ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે યુદ્ધનાં એંધાણ

ઈરાન અને સાઉદી અરેબિયા લાંબા સમયથી એકમેકનાં દુશ્મન છે, પણ તેમની વચ્ચેની તંગદિલીમાં તાજેતરમાં વધારો થયો છે.

બન્ને દેશોના પોતપોતાના શક્તિશાળી દોસ્તો તથા દુશ્મનો છે, પણ સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો ક્યો દેશ કોની પડખે ઊભો રહેશે?

સાઉદી અરેબિયા

સુન્ની મુસ્લિમોના પ્રભુત્વવાળું સાઉદી અરેબિયા ઇસ્લામનું જન્મસ્થાન છે અને ઇસ્લામિક વિશ્વના સૌથી મહત્વનાં સ્થળો પૈકીનું એક છે.

સાઉદી અરેબિયા દુનિયાના ક્રુડઑઈલના સૌથી મોટા નિકાસકાર અને ધનવાન દેશો પૈકીનો એક છે.

સાઉદી અરેબિયાને ભય છે કે ઈરાન મધ્ય-પૂર્વમાં પગદંડો જમાવવા ઇચ્છે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેથી સાઉદી અરેબિયા શિયા નેતૃત્વમાં વધતી ભાગીદારી અને તેના પ્રભાવનો વિરોધ કરી રહ્યું છે.

પાડોશના યમનમાંના હૂતી બળવાખોરોને ઈરાનનો ટેકો હોવાનું સાઉદી અરેબિયા માને છે, પણ ઈરાને એ દાવાને ફગાવી દીધો છે.

ઈરાન

ઈરાન 1979માં ઇસ્લામિક ગણરાજ્ય બન્યું હતું. ઈરાનની આઠ કરોડની વસતીમાં શિયા મુસ્લિમોનું મોટું પ્રમાણ છે.

ઈરાકમાં સદ્દામ હુસૈનના શાસનનાં પતન બાદ ઈરાને મધ્ય-પૂર્વમાં તેનો પ્રભાવ વધાર્યો છે.

ઈરાને ઇસ્લામિક સ્ટેટ (આઈએસ) સામે લડવામાં સીરિયાને ઘણી મદદ કરી હતી.

ઈરાન પણ માને છે કે લેબનનને અસ્થિર કરવાના પ્રયાસ સાઉદી અરેબિયા કરી રહ્યું છે.

શિયા અભિયાન 'હિઝબુલ્લાહ'ને ઈરાન ટેકો આપી રહ્યું છે.

ઈરાન અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન ગણે છે અને પોતાની પાસે અત્યાધુનિક મિસાઇલ્સ હોવાનો દાવો પણ કરે છે. ઈરાનના સૈન્યમાં કુલ 5.34 લાખ સૈનિકો છે.

અમેરિકા

અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધ એકદમ કથળેલા છે. બીજી તરફ સાઉદી અરેબિયાને અમેરિકા સાથે ગાઢ સંબંધ છે.

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના ઈરાન વિરોધી વલણ બાદ અમેરિકા તથા સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધ વધુ મજબૂત બન્યા છે.

પોતાની પહેલી મુલાકાતમાં ડોનલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયા અને ઇઝરાયલના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

સાઉદી અરેબિયા અમેરિકાનાં હથિયારોના વેચાણનું એક મહત્વનું ક્ષેત્ર પણ છે.

રશિયા

રશિયાના સાઉદી અરેબિયા તથા ઈરાન બન્ને સાથે સારા સંબંધ છે.

બન્ને દેશ સાથે રશિયાને આર્થિક સંબંધ છે અને બન્નેને રશિયા આધુનિક હથિયાર વેચે છે.

ઈરાન અને સાઉદી અરેબિયા વચ્ચે તણાવની સ્થિતિમાં રશિયાનું વલણ હાલ સ્પષ્ટ નથી, પણ રશિયા મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે.

તુર્કી

મધ્ય-પૂર્વમાંની લશ્કરી અને રાજકીય મડાગાંઠ વચ્ચે તુર્કીએ ઈરાન તથા સાઉદી અરેબિયા વચ્ચે એક પાતળી રેખા આંકી છે.

સુન્ની તાકાતના સ્વરૂપે તુર્કીએ સાઉદી અરેબિયા સાથેના પોતાના સંબંધ ઘણા મજબૂત કર્યા છે.

બીજી તરફ ઈરાન સાથે ઘણા ગંભીર મતભેદ હોવા છતાં તુર્કીએ કુર્દિશોના પ્રભાવને ઘટાડવા ઈરાન તરફ ડગલાં ભર્યાં છે.

ઝરાયલ

યહૂદીઓની બહુમતી ધરાવતા ઇઝરાયલને 1948માં સ્વાતંત્ર્ય મળ્યું હતું.

ઇઝરાયલને ઇજિપ્ત તથા જોર્ડન બન્ને સાથે રાજદ્વારી સંબંધ છે.

ઈરાને ઇઝરાયલના અસ્તિત્વ વિશે સવાલ ઉઠાવીને તેના સફાયાની વાત કરી હતી.

બીજી તરફ, મધ્ય-પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવને ઘટાડવા ઇઝરાયલે સાઉદી અરેબિયા સાથેના સંબંધ મજબૂત બનાવ્યા છે.

સીરિયા

સીરિયા હાલ ઈરાનની પડખે ઊભું હોય એવું લાગે છે.

જેહાદીઓ સાથેના યુદ્ધ વખતે ઈરાને સીરિયા સરકારને ઘણી મદદ કરી હતી.

લેબનનમાં શિયા સંગઠન હિઝબુલ્લાહને ઈરાની હથિયાર પહોંચાડવા માટે સીરિયા એક મહત્વનો વિકલ્પ છે.

સીરિયાની સરકાર મધ્ય-પૂર્વમાં ભાંગફોડની નીતિ અપનાવવાનો આક્ષેપ સાઉદી અરેબિયા પર વારંવાર કરતી રહી છે.

લેબનન

સાઉદી અરેબિયા અને ઈરાનના સંબંધ સંદર્ભે લેબનનનું વલણ મિશ્ર હોય એવું લાગે છે.

લેબનનના વડાપ્રધાન સાદ હરીરીને સાઉદી અરેબિયા સાથે સારા સંબંધ હતા.

બીજી તરફ લેબનનમાં કાર્યરત હિઝબુલ્લાહ ઈરાનની નજીક છે. તેને ઈરાન વારંવાર મદદ કરતું રહ્યું છે.

અખાતી દેશો

કતાર, બહરીન અને કુવૈતને ઈરાનની સરખામણીએ સાઉદી અરેબિયા સાથે બહેતર સંબંધો છે.

સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમિરાત, ઇજિપ્ત અને બહરીને સાથે મળીને કતાર સાથેના સંબંધ જુલાઈમાં તોડી નાખ્યા હતા.

એ વખતે ખાદ્ય સામગ્રી મોકલીને ઈરાને કતારની મદદ કરી હતી.

કતાર અને ઈરાન વચ્ચે સારા રાજદ્વારી સંબંધ છે, પણ બહેરીન તથા કુવૈત સાઉદી અરેબિયાની પડખે હોય તેવું લાગે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો