ચીનમાં કિડની વેચી આઈફોન ખરીદનારા એ યુવકનું પછી શું થયું?

2011માં જિઓ વાંગ નામના એક યુવકની સ્ટોરીએ સમગ્ર વિશ્વને અચંબામાં નાખી દીધું હતું.

હાલ પણ આપણે તેના નિર્ણય વિશે સાંભળીએ તો નવાઈ લાગે છે. તે યુવક હાલ મુશ્કેલીમાં ફસાયા છે.

આઈફોન ખરીદવાનું ગાંડપણ પણ ખિસ્સામાં પૈસા ન હતા. આજથી આઠ વર્ષ પહેલાંની આ કહાણી છે.

એ સમયે ચીનના યુવક જિઓ વાંગે નક્કી કર્યું કે તેઓ આઈફોન ખરીદવા માટે પોતાની એક કિડની વેંચી દેશે.

ચીનના હુનાન પ્રાંતમાં રહેતા અને અભ્યાસ કરતા વાંગની એ સમયે 17 વર્ષની ઉંમર હતી.

આ યુવકે એ સમયે આઈફોન માટે પૈસા મેળવવા ગેરકાયદે ચાલતા ઑર્ગન ટ્રાફિકિંગ નેટવર્કનો સંપર્ક કર્યો હતો.

વાંગ આઈફોન ખરીદવા માટે આટલી હદ સુધી જઈ રહ્યો છે તેની જાણ તેમના પરિવારજનોને ન હતી.

2011માં વાંગને કિડની માટે અંદાજે 2,40,000 રૂપિયા જેટલી ઓફર કરવામાં આવી અને વાંગે તેને સ્વીકારી લીધી.

એક કિડની પર તે જીવી શકશે એવી ખાતરી મળ્યા બાદ વાંગે કિડની વેંચી નાખવા માટે ઑપરેશન કરાવ્યું હતું.

મળેલાં નાણાંમાંથી તેમણે આઈફોન અને આઈપેડ ખરીદ્યાં હતાં.

જોકે, તેમણે જે કિંમત ચૂકવી હતી કે ખરેખર ખૂબ મોટી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ગેરકાયદે દવાખાનામાં શું બન્યું હતું?

જે ગેરકાયદે ચાલતા દવાખાનામાં તેમણે કિડની વેંચવા માટે ઑપરેશન કરાવ્યું હતું ત્યાંથી તેમને ઇન્ફૅક્શન લાગ્યું.

જે ઇન્ફૅક્શન તેમના શરીરમાં કાયમી થઈ ગયું અને શરીરમાં રહેલી એકમાત્ર કિડની ફેલ થવાનો વારો આવ્યો.

આ ઘટના વિશ્વ સમક્ષ ત્યારે બહાર આવી હતી જ્યારે આ યુવકનાં માતાએ તેને પૂછ્યું કે આઈફોન અને આઈપેડ માટે પૈસા ક્યાંથી આવ્યા.

એ સમયે તેમણે તેમનાં માતાને કહ્યું, "મેં મારી કિડની વેંચી દીધી છે." જે બાદ આ સ્ટોરી ચીનના સ્થાનિક મીડિયા સુધી પહોંચી હતી.

હાલ વાંગની કેવી છે સ્થિતિ?

શરૂઆતમાં આ ઘટનાનો અસ્વીકાર કર્યા બાદ ચીનના સત્તાવાળાઓએ આ મામલે નવ વ્યક્તિની ધરપકડ કરી હતી.

જેમાંનો એક એ ડૉક્ટર પણ હતો જેમણે આ કિડની કાઢી લેવા માટે ઑપરેશન કર્યું હતું.

જેમને 3થી 5 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. યુવકના પરિવારને સહાય કરવામાં આવી હતી.

હાલ વાંગ પથારીવશ છે અને ડાયલિસિસના મશીન સાથે તેને સતત જોડાયેલું રહેવું પડે છે.

24 કલાક સુધી તેમને કોઈના સહારાની જરૂર પડે છે, એના વિના તેઓ હલનચલન કરી શકતા નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો