થઈ રહ્યો છે.

ડિજિટલ ગોલ્ડ તરીકે ઓળખાતા બિટકૉઇનનો ભાવ ગત વર્ષે 1200 ટકા કરતા વધારે વધ્યો છે.

જોકે, જાણકારો તેને અર્થવ્યવસ્થાનો આજ સુધીનો સૌથી મોટો પરપોટો માને છે.

નોબલ પુરસ્કાર જીતનારા જોસેફ સ્ટિગ્લિટ્ઝે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે, "લોકોને બિટકૉઇન કેમ જોઈએ છે? લોકો વૈકલ્પિક મુદ્રા કેમ ખરીદવા માગે છે?"

"વૈકલ્પિક મુદ્રા ખરીદવા પાછળ અસલી કારણ એ છે કે લોકો તેનો ઉપયોગ મની લૉન્ડ્રીંગ અને ટેક્સ બચાવવા જેવાં કામોમાં કરવા માગે છે."

પરંતુ અર્થશાસ્ત્રીઓ, સરકારો અને બેંકોની ચેતવણીઓ બાદ પણ રોકાણકારોનો ઉત્સાહ યથાવત છે.

દરેકને લાગે છે કે ખતરો છે, પણ તેઓ એવું પણ માને છે કે ખતરો ઉઠાવીને જ ફાયદો મેળવી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો