ઇંદિરા ગાંધીના 'હિંદુ નરસંહાર 1966'નું સત્ય શું છે?

ચૂંટણીના માહોલમાં વૉટ્સઍપ અને સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરવામાં આવી રહી છે.

શુક્રવારે રાજસ્થાનમાં ટ્વિટર પર જેટલા મોટા ટ્રૅન્ડ ચાલી રહ્યા હતા તેની સાથે જોડીને પણ આ તસવીરને શેર કરવામાં આવી રહી હતી.

આ તસવીર સાથે હિંદીમાં એક મૅસેજ હતો જેમાં લખ્યું હતું, "શું તમે જાણો છો કે મુસલમાનોને ખુશ કરવા માટે 7 નવેમ્બર 1966ના દિવસે ઇંદિરા ગાંધીએ ગૌવધ-નિષેધ હેતુ સંસદ ભવનનો ઘેરાવ કરનારા 5000 સાધુ-સંતોને ગોળીઓથી ઠાર મરાવી દીધા હતા. આઝાદ ભારતમાં આટલો મોટો નરસંહાર પહેલા ક્યારેય નહોતો થયો."

ગૂગલ તથા અન્ય સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર પણ સરળતાથી સર્ચ થનારા #Indira, #SadhuMassacre, #AntiHindu #SikhRiots કેટલાક હેશટૅગ સાથે આ તસવીર શેર કરવામાં આવી રહી હતી.

અમે જ્યારે આ તસવીરની તપાસ કરી તો માલૂમ પડ્યું કે દક્ષિણપંથી ઝુકાવ ધરાવતા કેટલાક ફેસબુક પેજ દ્વારા આ તસવીરને વારંવાર શેર કરવામાં આવી હતી. તેમાં કેટલીક પોસ્ટ વર્ષ 2014-15ની પણ હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

'સંતોએ જાનની બાજી લગાવી'

1966ની જેટલી પણ પોસ્ટ અમને મળી તેમાં વાત એક જ હતી કે વર્ષ 1966માં હિદું સાધુ-સંતોએ ગૌહત્યા પર પ્રતિબંધ લાવવા માટે જાનની બાજી લગાવી દીધી હતી, પરંતુ કોંગ્રેસનાં નેતા ઇંદિરા ગાંધીએ તેમને ઠાર મરાવ્યા હતા.

કેટલાક લોકોએ આ ઘટનાની સરખામણી વર્ષ 1984ના શીખ વિરોધી રમખાણો સાથે પણ કરી હતી અને લખ્યું હતું કે ભારતીય ઇતિહાસમાં 1984નો ઉલ્લેખ કરવામનાં આવે છે પણ 1966ની વાત કોઈ નથી કરતું.

આ દુર્ઘટનામાં કેટલા લોકોના મોત થયા તે મામલે પણ વિવિધ પ્રકારના દાવા સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા જોવા મળ્યા. કેટલાક લોકોએ લખ્યું છે કે આ દુર્ધટનામાં એકંદરે 250 સાધુ-સંતોના મોત થયા હતા. ગૂગલ સર્ચમાં જોવા મળેલી કેટલીક વેબસાઇટ્સના પેજ પર મૃતકોની સંખ્યા 1000 કહેવામાં આવી છે.

કેટલાક લોકોએ લખ્યું છે,"1966માં ઇંદિરા ગાંધીના આદેશ પર પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં આપણા સંત માર્યા ગયા હતા." પોતાની પોસ્ટમાં આ લોકોએ એક વિકીપીડિયા પેજની લિંક પણ શેર કરી છે.

વિકીપીડિયા પેજ સાથે ચેડાં

'1966નું ગૌહત્યા વિરોધી આંદોલન' નામના આ વિકીપીડિયા પેજ પર લખ્યું છે કે,"ગૌહત્યા વિરોધી આંદોલનમાં સાતથી આઠ લાખ લોકોએ ભાગ લીધો હતો. જ્યારે આ લોકોએ સંસદનો ઘેરાવ કર્યો, ત્યારે પોલીસે તેમની પર ગોળીબાર કર્યો હતો અને 375-5000 લોકોના મોત થયા હતા, જ્યારે દસ હજાર લોકો ઘાયલ થયા હતા."

(જરૂરી સૂચના: વિકીપીડિયા અનુસાર 22 નવેમ્બર 2018ના રોજ છેલ્લે આ પેજ પર પ્રકાશિત સમાચારમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ પેજ પર પહેલાં એક વાક્ય લખ્યું હતું કે 'આ ઘટનામાં માર્યા ગયેલા લોકોની મહત્તમ સંખ્યા 7 હતી.' આર્ટિકલમાં આ સંખ્યાને વધારીને હવે 375 કરી દેવાઈ છે.)

ભાજપના પૂર્વ નેતાનો બ્લોગ

સ્થાનિક સ્તરે 1966ની આ ઘટના પર વધુ વાતો થવા લાગી જ્યારે સાંગનોરના ધારાસભ્ય ઘનશ્યામ તિવાડીએ સત્તાવાર રીતે પોતાના ફેસબુક પેજ પર કથિત રીતે તેમના દ્વારા લખેલો બ્લૉગ શેર કર્યો હતો.

ઘનશ્યામ તિવાડી ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ ઘણી વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે રાજસ્થાન સરકારના કેટલાય મંત્રાલયનો હવાલો સંભાળ્યો છે, પરંતુ ઘનશ્યામ તિવાડી હવે ભાજપમાંથી અલગ થઈ ગયા છે.

દોઢેક વર્ષ પહેલા તેમણે 'ભારત વાહિની પાર્ટી' બનાવી લીધી હતી અને ઘનશ્યામ તિવાડી હવે તેમની પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં તેઓ પોતાની પાર્ટી તરફથી લડી રહ્યા છે.

ઘનશ્યામ તિવાડીએ પોતાના બ્લૉગમાં લખ્યું,"જે પ્રકારે કસાઈ ગૌમાતા પર અત્યાચાર કરે છે તે જ પ્રકારે કોંગ્રેસે ગૌભક્તો પર અત્યાચાર આચર્યો હતો. માર્ગ પર પડી ગયેલા સાધુઓને ઊભા કરીને ગોળીઓ મારી હતી. આથી હજારો લોકો ઘાયલ થયા અને સેંકડો સંત માર્યા હતા હતા."

ઘણા લોકો વિકીપીડિયા સિવાય ધનશ્યામ તિવાડીના બ્લોગના કેટલાક ભાગ કાઢીને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે.

તમામ દાવાની તપાસ

વાઇરલ તસવીરની સાથે સાથે અમે આ તમામ દાવાઓની તપાસ કરી

વર્ષ 1966ની ગણાવી જે ત્રણ ચાર તસવીરો શેર કરવામાં આવી રહી છે. તે 7 નવેમ્બર 1966ના રોજ દિલ્હીમાં થયેલી ઘટનાની છે. તેમાં ધ્યાનથી જોઈએ તો તસવીરોમાં ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન વચ્ચેની લોન અને રાજપથના કેટલાક ભાગ જોવા મળે છે.

7 નવેમ્બર 1966ના દિવસે દિલ્હીમાં થયેલી ઘટના વિશે ઇતિહાસકાર હરબંસ મુખિયા ભારતનાં પૂર્વ વડા પ્રધાન ઇંદિરા ગાંધીના કાર્યકાળમાં થયેલા સૌથા મોટા વિરોધ પ્રદર્શન તરીકે યાદ કરે છે.

મુખિયાએ જણાવ્યું,"1966માં સમગ્ર ભારતમાં ગૌહત્યા પ્રતિબંધિત કરવાનો કાનૂન લાવવા માટે કોશિશ થઈ રહી હતી, પરંતુ ઘણા લોકો તેને રાજકીય ષડયંત્ર અને બહાનું ગણાવી રહ્યા હતા. તેનું કારણ એ હતું કે ઇંદિરા ગાંધીએ થોડા સમય પૂર્વે જ સક્રિય રાજનીતિની શરૂઆત કરી હતી અને રાજકારણમાં લોકો તેમને 'ગૂંગી ગુડિયા' કહેવા લાગ્યાં હતાં."

"આથી કોશિશ થઈ કે ઇંદિરાને શરૂઆતમાં જ અસ્થિર કરી દેવામાં આવે."

હરબંસ મુખિયા 7 નવેમ્બરની ઘટનાને એક વ્યવસ્થિત આંદોલન અથવા પ્રદર્શન નહીં, પરંતુ એક પ્રાયોજિત હંગામો માને છે. તેઓ કહે છે કે આ હંગામો જેટલી ઝડપથી આયોજિત થયો તેટલી જ ઝડપથી લોકો તેને ભૂલી ગયા.

સંસદને બચાવવા માટે થયો ગોળીબાર

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક રશીદ કિદવઈએ તેમના પુસ્તક 'બૅલેટ: ટેન ઍપિસોડ ધેટ હેવ શેપ્ડ ઇન્ડિયન ડેમૉક્રેસી'માં 1966ની એ ઘટનાનું વર્ણન કર્યું છે. 7 નવેમ્બરની ઘટનાની કેટલીક માહિતીઓ તેમણે બીબીસી સાથે શેર કરી.

કિદવઈએ બીબીસીને જણાવ્યું,"હરિયાણાના કરનાલ જિલ્લાના જનસંઘના સંસદસભ્ય સ્વામી રામેશ્વરમ એ કથિત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની માગણી હતી કે દેશમાં એક કાનૂન બને જેના અનુસાર ગૌહત્યાને ગુનો ગણવામાં આવે. રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ આ માંગનું સમર્થન કરી રહ્યા છે."

"આ માંગને લઈને હજારો સાધુ સંતો પોતાની ગાયો સાથે દિલ્હી પ્રવેશ્યા હતા અને સત્તાવાર જાણકારી એ છે કે તેમણે સરકારી સંપત્તિઓને નુકસાન કર્યું, મંત્રાલયની ઇમારતો બહાર તોડફોડ કરી. સાથે જ સંસદમાં ઘુસવાની કોશિશ કરી."

"ભારતીય ઇતિહાસમાં સંસદ પર આવો હુમલો પહેલી વાર થયો હતો, જ્યારે સુરક્ષાકર્મીઓએ સંસદના બચાવમાં ગોળીબાર કરવો પડ્યો. 7 નવેમ્બરના રોજ 7 લોકોનાં મોત થયા. કેટલાક લોકોએ તેમના રિપોર્ટમાં મરનારની સંખ્યા 8-9 લખી, પણ આ સંખ્યા નિશ્ચિત રીતે દસથી વધુ નહોતી."

હરબંસ મુખિયાએ પણ યાદ કરીને જણાવ્યું કે 1966ની આ ઘટનામાં 10થી વધુ લોકોનાં મોત નહોતા થયા.

અંગ્રેજી અખબાર ધ મિંટ દ્વારા પણ આ વર્ષે જ પ્રકાશિત એક રિપોર્ટમાં 1966ની આ ઘટનામાં મૃતકોની સંખ્યા દસથી ઓછી જણાવી હતી.

'દેશની સંસદ પર હુમલો'

પોલીસના ગોળીબાર બાદ શું થયું? આ મામલે રશિદ કિદવઈ કહે છે:

"દિલ્હી પોલીસ ઘણા ઉપદ્રવીઓને ડીટીસી (દિલ્હી ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન) બસમાં ભરીને અરાવલીના જંગલો (મહરૌલી-ગુરગાંવ પાસે) છોડી આવી હતી, પરંતુ કોઈ પણ પ્રદર્શનકારી વિરુદ્ધમાં પોલીસ કેસ દાખલ નહોતો કરાયો."

"આ ઘટનાના કારણે ભારતના તત્કાલીન ગૃહમંત્રી ગુલઝારી લાલ નંદાએ રાજીનામું આપવું પડ્યું હતું. કહેવાય છે કે ઇંદિરા ગાંધીએ તેમને સ્થિતિ પર કાબૂ મેળવવા માટે પહેલાથી જ તૈયાર રહેવા માટે કહ્યું હતું."

"પરંતુ ગૃહ મંત્રીની સાથેસાથે તેઓ દેશના સાધુ-સંત સમાજના અધ્યક્ષ પણ હતા અને તેમને વિશ્વાસ હતો કે તેઓ વાતચીતથી સ્થિતિ કાબૂમાં લઈ લેશે."

સ્કૉલ વેબસાઇટ્સે પણ એક લેખમાં 1966ની આ ઘટનાને 'દેશની સંસદ પર પ્રથમ હુમલો' તરીકે વર્ણવી હતી અને તેને તથાકથિત ગૌરક્ષકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હોવાનું પણ કહેવાયું હતું.

અમને આ ઘટના સંદર્ભે બે આર્કાઇવ લેખ 'ધ હિંદુ' અખબારની વેબસાઇટ પર પણ મળ્યા.

ગૌહત્યાના વિરોધમાં કાનૂન

અખબારે 8 નવેમ્બરના રોજ લેખ લખ્યો હતો કે હિંસાના કારણે રાજધાની ક્ષેત્ર દિલ્હીમાં કર્ફ્યૂ લગાવી દીધો છે. હજારો ગૌરક્ષક મળીને ભારતીય સંસદ પર તૂટી પડ્યા અને તેમણે સરકારી વાહનોને આગચંપી કરી. આ ઘટનામાં સાત લોકોનાં મોત થયા હતા અને 100 લોકો ઘાયલ થયા.

દિલ્હીમાં એકઠાં થયેલા પ્રદર્શનકારીઓ જનસંઘ, હિંદુ મહાસભા, આર્ય સમાજ અને સનાતન ધર્મ સભાના લોકો સામેલ થયા હતા.

બ્રિટનના અખબાર 'ધ ગાર્ડિયને' પણ આ ઘટના પર રિપોર્ટ લખ્યો હતો દેમાં આ તથ્યોની પુષ્ટિ થાય છે.

'ધ હિંદુ' અખબારે 2જી ડિસેમ્બર 1966ની આવૃત્તિ અનુસાર, આ ઘટના બાદ ઇંદિરા ગાંધીએ સંતોને સંબોધીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે ગૌહત્યાના વિરોધમાં કાનૂન બનાવવા માટે શાંતિથી પણ વાતચીત થઈ શકે છે.

ઇંદિરા ગાંધી પર પુસ્તક લખનારા કોંગ્રેસની નેતા જયરામ રમેશે પણ પોતાના પુસ્તકમાં દાવો કર્યો છે કે ઇંદિરા ગાંધીએ 1966ની ઘટના બાદ ગૌહત્યા પર એક રિપોર્ટ તૈયાર કરવા માટે એક કમિટીનું ગઠન કર્યું હતું.

જેમાં ઘણા હિંદુ ધર્મના નેતાઓ સામેલ હતા. તે જ સમિતિમાં આરએસએસ (રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ)ના બીજા સરસંઘસંચાલક માધવ સદાશિવ ગોલવલકર અને ભારતમાં શ્વેત ક્રાંતિના જનક વર્ગિસ કુરિયનને પણ સામેલ કરવામાં આવ્યા હતા.

આ રિપોર્ટ સમયસર તૈયાર ન થવાને કારણે વર્ષ 1979માં આ સમિતિને વિખેરી દેવાઈ હતી.

(આ કહાણી ફેક ન્યૂઝ સામે લડવા માટે બનાવવામાં આવેલા 'એકતા ન્યૂઝરૂમ'નો ભાગ છે.)

જો તમારી પાસે આવી ખબર, વીડિયો, તસવીર અથવા દાવાઓ આવે છે. જેના પર તમને શંકા હોય તો તેમના સત્યની તપાસ માટે તમે તેને એકતા ન્યૂઝરૂમને આ નંબર +91 89290 23625 પર વૉટ્સઍપ કરો અથવા અહીં ક્લિક કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો