ઍપલના અત્યાર સુધીના સૌથી મોંઘા ફોનમાં ચાર પ્રોબ્લેમ્સ

    • લેેખક, એડિટોરિયલ
    • પદ, બીબીસી વર્લ્ડ

ઍપલ કંપનીએ લોન્ચ કરેલું તેનું નવું સેલફોન મોડેલ આઈફોન એક્સ તેનો અત્યાર સુધીનો સૌથી મોંઘો ફોન છે, પણ એ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યો છે.

1000 ડૉલર કિંમતનો આ ફોન 27 ઓક્ટોબરે 55 દેશોમાં ઓનલાઈન પ્રિ-સેલ માટે મૂકવામાં આવ્યો હતો. ઓનલાઈન પ્રિ-સેલ માટે મૂકવામાં આવેલા તમામ આઈફોન એક્સ માત્ર દસ જ મિનિટમાં વેચાઈ ગયા હતા.

સોમવારે ઍપલ સ્ટોર્સમાં આ મોડેલ મૂકવામાં આવ્યું હતું અને તેને ખરીદવા લોકોએ વહેલી સવારથી લાઈન લગાવી હતી.

જોકે, આઈફોન એક્સની વિગતો જાણ્યા બાદ ઘણા લોકો ફોનમાં કેટલીક સમસ્યાની હોવાની ફરિયાદ કરી રહ્યા છે. એ પૈકીની ચાર સમસ્યાને જાણી લો.

(1) ફૂલ સ્ક્રીન

આઈફોન એક્સમાં નીચેની બાજુ પરનાં સ્ટાર્ટ બટનને હટાવી દેવામાં આવ્યું છે. ઓએલઈડી સ્ક્રીનને વધું મહત્ત્વ આપવા માટે એમ કરવામાં આવ્યું છે.

તે આઈફોન એક્સની મુખ્ય નવીનતાઓ પૈકીની એક છે. તેને સ્માર્ટ ફોનના ઈતિહાસમાંની શ્રેષ્ઠ બાબતો પૈકીનું એક ગણાવવામાં આવ્યું છે. જોકે, આ નવીનતા સમસ્યા સર્જી રહી છે.

આ ફોનના ફોટોગ્રાફ પર એક નાની લીટી (બાર) જેવી જગ્યા છે, જેમાં ફેસિયલ રેકગ્નિશન હાર્ડવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. કેટલાક યુઝર્સ તેને સમસ્યાનું કારણ ગણે છે.

ઈન્ટરનેટ પર બ્રાઉઝિંગ કરતી વખતે ફોનનું સોફ્ટવેર કેટલીક સફેદ પટ્ટી (બાર) દર્શાવે છે, જે ઈન્ટરનેટ પેજીઝની કેટલીક પ્રોપર્ટીઝને સંતાડી દે છે.

એક યુઝરે એવી ટ્વીટ કરી હતી કે ''આઈફોન એક્સ ઈન્ટરનેટ પેજીઝને તેની બાજુઓ પરના વ્હાઈટ બાર્સમાં દેખાડે છે. તેથી હું સ્ક્રોલ બાર જોઈ શકતો નથી.''

અન્ય યુઝર્સે એવી ફરિયાદ કરી હતી કે સ્ક્રીન પર આંગળી ફેરવવામાં આવે ત્યારે ફોનનું ફેસિયલ આઈડેન્ટિફિકેશન હાર્ડવેર તકલીફ આપે છે. અગાઉના આઈફોન મોડેલમાં આવો પ્રોબ્લેમ ન હતો.

(2) વિઝનનો એન્ગલ

નવા આઈફોનના મોટા ઓએલઈડી સ્ક્રીનના બહુ વખાણ કરવામાં આવી રહ્યાં છે.

જોકે, એક સાઈડ પરથી સ્ક્રીન જોવામાં આવે ત્યારે તેના કલરની ક્વૉલિટી અને શાર્પનેસ એકદમ ખરાબ દેખાતી હોવાનું અનેક યુઝર્સના ધ્યાનમાં આવ્યું હતું.

વિઝનના એન્ગલના સંદર્ભે કેટલીક ખામી હોવાની કબૂલાત ઍપલે કરી હતી.

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું, ''તમે ફ્રન્ટ એન્ગલ સિવાયના એન્ગલથી ઓએલઈડી સ્ક્રીન પર નજર કરો ત્યારે તેના રંગો અને તેની છટામાં કેટલાક ફેરફાર દેખાય એ શક્ય છે.''

આ ટેક્નોલૉજીના ઉપયોગનો કંપનીએ બચાવ કર્યો હતો. કંપનીએ જણાવ્યું, ''આ ઓએલઈડી સ્ક્રીનની લાક્ષણિકતા છે. જોકે, અમે તેમાં સુધારાની દિશામાં કાર્યરત છીએ.''

(3) નાજુક ફોન

આશરે 65,000 રૂપિયાનો આ ફોન ઍપલે બજારમાં મૂકેલો સૌથી મોંઘો ફોન છે. તેની સાથે એક વિરોધાભાસ પણ છે. આ ફોન ઍપલનો સૌથી નાજુક ફોન છે.

ફોનની મજબૂતી ચકાસતી કંપની સ્ક્વૅર ટ્રેડના જણાવ્યા અનુસાર, ''આ નવું મોડેલ ઍપલના ઈતિહાસનું સૌથી વધુ નાજુક, સૌથી મોંઘું અને રિપેરિંગના સંબંધમાં સૌથી ખર્ચાળ છે.''

ફોન માટે ગેરન્ટી આપતી આ કંપનીએ શ્રેણીબદ્ધ પરીક્ષણ કર્યાં હતાં. તેમાં ફોનને વિવિધ એન્ગલથી 1.8 મીટરની ઉંચાઈ પરથી નીચે ફેંકવાના પરીક્ષણનો સમાવેશ થાય છે.

ઍપલે જણાવ્યું હતું કે આઈફોન એક્સ સ્માર્ટ ફોનમાં સૌથી વધુ ટકાઉ પ્રોટેક્શન ગ્લાસ ધરાવે છે.

જોકે, આ ફોન અકસ્માતે નીચે પડી જાય તો તેમાં વ્યાપક નુકસાન થતું હોવાનું સ્ક્વૅર ટ્રેડના પરીક્ષણમાં જાણવા મળ્યું હતું. અન્ય ડિવાઈસીસમાં આટલું નુકસાન નથી થતું.

(4) ''ધીમી'' ઓપરેટિંગ સીસ્ટમ

અનેક યુઝર્સે જણાવ્યું હતું કે આઈફોન એક્સ વાપરવાનો અનુભવ ''અનેરો અને નાવિન્યસભર'' છે.

જોકે, ખાસ કરીને અમેરિકામાંના તેના નવા યુઝર્સે ફોનના સોફ્ટવેર(આઈઓએસ 11.1)માં પ્રોબ્લેમનો અનુભવ કર્યો હતો. એ સમસ્યા મુખ્યત્વે તેનાં એક્ટિવેશનને લગતી છે.

આર્ચિબાલ્ડ સ્માર્ટ નામના એક ટ્વીટર એકાઉન્ટ પર જણાવવામાં આવ્યું હતું કે ''ઍપલ, તમને ખબર હશે કે કેમ એ હું નથી જાણતો, પણ એક્ટિવેશન સર્વરમાંના પ્રોબ્લેમનું નિરાકરણ કરી શકશો?''

આ પ્રકારની ફરિયાદોનું પ્રમાણ વીકેન્ડ દરમ્યાન અનેકગણું વધ્યું હતું. વેરિઝોન અને એટીટી જેવી અમેરિકાની મુખ્ય સેલ્યુલર ટેલિફોન સર્વિસ કંપનીઓએ સમીક્ષા કરી હતી.

એ પછી જણાવ્યું હતું કે ઍપલ સ્ટોરમાંથી ખરીદવામાં આવેલા મોટાભાગના ફોનમાં આ સમસ્યા જોવા મળી હતી. ઍપલે આ બાબતે અત્યાર સુધીમાં કોઈ ચોખવટ કરી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો