ભારતીય નેવીની છ મહિલાઓનો વિષુવવૃત પાર કરવાનો રોમાંચ

    • લેેખક, આરતી કુલકર્ણી
    • પદ, બીબીસી મરાઠી

તેઓ આ અગાઉ પાંચ વખત વિષુવવૃત્તને પાર કરી ચૂક્યાં છે, પણ આ વખતની વાત કંઈક વધારે ખાસ છે.

ભારતીય નૌકાદળની છ મહિલા અધિકારીઓ આઈએનએસવી તારિણીમાં પૃથ્વીની પરિક્રમાએ નીકળી છે અને સાથે-સાથે ઈતિહાસ પણ સર્જી રહી છે.

લેફટેનન્ટ કમાન્ડર બી. સ્વાતિએ મને કહ્યું કે, “દરિયાના વિશાળ વિસ્તાર વચ્ચેથી અમે વિષુવવૃત્તને પાર કર્યું, એ અનુભવ એકદમ રોમાંચક હતો.”

તેમણે ઉમેર્યું, “એ દિવસે 25 સપ્ટેમ્બરનું પરોઢ હતું. વિષુવવૃત્ત નજીક હોવાનો સંકેત અમારી નેવિગેશન સીસ્ટમે અમને આપ્યો હતો.”

તેમણે કહ્યું, “અમે તેને પાર કરતી વખતે અવળી ગણતરી શરૂ કરી દીધી હતી.”

તમને આ પણ વાંચવું ગમશે

એ વિશિષ્ટ ક્ષણને ઊજવવા સ્વાતિએ કેક પણ બનાવી હતી.

10 સપ્ટેમ્બરે ગોવાથી નીકળ્યા બાદ આ મહિલાઓ નિયત કાર્યક્રમ અનુસાર આગળ વધી રહી છે.

સાત મહિના ચાલનારી આ સાહસયાત્રામાં તેઓ 21,600 માઈલ્સનો પ્રવાસ ખેડશે.

લેફટેનન્ટ કમાન્ડર વર્તિકા જોશી આ ટીમનાં કેપ્ટન છે.

તેમણે કહ્યું, “તમે જે જમીન પર સલામત છો, તેનાથી અમે 3,000 માઈલ્સ દૂર છીએ.”

તેમણે જણાવ્યું, “નૌસેનાનું હેલિકોપ્ટર મદદરૂપ બની શકતું નથી. તમારી સમસ્યાઓ તમારે જાતે જ ઉકેલવી પડે છે.”

તેમની બોટ લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ છે. તેઓ તેમના નૌકાદળના મુખ્ય મથક ઉપરાંત તેમના પરિવારો સાથે સતત સંપર્કમાં છે.

આ સાગરપ્રવાસમાં તેમને ફેસબૂક પર મોજમસ્તીના કેટલાક વીડિયો પોસ્ટ કરવાનો ટાઈમ પણ મળી રહે છે.

તેમણે પોસ્ટ કરેલા વીડિયોમાં તેઓ કાંદા છોલતાં, કવિતાનું પઠન કરતાં અને પોપ સોંગ્ઝ ગાતાં દેખાય છે.

લેફટેનન્ટ પાયલ ગુપ્તાએ કહ્યું કે, શુદ્ધ હવા અને સૂર્યપ્રકાશને કારણે તેમને વધારાની ઊર્જા મળે છે.

ભારતભરમાં વસતા લોકોને સવાલ થાય કે, આ મહિલાઓ બોટમાં દાળ-ભાત કઈ રીતે રાંધતી હશે? આ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ પણ પાયલ ગુપ્તા કરે છે.

પાયલ કહે છે, “રસોઈ કરવાનું મુશ્કેલ હોય છે, કારણ કે બોટ સતત હાલકડોલક થતી રહે છે. બોટમાં કેવી હાલત હોય છે તે તમે અહીં પગ ન મૂકો ત્યાં સુધી ન સમજાય.”

લેફટેનન્ટ વિજયા દેવી આકરી પરિસ્થિતિ હોવા છતાં કુદરતનો આનંદ માણી રહ્યાં છે.

વિજયા દેવી સૂર્યાસ્તને મન ભરીને નિહાળે છે અને તેમની બોટની સાથે તરતી ડોલ્ફિન્સના ફોટોગ્રાફ્સ ક્લિક કરીને માનસિક રાહત મેળવે છે.

આઇએનએસવી તારિણી પરની મહિલા સાગરખેડુ અધિકારીઓ જણાવે છે કે સમુદ્રએ તેમને ઘણુંબધું શીખવાડ્યું છે.

ઘરઆંગણે સંખ્યાબંધ લોકો તેમની સફરના સમાચાર ઉત્સુકતાથી જાણી રહ્યાં છે તેનો આ મહિલાઓને આનંદ છે અને આ મહિલાઓ દેશના ગૌરવ અપાવવા ઈચ્છે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો