#ByeBye2017 : ગુજરાતની આ સાત મહિલાઓ રહી ચર્ચામાં

2017નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે. આ વર્ષે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણી મહિલાઓએ અલગ-અલગ ક્ષેત્રે ઘણી સિદ્ધિઓ હાંસલ કરી, જેમાં ગુજરાતની મહિલાઓ પણ સામેલ છે.

અહીં વાંચો ગુજરાતની સાત મહિલાઓ વિશે જેઓ 2017માં સમાચારમાં રહ્યાં.

ક્રિંઝલ ચૌહાણ

ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહેતાં મૂળ ગુજરાતી ક્રિંઝલ ચૌહાણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની દીકરીની ક્રિએટિવ તસવીરો શેર કરી હતી.

દીકરી શનાયાના જન્મ બાદ ક્રિંઝલે શિક્ષકની નોકરીમાંથી રજા લીધી હતી. તેઓ ઘરે બેઠાં-બેઠાં કંટાળી જતાં હતાં.

આ સમયે તેણે પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને શનાયાની આસપાસ ઘરની વસ્તુઓમાંથી સેટ્સ બનાવી તેની તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી.

જેને લોકોએ ઘણી પસંદ કરી હતી.

ચેતના વાળા

ગુજરાતના ગિર-સોમનાથ જિલ્લામાં કોડીનાર તાલુકામાં આવેલું સરખડી ગામ 'મહિલા વૉલીબૉલના ખેલાડીઓ'નાં ગામ તરીકે જાણીતું છે.

આ જ ગામની 19 વર્ષીય ચેતના વાળાએ આ વર્ષે બ્રિક્સ ગેમમાં ચીનમાં ભારતની અંડર-20 વોલીબોલ ટીમની કપ્તાની કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આ ગામની ઘણી મહિલા ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વૉલીબૉલ સ્પર્ધામાં અનેક પદકો જીત્યાં છે.

બાકિંગ ક્વિન્સ

સુરતનાં 50 મહિલા બાઇકર્સના ગ્રૂપે આ વર્ષે ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર ફરીને 'બેટી બચાઓ, બેટી પઢાઓ' અંગે જાગૃતતા લાવવા માટે એક ખાસ ટ્રેઇલ કરી હતી.

જેમાં વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ રસ્તા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો.

અલગ-અલગ 19 રાજ્યોમાં ફરીને લગભગ 14000 કિમી જેટલું અંતર કાપીને આ ગ્રૂપ સુરત પાછું ફર્યું હતું.

અવની સેઠી

અમદાવાદમાં ઘણી બધી દિવાલો પર 'લવ જેહાદથી બેટી બચાવો' જેવાં વાક્યો લખાયાં હતાં.

જેના વિરોધમાં કથક નૃત્યાંગના અવની સેઠીએ અલગ-અલગ રસ્તાઓ પર 'મુઘલ-એ-આઝમ'ના ગીત 'જબ પ્યાર કિયા તો ડરના ક્યા...' પર કથક નૃત્ય કર્યું હતું.

જેની ઘણી ચર્ચા થઈ હતી અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

વંદિતા ધારીયાલ

અમદાવાદનાં વંદિતા ધારિયાલ આ વર્ષે ગુજરાતનાં પહેલાં મહિલા સ્વિમર છે, જેણે ઇંગ્લિશ ચેનલ પાર કરી છે.

22 વર્ષની વંદિતાએ સ્વિમિંગ કરીને ઇંગ્લૅન્ડથી ફ્રાંસ વચ્ચેનું અંતર 13 કલાક 10 મિનિટમાં કાપ્યું હતું.

હાલ વંદિતા દિલ્લીની લેડી શ્રીરામ કોલેજમાં ગ્રેજ્યુએશન કરીને લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અભ્યાસ કરી રહી છે.

ઝીનલ પટેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુલાકાત લીધી હતી.

આવી એક મુલાકાતમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વિદ્યાર્થીઓએ ઉગાડેલા મકાઈનાં પાક પર બુલડોઝર ફેરવાતાં વિવાદ થયો હતો.

આ વિવાદમાં યુનિવર્સિટીની વિદ્યાર્થિની ઝીનલ પટેલે ખાસ વિરોધ કર્યો હતો અને આ ઘટનાની ટીકા કરી હતી.

જે પછી ઘણાં પ્રસાર માધ્યમોમાં તેની ચર્ચા થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો