જ્યારે શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેએ કહ્યું, 'એક બિહારી, 100 બીમારી'

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

મુંબઈના રાજકારણમાં મોટું માથું ગણાતા બાલ ઠાકરે, મુંબઈ આવીને વસેલા ઉત્તર ભારતીયો માટે આકરાં વેણ ઉચ્ચારવા માટે જાણીતા છે.

શિવસેનાના પ્રમુખ બાલ ઠાકરે પર ફિલ્મ બની ચૂકી છે અને 'ઠાકરે' ફિલ્મમાં બાલ ઠાકરેની ભૂમિકા નવાઝુદ્દીન સિદ્દિકીએ ભજવી છે.

બાલ ઠાકરે ,લગભગ 46 વર્ષો સુધી સાર્વજનિક જીવનમાં સક્રિય રહ્યા છે. એમણે ના તો કોઈ ચૂંટણી લડી કે ના તો પછી કોઈ રાજકીય પદનો સ્વીકાર કર્યો.

તેમ છતાં પણ તેમણે મહારાષ્ટ્રનાં રાજકારણમાં મહત્તવની ભૂમિકા ભજવી છે.

માયાનગરી મુંબઈને પોતાનો ગઢ બનાવી બાલ ઠાકરે પોતાનાં ચર્ચાસ્પદ નિવેદનોને કારણે લોકોનું ધ્યાન હંમેશાં આકર્ષિત કર્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

એમનાં કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આ પ્રમાણે છે:

મુંબઈમાં પરમિટ સિસ્ટમ

ભારતના અન્ય રાજ્યોમાંથી મુંબઈ આવીને વસેલાં લોકો વિરુદ્ધ બાલ ઠાકરે આકરતા શબ્દો વાપરતા રહ્યા છે.

ઉત્તર ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારથી આવીને વસેલાં લોકો માટે એમના મનમાં કડવાશ જોવા મળી છે.

તેમણે ઘણાં પ્રસંગે યૂપી-બિહારથી કામની શોધમાં મુંબઈ આવતા લોકો પર આકરાં વેણ ઉચ્ચાર્યાં છે.

બાલ ઠાકરેના સમયમાં યૂપી-બિહારથી આવતાં લોકોને એક ખાસ શબ્દ 'ભૈયા'થી સંબોધવામાં આવતા હતા.

માર્ચ 2010માં મહારાષ્ટ્રના રાજ્યપાલ કે. શંકર નારાયણે જણાવ્યું હતું કે મુંબઈમાં કોઈ પણ રહી શકે છે.

આ અંગે બાલ ઠાકરે ' સામના' માં લખ્યું હતું, 'મુંબઈ ધર્મશાળા બની ગઈ છે. બહારથી આવતા લોકોને અટકાવવાની એક માત્ર રીત છે કે પરમિટ સિસ્ટમ લાગુ કરવામાં આવે.'

બિહારીને બીમારી ગણાવ્યાં

વર્ષ 2008માં શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ બિહારના લોકો સામે વિષ ઓક્યું હતું.

પાર્ટીના મુખપત્ર 'સામના'માં પ્રકાશિત સંપાદકીયમાં બાલ ઠાકરેએ બિહારના લોકોને ' છાણમાં રહેતા કીડા' તરીકે ઓળખાવ્યાં હતાં.

એમણે બિહારીઓ માટે 'એક બિહારી 100 બીમારી' જેવી ભાષાનો પણ પ્રયોગ કર્યો હતો.

સમાચાર પત્રમાં જણાવામાં આવ્યું હતું કે 'બિહારમાં ભ્રષ્ટાચારની ગંગા વહે છે અને આ જ કારણે ગંગા મેલી થઈ ગઈ છે.'

'ત્યાં ગરીબી , ભૂખ ,બેરોજગારી અને જાતિવાદ સહિત અરાજકતા પ્રવર્તે છે.'

સચિન પર તાક્યું નિશાન

નવેમ્બર 2009ની આ વાત છે. ભારતીય ક્રિકેટ ટીમના સૌથી મોટા સ્ટાર સચિન તેંડુલકરે કહ્યું હતું, "મુંબઈ... દરેક ભારતીયની છે."

સચિને એમ પણ જણાવ્યું હતું કે મને એ વાત પર ગર્વ છે કે હું મહારાષ્ટ્રીયન છું, પણ સૌ પ્રથમ તો હું ભારતીય છું.

આ નિવેદન પર બાલ ઠાકરેએ તેમની ઝાટકણી કાઢી હતી.

બાલ ઠાકરેએ કહ્યું હતું ,"જ્યારે તમે ચાર કે છ રન ફટકારો છો ત્યારે લોકો તમારી પ્રશંસા કરે છે પણ જો તમે મરાઠીઓના અધિકારોનું ઉલ્લંઘન કરશો કે પછી તેના પર ટીકા-ટિપ્પણી કરશો તો મરાઠી માણસની લાગણી દુભાશે અને તે આ સાંખી નહીં લે."

ત્યારે બાલ ઠાકરેએ સચિને ક્રિકેટની આડ લઈ રાજકારણ ના રમવા જણાવ્યું હતું.

'સાનિયા પોતાના પતિ શોએબ મલિક સાથે'

સચિનને શિખામણ આપવાના પાંચ મહિના બાદ એટલે કે એપ્રિલ 2010માં બાલ ઠાકરેએ ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા પર નિશાન તાક્યું હતું.

કારણ હતું પાકિસ્તાનના ક્રિક્રેટ ખેલાડી શોએબ મલિક, જેમની સાથે સાનિયાનું લગ્ન થવાનું હતું.

બાલ ઠાકરેએ પોતાના જાણીતા અંદાજમાં કહ્યું હતું ,"સાનિયા જો ભારત તરફથી રમવા માગતી હોય તો તેણે કોઈ ભારતીયની જ જીવનસાથી તરીકે વરણી કરવી જોઈએ."

"જો તે શોએબ સાથે લગ્ન કરી લેશે તો તે ભારતીય નહીં રહે. જો એમનું દિલ હિંદુસ્તાની છે તો પછી કોઈ પાકિસ્તાની માટે ના ધબકવું જોઈએ."

બાલ ઠાકરેએ એટલે સુધી કહ્યું કે સાનિયા પોતાના રમતના પ્રદર્શન નહીં પણ પોતાના કસોકસ પહેરેલાં કપડાં, ફેશન અને પ્રેમ પ્રસંગોને કારણે જાણીતાં છે.

'શાહરૂખ ખાનને નિશાન-એ-પાકિસ્તાન'

પાકિસ્તાનના ક્રિક્રેટ ખેલાડીઓને 'ઇન્ડિયન પ્રીમિયર લીગ'માં સામેલ કરવાની વાત ઊભી થઈ તો અભિનેતા અને 'કોલકતા નાઇટ રાઈડર્સ'ના સહમાલિક શાહરૂખ ખાને આ વાતનું સમર્થન કર્યું.

આ જ કારણે બાલ ઠાકરેએ શાહરૂખ ખાનની ઝાટકણી કાઢી નાંખી.

તે વખતે બાલ ઠાકરેએ કહ્યું હતું કે શાહરૂખ ખાનને 'નિશાન-એ-પાકિસ્તાન'થી બિરદાવવા જોઈએ.

આઈપીએલ પર પ્રતિબંધની માગણી

ત્યાર બાદ વર્ષ 2010માં બાલ ઠાકરેએ ક્રિક્રેટને બચાવવાના નામે 'ઇન્ડિયન પ્રીમિયર લીગ' પર પ્રતિબંધ લગાડવવાની માગ કરી હતી.

ત્યારે બાલ ઠાકરેએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે આઈપીએલ કમિશનર લલિત મોદી અને કેન્દ્રના પૂર્વ મંત્રી શશી થરૂરે ક્રિક્રેટની 'જૅન્ટલ મૅન્સ ગેમ' વાળી છાપ ધૂંધળી કરી નાંખી છે અને આઈપીએલ પર પ્રતિબંધ લગાવીને જ ક્રિક્રેટને બચાવી શકાય તેમ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો