ટ્રિપલ તલાક વિશે ચાર મહત્વની બાબતો

મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ખરડો એટલે કે ટ્રિપલ તલાકને ફોજદારી ગુનો ગણતા ખરડાને લોકસભાએ ગુરુવારે મંજૂરી આપી હતી.

કોઈ પણ સુધારા વિના પસાર કરવામાં આવેલો આ ખરડો હવે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભા પણ તેને મંજૂરી આપશે તો આ ખરડો કાયદો બનશે.

આ તબક્કે ટ્રિપલ તલાક વિશેની ચાર બાબતો વિશે જાણવાનું રસપ્રદ થઈ પડશે.

તમને આ પણ વાંચવું ગમશે

શું છે તત્કાળ ટ્રિપલ તલાક?

તત્કાળ ટ્રિપલ તલાક અથવા તો 'તલાક-ઉલ-બિદ્દત' છૂટાછેડાની ઇસ્લામી પ્રથા છે. તેમાં પતિ તેની પત્નીને એકસાથે ત્રણ વખત 'તલાક' બોલીને તેમના લગ્નજીવનનો અંત આણી શકે છે.

'તલાક' શબ્દ ઉચ્ચારીને કે ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેલ મારફત એમ કોઈ પણ રીતે સંદેશો મોકલીને મુસ્લિમ પતિ તેની પત્નીને છૂટાછેડા આપી શકે છે.

સંખ્યાબંધ મુસ્લિમ મહિલાઓએ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

તેના અનુસંધાને સુપ્રીમ કોર્ટે આ વર્ષના ઓગસ્ટમાં ટ્રિપલ તલાકની પ્રથાને ગેરબંધારણીય ગણાવી હતી.

મુસ્લિમો ટ્રિપલ તલાકની પ્રથાને અનુસરે છે?

ભારતભરના સુન્ની મુસ્લિમોમાં ટ્રિપલ તલાકની વિવાદાસ્પદ પ્રથાને અનુસરવામાં આવે છે.

અલબત, સુન્ની ઈસ્લામના ત્રણ પંથ આ પ્રથાને હવે પ્રમાણભૂત ગણતા નથી.

સુન્ની ઈસ્લામનો ચોથો દેવબંદ એકમાત્ર એવો પંથ છે, જે ટ્રિપલ તલાકની પ્રથા સાથે સહમત છે.

ભારતમાં કેટલા મુસ્લિમો ટ્રિપલ તલાકનો ઉપયોગ કરે છે, તેના સત્તાવાર આંકડા ઉપલબ્ધ નથી.

આ સંબંધે એક ઓનલાઇન સર્વે કરવામાં આવ્યો હતો. તેના તારણ અનુસાર, સર્વેક્ષણ હેઠળ આવરી લેવામાં આવેલા મુસ્લિમો પૈકીના એક ટકાથી પણ ઓછા મુસ્લિમોએ ટ્રિપલ તલાકનો ઉપયોગ કર્યો હતો.

કઈ રીતે ટ્રિપલ તલાક?

મુસ્લિમ પતિ છૂટાછેડાની શરૂઆત કરે તેને 'તલાક-ઉલ-અહસાન' કહેવામાં આવે છે.

આ પ્રક્રિયા ત્રણ મહિના સુધી ચાલવી જોઇએ, જેથી સંબંધમાં સુધારાનો અને પતિ-પત્ની વચ્ચેના મતભેદના નિવારણનો પૂરતો સમય મળી રહે.

મુસ્લિમ મહિલા તલાક માગે તો તેને 'ખુલા' કહેવામાં આવે છે.

મુસ્લિમ મહિલા તલાક ઇચ્છતી હોય, પણ તેના પતિ એ માટે સહમત ન હોય તો મુસ્લિમ મહિલા કાજી કે શરિયા કોર્ટમાં જઈ શકે છે.

આ અદાલતી પ્રક્રિયા મારફતે આપવામાં આવેલા તલાકને 'ફક્શ-એ-નિકાહ' કહેવામાં આવે છે.

મુસ્લિમ મહિલા તેના 'મેરેજ કોન્ટ્રાક્ટ' એટલે કે 'નિકાહનામા'માં તલાકની શરતો અને પ્રક્રિયા સ્પષ્ટ રીતે જણાવી શકે છે.

તેને 'તફવીધ-એ-તલાક' અથવા તો પત્નીને તલાકના અધિકારની સોંપણી કહેવામાં આવે છે.

ટ્રિપલ તલાકના ખરડા વિશે વિવાદ કેમ?

મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ ખરડામાં તત્કાળ ટ્રિપલ તલાકને ફોજદારી ગુનો ગણવામાં આવ્યો છે.

એ ગુના બદલ મુસ્લિમ પુરુષને મહત્તમ ત્રણ વર્ષના કારાવાસની સજા થઈ શકે છે.

એ સમયગાળા દરમિયાન મુસ્લિમ પતિએ તેનાથી તલાક પામેલી પત્નીને ભરણપોષણનો ખર્ચ આપવો પડશે, તેવી જોગવાઈ છે.

મુસ્લિમ મહિલાઓનાં કેટલાક જૂથો એવી દલીલ કરી રહ્યાં છે કે આ વ્યવસ્થા મુસ્લિમ સ્ત્રીઓને મદદરૂપ નહીં થાય.

તેનું કારણ એ છે કે મુસ્લિમ મહિલાઓ તેમને સમાન અધિકાર તથા લગ્ન ટકાવવાની બાંયધરી આપતો અને લગ્નજીવન પર પૂર્ણવિરામની પ્રક્રિયામાં તેમના અભિપ્રાયને પણ ધ્યાનમાં લેવામાં આવે તેવો કાયદો ઇચ્છે છે.

તલાક આપનાર મુસ્લિમ પુરુષને કારાવાસની સજા કરવાથી હેતુ સરવાનો નથી. કારાવાસની સજા પામેલો મુસ્લિમ પુરુષ એવી દલીલ કરશે કે એ જેલમાં હોવાથી ભરણપોષણનો ખર્ચ આપવા અસમર્થ છે.

આ સંજોગોમાં તલાક પામેલી મુસ્લિમ મહિલા અને તેનાં બાળકો નિરાધાર થઈ જશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો