એ યુદ્ધ જેણે આખી દુનિયાને ધરમૂળથી બદલી નાખી

આધુનિક ઇતિહાસમાં થયેલાં યુદ્ધોમાંનું મહત્ત્તવપૂર્ણ યુદ્ધ એટલે પ્રથમ વિશ્વયુદ્ધ. આ યુદ્ધ 100 વર્ષ અગાઉ સમાપ્ત થયું હતું.

વિશ્વના સૌથી મોટા યુદ્ધ તરીકે પ્રથમ વિશ્વયુદ્ધ જાણીતું છે.

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં વિશ્વમાં આ પ્રકારે ખુવારી નહોતી થઈ. આ યુદ્ધને લીધે નાનાં મોટાં તમામ આંતરિક યુદ્ધોનો અંત આવ્યો હતો.

લોકો ખરેખર એવું માનવા લાગ્યા હતા કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ હવે કોઈપણ દેશ યુદ્ધ નહીં ઇચ્છે.

આ યુદ્ધમાં લાખો સૈનિકો અને નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા.

જે લોકો યુદ્ધમાંથી જીવિત પરત આવ્યા હતા તેમણે આખી જિંદગી શારીરિક અને માનસિક યાતના વેઠી હતી.

11 નવેમ્બર 1918ના રોજ હથિયારો હેઠાં મુકાયાં હતાં અને પ્રથમ વિશ્વયુદ્ધનું સમાપન થયું હતું. જોકે, યુદ્ધની અસર લાંબા ગાળા સુધી અનુભવાઈ હતી.

પ્રથમ વિશ્વયુદ્ધના કારણે દુનિયામાં કલ્પના બહારનું પરિવર્તન આવ્યું હતું.

નવી ટૅકનૉલૉજીનો ઉદય

પ્રથમ વિશ્વયુદ્ધના કારણે ટૅકનૉલૉજીમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું.

ખાસ કરીને સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહારના ક્ષેત્રે પ્રથમવિશ્વ યુદ્ધે અભૂતપૂર્વ ક્રાંતિ આણી હતી.

નવી તકનીકથી બનેલાં હથિયારોએ વિશ્વનું પતન કર્યું હતું.

વર્ષ 1914માં વિમાન હજુ પણ વિશ્વ માટે નવું સંશોધન હતું.

પહેલું વિમાન આકાશે ઉડ્યું તેને હજુ તો 11 વર્ષ જ થયાં હતાં.

એ વખતે વિમાન જટીલ અને અનન્ય ગણાતા હતા, જોકે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન એન્જિનિયરો અને વૈજ્ઞાનિકોએ વધુ ઝડપી, વધુ મજબૂત અને વધુ શક્તિશાળી વિમાનોનું સર્જન કર્યું.

આ યુદ્ધમાં જ આકાશમાંથી પહેલી વાર બૉમ્બ વર્ષા કરવામાં આવી.

પહેલી વાર જ દુશ્મનોની જાસૂસી માટે વિમાનનો ઉપયોગ થયો હતો.

સૈનિકો જમીન પર 24 કલાકમાં જે માહિતી મેળવી શકતા હતા તેનાથી વધુ માહિતી વિમાનની મદદથી ચાર કલાકમાં મળવા લાગી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભે એકલા ફ્રાંસ પાસે 140 વિમાન હતાં. યુદ્ધના અંતે આ સંખ્યા 4,500 એ પહોચી હતી.

વિશ્વયુદ્ધના કારણે ફક્ત આકાશમાં જ નવી ટૅકનૉલૉજી જોવા મળી તેવું નહોતું.

નવી ટૅકનૉલૉજીના પ્રયોગો દરિયામાં પણ થયા હતા.

જર્મન સબમરીન યુ-બૉટ્સને શોધવા માટે બ્રિટિશ નૅવી દ્વારા વિશેષ ટૅકનૉલૉજી શોધવામાં આવી હતી.

જ્યારે જમીન પર ઝેરી ગૅસનો પ્રયોગ કરાયો હતો. આ ગૅસથી રક્ષણ મેળવવા માટે માસ્ક પણ તૈયાર કરવામાં આવ્યા હતા.

દુશ્મનના દારુગોળાના અવાજ પરથી તેમનું લોકેશન શોધવામાં મદદ કરે તેવી ખાસ ટૅકનૉલૉજી સાઉન્ડ રૅન્જિંગની શોધ પણ થઈ હતી.

આ જ વિશ્વ યુદ્ધમાં પહેલી વાર ટૅન્કનો ઉપયોગ થયો હતો.

બ્રિટને વર્ષ 1916માં 15મી સપ્ટેમ્બરે પહેલી વાર ટૅન્કનો ઉપયોગ કર્યો હતો.

પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટને 2600 ટૅન્ક તૈયાર કરી હતી. આ સમયે ફક્ત હથિયારોમાં જ ક્રાંતિ આવી તેવું નહોતું.

આ સમયગાળામાં ફોટોગ્રાફીમાં તેમજ સંદેશાવ્યવહારમાં પણ નવી શોધ થઈ જેની અસર લાંબાગાળાની હતી.

આ ટૅકનૉલૉજીનો ઉપયોગ કરીને અનેક દેશોએ બીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી હતી.

મેડિકલ ઇનૉવેશન

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઈજાગ્રસ્ત થતા સૈનિકોની સારવારને પહોંચી વળવા માટે તબીબી સંશોધનો અનિવાર્ય હતા.

એક વ્યક્તિનું લોહી બીજાને આપવાની અને રક્તદાનની શરૂઆત પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં જ થઈ હતી.

અમેરિકાની સેનાના ડૉક્ટર કેપ્ટન ઓસવાલ્ડ રૉબર્ટ્સને પશ્ચિમના મોરચા માટે પહેલી બ્લડ બૅન્ક તૈયાર કરી હતી.

તેમણે 1917માં બ્લડ બૅન્કની શરૂઆત કરી સાથે-સાથે લોહીને વહેતું અટકાવવા માટે પહેલી વાર સૉડિયમ સાઇટ્રેટનો પ્રયોગ કર્યો હતો.

યુદ્ધના પ્રારંભે હાડકાંની ભાંગતૂટના કારણે દર પાંચમાંથી ચાર સૈનિકનાં મોત થતાં હતાં. ત્યારબાદ થૉમસ સ્પ્લિન્ટ નામના રૉડની શોધ થઈ હતી.

આ રૉડનો ઉપયોગ સૈનિકોના તૂટેલા પગમાં કરવામાં આવતો હતો.

આ સંશોધનના કારણે વર્ષ 1916માં દર પાંચમાંથી ચાર ઇજાગ્રસ્ત સૈનિકોને બચાવી લેવામાં સફળતા મળી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મેડિકલ પ્રૉફેશનલ અને તબીબો મેડિકલ ઍડમિનિસ્ટ્રેશનની નવી પદ્ધતીઓ શીખ્યા હતા.

નાણાકીય મુશ્કેલી

દરેક યુદ્ધ અતિશય ખર્ચાળ સાબિત થાય છે અને પ્રથમ વિશ્વયુદ્ધ તેમાંથી બાકાત નથી.

આ યુદ્ધમાં સપ્ટેમ્બર 1918માં એક દિવસમાં આજના 35,74,45,267 જેટલા રૂપિયાનો ખર્ચ ગોળી પાછળ થતો હતો.

યુદ્ધ પહેલાં બ્રિટન વિશ્વની આર્થિક મહાસત્તા હતું.

જ્યારે યુદ્ધ બાદ ફક્ત બ્રિટન જ નહીં સમગ્ર યુરોપ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું.

આ યુદ્ધના કારણે જર્મનીએ રૂપિયા 62 અબજથી વધુ નુકસાની વેઠી હતી.

મહિલાઓનો ફાળો

પ્રથમ વિશ્વયુદ્ધ સુધી મહિલાઓની જવાબદારી ઘર પૂરતી જ સીમિત હતી.

મહિલાઓને રાજકારણ કે યુદ્ધ જેવા મુદ્દાઓ સાથે સાંકળવામાં નહોતી આવતી.

સમાજમાં મહિલાઓનું સ્થાન ઊંચુ લાવવા માટે યૂકેમાં કાયદો ઘડાયો હતો.

ઘર અને પરિવારના વિષયમાં મહિલાઓ પાસે વધારે હક હતા તેમ છતાં સ્ત્રી-પુરૂષના હકોની સમાનતાની દૃષ્ટીએ ઓછા જ હતા.

પ્રથમ વિશ્વયુદ્ધ છેડાયું ત્યારે પુરૂષો યુદ્ધના મેદાનમાં હતા. આ સમયે મહિલાઓ પુરૂષોનું કામ કરતા અને નોકરીએ જતા હતા.

1918ના અંતે કારખાનાઓમાં દર 10માંથી 9 કામદાર મહિલાઓ હતી.

મહિલાઓએ પુરૂષો માટે જ બનેલા કામ પણ કર્યાં હતાં. મહિલાઓએ બસ અને ટ્રામના કંડક્ટરથી લઈને ટાઇપીસ્ટ, અને સેક્રેટરી તરીકેની ભૂમિકા ભજવી હતી.

પ્રથમ વિશ્વયુદ્ધે મહિલાઓના દેખાવમાં પણ પરિવર્તન આણ્યો હતો.

વિશ્વમાં પહેલીવાર મહિલાઓ માટે વિશેષ ટ્રાઉઝર તૈયાર કરાયાં હતાં. મહિલાઓની હેરસ્ટાઇલ પણ બદલાઈ હતી.

મહિલાઓને પુરૂષોની સરખામણીએ ઓછું વેતન અપાતું હતું. મહિલા અને પુરૂષના વેતનમાં અસમાનતા હતી.

વિશ્વયુદ્ધના સમાપન બાદ પુરૂષો પરત ફરતાં મહિલાઓએ ફરી ઘરકામ તરફ વળવાની ફરજ પડી હતી.

ફેબ્રુઆરી 1918માં કેટલાક મહિલાઓએ મતદાનના અધિકાર પર જીત મેળવી હતી.

આ ક્રાંતિ બાદ મહિલાઓને લિંગભેદના કારણે નોકરીમાંથી દૂર કરવાની નીતિ વિરુદ્ધ જાતિય અસમાનતાનો કાયદો ઘડાયો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધે મહિલાઓને લગતા કાયદામાં આમૂલ પરિવર્તન આણ્યું હતું.

રાજકારણનો નવો અધ્યાય

પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુરોપના દેશો વચ્ચેના સીમાડાઓ દૂર કરવામાં આવ્યા હતા. આ યુદ્ધ બાદ કોણ ક્યાં શાસન કરશે તે પ્રશ્ન સર્જાયો હતો.

એક રીતે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ યુરોપના રાજકારણનો નવો અધ્યાય શરૂ થયો હતો.

આ યુદ્ધ બાદ જર્મનીએ પોતાનો 10 ગણો ભૂમિ ભાગ ગુમાવ્યો હતો.

પોતાની જમીન ગુમાવનાર દેશોમાં બલ્ગેરિયા, ઑસ્ટ્રિયા અને હંગેરીનો પણ સમાવેશ થાય છે.

પ્રથમ વિશ્વયુદ્ધે એક તરફે તૂર્કીના સામ્રાજ્યનો અંત આણ્યો તો બીજી તરફે રશિયન ક્રાંતિનો પણ પાયો નાખ્યો હતો.

આ યુદ્ધના પગલે ચોમેર નવી રાજકીય ચેતનાનો સંચાર થયો હતો.

પ્રથમ વિશ્વયુદ્ધના લીધે રશિયામાં કૉમ્યુનિઝમની રાજનીતિનો ઉદય થયો હતો.

બીજા વિશ્વયુદ્ધમાં પ્રદાન

પ્રથમ વિશ્વયુદ્ધના કારણે જ બીજું વિશ્વ યુદ્ધ થયું તેવું ચોક્કસપણે કહી શકાય નહીં.

પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની જે સ્થિતિ સર્જાઈ હતી તે બીજા વિશ્વયુદ્ધના મૂળમાં હતી.

1919માં જર્મની પર પ્રથમ વિશ્વયુદ્ધનું દોષારોપણ થયું હતું અને જર્મની પાસેથી આકરો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ દંડના પગલે જર્મની આઘાતમાં હતું અને અનેક જર્મનો તેનો બદલો લેવા માગતા હતા.

જ્યારે જર્મની ખૂબ જ દયનીય સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે જ હિટલરનો ઉદય થયો હતો.

આ સમયે હિટલરે જર્મન પ્રજાને વચનો આપી સત્તા હાસલ કરવાનો પાયો નાખ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ વર્ષ 1939માં થયો હતો અને તેનું સમાપન 1945માં થયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો