અમેરિકાની એ મહિલાઓ, જેમની મરજી વગર નસબંધી કરી દેવાઈ

"મારી દીકરી જ્યારે 12 વર્ષની હતી ત્યારે મને પૂછતી કે એનાં કોઈ ભાઈ કે બહેન કેમ નથી? એ સવાલનો જવાબ મેં એને, તે 33 વર્ષની થઈ ગઈ ત્યારે આપ્યો હતો. એ વખતે મેં તેને જણાવ્યું હતું કે મારી સાથે શું બન્યું હતું."

જીન વ્હાઇટહૉર્સ જણાવે છે, "મારી દીકરી ઘણી દુ:ખી થઈ ગઈ હતી જ્યારે તેને ખબર પડી કે એની મા સાથે એ વખતે શું બન્યું હતું."

જીન, 'નવાઝો નેશન'નાં રહેવાસી હતાં.

આ વિસ્તારમાં અમેરિકાની મૂળ જનજાતિઓ રહે છે જે અમેરિકાના એરિઝોના, ઉટાહ અને ન્યૂ મેક્સિકોના કેટલાક ભાગોમાં ફેલાયેલી છે.

નવાજો જનજાતિ અમેરિકાની સૌથી મોટી જનજાતિઓમાંની એક છે.

"એમણે મને મારા ન-જન્મેલાં બાળકોથી વિખૂટી પાડી દીધી. જ્યારે પણ હું કોઈ પરિવારને એક કરતાં વધારે બાળકો સાથે જોતી, તો મને લાગતું કે હું આનાથી વંચિત રહી ગઈ છું."

તમે આ વાંચ્યું કે નહીં?

જીન વ્હાઇટહૉર્સ એ હજારો પીડિતોમાંનાં એક છે કે જેઓ સરકારના પરિવાર નિયોજન કાર્યક્રમનો ભોગ બન્યાં હતાં.

'બીબીસી વર્લ્ડ સર્વિસ'ના 'આઉટલુક' કાર્યક્રમ સાથે વાત કરતાં તેમણે પોતાની પીડા, ગુસ્સો અને શરમ વ્યક્ત કર્યાં હતાં.

વર્ષ 1969માં જીન ઑકલેન્ડમાં રહેતાં હતાં અને આ દરમિયાન તેમણે તેમણે ગર્ભધારણકર્યો હતો.

એમનીકૂખમાં દીકરી વિકસી રહી હતી અને તેઓ સરકારી દવાખાનામાં તબીબી તપાસ માટે ગયાં હતાં.

દવાખાનામાં તેમને તબીબી વિમા અંગે પૂછવામાં આવ્યું. 'પોત કોઈ વિમો ધરાવતાં નથી' એવું જણાવ્યા બાદ તેમને કેટલાક દસ્તાવેજો અપાયા હતા.

તેઓ જણાવે છે, મને કહેવામાં આવ્યું કે જો હું એ દસ્તાવેજો પર સહી કરીશ તો મારા તમામ ખર્ચાનું ધ્યાન રાખવામાં આવશે. મેં પૂછ્યું કે આનો શું અર્થ છે?"

"એમણે કહ્યું તમારી દીકરીને દત્તક લઈ લેવામાં આવશે અને જે લોકો એને દત્તક લેશે તે તમારો બધો જ ખર્ચ ઉઠાવશે."

"મેં ના પાડી અને હું ત્યાંથી નીકળી ગઈ."

છેતરપિંડી કરવામાં આવી

જીન આ ઘટના બાદ પોતાના નવાજો સમુદાયમાં પાછી ફર્યાં અને દીકરીને જન્મ આપ્યો.

પ્રસુતી કેટલાક મહિના પછી એમના પેટમાં ભારે દર્દ થતાં તેઓ સારવાર માટે એક નજીકના એક દવાખાનામાં ગયાં.

"એમણે મને કહ્યું કે તમને એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન છે અને સારવાર માટે મને તેઓ બીજી હોસ્પિટલમાં લઈ ગયાં."

હોસ્પિટલમાં એમને કેટલાક દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાનું જણાવવામાં આવ્યું. એમને લાગ્યું કે સર્જરી પહેલાં આ પ્રક્રિયા કરાવવામાં આવતી હશે.

"મને ભારે દુખાવો થતો હતો. એમણે કહ્યું કે જો હું સહી નહી કરું તો મારી સારવાર નહીં થઈ શકે. મેં વાંચ્યા વગર જ સહી કરી આપી."

સર્જરીમાં ઍપેન્ડિક્સ કાઢી નાખવામાં આવ્યું હતું. પણ થોડા સમય બાદ એમને ગર્ભધારણમાં મુશ્કેલી પડવા લાગી.

તેઓ ફરીથી સારવાર માટે હોસ્પિટલ ગયાં અને ત્યાં ડૉક્ટરોએ એમની પાસે મેડિકલ રેકૉર્ડની માગણી કરી અને જણાવ્યું કે એમની નસબંધી કરી દેવામાં આવી છે.

"એમણે કહ્યું કે હું ફરીથી મા નહીં બની શકું."

રિપોર્ટમાં છતી થઈ હકીકત

જીનની નસબંધી એ સમયે કરવામાં આવી હતી કે જ્યારે અમેરિકન સરકારે ત્યાંના મૂળ નિવાસીઓ માટે પરિવાર નિયોજનના કાર્યક્રમની શરૂઆત કરી.

દરેક નસબંધી કરતાં પહેલાં મહિલાઓની ઇચ્છા પૂછવામાં આવતી હતી પણ, થોડાં વર્ષો બાદ જાણવા મળ્યું હતું કે ઘણી મહિલાઓને પૂછ્યા વગર જ નસબંધી કરી દેવામાં આવી હતી.

વર્ષ 1976માં આ નસબંધી સબંધી એક અહેવાલ અમેરિકન સરકારે બહાર પાડ્યો હતો, જેમાં એ 12માંથી ચાર ક્ષેત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કે જ્યાં 1973 થી 1976ની વચ્ચે નિયોજન કાર્યક્રમ ચલાવવામાં આવ્યા હતા.

આ અહેવાલ અનુસાર 3,406 મહિલાઓની નસબંધી એમની મરજી વગર જ કરી નાખવામાં આવી હતી.

જેનાં જેટલાં બાળકો, તે વ્યક્તિ એટલી ધનવાન

વર્ષો બાદ લોરના ટકરે આ અંગે એક ડૉક્યૂમેન્ટ્રી બનાવી હતી, જેનું નામ રાખવામાં આવ્યું હતું 'અમા'

નવાજો ભાષામાં અમાનો મતલબ મા હોય છે.

લોરનાએ જીન વ્હાઇટહૉર્સનો સંપર્ક કર્યો અને એમને પોતાની વાત જણાવવા મનાવી લીધા.

ડૉક્યૂમેન્ટ્રીમાં મોટે ભાગે જીનની વાતો દર્શાવવામાં આવી છે.

જીન જણાવે છે, "હું ગુસ્સે હતી અને મને લાગતું હતું કે આવું મારી સાથે જ બન્યું છે. પોતાની વાત જણાવ્યા બાદ તેઓ હતાશ થઈ ગયાં હતાં."

"તેમણે કહ્યું કે મને આનંદ છે કે મેં મારી વાત દુનિયા સામે રજૂ કરી. યુવાન છોકરીઓને એ જાણવું જોઈએ કે ભૂતકાળમાં શું બની ચૂક્યું છે."

નવાજોની સંસ્કૃતિમાં એને પૈસાદાર માનવામાં આવે છે, જેને વધારે બાળકો હોય. એમને નહીં કે જેની પાસે અઢળક સંપત્તિ હોય.

બીજી કઈ જગ્યાએ આવા કાર્યક્રમો ચલાવાયા?

ઇતિહાસ જણાવે છે અમેરિકાની મૂળ જનજાતિઓ સાથે ઘણા ભેદભાવો થયા છે અને એના પરિણામો તે આજે પણ ભોગવી રહ્યી છે.

સંયુક્ત રાષ્ટ્રના 2010ના અહેવાલ અનુસાર આ મૂળ જનજાતિઓ, સામાન્ય નાગરિકો કરતાં 600 ગણાં વધુ પ્રમાણમાં ટીબીનો ભોગ બની છે.

અહીં 62 ટકા લોકોનાં મૃત્યુ આ બીમારીને કારણે જ થયાં છે.

જોકે, જબરદસ્તી નસબંધીનો મુદ્દો માત્ર અમેરિકા પૂરતો જ સીમિત નથી બીજા દેશોમાં પણ આવું કરાતું રહ્યું છે.

કેનેડા અને પેરૂમાં સ્વદેશી લોકો સામે આવું જ કરવામાં આવ્યું હતું. ભારત અને ચીનમાં જનસંખ્યા પર લગામ મુકવા જબરદસ્તી નસબંધી કરવામાં આવી હતી.

દ્વિતીય વિશ્વ યુધ્ધ દરમ્યાન જર્મનીમાં પણ આવા કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા.

રશિયામાં અપંગ અને દક્ષિણ આફ્રિકામાં એચઆઈવીનો ભોગ બનેલી મહિલાઓની જબરદસ્તી નસબંધીના કાર્યક્રમો ચલાવવામાં આવ્યા હતા.

જોકે, તમામ પીડાઓ સહન કર્યા બાદ પણ જીન વ્હાઇટહૉર્સ પોતાના સમુદાયના ભવિષ્ય માટે સકારાત્મક વિચારધારા ધરાવે છે.

તેઓ કહે છે, "ચીજો બદલાઈ રહી છે. એમને આવું કશું ભોગવવું નહીં પડે કે જે અમે ભોગવ્યું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો