You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોલેજમાં ઊભા કપાસ પર બુલડોઝર ફેરવાતા વિદ્યાર્થિનીનો વિરોધ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસના બીજા દિવસે રવિવારે ભરૂચ આવવાના છે.
વડાપ્રધાનની મુલાકાતને લઈને હાલ ભરૂચની 'કૉલેજ ફોર એગ્રિકલ્ચર' વિવાદમાં આવી છે.
અહીંના વિદ્યાર્થીઓનો આરોપ છે કે વડાપ્રધાનના હેલિકોપ્ટરના ઉતરાણ માટે અહીં ઊભા પાકમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
આ મામલે વિદ્યાર્થીની ઝીનલ પટેલે એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલો ઇન્ટરવ્યૂ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
તમને આ વાંચવું પણ ગમશે
મહેનત પર બુલડોઝર
ઝીનલ આ કૉલેજમાં બી.એસ.સી. (એગ્રિકલ્ચર)ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે.
ઝીનલ કહે છે, '12 હેક્ટરમાં ઊભેલા કપાસ પર બુલડોઝર ફેરવી હેલિપેડ માટે જમીન સમતળ કરી દેવામાં આવી છે.'
આ મામલે ગુજરાત સરકારના પ્રવક્તા નીતિન પટેલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
ઝીનલના કહેવા પ્રમાણે આ કાર્યવાહીનો વિરોધ તેમણે એટલા માટે કર્યો છે કે આ પાક વિદ્યાર્થીઓના સંશોધન માટેનો હતો. તમામ વિદ્યાર્થિઓની ત્રણ મહિનાની મહેનત પર બુલડોઝર ફરી વળ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે આ વિરોધ થયો ત્યારે આ વિદ્યાર્થિની પર રાજકીય પક્ષ સાથે જોડાયેલી હોવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો.
પણ ઝીનલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલી નથી.
ઝીનલે કહ્યું કે તેને રિસર્ચ માટેની એ જમીન સાથે લગાવ છે. તેનાથી આ કાર્યવાહી સહન ન થઈ એટલે તેણે વિરોધ કર્યો હતો.
તેણે એમ પણ કહ્યું તે આ વિરોધ કરવાની નૈતિક હિંમત તેને મહાત્મા ગાંધીના લખાણોમાંથી મળી.
અમારાં રિસર્ચનું હવે શું ?
ઝીનલ કહે છે, "જૂન મહિનાથી અમે 12 હેક્ટર જમીનમાં કપાસ અને તુવેર વાવ્યાં છે. અમારે સમગ્ર માહિતી અને જ્ઞાન પાકના અભ્યાસ પરથી જ લેવાના હોય છે"
"હવે અમારે ફરી મહેનત કરવી પડશે. આ રિસર્ચ સ્ટેશન રેઇન-ફેડ રિસર્સ સ્ટેશન છે. તેથી હવે આગામી વર્ષે વરસાદ થયા બાદ જ અમે અમારું સંશોધનકાર્ય આગળ વધારી શકીશું."
"મહેનતથી ઉગાડેલા પાક અને સંશોધનને શા માટે નષ્ટ થવા દઈએ ? આ જ કારણોસર મેં આ વાતનો વિરોધ કર્યો છે."
"જ્યારે ગાંધીજીને વાંચ્યા ત્યારે તેમના અમુક સાહિત્યમાં ઉલ્લેખ જોવા મળ્યો કે ઘણીવાર તમે સત્યનો સાથ આપો ત્યારે તમે એકલાં પડી જાવ છો, પરંતુ ત્યારે ગભરાવું નહીં કારણ કે સત્ય તમારી સાથે હોય છે."
"મારાં વિરોધના કારણે ઘણાં લોકો મને કૉંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલી હોવાનું કહી રહ્યાં છે."
"અમને અમારા રિસર્ચ સેન્ટરની જમીન અને તેના પાક સાથે લગાવ છે. અમારી મહેનત પર પાણી ફરી જાય તે કેમ ચલાવી લઈએ?"
હેલિપેડના કારણે ઘણાં લોકોને નુકસાન
ઝીનલના સહપાઠી તોશિફ અલી કહે છે,"પાકને બચાવવાની શક્ય તમામ મહેનત અમે કરી હતી."
"અમારા રિસર્ચને તો નુકસાન થયું જ છે પરંતુ તે સેન્ટર પર પાક ઉગાડવામાં મદદ કરવા 50થી 60 જેટલાં મજૂર આવતા હતા, જેમને રોજનું આશરે 171 રૂપિયાનું વળતર આપવામાં આવતું હતું.
આ લોકોની રોજગારી પણ હવે છીનવાઈ ગઈ છે."
વર્ષ 2017માં આ તેમનો નવમો ગુજરાત પ્રવાસ છે.
ભરૂચ નજીકના ભાડભૂતમાં નર્મદા નદી પરના બેરેજનો શિલાન્યાસ કરવા તેમજ સુરત-બિહારની નવી ટ્રેનને લીલી ઝંડી આપવા તેઓ અહીં આવવાના છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો