મોદી સરકારના 'માસ્ટર સ્ટ્રૉક' સામે પ્રિયંકા ગાંધીનો જાદુ કેવો ચાલશે?

    • લેેખક, અજય ઉમટ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

આ વાતનું આકલન તો ચૂંટણી પરિણામ પછી જ થઈ શકે પરંતુ કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી માટે બેશક આ આખરી 'બ્રહ્માસ્ત્ર' હતું એ બાબતે કોઈ બેમત ન હોઈ શકે.

પ્રિયંકા ગાંધીનું વ્યક્તિત્વ મોહક છે. વાક્‌છટા અને વક્તૃત્વશક્તિ ગજબની છે.

એક તરફ દાદી ઇંદિરા ગાંધીનો અણસાર છે તો બીજી તરફ નહેરુ-ગાંધી પરિવારનો રાજકીય વારસો ડીએનએમાં પ્રાપ્ત થયો છે.

રાજકારણના પાઠ ગળથૂથી સાથે મેળવનાર પ્રિયંકા ગાંધી શું ઉત્તર પ્રદેશમાં મૃતપ્રાય કૉંગ્રેસ ને સાચા અર્થમાં સંજીવની પ્રદાન કરી શકશે? 47 વર્ષીય પ્રિયંકા રોબર્ટ વાર્ડ્રા-ગાંધીએ આખરે રાજકારણમાં ઝંપલાવ્યું છે.

કૉંગ્રેસે પ્રિયંકાને ચૂંટણી મેદાનમાં ઉતારીને સાચા અર્થમાં 'માસ્ટર સ્ટ્રોક'ફટકાર્યો કે છે કે 'ટ્રમ્પ કાર્ડ'ખેલ્યું છે?

ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસને ઉગારી શકશે?

છેલ્લાં 35 વર્ષથી ઉત્તરપ્રદેશમાં કૉંગ્રેસ સત્તાથી વિમુખ થઈ ચૂકી છે.

2014માં લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસને ઉત્તરપ્રદેશમાં સમ ખાવા પૂરતી લોકસભાની માત્ર બે જ બેઠકો અમેઠી અને રાયબરેલીમાં અનુક્રમે રાહુલ અને સોનિયા ગાંધીની બેઠક પર વિજય પ્રાપ્ત થયો હતો.

2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ને 403માંથી માત્ર સાત બેઠકો મળી હતી.

જે 2012માં પ્રાપ્ત થયેલ 28 બેઠકોની સરખામણીમાં માત્ર 25 ટકા ગણી શકાય.

ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો જનાધાર ઉત્તરોત્તર ઘટીને માત્ર અમેઠી અને રાયબરેલી બેઠક પૂરતો સીમિત થઈ ચૂક્યો છે.

તાજેતરમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને બહુજન સમાજવાદી પાર્ટીનાં માયાવતી વચ્ચે થયેલા ગઠબંધનમાં કૉંગ્રેસ ને માત્ર બે જ બેઠકોની ઑફર કરાઈ.

પરોક્ષ રીતે એવો સંદેશો આપવામાં આવ્યો છે કે કૉંગ્રેસ હવે ઉત્તર પ્રદેશમાં રીતસર હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

ત્યારે શું પ્રિયંકા ગાંધી ખરેખર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સાચા અર્થમાં કોઈ ચમત્કાર સર્જી શકશે?

રાત નાની અને વેશ ઝાઝા

પ્રિયંકા માટે રાત નાની અને વેશ ઝાઝા છે. પૂર્વ ઉત્તર પ્રદેશનો મતવિસ્તાર એટલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગોરખપુર, નાયબ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યના ફૂલપુર ઉપરાંત, મોદી સરકારના અડધો ડઝન કૅબિનેટ મંત્રીઓ પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી ચૂંટણી જીતે છે.

એટલું જ નહીં, અમેઠી અને રાયબરેલીનો મત વિસ્તાર પણ પૂર્વ ઉત્તર પ્રદેશમાં આવે છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્વ ઉત્તર પ્રદેશમાંથી 60 ટકા જેટલી બેઠકો મળી હતી અર્થાત્ ભાજપના આ ગઢમાં ગાબડું પાડવામાં પ્રિયંકા સફળ થશે?

રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધીની નિમણૂક અંગે જાહેરાત કરતાં કહ્યું છે કે કૉંગ્રેસ પાર્ટી ફ્રન્ટ ફૂટ પર રમવામાં માને છે અને સાથોસાથ માયાવતી અને અખિલેશનો આદર પણ કરે છે.

રાહુલ જાણે છે કે વડા પ્રધાનપદ પામવાની ખેવના જો કૉંગ્રેસ રાખતી હોય તો ઉત્તર પ્રદેશમાં 80માંથી માત્ર બે બેઠકો લડવાથી મેળ ન પડે.

ટૂંકમાં, રાહુલ ગાંધીએ પ્રિયંકાના નામે જોરદાર રાજકીય જુગાર ખેલ્યો છે અને સાથોસાથ એવો સ્પષ્ટ સંકેત પણ આપ્યો છે કે પ્રિયંકાની ભૂમિકા પૂર્વ ઉત્તરપ્રદેશમાં માત્ર 40 બેઠકો પૂરતી સીમિત રહેશે.

ટૂંકમાં, કૉંગ્રેસનો વડા પ્રધાનપદ કે ભાવિ નેતૃત્વનો ચહેરો રાહુલ ગાંધી જ રહેશે, પરંતુ બેક-અપ પ્લાનમાં પ્રિયંકા ગાંધી રહેશે.

ચૂંટણીની પારાશીશી માપશે પાણી

ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં એક બાબત અત્યંત સ્પષ્ટ છે કે પ્રિયંકા ગાંધીને પગલે કૉંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓનો જુસ્સો જોમવંતો બનશે.

પ્રિયંકાને પગલે કૉંગ્રેસ પાર્ટીને અખબારોમાં હેડલાઈન, ટીવીમાં ભારે ટીઆરપી અને સોશિયલ મીડિયામાં વાઇરલ ગતિનો લાભ મળશે.

પ્રિયંકાનો ચહેરો ગ્લેમરસ છે પરંતુ વાસ્તવમાં અંતરંગ વર્તુળોમાં જાણકાર લોકો પ્રિયંકાને કરુણામૂર્તિ તરીકે પણ ઓળખે છે.

ધર્મ અને આધ્યાત્મિકતામાં એક ઊંચાઈ પ્રાપ્ત કરનાર પ્રિયંકા ગાંધી અનુકંપા ધરાવતી વ્યક્તિ છે.

તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે પોતાના સ્વર્ગસ્થ પિતા રાજીવ ગાંધીના હત્યારાઓને જન્મટીપની સજામાંથી માફી આપવા તેમણે અરજ કરી હતી.

એટલું જ નહીં વ્યક્તિગત મુલાકાત લઈને તેઓને માફી પણ બક્ષી હતી.

ઉપરોક્ત સંદર્ભમાં પ્રિયંકાની સફળતા આખરે તો ચૂંટણી પરિણામની પારાશીશીથી જ મપાશે.

માસ્ટર સ્ટૉક ગેમ પલટી શકશે કે નહીં

જોકે, પ્રિયંકાનો કરિશ્મા કૉંગ્રેસ માટે ગેમ-ચેન્જર ન બને તો 2019ની લોકસભા ચૂંટણીમાં કૉંગ્રેસ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બને એવી શક્યતા નથી.

પ્રિયંકાએ અત્યાર સુધી સક્રિય રાજકારણમાં રહેવાને બદલે માતા સોનિયાની મદદમાં રહીને પાર્ટીની સ્ટ્રેટેજી, પ્લાનિંગ અને રાયબરેલી તથા અમેઠી-આ બે બેઠક પૂરતી જ ચૂંટણી જવાબદારી સંભાળી છે.

આવનારા દિવસોમાં પ્રિયંકાએ હવે કૉંગ્રેસ પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળવાની છે.

અખિલેશ અને માયાવતી જેવાં રાજકારણીઓ સાથે બેઠકોની સમજૂતી અંગે મંત્રણાઓ કરવાની છે.

40 લોકસભા બેઠકોની સીધી જવાબદારી સંભાળવાની છે. સાથોસાથ કૉંગ્રેસ પાર્ટી માટે પ્રચારની બાગડોરનું ધ્યાન પણ રાખવાનું છે.

મોદી સરકારે સવર્ણ આર્થિક અનામતનો 10 ટકાનો 'માસ્ટર સ્ટ્રોક' ફટકાર્યો છે.

તેના પ્રત્યુત્તરરૂપે રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં ઘસાતી જતી કૉંગ્રેસની વોટબૅંકને પુન: દૃઢીભૂત કરવા, ખાસ કરીને યુવાન, આબાલવૃદ્ધ અને મહિલાઓના મત મેળવવાનું એક વ્યૂહાત્મક પાસું ફેંક્યું છે.

પ્રિયંકાની સફળતામાં એ રાહુલની સિદ્ધિ ગણાશે પરંતુ પૂર્વ ઉત્તર પ્રદેશનો માર્ગ કૉંગ્રેસ માટે કંટકજનક પડકારોથી સભર છે એ વાતનું સ્મરણ કૉંગ્રેસે અવાર-નવાર કરતાં રહેવું પડશે.

પ્રિયંકાને કારણે જાહેરસભાઓમાં જંગી માનવમેદની ઉપસ્થિત થઈ શકે, પરંતુ શું તે મતોમાં પરિવર્તિત થશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો