ચીનની કંપનીઓ મહિલા કર્મચારીઓને આપી રહી છે 'ડેટિંગ લીવ'

    • લેેખક, ટીમ બીબીસી
    • પદ, નવી દિલ્હી

ચીનમાં લાખો લોકો હાલ રજા લઈને લુનાર ન્યૂ યર પર પોતાના પરિવારોને મળવા જવાની તૈયારી કરી રહ્યા છે.

પરિવારને મળવા જઈએ ત્યારે ગમે તેટલી રજા કોઈને પણ ઓછી પડી જાય છે. તેમાં પણ જો સમય નવા વર્ષની ઊજવણીનો હોય ત્યારે તો મન થાય છે કે રજાઓ પુરી જ ન થાય અથવા તો હજુ થોડી વધારે રજાઓ મળી જાય.

સામાન્યપણે ચીનમાં નવા વર્ષની ઉજવણી માટે સાત દિવસની રજા મળે છે. જોકે, એવા કેટલાક નસીબદાર કર્મચારીઓ પણ છે કે જેમને આઠ દિવસની વધારે રજા મળી રહી છે.

શરત માત્ર એટલી છે કે તે કર્મચારી મહિલા હોય, તેમનાં લગ્ન ન થયાં હોય અને તેમની ઉંમર 30 પાર હોય.

આ રજા આપવા પાછળનું કારણ છે કે મહિલા પોતાનાં માટે કોઈ પાર્ટનર શોધી શકે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટની માહિતી મુજબ પૂર્વ ચીનના હેંગઝુમાં બે કંપનીઓ મહિલાઓને 'ડેટિંગ લીવ' આપી રહી છે.

આવું તેમણે એક સ્કૂલ પાસેથી શીખ્યું છે કે જ્યાં અપરિણીત મહિલા શિક્ષકોને વધારે રજા આપવામાં આવે છે. તેને તેઓ 'લવ લીવ' નામે ઓળખે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'વધારાની મહિલાઓ'

ચીનમાં 20 વર્ષની ઉંમર બાદ જો મહિલાનું લગ્ન નથી થતું તો તેમને "શેંગ નુ" એટલે કે "વધારાની મહિલા" નામ આપી દેવામાં આવે છે.

આ હવે સામાન્ય બાબત બની રહી છે કેમ કે મોટાભાગના લોકો હવે પોતાની કારકિર્દી પર વધારે ભાર આપી રહ્યા છે અને અપરિણીત રહેવાનું પસંદ કરી રહ્યા છે.

જોકે, મહિલાઓ પર લગ્ન કરવાનું દબાણ યથાવત છે. સરકાર ચીનની વસતિ અને કર્મચારીઓની ઘટતી સંખ્યા મામલે ચિંતીત છે

લેટા હોંગ ફિંચર "લૅફ્ટઓવર વુમન" અને "બિટ્રેયિંગ બિગ બ્રધર : ધ ફૅમિનિસ્ટ અવૅકનિંગ ઇન ચાઇના" પુસ્તકના લેખક છે.

તેમનું માનવું છે કે આ વિચાર "ચાઇનીઝ સરકાર દ્વારા તૈયાર કરાયેલો પ્રોપેગેન્ડા છે કે જેથી 20 વર્ષ અથવા તે તેના કરતાં વધારે ઉંમર ઘરાવતી અપરિણીત મહિલાઓની નિંદા થઈ શકે."

તેમણે બીબીસીને કહ્યું, "આ સરકારનો જ પ્રયાસ છે કે જેના માધ્યમથી મહિલાઓને લગ્ન કરવા માટે અને બાળકોને જન્મ આપવા માટે ધકેલવામાં આવી રહી છે."

જન્મદરમાં ઘટાડો

ચીનમાં વર્ષ 2015થી એક બાળકની પૉલિસીના અંત બાદ પણ જન્મદરમાં ખૂબ ઘટાડો નોંધાઈ રહ્યો છે. વર્ષ 2013થી લગ્નનો દર પણ ખૂબ ઘટ્યો છે.

વર્ષ 2018માં માત્ર 1.5 કરોડ બાળકોનો જન્મ થયો હતો. આ આંકડા પ્રમાણે આશરે 20 લાખ બાળકો ઘટ્યા છે.

હોંગ ફિંચર કહે છે કે દેશમાં લૈંગિક અસમાનતા પણ એક મોટો મુદ્દો છે કેમ કે પરિવારોને દીકરાને જન્મ આપવા પ્રોત્સાહન અપાય છે.

તેઓ કહે છે, "ચીનમાં મહિલાઓ ખૂબ ઓછી છે. સરકારી આંકડા પ્રમાણે મહિલાઓ કરતાં આશરે 3 કરોડ પુરુષો વધારે છે."

'ચાઇનીઝ ઍકેડમી ઑફ સોશિયલ સાયન્સ'ની માહિતી પ્રમાણે ચીનની જનસંખ્યા આજથી આગામી 50 વર્ષ સુધીમાં 120 કરોડથી 140 કરોડ જેટલી ઘટી શકે છે.

પણ ડેટિંગ લીવની મદદથી મહિલાને એક પતિ કેવી રીતે મળશે અને તેના બાળકો કેવી રીતે થશે, તે હજુ સુધી સ્પષ્ટ નથી.

ઝેજીયાંગ ઑનલાઇન સાથે વાત કરતા હેંગ્ઝુ સોંગચેંગ પર્ફોર્મન્સના HR મેનેજર હુઆંગ લી કહે છે, "કેટલીક મહિલાઓ બહારની દુનિયાથી અજાણ છે. એટલા માટે અમે મહિલા કર્મચારીઓને વધારે રજા આપી રહ્યા છીએ. જેથી તેઓ લોકોને મળવા માટે વધારે સમય કાઢી શકે."

તેઓ ઉમેરે છે કે ડેટિંગ લીવને કર્મચારીઓ દ્વારા સારો પ્રતિસાદ મળ્યો છે.

જોકે, હોંગ ફિંચર માને છે કે આ પ્રયાસ વધારે કામ કરી શકશે નહીં.

તેઓ કહે છે, "આ માત્ર અલગ પ્રકારના પ્રયાસ કે પૉલિસીનો એક નંબર માત્ર છે. મહિલાઓને લગ્ન કરવાની કે બાળકને જન્મ આપવાની કોઈ ઉતાવળ નથી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો