You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#MyVoteCounts - 'દલિત સામેની હિંસાનો અંત લાવનારને મારો મત આપીશ'
- લેેખક, અનઘા પાઠક
- પદ, મુઝફ્ફરનગર, ઉત્તર પ્રદેશથી
"ગત મહિને અહીં ગોળીબાર થયો હતો." દીવાલ પર ગોળીનાં કારણે થયેલાં છિદ્ર તરફ ધ્યાન દર્શાવતી વખતે 18 વર્ષીય અંકિતાએ વાત શરૂ કરી.
પરંતુ તેમના ગામના મકાનોની દીવાલોની દયનીય હાલતના કારણે એ સમજવું મુશ્કેલ હતું કે દીવાલોને નુકસાન ગામની ગરીબીના કારણે થયું છે કે બંદૂકમાંથી છૂટેલી ગોળીના કારણે.
અંકિતાનું આ ગામ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લાના પુરકાઝી તાલુકામાં આવ્યું છે. ગામનું નામ અદુલપુર છે.
આગળ વધુ વાત કરતા અંકિતાએ જણાવ્યું,"અમારા ગામમા અન્ય જાતિના લોકોની એક યુવક સાથે માથાકૂટ થઈ હતી."
"તે બાઇક પર જઈ રહ્યો હતો અને સામે ટ્રૅક્ટરમાં કેટલાક લોકો આવી રહ્યા હતા. યુવકે સાઇડ લેવા માટે હૉર્ન વગાડ્યું અને ત્યાંથી તકરાર શરૂ થઈ."
"જેથી ગામના લોકોએ દખલ દઈને તે લોકોને ભગાવી દીધા હતા, પણ બીજા દિવસે તેઓ વધારે સંખ્યામાં લોકોને લઈને આવ્યા."
"ટ્રૅક્ટરમાંથી ગોળીબાર કરી રહ્યા હતા અને મોટેથી બૂમો પાડી રહ્યા હતા કે તમે લોકો ગમે તેટલી કોશિશ કરી લો, પરંતુ અમે દલિતોને ક્યારેય આગળ નહીં આવવા દઈએ."
"હું ખૂબ જ ડરી ગઈ હતી અને ઘરમાં છૂપાઈ ગઈ હતી. મારા માટે એ ડર વર્ણવવો પણ મુશ્કેલ છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ગત વર્ષે 2જી એપ્રિલે ગામમાં રમખાણો થયા હતા. તેમાં ગોળીબાર થયો હતો અને જીવનમાં પહેલી વાર મેં ગોળી જોઈ હતી. આ અનુભવ મારા માટે ખૂબ જ ડરામણો હતો."
તમે આ વાંચ્યું કે નહીં?
અંકિતામાં વધુમાં જણાવ્યું કે તે દિવસે ટ્રૅક્ટરમાંથી એ લોકો ગોળીબાર કરી રહ્યા હતા, તેમની ગોળી ગામમાં કોઈ બાળક કે મહિલાને વાગી હોત, તો શું થયું હોત. તે વિચારીને જ કંપારી છૂટી જાય છે.
મેં અને મારા એક અન્ય પત્રકાર સાથીએ ઉત્તર પ્રદેશના અદુલપુર ગામની મુલાકાત લીધી અને જાણવાની કોશિશ કરી કે ચૂંટણીના આ મહત્ત્વપૂર્ણ વર્ષમાં અંકિતાની સમસ્યાઓ શું છે?
અંકિતા લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરવાનાં છે.
અંકિતાએ કહ્યું,"હું ઇચ્છુ છું કે રમખાણો બંધ થાય અને દલિતો સામેની હિંસાનો પણ અંત આવે. જેઓ આનો અંત લાવશે તેમને હું મારો મત આપીશ."
રમખાણો, અત્યાચાર અને હિંસા મહિલાઓને કઈ રીતે અસર કરે છે? આવી ઘટનાઓ હેડલાઇન્સ બનતી રહે છે.
ઘટનાના સંખ્યાબંધ પીડિતો અને સરકારો દ્વારા જાહેર કરાતી મદદ ચર્ચાનો વિષય રહ્યા છે.
પરંતુ રમખાણોમાં શિકાર બનતી મહિલાઓનું શું થાય છે અથવા ઘણી વાર સદનસીબે તેમાંથી બચી જનારી મહિલાના જીવનમાં શું અસર થાય છે?
આવી ઘટનાઓ પછી તેમનું જીવન કેવું બની જાય છે અને શું રમખાણો એક પુરુષને અસર કરે તેના કરતા મહિલાને અલગ રીતે અસર કરી શકે છે?
અંકિતાના માતા શું કહે છે?
અંકિતા આ વિશે કહે છે કે તે ખુદ તેની પીડિતા છે. હિંસાના કારણે તે વધુ અભ્યાસ નથી કરી શકી. સુરક્ષા સંબંધિત સમસ્યાઓના કારણે ઘરમાં જ રહેવું પડ્યું હતું
પરિવાર હવે તેમનાં લગ્ન કરાવી નાખવા માંગે છે.
જોકે અંકિતાને આટલા જલ્દી લગ્ન નથી કરવા આથી તે પરિવારના વિચાર સામે વિરોધ નોંધાવી રહ્યાં છે.
તેમનાં માતા ઓમબીરી મજબૂત મહિલા છે. આખા ગામમાં પોતાની દીકરીને 12મા ધોરણ સુધી અભ્યાસ કરાવનારાં તેઓ એકમાત્ર મહિલા છે.
આસપાસ સારી સ્કૂલ ન હોવાથી તેમણે અંકિતાને 9-10 ધોરણના અભ્યાસ માટે હોસ્ટેલમાં મોકલ્યા હતા. વળી તેઓ અન્ય મહિલાઓને પણ તેમના બાળકોને શિક્ષણ આપવા માટે પ્રોત્સાહિત કરતાં રહે છે.
અંકિતાના માતા ઓમબીરી જણાવે છે,"લોકો કહેતા કે તમે શિક્ષણના નામે દીકરીને દૂર મોકલી રહ્યા છીએ, પરંતુ તે યોગ્ય નથી. તેઓ આપણી દીકરીને વેચી નાખશે."
"પણ હું વિચલિત ન થઈ અને હું કહેતી રહી કે મારી દીકરીની ચિંતા કરવાની તમારે બિલકુલ જરૂર નથી."
"તેઓને કોઈકને વેચવી હશે તો મારી દીકરીને પહેલાં વેચશે, પણ તમે તમારી દીકરીઓને સ્કૂલ જરૂર મોકલો."
ઓમબીરી આ જૂની વાત યાદ કરી રહ્યા હતા અને અન્ય મહિલાઓને તેમને સાંભળી પણ રહ્યાં હતાં.
છોકરીઓએ સ્કૂલ જવાનું શરૂ કર્યું એ પછી સ્થિતિ બદલાઈ ગઈ.
અંકિતાના માતાએ વધુમાં કહ્યું,"હવે સ્થિતિ પહેલાં જેવી નથી. સમાજનું વાતાવરણ ખરડાઈ ગયું છે. ગત વર્ષે 2જી એપ્રિલે દલિતો તથા અન્ય જાતિના લોકો વચ્ચે અથડામણ થઈ હતી."
"ત્યારથી સ્થિતિ સામાન્ય નથી થઈ. આથી હું મારી દીકરીને જોખમમાં કઈ રીતે મૂકી શકું? આથી તેના લગ્ન કરાવી દેવા જ યોગ્ય છે."
અમે જ્યારે અંકિતાના ગામ પહોંચ્યા ત્યારે તે સૂમસામ હતું. તમામ લોકો કાં તો ખેતરમાં અથવા નજીકના નગરમાં કામ કરવા ગયા હતા.
પુરુષો મોટાભાગે દૈનિક પગાર પર નજીકના નગરમાં કામ કરે છે અને મહિલાઓ ખેતરોમાં કામ કરે છે.
મોટાભાગે તમામ પરિવાર પાસે ખેતીની જમીન છે. તેમની પાસે ભેંસો અને બળદો પણ છે.
મહિલાઓ ઘરકામ અને ખેતરમાં કામ કરે છે. તેમાં તેમનો દિવસ પસાર થાય છે.
જોકે તેઓ લાકડાં વીણવા માટે જંગલમાં પણ જાય છે.
બીજી તરફ અંકિતાના પરિવાર પાસે ખેતીની જમીન નથી. અનામત એક સામાજિક મુદ્દો છે નહીં કે આર્થિક તેનું ઉદાહરણ આ ગામમાંથી સમજી શકાય છે.
લોકો તેમના બાળકોને સ્કૂલે મોકલવા માંગે છે. માતાઓ દીકરીઓને શિક્ષણ અપાવવા માંગે છે પણ તેમને ભય છે.
'...કોઈ ગૅરંટી નથી કે મારી દીકરી સુરક્ષિત ત્યાં પહોંચી શકશે'
ગામનાં એક અન્ય સ્થાનિક મહિલા કવિતાએ મારી સાથેની વાતચીતમાં કહ્યું:
"સ્કૂલ અહીંથી બે કિલોમિટર દૂર છે, પણ તેની કોઈ ગૅરંટી નથી કે મારી દીકરી સુરક્ષિત ત્યાં પહોંચી શકશે."
"કેમ કે, આવતા-જતાં કોઈ પણ વ્યક્તિ મારી દીકરીને એક દલિત યુવતીની છેડખાની કરી શકે છે. વળી આવા અસામાજિક તત્વો સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી."
તેમની દીકરી રિયા હાલ 9મા ધોરણમાં અભ્યાસ કરે છે.
"ઘણી વાર હું મારી દીકરીને સ્કૂલે નથી મોકલી શકતી, કારણ કે તેની સાથે સ્કૂલે જવા માટે કોઈ અન્ય છોકરી નથી."
"ઘણી વાર સ્કૂલના શિક્ષકો જ કહે છે કે સ્કૂલમાં વધુ વિદ્યાર્થીઓ નથી આવ્યા તો બાળકોને સ્કૂલે ન મોકલશો."
અત્રે નોંધવું રહ્યું કે દિલ્હીની સીમા પાસે આવેલા પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં જાતિવાદની હિંસા અને કોમવાદ નવો મુદ્દો નથી.
અહીં સ્થાનિક એનજીઓ (બિનસરકારી સંસ્થા)માં કામ કરતાં રેશ્મા પ્રવીણ જણાવે છે,"અહીંના લોકોની માનસિકતા રૂઢિવાદી છે. હજુ પણ અહીં જાતિવાદ છે.""કથિત ઉચ્ચ જ્ઞાતિના લોકો દલિતોનો અવાજ દબાવવા માંગે છે. હિંસાનું આ મૂળ છે."
નેશનલ ક્રાઇમ રેકર્ડ્સ બ્યુરોના અહેવાલ અનુસાર, વર્ષ 2014-2016 દરમિયાન અહીં દલિતો સામે અત્યાચાર અને હિંસાના 1.19 લાખ કેસ નોંધાયા હતા.
તેમાંથી માત્ર 24.3 ટકા કેસોનો નિકાલ થયો અને આરોપીને સજા મળી.
તેમણે વધુમાં કહ્યું,"દલિતો હવે જાગૃત બની રહ્યા છે. તેઓ તેમના અધિકારો માટે લડી રહ્યા છે."
"સવર્ણોને તે પસંદ નથી પડતું. આથી તેમને ઘેરીને તેમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે."
"તેઓ દલિતો પર અત્યાચાર કરે છે અને છેડતી કરે છે. વળી દલિતોની દીકરીઓ પર બળાત્કાર પણ કરે છે."
રોષ ઠાલવતા રેશ્મા કહે છે,"અમે જ્યારે પણ સેમિનાર કે શિબિરનું આયોજન કરીએ તેમાં જણાવીએ છીએ કે તમારી દીકરી પર બળાત્કાર થાય તો તેમણે શું કરવું જોઈએ."
"કઈ રીતે પુરાવા એકત્ર કરવા અને પીડિતાના વસ્ત્રો સીલ કરવા અને તેઓ ધોવા નહીં. વળી પીડિતાને પણ સ્નાન ન કરાવવું."
"અમે તેમને સ્થળનો વીડિયો બનાવવા અને સ્થિતિને પણ વીડિયોમાં રેકર્ડ કરી લેવાની તાલીમ આપીએ છીએ."
જોકે, અંકિતા માત્ર જાતિવાદની હિંસાનો જ અંત લાવવા નથી માંગતા. તેઓ મહિલાઓ સંબંધિત વિવિધ મુદ્દાઓ પર કામ કરવા પણ માંગે છે.
દલિત મહિલાઓએ માત્ર જાતિવાદની હિંસા જ નહીં પણ ઘરેલું હિંસા, વહેલા લગ્ન, શિક્ષણનો અભાવ અને આરોગ્ય સહિતની સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે.
"પહેલાં અમે આ મુદ્દાઓ પર ધ્યાન કેંદ્રિત કરી રહ્યાં હતાં. રેશ્માએ મને મદદ કરી હતી અને મેં આસપાસના ગામોમાં થતા શિબિરમાં ભાગ લીધો હતો."
"મને લાગ્યું કે આપણા મહિલાઓના જીવન સુધાર માટે કંઈક કરી શકીએ છીએ."
અંકિતા આશાનું એક કિરણ
અંકિતા કહે છે કે હવે બધું બદલાઈ ગયું છે, કેમ કે તેમને હવે અસ્તિત્વનો સવાલ સતાવી રહ્યો છે.
અલબત જીવનું જોખમ તેમણે પહેલાં ધ્યાને લેવું પડે છે.
તેઓ કહે છે કે ગામના લોકો હિંસાના તણાવમાં રહે છે.
મારો પરિવાર સવારે બહાર જાય છે અને સાંજે પરત આવશે કે નહીં તેની ચિંતા રહે છે.
આ મહિલાઓના જીવન પર એક નજર તમને અનુભવ કરાવી શકે છે કે આ મહિલાઓ જીવનના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે.
સમાનતાનો અધિકાર તેમના સુધી હજુ પહોંચ્યો નથી.
પરંતુ તેમ છતાં આશાની કિરણ બાકી છે. અંકિતા અને તેના વિચાર એ આશાનું કિરણ છે.
તે કહે છે,"મારે આગામી પાંચ વર્ષમાં ડિગ્રી લેવી છે. નોકરી મેળવીને મારા ક્ષેત્રમાં છોકરીઓના શિક્ષણ માટે કામ કરવું છે. હું નથી ઇચ્છતી કે કોઈ પણ છોકરીએ શિક્ષણ અધૂરું મૂકવું પડે."
"અને આ માટે હું કોઈ પણ સાથે લડવા માટે તૈયાર છું."
અંતમાં તે કહે છે,"એટલા માટે જ મારો મત કિંમતી છે. મારો મત વિશ્વને બદલી શકે છે. મને એવી સરકાર જોઈએ છે જે મારી સમસ્યાઓ પર ધ્યાન આપે. જેથી સ્થિતિમાં પરિવર્તન આવી શકે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો