You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એવી મહિલાઓ કે જેમણે નવા પડકાર સ્વીકારીને લોકોને પ્રેરણા આપી
જો તમને પૂછવામાં આવે કે દુનિયાના મોટા સંશોધકો કોણ? તો તમે કહેશો થૉમસ આલ્વા એડિસન, ગ્રેહામ બેલ અથવા તો લિઓનાર્ડો દ વિન્સી.
પણ મેરી એન્ડરસન અને એન સ્યુકોમોટો જેવા નામનું શું? તમને કદાચ આ મહિલાઓના નામ વિશે ખબર હશે.
પણ આ માત્ર બે જ મહિલા સંશોધકોના નામ છે કે જેમણે રોજિંદા જીવનમાં વપરાશમાં આવતી વસ્તુઓની શોધ કરી હતી.
BBC 100 Womenની શ્રેણીમાં અમે વાત કરી રહ્યા છીએ કેટલીક એવી મહિલાઓની કે જેમણે નવા પડકાર સ્વીકારીને લોકોને પ્રેરણા આપી છે.
તમને આ પણ વાંચવું ગમશે
અમે આ વર્ષે દુનિયાભરની મહિલાઓને તે મોટી સમસ્યાઓનો સામનો કરી રહી છે, તેના ઉકેલ માટે તેમણે જે કોઈ સંશોધનો કર્યા હશે તેના વિશે પૂછીશું.
100 Women વિશે વધુ માહિતી માટે નીચે જૂઓ. સાથે સાથે તમને પ્રેરણા આપવા અમે તમારી સમક્ષ લઈ આવ્યા છીએ એવી 9 મહિલા સંશોધકો જેમના સંશોધન વગર આજે આપણી આસપાસની દુનિયા સરળ ન હોત.
1. કમ્પ્યુટર સોફ્ટવેર- ગ્રેસ હોપર
કમ્પ્યૂટર જગતના સંશોધનો વિશે વિચારો. કોનું નામ યાદ આવ્યું? તમારા મારા જેવા લોકોને સામાન્યપણે બિલ ગેટ્સ સૌથી પહેલા યાદ આવે છે, તો કેટલાક લોકોને ચાર્લ્જ બૈબેજનું નામ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ એડમિરલ ગ્રેસ હોપર પણ એક એવાં મહિલા હતાં કે જેમણે કમ્પ્યૂટર ઇન્ડસ્ટ્રીમાં વિશેષ યોગદાન આપ્યું હતું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એડમિરલ ગ્રેસ હોપર અમેરિકી નૌ સેના સાથે જોડાયાં હતાં. તે દરમિયાન તેમને માર્ક વન નામના કમ્પ્યૂટર પર કામ કરવાનું હતું.
વર્ષ 1952માં ગ્રેસ હોપરે પહેલા એવા કમ્પાઈલરની શોધ કરી હતી જેનાથી અંગ્રેજી ભાષામાં આપવામાં આવતા કમાન્ડ કમ્પ્યૂટર કોડમાં રૂપાંતર થઈ જતા હતા.
આ કમ્પાઈલરથી પ્રોગ્રામિંગ સરળ અને ઝડપી બન્યું હતું.
આજે આપણે કમ્પ્યૂટર પ્રોગ્રામ દરમિયાન de-buggingનો ઉપયોગ કરીએ છીએ તે પણ હોપરની જ શોધ છે.
સેવાનિવૃત્તિ સુધી ગ્રેસ હોપરે કમ્પ્યૂટર પર કામ કર્યું હતું. 79 વર્ષની ઉંમર સુધી કામ કર્યા બાદ ગ્રેસને "અમેઝીંગ ગ્રેસ" નામથી પણ નવી અને આગવી ઓળખ મળી હતી.
2. CALLER ID અને કૉલ વેઇટિંગ - ડૉ. શર્લે એન જેક્સન
ડૉ. શર્લે એન જેક્સન એક અમેરિકી ભૌતિકશાસ્ત્રી છે કે જેમણે વર્ષ 1970 દરમિયાન કૉલર આઈડી અને કૉલ વેઇટિંગની શોધ કરી હતી.
તેમની આ શોધથી જ બીજા કેટલાક સંશોધકોને પોર્ટેબલ ફેક્સ, ફાઈબર ઓપ્ટિક કેબલ અને સોલર સેલ્સની શોધમાં મદદ મળી હતી.
ડૉ. શર્લે એન જેક્સન મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલૉજીમાંથી Ph.D.ની ડિગ્રી મેળવનારાં પહેલા આફ્રિકન- અમેરિકન મહિલા છે.
અમેરિકાની સૌથી મોટી રિસર્ચ યુનિવર્સિટીની કમાન સંભાળનારા પ્રથમ આફ્રિકન-અમેરિકન મહિલા છે.
3. વિન્ડસ્ક્રીન વાઈપર- મેરી એન્ડરસન
એ વર્ષ 1903નો શિયાળો હતો. મેરી એન્ડરસન ન્યૂ યોર્ક શહેર જઈ રહ્યાં હતાં. તેમણે જોયું કે વિન્ડસ્ક્રીન પર જામેલા બરફને હટાવવા માટે ડ્રાઈવરે વારંવાર બારીઓ ખોલવી પડતી હતી.
જ્યારે પણ ડ્રાઈવર બારી ખોલતા તો કારમાં બેઠેલા પેસેન્જર્સ ઠંડીથી પરેશાન થઈ જતા હતા.
આ પરિસ્થિતિને જોતા એન્ડરસને એવા રબર બ્લેડની શોધ કરી જેને કારમાં બેસીને ચલાવી શકાય અને તેનાથી કારના કાચ પર જામેલા બરફને પણ હટાવી શકાય.
1903માં આ સંશોધન બાદ એન્ડરસનને તેની પેટેન્ટ પણ મળી ગઈ હતી.
જો કે આ સંશોધનની કાર કંપનીઓએ અવગણના કરી. કંપનીઓને લાગતું હતું કે આ ડિવાઈસથી ડ્રાઈવર બેધ્યાન થઈ જશે.
પરંતુ ધીરે ધીરે ઓટોમોબાઈલના બિઝનેસમાં મેરીએ ડિઝાઈન કરેલા વિન્ડસ્ક્રીન વાઈપરની માગ ખૂબ વધી ગઈ. જો કે તેનાથી એન્ડરસનને કોઈ લાભ, પ્રસિધ્ધિ કે ઓળખ મળી ન હતી.
4. સ્પેસ સ્ટેશન બેટરી- ઓલ્ગા ડી ગોન્ઝાલેઝ- સેનાબ્રિઆ
આ નામ કદાચ બહુ લોકોને સમજમાં નહીં આવ્યું હોય. પરંતુ આ નામ ખૂબ મહત્વનું છે કેમ કે લાંબી આવરદા ધરાવતી હાઈડ્રોજન બેટરીની શોધ આ જ મહિલાએ કરી હતી.
તે બેટરી આજે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં રોશની આપે છે.
ઓલ્ગા ડી ગોન્ઝાલેઝ- સેનાબ્રિઆ પ્યુર્ટો રિકોથી આવે છે અને તેમણે પોતાની ટેક્નોલોજિ 1980માં વિકસાવી હતી.
તેઓ આજે નાસાના ગ્લેન રિસર્ચ સેન્ટરમાં ડિરેક્ટર ઓફ એન્જિનીયરીંગનું પદ ધરાવે છે.
100 Women શું છે?
BBC 100 Women દર વર્ષે વિશ્વભરની પ્રભાવશાળી અને પ્રેરણાદાયી મહિલાઓની યાદી તૈયાર કરે છે.
વર્ષ 2017માં અમે તેમને ચાર એવી મોટી સમસ્યાઓનો ઉકેલ શોધવા પડકાર આપીએ છીએ કે જેમાંથી આજની મહિલાઓ પસાર થઈ રહી છે.
પહેલી સમસ્યા એ છે કે માત્ર મહિલા હોવાને કારણે તેમની પ્રગતિમાં અડચણ આવે છે, બીજી સમસ્યા છે નિરક્ષરતા. ત્રીજી સમસ્યા છે જાહેર માર્ગો પર સતામણી અને ચોથી સમસ્યા છે રમતગમતમાં પણ લિંગભેદ.
તમારી મદદથી, આ સમસ્યાઓનું સમાધાન મળી શકે છે. અમે ઈચ્છીએ છીએ કે તમે પણ તમારા નવા વિચારો સાથે અમારી સાથે જોડાઓ.
5. ડિશવોશર- જોસેફિન કોકરેન
કોકરેનની ઈચ્છા હતી કે તેમનાં વાસણ તેમના ઘરઘાટી સાફ કરે તેના કરતાં પણ ઝડપથી સાફ થઈ જાય. અને હા, ખાસ તો વાસણની તોડફોડ ન થવી જોઈએ.
આ માટે તેમણે એક એવા મશીનની શોધ કરી જે મોટરની મદદથી તાંબાનાં બૉયલરમાં વાસણ સાફ કરતું હતું. આ પાણીના દબાણથી કામ કરતું પહેલું ઑટોમેટીક ડિશવોશર હતું.
કોકરેનના પતિ તેમનાં અવસાન સમયે ઘણું દેવું મુકીને ગયા હતા. જેના કારણે કોકરેને તેમની આ ડિઝાઈનને પેટેંટ કરાવી લીધી હતી.
તેમણે 1886માં પોતાની ઉત્પાદન ફેક્ટરી શરૂ કરી હતી જેમાં ઑટોમેટીક ડિશવોશર બનાવવામાં આવતા હતા.
6. હોમ સિક્યોરીટી સિસ્ટમ - મેરી વૅન બ્રિટાન બ્રાઉન
મેરી વૅન બ્રિટાન બ્રાઉન નર્સ હતા અને તેઓ ઘરમાં હંમેશા એકલાં રહેતાં હતાં. પોતાની સુરક્ષા માટે તેમણે એક ઉપાય અજમાવ્યો હતો.
વર્ષ 1960 દરમિયાન વધતી જતી ગુનાખોરી અને પોલીસની ઢીલી કામગીરીને ધ્યાનમાં રાખતા વૅન બ્રિટાન બ્રાઉને પહેલી હોમ સિક્યુરિટી સિસ્ટમની શોધ કરી હતી.
આ શોધમાં તેમને તેમના પતિ એલ્બર્ટનો પણ સાથ મળ્યો હતો.
આ મશીન થોડું જટીલ હતું. જેમાં મોટરથી ચાલતા કૅમેરા લગાવવામાં આવ્યા હતા. આ કૅમેરા દરવાજાના એક નાના કાણાંમાંથી આરપાર જોઈ શકતા હતા.
મેરી વૅન બ્રિટાન બ્રાઉનના બેડરૂમમાં કૅમેરા સાથે કનેક્ટેડ એક મોનિટર પણ રાખવામાં આવ્યું હતું. તેમાં અલાર્મ બટન પણ લગાવવામાં આવ્યું હતું.
7. સ્ટેમ સેલ આઈસોલેશન- એન સ્યુકોમોટો
કૅન્સર જેવા ભયંકર રોગથી પીડાતા લોકોની અંદર બ્લડ સિસ્ટમને સમજવા માટે સ્યુકોમોટોના કાર્યને ખૂબ સરાહના મળી છે અને તેનાથી કૅન્સર જેવા રોગનો પણ ઉપચાર સંભવ બન્યો છે.
એન સ્યુકોમોટોના પેટેન્ટને વર્ષ 1991માં સન્માન પણ મળ્યું હતું.
હાલ સ્યુકોમોટો સ્ટેમ સેલ ગ્રોથ પર વધુ રિસર્ચ કરી રહ્યા છે. તો બીજા 7 નવા સંશોધનના પણ સ્યુકોમોટો કો-પેટેન્ટ છે.
8. કેવલર - સ્ટીફની કૉલેક
શું તમે કેવલરનું નામ સાંભળ્યું છે? આ એ જ પદાર્થ છે કે જેનાથી બુલેટપ્રૂફ જેકેટ અને ઓપ્ટીકલ કેબલ બને છે.
પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે તેની શોધ એક મહિલાએ કરી હતી. સ્ટીફની કૉલેકે કેવલરની શોધ 1965માં કરી હતી. આ પદાર્થ સ્ટીલ કરતા પાંચ ગણું વધારે મજબુત છે.
તેણે અત્યાર સુધી લાખો લોકોના જીવ બચાવ્યા છે અને રોજ તેને લાખો લોકો વાપરે પણ છે.
કેવલરને મોબાઈલ ફોનથી એરોપ્લેન અને સસ્પેન્શન બ્રિજ સુધી દરેક જગ્યાએ વાપરવામાં આવે છે.
9. મોનોપોલી - એલિઝાબેથ મેગી
આ સૌથી પ્રખ્યાત બોર્ડ ગેમના સંશોધન બદલ સામાન્યપણે ચાર્લ્સ ડેરોને સન્માન આપવામાં આવે છે. પરંતુ તેના નિયમો ખરેખર એલિઝાબેથ મેગી દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
મેગી એક એવા પ્રકારની ઈનોવેટીવ ગેમ બનાવવા માગતા હતા કે જેના માધ્યમથી તેના પ્લેયર્સ નકલી પૈસા અને પ્રોપર્ટીથી વેપાર કરી શકે.
એલિઝાબેથ મેગીની ડિઝાઇનને 1904માં પેટેન્ટ કરવામાં આવી હતી. જેને લેન્ડલોર્ડ્ઝ ગેમ તરીકે ઓળખ મળી હતી.
આ ગેમને વર્ષ 1935માં પાર્કર બ્રધર્સ દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી ,જેને આજે આપણે ધ ગેમ ઓફ મોનોપોલી નામે ઓળખીએ છીએ.
પાર્કર બ્રધર્સને જ્યારે જાણકારી મળી કે ચાર્લ્સ ડેરોની સાથે મેગી પણ ગેમના ઇનોવેશન સાથે જોડાયેલા હતા.
તો તેમણે 500 ડોલર એટલે કે આશરે 32,047 રૂપિયા આપીને મેગી પાસેથી પેટેન્ટ ખરીદી લીધી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો