બે ડૅમ માટે પાઈ-પાઈ ભેગી કરી રહ્યું છે પાકિસ્તાન

    • લેેખક, ટીમ બીબીસી હિન્દી
    • પદ, નવી દિલ્હી

સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી) અને પાકિસ્તાન કાઉન્સિલ ઑફ રિસર્ચ ઇન વૉટર રિસોર્સીઝ (પીસીઆરડબલ્યૂઆર) અનુસાર પાકિસ્તાન 2025થી સંપૂર્ણપણે દુકાળની ઝપેટમાં આવી જશે.

પાકિસ્તાનમાં વર્ષ 1990માં જ જળસંકટે ટકોરા મારી દીધા હતા અને 2005 આવતાં-આવતાં આ સંકટ ખતરા તરફ આગળ વધી ગયું અને સતત વધી રહ્યું છે. એટલે કે પાકિસ્તાન જળ સંકટની સમસ્યા સાથે બાથ ભીડી રહ્યું છે.

કહેવાય છે કે પાકિસ્તાન આ સમસ્યાને મુદ્દે નિર્ણાયક પગલાં નહીં લે તો 2025માં તે જળસંકટના બિહામણા દુષ્ચક્રમાં ફસાઈ જશે.

પાકિસ્તાન પાસે હવે જળ સંકટને પહોંચી વળવા માટે પૂરતો સમય પણ બચ્યો નથી.

પાકિસ્તાનમાં પ્રતિ વ્યક્તિ પાણીની ઓછી થઈ રહેલી ખપત સંકટના આગમનનો સંદેશ છે.

કહેવાય છે કે અગાઉની સરકારોએ પાણીની સમસ્યાને સાવ કિનારે જ રાખી અને હવે આ સમસ્યા વિકરાળ બની ગઈ છે.

હવે આ સમસ્યાને પહોંચી વળવા માટે પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ સાકિબ નિસારે ડૅમના નિર્માણ માટે ફંડ એકઠું કરવાની પહેલ કરી છે.

હકીકતમાં, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પીસીઆરડબલ્યૂઆરનાં પાકિસ્તાનમાં પાણીની અછતવાળા અહેવાલની સ્વયં નોંધ લીધી હતી.

આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં કાલાબાગ બંધને મુદ્દે એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી.

આ બંને મુદ્દે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે પાકિસ્તાનમાં છેલ્લાં 48 વર્ષોમાં એક પણ નવો બંધ બનાવવામાં આવ્યો નથી.

સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું કે સરકાર તત્કાળ નવા બંધોનું નિર્માણ કરે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે દીઅમેર-ભાશા અને મોહમંડ બંધોનું નિર્માણ શક્ય હોય એટલી ઝડપે કરવામાં આવે જેથી જળસંકટ સામે લડવામાં મદદ મળે.

દીઅમેર-ભાશા બંધનું નિર્માણ ખૈબર-પખ્તુનખા અને ગિલગીટ-બાલ્ટિસ્તાનમાં અને મોહમંડ બંધનું નિર્માણ માંડા વિસ્તારની સ્વાત નદી ઉપર થનાર છે.

પાકિસ્તાન-ચીન વચ્ચે ભલે સદાબહાર દોસ્તીના સંબંધો રહ્યા હોય, પરંતુ સિલ્ક રોડને મુદ્દે બંને દેશોની દોસ્તી જટિલ દોરમાંથી પસાર થઇ રહી છે.

ઉપનિવેશક કાળની અરબ સાગરથી હિંદુકુશ તળેટીની વચ્ચેની રેલ્વે લાઈનના પુનઃ નિર્માણ માટે 8 અરબ 20 કરોડ ડૉલરની પરિયોજનામાં સતત વિલંબ થઈ રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

સમાચાર એજન્સી રૉઇટર્સના અનુસાર આ વિલંબને કારણે પાકિસ્તાન એક વાર ફરી ચીનની સિલ્ક રોડ પરિયોજનાને મુદ્દે અસ્વસ્થ છે. રૉઇટર્સનું કેહવું છે કે પાકિસ્તાનને લાગે છે કે તે દેવાના દુષ્ચક્રમાં ફસાઈ શકે તેમ છે.

આ રેલ પરિયોજનાથી કરાચી અને પેશાવરને જોડવામાં આવશે અને આ ચીનના વન બેલ્ટ વન રોડ પ્રોજેક્ટનો મહત્વનો ભાગ છે. રૉઇટર્સનું કહેવું છે કે આ પ્રોજેક્ટની શરતોને મુદ્દે પાકિસ્તાન નિશ્ચિંત નથી. વડા પ્રધાન બન્યા બાદ ઈમરાન ખાને વિદેશી દેવાઓને મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.

કહેવાય છે કે આ મુદ્દાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનને બંને ડૅમ બાંધવા માટે વિદેશી કરજને બદલે પોતાના દેશના નાગરિકો પાસેથી ફાળો લેવાનું યોગ્ય લાગ્યું.

દીઅમેર-ભાશા અને મોહમંડ બંધો માટે ભંડોળ

જસ્ટિસ નિસારે ચાર જુલાઈએ પાકિસ્તાનના નાણાં મંત્રાલયને આદેશ આપ્યો કે તેઓ દિઅમેર-ભાશા અને મોહમંડ ડેમ ફંડ-2018' નામથી એક બૅન્ક એકાઉન્ટ ખોલવામાં આવે જેથી લોક-ફાળાથી બંધ બનાવવા માટે પૈસા એકત્ર કરી શકાય.

નાણાં મંત્રાલયે તારીખ 6 જુલાઈ 2018ના રોજ આ એકાઉન્ટ ખોલી દીધું છે.

નીસારે લોકોને પૈસા દાન કરવાનો આગ્રહ કર્યો છે. આની શરૂઆત જસ્ટિસ નીસારે પોતે કરી અને તેઓએ પોતાના અંગત ખાતામાંથી દસ લાખ પાકિસ્તાની રૂપિયા ફાળામાં આપ્યાં.

જસ્ટિસ નીસારની જેમ અન્ય ન્યાયાધીશોએ પણ આ એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા.

આ સિવાય પાકિસ્તાની સેનાના અધિકારી, કર્મચારીવર્ગ, મીડિયાના જૂથો અને સરકારી અને ખાનગી સંગઠનોએ પણ બંધ બનાવવા માટે આ એકાઉન્ટમાં પૈસા જમા કરાવ્યા.

પહેલી ઑક્ટોબર સુધી આ એકાઉન્ટમાં પાકિસ્તાનીઓએ 420 કરોડ રૂપિયા જમા કરી દીધા છે.

આ એકાઉન્ટમાં કેટલા પૈસા જમા થઈ રહ્યા છે એ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર સાર્વજનિક છે.

સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાન, નેશનલ બૅન્ક ઑફ પાકિસ્તાન અને બાકીની તમામ સરકારી બૅન્કોની તમામ શાખાઓમાં આ પૈસા જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે.

મોટાભાગની બૅન્કોએ પ્રવેશ દ્વાર ઉપર એક બેનર લગાવી દીધું છે કે બંધ માટેના ફાળાની રકમ અહીંયા જમા કરવામાં આવે છે.

બૅન્ક પૈસા જમા કરનાર ગ્રાહકોને એસએમએસ દ્વારા ઍલર્ટ પણ મોકલે છે કે કેટલા પૈસા અત્યાર સુધી જમા થયા છે.

પાકિસ્તાન ઇલેક્ટ્રૉનીક મીડિયા રૅગ્યુલેટરી ઑથૉરીટી(પીઈએમઆરએ)એ આઠ ઑગષ્ટે તમામ ખાનગી ચેનલો માટે એક વટહુકમ જાહેર કર્યો હતો.

જેમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દૈનિક મૉર્નિંગ શો અને પ્રાઈમ ટાઈમમાં એક મિનિટનો સમય લોકોને અપીલ કરવા માટે ફાળવવાનો છે કે બંધના નિર્માણમાં ફાળો આપે.

પાકિસ્તાનની સત્તા જ્યારે ઇમરાન ખાનના હાથમાં આવી ત્યારે તેઓએ રાષ્ટ્ર સંબોધનના પોતાના બીજા ભાષણમાં બંધ માટે સુપ્રીમ કોર્ટની પહેલ દ્વારા એકત્ર કરવામાં આવી રહેલા ભંડોળનો પણ ઉલ્લેખ કર્યો.

તેઓએ જસ્ટિસ નિસારની પ્રશંસા કરતાં કહ્યું કે જે કામ સરકારનું હતું તેને સુપ્રીમ કોર્ટે કરવું પડી રહ્યું છે.

ઈમરાન ખાને કહ્યું કે અગાઉની સરકારોની ઉપેક્ષાને કારણે સુપ્રીમ કોર્ટને સક્રિય થવું પડ્યું છે.

ઈમરાન ખાને વિદેશોમાં વસેલા પાકિસ્તાનીઓને આ બંધના નિર્માણમાં આર્થિક મદદ આપવાની અપીલ કરી.

ઈમરાન ખાને કહ્યું, "જો વિદેશોમાં વસેલા દરેક પાકિસ્તાનીએ એક-એક હજાર ડૉલર ફાળા સ્વરૂપે આપી દીધાં તો આ બંધ નિર્માણ માટે પર્યાપ્ત રહેશે."

જોકે, પછી ઈમરાન ખાને આ મુદ્દે ખુલાસો કરતા કહ્યું કે એક હજાર ડૉલરનો ફાળો આપવો વિદેશોમાં કામ કરી રહેલાં તમામ પાકિસ્તાનીઓ માટે સરળ નથી.

ખાને કહ્યું કે ખાસ કરીને જે પાકિસ્તાની મધ્ય-પૂર્વમાં રહે છે તેઓ માટે આ મુશ્કેલ કાર્ય છે.

ખાને એવું પણ કહ્યું કે આ કામ યુરોપ અને અમેરિકામાં વસેલા પાકિસ્તાનીઓ સરળતાથી કરી શકે છે.

જોકે, આમાં વિદેશોમાં વસેલા પાકિસ્તાનીઓ તરફથી બહુ ઓછી મદદ આવી રહી છે.

24 સપ્ટેમ્બર સુધી કુલ ફાળામાં વિદેશોમાં વસેલા પાકિસ્તાનીઓનું યોગદાન માત્ર 7.8 ટકા હતું.

24 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે આ એકાઉન્ટનું નામ બદલી દીધું અને હવે આ એકાઉન્ટનું નામ છે-'સુપ્રીમ કોર્ટ એન્ડ પ્રાઈમ મિનિસ્ટર ફંડ ફોર દીઅમેર-ભાશા એન્ડ મોહમંડ ડૅમ્સ.'

લોકફાળાના પૈસાથી બંધ નિર્માણનાં પ્રયત્નની અલગઅલગ સ્તરો ઉપર ટીકા પણ થઇ રહી છે.

સૌથી મોટી ટીકા એ છે કે આટલાં મોટા પ્રોજેક્ટનું નિર્માણ આ રીતે લોકફાળાથી કરી શકાય નહીં.

આવી ટીકાઓને જસ્ટિસ નીસારે મૂળમાંથી જ ખેંચી નાખી છે. તેઓએ પત્રકારોને કહ્યું કે જે પણ આ પ્રયત્નનો વિરોધ કરી રહ્યા હોય તેઓ દેશદ્રોહી છે.

જસ્ટિસ નિસારે ત્યાં સુધી કહ્યું કે તેઓ બંધારણના અનુચ્છેદ 6ને જોઈ રહ્યા છે કે શું આવા લોકો ઉપર રાજદ્રોહનો કેસ ચલાવી શકાય છે?

પછીથી પીઈએમઆરએએ ખાનગી ચેનલો માટે એક વટહુકમ પણ પ્રસારિત કર્યો અને કહ્યું કે તેઓ પોતાના કાર્યક્રમમાં આ પગલાની ટીકા પ્રસારિત નહીં કરે.

તેમાં કહેવાયું છે કે જો કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

અગાઉ પણ અભિયાનો ચાલ્યાં છે

પાકિસ્તાનમાં કોઈ સરકારી પ્રોજેક્ટનું ફંડ લોકોના ફાળાથી એકત્ર કરવાનું અભિયાન કોઈ પહેલી વાર નથી ચલાવાઈ રહ્યું.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોએ વિકાસની નવી પરિયોજનાઓ માટે આ જ રીતનું અભિયાન દેશભરમાં ચલાવ્યું હતું.

આમાં ટીવી ચેનલોનો ઉપયોગ કરવામાં આવતો હતો અને લોકોને પ્રતિદીન એક રૂપિયાનું દાન કરવા માટે કહેવામાં આવતું હતું.

વર્ષ 1998માં, અગાઉ ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન પદે રહી ચુકેલા નવાઝ શરીફે 'કર્ઝ ઉતારો, મુલ્ક સંવારો' કૅમ્પેન શરૂ કર્યુ હતુ.

તેઓને લાગ્યું હતું કે તેઓ સત્તાની ધુરા સંભાળતા જ પાકિસ્તાનના વિદેશી દેવા ચૂકવી દેશે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે એ પૈસાનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો.

વર્ષ 2005માં ભૂકંપ આવ્યા પછી રાહત-બચાવ કાર્ય માટે પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ રાષ્ટ્રપતિ રાહત કોશ શરૂ કર્યો હતો.

શરૂઆતમાં લોકોએ દાન કરવાને મુદ્દે ઉત્સાહ પણ બતાવ્યો હતો, પરંતુ તરત જ લોકો ઠંડા પડી ગયાં હતાં.

સ્વાભાવિક છે પાકિસ્તાનમાં વધુ નવા ડૅમ્સની જરૂર છે. ઈમરાન ખાને ગત સપ્તાહે કહ્યું હતું કે પાકિસ્તાન પાસે ફક્ત 30 દિવસો સુધીનો જ પાણીનો જથ્થો સંઘરી શકવાની ક્ષમતા છે.

જોકે, ઘણાં વિશ્લેષકોનું કહેવું છે કે માત્ર બંધના નિર્માણ કરવાથી જ પાકિસ્તાનનું જળસંકટ દૂર નહીં થઈ જાય. પાકિસ્તાનની વધતી વસતિ ઉપર લગામ કસવી એ એક ઉપાય તરીકે જોવામાં આવી રહ્યું છે.

પાકિસ્તાનની વસતિ પ્રતિવર્ષ 2.4 ટકાના દરે વધી રહી છે જયારે ભારતનો આ દર 1.9 ટકા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો