You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2019ની ચૂંટણીને કેમ પડકારજનક માને છે ફેસબુક, ગૂગલ અને ટ્વિટર
બીબીસી દ્વારા દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમ #BeyondFakeNewsમાં ફેસબુક, ગૂગલ તથા ટ્વીટરના પ્રતિનિધિઓએ સ્વીકાર્યું કે ભારતમાં ફેક ન્યૂઝની ગંભીર સમસ્યા છે, જે આગામી ચૂંટણી દરમિયાન વકરી શકે છે અને તેને પહોંચી વળવા માટે તેઓ કટિબદ્ધ છે.
આઈઆઈટી (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનૉલૉજી) દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં ફેસબુકના મનીષ ખંડૂરી, ગૂગલના ઈરીન જે લ્યૂ તથા ટ્વિટરના વિજયા ગાડ્ડેએ ભાગ લીધો હતો અને ફેક ન્યૂઝને અટકાવવામાં ઊભી થતી ટેકનિકલ સમસ્યાઓની ચર્ચા કરી હતી.
ફેસબુકના ખંડૂરીએ કહ્યું, "તે (ફેક ન્ચૂઝ)એ પ્લેટફોર્મના અસ્તિત્વ માટે જ જોખમરૂપ થશે અને તેને ગંભીરતાથી લઈએ છીએ. સોશિયલ મીડિયા તરીકે અમે સંવાદની ગુણવત્તા ઉપર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ, ત્યારે ખોટી માહિતી તેને અસર કરે છે.
"અમે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માગીએ છીએ અને ફેક ન્યૂઝ તેનાથી તદ્દન વિપરીત છે."
ગૂગલ ન્યૂઝ લેબ (દક્ષિણ એશિયા)ના વડા ઈરીન જે લ્યૂએ કહ્યું, "ગૂગલ ફેક ન્યૂઝને મોટી સમસ્યા તરીકે જુએ છે અને તેનો ઉકેલ લાવવાની જવાબદારીને પણ સમજે છે. લોકો ગૂગલ પાસેથી ઉચ્ચ ગુણવત્તા સભર કન્ટેન્ટની અપેક્ષા રાખે છે."
તમે આ વાંચ્યું કે નહીં?
ટ્વિટરના ટ્રસ્ટ ઍન્ડ સેફ્ટી (વિશ્વાસ અને સુરક્ષા)ના ગ્લોબલ હેડ વિજયા ગાડ્ડેએ કહ્યું, "ટ્વિટરનો ઉદ્દેશ્ય જનસંવાદ વધારવાનો છે. લોકો ટ્રેન્ડ જાણવા માટે ટ્વિટર પર આવે છે અને આ અંગે દુનિયાને પણ જણાવવા માગે છે."
"જો અમે તેમને ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રી પૂરી નહીં પાડીએ, તો તેઓ અમારા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો જ બંધ કરી દેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"આથી અમારા માટે આ પ્રકારના સમચારના પ્રભાવનો સ્વીકાર કરવો અત્યંત મહત્ત્વપૂર્ણ છે."
મનિષ ખંડૂરીએ સ્વીકાર્યું હતું કે 2016ની અમેરિકાની ચૂંટણી દરમિયાન પ્લેટફોર્મ તરીકે ફેસબુકથી કેટલીક ભૂલો થઈ હતી અને તેમાંથી બોધ પણ લીધો હતો.
ખંડૂરીને પૂછવામાં આવ્યું હતું કે 'અમેરિકાની ચૂંટણી અંગે ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે અમેરિકાની સેનેટ સમક્ષ હાજર રહીને જવાબ આપ્યો, જ્યારે ભારતમાં મોબ લીચિંગ અંગે તેમણે કોઈ નિવેદન નથી આપ્યું?'
તેના જવાબમાં ફેસબુકના ખંડૂરીએ જણાવ્યું, "ભારતમાં જે કાંઈ બની રહ્યું છે, તેમાં ઝકરબર્ગ ઊંડી રુચિ ધરાવે છે અને તેના ઉકેલ માટે તેમણે મોટી ટીમ બનાવી છે. આગામી ચૂંટણીને ધ્યાને લઈને ઝકરબર્ગે વૉશિંગ્ટન ડીસી ખાતે ઇલેક્શન વોરરૂમ ઊભો કરી રહ્યા છે."
ભારતમાં વૉટ્સઍપની ભૂમિકા અંગે પૂછવામાં આવતાં ખંડૂરીએ કહ્યું, "પ્લેટફોર્મ તરીકે વૉટ્સઍપમાં ઘણા સુધારા આવી રહ્યા છે."
"અમે ભારતમાં અનેક પરિવર્તન લાવી રહ્યા છીએ. અમે આ સમસ્યાની ગંભીરતાને સમજીએ છીએ અને તેના સમાધાન માટે કેટલાંક પરિવર્તનો કરી રહ્યા છીએ."
2019ની ચૂંટણીમાં ફેક ન્યૂઝને અટકાવવા માટે ફેસબુક શું કરી રહ્યું છે ?
એવા સવાલના જવાબમાં મનીષ ખંડૂરીએ કહ્યું, "અમે તથ્યોની તપાસ માટે બહારના લોકોને રાખ્યા છે."
"ફેસબુક ઉપરની સામગ્રીની ચોક્કસાઈ જાળવી રાખવા માટે અમે અનેક પ્રયાસ કરી રહ્યા છીએ અને પુષ્કળ નાણાં ખર્ચી રહ્યા છીએ."
"અમે પૉલિસી મેકર્સ સાથે વાટાઘાટો કરી રહ્યા છીએ અને વર્કશોપ્સ પણ આયોજિત કરી રહ્યા છીએ."
ઈરીન જે લ્યૂએ સ્વીકાર્યું હતું કે યૂટ્યૂબ ઉપર બનાવાટી માહિતી છે અને તેને નાથવા માટે કંપની દ્વારા જરૂરી પરિવર્તન હાથ ધરવામાં આવ્યાં છે.
તેમણે ઉમેર્યું કે લોકો જો યૂટ્યુબ પર આવે તો અમે તેમને વિશ્વસનીય સ્રોતોમાંથી એમને માહિતી પહોંચાડીએ.
તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં ફેક ન્યૂઝનો પ્રસાર અટકાવવા માટે કંપની સાત ભાષામાં આઠ હજાર પત્રકારોને તાલીમ આપી રહી છે.
ઈરીને કહ્યું, "જે ફેક ન્યૂઝ સામે લડવામાં મદદ કરશે કારણ કે ફેક ન્યૂઝ માત્ર અંગ્રેજી તથા હિંદી ભાષામાં નથી ફેલાતા. આમ કરવું એ કંપની માટે પણ લાભકારક છે."
ટ્વિટરના વિજ્યા ગાડ્ડએ કહ્યું, "ફેક એકાઉન્ટ્સ અમારા પ્લેટફૉર્મ માટે હાનિકારક છે. તેની ઓળખ માટેની ટેકનિકને વધુ સુદ્રઢ કરવા માટે પ્રયાસરત છીએ."
"ઉપરાંત વાંધાજનક કન્ટેન્ટને રિપોર્ટ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે."
વિજ્યાએ એ ઉમેર્યું કે કંપનીએ અમેરિકાની ચૂંટણીમાંથી ઘણી શીખ લીધી છે અને રાજકીય જાહેરાતોમાં પારદર્શકતા લાવવા માટે પ્રયાસરત છે.
ફેસબુક પર ચૂંટણી પ્રચાર સંબંધિત એક સવાલના જવાબમાં ખંડુરીએ કહ્યું કે રાજકીય પક્ષો સાથે ફેસબુકના સંબંધ 'બે ધારવાળા' છે.
શું હશે વ્યૂહરચના?
ચૂંટણીના અનુસંધાને તૈયાર કરવામાં આવેલા ફેસબુક પેજ માટે શું યોજના છે?
તેવા સવાલના જવાબમાં ખંડૂરીએ કહ્યું, "કન્ટેન્ટને ઓળખવા માટેની એક વ્યવસ્થા છે, પરંતુ તેની કેટલીક મર્યાદા છે."
"શું ફેક ન્યૂઝ છે તથા શું નથી, તે અમે નક્કી નથી કરવા માગતા. અમુક પરિમાણોના આધારે અમે માનીએ છીએ કે જે-તે માહિતી ફેક ન્યૂઝ હોય શકે છે,"
"જોકે, તેની પુષ્ટિ કરવાનું કામ અમે થર્ડ પાર્ટી (બહારના લોકો)ને સોંપ્યું છે. તે એક સંપાદકીય બાબત છે."
ખંડૂરીએ ઉમેર્યું કે જો કોઈ સામગ્રી કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સની વિરુદ્ધ હોય તો તેને ફેસબુક પરથી હટાવી દેવામાં આવે છે."
"જેમ કે પોર્ન, હિંસા, રેપ કે મર્ડરને લગતી સામગ્રી સામે ફેસબુક કડક વલણ ધરાવે છે."
"જ્યારે કોઈ સામગ્રી કોઈ રાજકીય પક્ષનો પ્રૉપેગૅન્ડા હોય ત્યારે તેમાં દખલ દેવાનું ફેસબુક ટાળશે. કારણ કે તેમાં અટકળને અવકાશ છે."
ફેક સાબિત થયેલી માહિતી પણ ફેસબુક પર હોય છે, તેવા સવાલના જવાબમાં ખંડૂરીએ કહ્યું, "એક પ્લેટફોર્મ તરીકે અમે આવી સામગ્રી હટાવતા નથી."
"અમુક બાબતો એવી હોય શકે કે જેને હટાવી દેવી જોઈએ પરંતુ એક તર્ક એવો પણ છે કે લોકોને માહિતી મેળવવાનો અધિકાર મળવો જોઈએ."
"કેટલાક લોકો આજે પણ માને છે કે ધરતી સપાટ છે. જો કોઈને આવું લાગે તો અમારું પ્લેટફોર્મ માત્ર તેનું ફેક્ટ ચેક કરે છે અને અમે લોકોને જણાવીએ છીએ કે તમે આ માહિતી શેર કરવા નહીં ઇચ્છો."
એક સવાલના જવાબમાં વિજયાએ કહ્યું હતું કે ટ્વીટર પર ફેક એકાઉન્ટને રિપોર્ટ કરવાનો વિકલ્પ છે અને તેમાંથી કંપની શીખી રહી છે.
તેમણે કહયું કે જરૂર પડ્યે તેનો વિસ્તાર કરવામાં આવશે અને ફેક ન્યૂઝને રિપોર્ટ કરવાની વ્યવસ્થા પણ ઊભી કરાશે.
ફેક ન્યૂઝને ફેલાતા અટકાવવામાં ટ્વિટર શા માટે ઢીલ કરી રહ્યું છે? એવા એક સવાલના જવાબમાં વિજ્યાએ કહ્યું: "ટ્વિટર પર આપને ખોટું બોલતા અટકાવે એવી અમારી કોઈ નીતિ નથી."
"જો અમે રિપોર્ટ કરવાનો વિકલ્પ આપીએ તો પણ શું થશે? દરરોજ અમારા પ્લેટફોર્મ પરથી કરોડો ટ્વીટ્સ થાય છે. અમે દરેક ટ્વીટને જજ કરતી કંપની બનવા માગતા નથી."
શું આ રીતે તમે ફેક ન્યૂઝને કરોડો લોકો સુધી પહોંચાડવામાં મદદ નથી કરતા?
સવાલના જવાબમાં વિજ્યાએ કહ્યું, "અમે એકાઉન્ટના વ્યવહારિક સંકેતોનું વિશ્લેષણ કરીએ છીએ."
"એ રીતે અમે ફેક ન્યૂઝ ફેલાતા અટકાવવા પ્રયાસ કરીએ છીએ. જો અમને ફેક એકાઉન્ટ મળે તો અમે તેની સામગ્રી તત્કાળ હટાવી દઈએ છીએ."
રાજકીય જાહેરાત
ફેસબુક પર રાજકીય જાહેરાત સંબંધિત એક સવાલના જવાબમાં મનીષ ખંડૂરીએ કહ્યું, "જાન્યુઆરી-ફેબ્રુઆરી સુધીમાં નવી વ્યવસ્થા અમલમાં આવી જશે."
"જેના આધારે જો કોઈ કન્ટેન્ટ સ્પોન્સર્ડ હશે તો યૂઝરને જાણ થશે કે કોણે સ્પોન્સર કર્યુ છે."
ખંડૂરીએ સ્વીકાર્યું હતું કે ચૂંટણી દરમિયાન ફેક ન્યૂઝ ગંભીર મુદ્દો હશે, સાથે જ ઉમેર્યું હતું કે તેને અટકાવવાની વ્યવસ્થા પર તેઓ કામ કરી રહ્યા છે.
વૉટ્સઍપ મારફત ફેલાતા ફેક ન્યૂઝ અંગે પૂછવામાં આવતા ખંડૂરીએ કહ્યું, "વૉટ્સઍપ એ અંગત સંવાદનું માધ્યમ છે. વૉટ્સઍપના પાયામાં પ્રાઇવસી છે."
"જો તેમાં ફેરફાર કરવામાં આવે તો તેના ડીએનએમાં ફેરફાર કરવા જેવું હશે."
"વૉટ્સઍપ પર થતા 80-90 ટકા સંવાદ અંગત હોય છે, એટલે તે વાઇરલ નથી હોતા."
વૉટ્સઍપને કારણે થતી હિંસા અંગે પૂછતા ખંડૂરીએ કહ્યું કે તેના ઉકેલ માટે કંપની અનેક પગલાં લઈ રહી છે.
જેમ કે, વૉટ્સઍપ ગ્રૂપ એડમિનને વધુ અધિકાર અપાય રહ્યા છે અને પ્રોડક્ટમાં પણ અમુક ફેરફાર હાથ ધરવામાં આવ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો