બિટકૉઇનની હાલત પણ ટ્યૂલિપ જેવી થશે?

વર્ચ્યૂઅલ કરન્સી બિટકૉઇનનું મૂલ્ય પહેલીવાર 10,000 ડોલરના આંકને સ્પર્શી ગયું છે.

ભારતીય ચલણના સંદર્ભમાં ગણતરી કરીએ તો એ મૂલ્ય લગભગ સાડા છ લાખ રૂપિયા થાય.

બિટકૉઇનનાં મૂલ્યમાં સોમવારે અચાનક સાડા ચાર ટકા વધારો થયો હતો.

એક બિટકૉઇનનું મૂલ્ય વધીને અંદાજે સાડા છ લાખ રૂપિયા થઈ ગયું હતું.

લક્ઝમબર્ગસ્થિત બિટકૉઇન એક્સચેન્જના જણાવ્યા અનુસાર બિટકૉઇને આ વર્ષે તેની સફરની શરૂઆત 1,000 ડોલરથી કરી હતી.

તેનો અર્થ એવો થાય કે જાન્યુઆરી 2017ની શરૂઆતમાં એક બિટકૉઇનનું મૂલ્ય 1,000 ડોલર હતું.

બિટકૉઇનનું લોન્ચિંગ 2009માં કરવામાં આવ્યું હતું. એ પછી તેના મૂલ્યમાં મોટા ફેરફારો જોવા મળ્યા હતા.

ભવિષ્ય વિશે સવાલ

જોકે, કેટલાક નિષ્ણાતો આ વર્ચ્યુઅલ કરન્સીના ભવિષ્ય બાબતે સવાલ ઉઠાવી રહ્યા છે.

અમેરિકાની સૌથી મોટી બેન્ક જેપી મોર્ગનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) જેમી મોર્ગને કૉઇન સંબંધે સવાલ ઉઠાવ્યા છે.

સતરમી સદીની શરૂઆતમાં ટ્યૂલિપ નામનાં ફૂલોના ભાવમાં અચાનક જોરદાર વધારો થયો હતો.

બિટકૉઇનની હાલત પણ એવી ન થઈ જાય તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

1623માં એમસ્ટેર્ડમ શહેરમાં આજના ટાઉનહાઉસ જેટલી કિંમતે ટ્યૂલિપની એક ખાસ જાતની દસ ગાંઠ ખરીદવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી.

અલબત, ટ્યૂલિપના એ ગાંઠના માલિકે એટલી મોટી કિંમતમાં પણ સોદો કર્યો ન હતો.

સતરમી સદીમાં એ સોદાની વાત દૂર-દૂર સુધી પ્રસરી ત્યારે બજારમાં ટ્યૂલિપની નવી ખુબીઓવાળી વધુ જાતો આવવા લાગી હતી.

આ કિસ્સાનું વર્ણન 1999માં પ્રકાશિત આઈ માઈક ડૈશના પુસ્તક 'ટ્યૂલિપોમેનિયા'માં કરવામાં આવ્યું હતું.

ફૂલોનો નહીં, તેની ગાંઠોનો વેપાર

સત્તરમી સદીમાં ટ્યૂલિપના બિઝનેસની સૌથી મોટી ખૂબી એ હતી કે લોકો એ ફૂલનો નહીં, પણ તેની ગાંઠનો વેપાર કરતા હતા.

ટ્યૂલિપનો ઉપયોગ પૈસાની લેવડદેવડ માટે કરવામાં આવતો હતો.

સંપત્તિ માટે ટ્યૂલિપની ગાંઠો વેચવામાં આવી હોવાના ઘણા કિસ્સાઓ સાંભળવા મળ્યા હતા.

1633ના પ્રારંભ સુધીમાં તેની માગ એટલી વધી ગઈ હતી કે સેમ્પર ઓગસ્ટન નામની ટ્યૂલિપની એક જાતની ગાંઠ 5500 ગિલ્ડરમાં વેચવામાં આવી હતી.

ગિલ્ડર એ વખતે હોલેન્ડની કરન્સી હતી. એ પછીનાં ચાર વર્ષમાં તેની કિંમત બમણી થઈ ગઈ હતી.

એ કિંમત એટલી ઊંચી હતી કે તેમાંથી એ સમયના એક પરિવારનો અડધી જિંદગીનો ખાવાનો અને કપડાંનો ખર્ચ તેમાંથી નીકળી જતો હતો.

1637 સુધીમાં એ કારોબાર ટોચ પર પહોંચી ચૂક્યો હતો.

એ સમયે મોટા વેપારીઓ જ નહીં, મોચીઓ અને દરજીઓ પણ ટ્યૂલિપનો બિઝનેસ કરવા લાગ્યા હતા.

ઘણીવાર દિવસ દરમ્યાન ટ્યૂલિપની એક ગાંઠ દસથી બાર વખત વેચાતી હતી.

માર્કેટ અચાનક તૂટી પડ્યું

આ પરિસ્થિતિમાં મંદી આવે એ દેખીતું હતું. 1637માં ટ્યૂલિપનું માકેર્ટ એક દિવસે અચાનક ધ્વસ્ત થઈ ગયું હતું.

તેનું કારણ સ્પષ્ટ હતુ, પૈસાદાર લોકો પણ સસ્તામાં સસ્તું ટ્યૂલિપ ખરીદી શકતા ન હતા.

બિઝનેસ ગગડ્યો એટલે તમામ પ્રકારની સમસ્યાઓ સર્જાઈ હતી.

ઉધાર લઈને બિઝનેસ કરતા લોકોની હાલત સૌથી વધુ ખરાબ થઈ હતી.

રસપ્રદ વાત એ હતી કે ટ્યૂલિપનો ધંધો ભલે પડી ભાંગ્યો હોય, પણ હોલેન્ડના લોકોનો ફૂલોનો શોખ યથાવત રહ્યો હતો.

અસલી ફૂલો ગાયબ થયાં એટલે ફૂલોનાં પેન્ટિંગનો બિઝનેસ શરૂ થયો હતો.

શું છે બિકૉઇન?

બિટકૉઇન એક વર્ચ્યૂઅલ કરન્સી છે અને તેના પર કોઈ સરકારી નિયંત્રણ નથી.

આ કરન્સી કોઈ બેન્કે બહાર પાડી નથી. બિટકૉઇન કોઈ દેશનું ચલણ ન હોવાથી તેના પર ટેક્સ પણ લાગતો નથી.

બિટકૉઇન સંપૂર્ણપણે ગુપ્ત કરન્સી છે અને તેને સરકારથી છૂપાવીને રાખી શકાય છે.

દુનિયામાં ગમે ત્યાં તેની ખરીદી અને વેચાણ થઈ શકે છે.

પ્રારંભે કમ્પ્યુટર પર કેટલાંક જટીલ કામોના બદલામાં ક્રિપ્ટો કરન્સીની કમાણી કરી શકાય છે.

આ કરન્સી માત્ર કોડમાં હોવાથી તેને જપ્ત કરી શકાતી નથી અને તેનો નાશ પણ કરી શકાતો નથી.

કેટલા બિટકૉઇન છે ચલણમાં?

એક અંદાજ અનુસાર, અત્યારે અંદાજે દોઢ કરોડ બિટકૉઇન્સ ચલણમાં છે. બિટકૉઇન ખરીદવા માટે યુઝરે તેનું એડ્રેસ રજિસ્ટર કરાવવું પડે છે.

એ વર્ચ્યૂઅલ એડ્રેસ 27થી 34 અક્ષર કે અંકોના કોડના સ્વરૂપમાં હોય છે. એ વર્ચ્યૂઅલ એડ્રેસ પર બિટકૉઇન મોકલવામાં આવતા હોય છે.

વર્ચ્યૂઅલ એડ્રેસ બિટકૉઇન વૉલેટમાં સ્ટોર કરવામાં આવે છે અને તેમાં બિટકૉઇન્સ રાખવામાં આવે છે.

આ વર્ચ્યૂઅલ એડ્રેસનું કોઈ રજિસ્ટર ન હોવાથી બિટકૉઇન ધરાવતા લોકોની ઓળખ ગુપ્ત રાખી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો