You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રેશ્મા પટેલ : પૂર્વ PAAS નેતાને હવે ભાજપ સાથે કેમ ફાવતું નથી?
- લેેખક, મહેઝબીન સૈયદ
- પદ, બીબીસી ગુજરાતી
પાટીદાર અનામત આંદોલન વખતે સરકારના વિરોધમાં આગળ પડતો ભાગ ભજવ્યા બાદ ભાજપમાં જોડાઈ જનારાં રેશ્મા પટેલ હવે આ જ સરકાર અને ભાજપ સામે રોષ ઠાલવી રહ્યાં છે.
હાલમાં જ રેશ્મા પટેલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને લખેલો પત્ર ચર્ચાનો વિષય બન્યો છે.
આ પત્રમાં તેમણે પાટીદાર અનામત આંદોલન વખતે શહીદ થયેલા લોકોના પરિવારજનો અને બિન-અનામત વર્ગ માટેના આયોગ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે.
ભાજપમાં જોડાયા બાદ સરકાર અને પક્ષનાં વખાણ કરતા રેશ્મા પટેલ અચાનક આવી રીતે વિરોધ કરતાં કેમ થઈ ગયાં?
આ પહેલાં પણ રેશ્મા પટેલ ભાજપના મહિલા સંમેલન વખતે ચર્ચામાં આવ્યાં હતાં, એ સમયે તેમને આ સંમેલનમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.
તો એવું તે શું થયું કે માત્ર સવા વર્ષ પહેલાં સારો લાગેલો ભાજપ પક્ષ હવે રેશ્મા પટેલને લોકોની માગણીઓ પૂર્ણ કરતો દેખાતો નથી?
તમે આ વાંચ્યું કે નહીં?
ભાજપમાં જ રહીને ભાજપનો વિરોધ
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં રેશ્મા પટેલ કહે છે, "ભાજપ સાથે જોડાયાં તે સમયે ગુજરાત સરકાર સાથે સમાજના આગેવાનો અને સંસ્થાઓ વચ્ચે એક મિટિંગ યોજાઈ હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જેમાં ગુજરાત સરકારે સમાજની માગણીઓ સંતોષવાની વાત કરી હતી."
"સવા વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો છે, પણ ભાજપ માગણીઓ પૂરી કરવામાં ખરો ઊતર્યો નથી."
"જે ઉદ્દેશથી અમે ભાજપ સાથે જોડાયાં હતાં તે ઉદ્દેશ પૂરો થતો જોવા મળ્યો નથી એટલે અમે અવાજ ઉઠાવ્યો છે."
રેશ્મા ઉમેરે છે, "ભાજપ જુઠ્ઠાણાની રાજનીતિ કરે છે જેને હું ભાજપમાં રહીને ઉઘાડાં પાડીશ અને તેના વિરુદ્ધ અવાજ ઉઠાવીશ."
રેશ્મા પટેલનું કહેવું છે કે જ્યારે અમારી સામે ભાજપ વિકાસવાદની અને રાષ્ટ્રવાદની વાત કરીને વિનાશનું રાજકારણ કરે તો ભાજપના કાર્યકર્તા તરીકે તેને સાખી શકાય તેમ નથી.
રેશ્મા પટેલની સાથે વધુ એક PAAS (પાટીદાર અનામત આંદોલન સમિતિ) નેતા વરુણ પટેલ પણ ભાજપમાં જોડાયા હતા.
રેશ્માના આરોપો મામલે વરુણ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ભાજપ સાથે જોડાયા બાદ કેટલાંક સારાં પરિણામો સામે આવ્યાં છે."
"EBC મળ્યું, કેસ રદ કરાયા, બિન અનામત વર્ગના આયોગની રચના થઈ, વગેરે."
"એ વાત સાચી છે કે હજુ કેટલીક માગણીઓ છે પૂરી થઈ નથી, જેના અંગે ભાજપ સાથે વાત કરીને તેનો ઉકેલ લાવવામાં આવશે."
રેશ્મા પટેલના આરોપો અંગે જ્યારે ભાજપના નેતાઓ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેમણે કોઈ પ્રકારનું નિવેદન આપવાથી ઇન્કાર કર્યો હતો.
સમાજ માટે રાજકારણમાં જોડાવવું જરુરી છે?
રેશ્મા પટેલને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું સમાજ માટે લડવા કોઈ પાર્ટી સાથે જોડાવવું જરૂરી છે?
તેમણે કહ્યું, "અમે પાર્ટીમાં પક્ષ માટે નહીં, સમાજ અને લોકો માટે જોડાયાં છીએ."
વધુમાં તેમણે ઉમેર્યું, "રાજનીતિ કરવી એ દરેક નાગરિકનો લોકશાહી અધિકાર છે, કોઈ ગુનો નથી."
"મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં પણ મેં બિન-અનામત વર્ગ સાથે થતા અન્યાયની જ વાત કરી છે."
"રાજકારણની પરિભાષા છે લોકો અને રાજ્ય માટે કામ કરવું કે જે અમે કરી રહ્યાં છીએ."
મીડિયામાં એવા અહેવાલો પણ વહેતા થયાં છે કે રેશ્મા પટેલ ભાજપ છોડી કૉંગ્રેસમાં જોડાઈ શકે છે.
આ અંગે જ્યારે રેશ્મા પટેલને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "આ અંગે મેં કોઈ નિર્ણય લીધો નથી."
"પણ આગામી સમયમાં ભાજપની કથણી અને કરણીમાં જે તફાવત છે તેના પરથી હું ભાજપમાં રહીને જ પડદો ઉઠાવીશ."
"પક્ષને જો લાગે કે હું વિરોધમાં બોલું છું તો તેનાથી મને કોઈ ફેર પડતો નથી અને હું લોકોના હિતમાં વાત કરતી રહીશ."
રાજકીય મહત્ત્વકાંક્ષા સંતોષાઈ નથી?
રેશ્મા પટેલે ભાજપ વિરુદ્ધ કરેલી ટિપ્પણી મામલે રાજકીય વિશ્લેષક અજય નાયક કહે છે, "રેશ્મા પટેલ ભાજપ સાથે એક ચોક્કસ હેતુથી જોડાયાં હતાં."
"ભાજપમાં જોડાયા બાદ રેશ્મા પટેલને સંગઠનમાં કે સરકારમાં કોઈ રાજકીય હોદ્દો મળ્યો નથી."
"તેમની રાજકીય મહત્ત્વકાંક્ષા સંતોષાઈ નથી. એટલે કદાચ તેઓ એ અસંતોષ બહાર લાવી રહ્યાં છે."
"શક્યતા એવી પણ છે કે 2019ની ચૂંટણી નજીક આવી રહી છે તો આ બહાને સંગઠનનું નાક દબાવીને પોતાનો કોઈ હેતુ પૂરો પાડવા બદલ તેમણે આમ કર્યું છે."
અજય નાયક ઉમેરે છે, "ભાજપે જે તે સમયના પાટીદાર અનામત સમિતિના સભ્યોને ભાજપમાં લીધા હતા."
"એ સમયે પાર્ટીનો હેતુ પાટીદાર અનામત આંદોલન તોડવાનો હતો, જેમાં તેમને કેટલીક હદે સફળતા પણ મળી છે."
"ભાજપે જે ધાર્યુ હતું તે તેને મળી ગયું છે, એટલે કદાચ ભાજપ તેમના (રેશ્મા પટેલ) જેવા નેતાઓને વધારે વજન આપતો નથી."
"ભાજપ તરફથી રેશ્મા પટેલને જે મહત્ત્વ ન મળવાનો અસંતોષ છે, એ ધીમે ધીમે બહાર આવી રહ્યો છે."
રેશ્મા પટેલ અંગે સમાચાર મળી રહ્યા છે કે તેઓ ભાજપ સાથે છેડો ફાડી શકે છે. જોકે, રેશ્મા પટેલે આ વાતને નકારી કાઢી છે.
પણ છતાં એ સવાલ થાય છે કે ચૂંટણી સમયે જ કેમ આ પ્રકારે પક્ષ પલટો થવા લાગે છે.
આ અંગે અજય નાયક કહે છે, "રાજકારણમાં મોટાભાગના લોકો લાભ લેવા માટે આવતા હોય છે."
"તકવાદી લોકો ચૂંટણી આવે ત્યારે પક્ષ બદલતા રહે છે."
"પાટીદાર સમાજના નેતાઓ પણ કદાચ રાજકીય પક્ષમાં પ્રવેશવાની કે મહત્ત્વનો પદ મેળવવાની તક શોધી રહ્યા હતા. એવું ન થતાં નેતાઓ પક્ષ બદલતા થઈ જાય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો