ભગતસિંહની ફાંસીની સજા ગાંધીજીએ કેમ માફ ન કરાવી?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આ સવાલનાં જ બીજાં રૂપ છે. ભગતસિંહની ફાંસી માટે ગાંધીજી કેટલા જવાબદાર ગણાય? ભગતસિંહની ફાંસી રદ કરાવવામાં ગાંધીજીના પ્રયાસ ઓછા પડ્યા? ગાંધીજીએ ભગતસિંહની ફાંસીની સજા કેમ માફ ન કરાવી?

ગાંધીજીનું વ્યક્તિત્વ એવું છે કે તેમની સાથે વાંધો પાડી શકાય, લડી શકાય અને આ બધું કર્યા પછી પણ દોસ્તી કરી શકાય.

ભગતસિંહ અને ગાંધીજી

આદર્શ ક્રાંતિકારી તરીકે ઓળખાતા ભગતસિંહ હિંસક રસ્તે આઝાદીના સમર્થક હતા. 1907માં તેમનો જન્મ થયો, ત્યારે 38 વર્ષના લોકસેવક ગાંધી દક્ષિણ આફ્રિકામાં અહિંસક લડાઈના પ્રયોગો કરી રહ્યા હતા.

સત્યાગ્રહના અનુભવો સાથે તે 1915માં ભારત આવ્યા અને જોતજોતામાં ભારતના જાહેર જીવનની ટોચે પહોંચી ગયા.

યુવાની તરફ આગળ વધી રહેલા ભગતસિંહે હિંસક ક્રાંતિનો રસ્તો લીધો.

પરંતુ તે બંને વચ્ચે એક મહત્ત્વનું સામ્ય હતું : દેશના સામાન્ય ગરીબ માણસનું હિત તેમને સૌથી વધારે મહત્ત્વનું લાગતું હતું. તેમનો આઝાદીનો ખ્યાલ ફક્ત રાજકીય ન હતો.

શોષણની બેડીઓમાંથી પ્રજા મુક્ત થાય એવી તેમની ઝંખના અને તેમના પ્રયાસ હતાં.

બીજું વિરોધી લાગતું સામ્ય : ભગતસિંહ નિરીશ્વરવાદી (નાસ્તિક) હતા, જ્યારે ગાંધીજી પરમ આસ્તિક. પરંતુ ધર્મના નામે ફેલાવાતા ધીક્કારના બંને વિરોધી હતા.

ભગતસિંહને ફાંસીની સજા

વડીલ નેતા લાલા લજપતરાયને 1929માં સાયમન કમિશનના વિરોધ પ્રદર્શનમાં પોલીસની લાઠી વાગી.

એ જખમના થોડા દિવસ પછી તેમનું મૃત્યુ થયું.

લાલાજી છેલ્લાં વર્ષોમાં કોમવાદના રાજકારણ ભણી ઢળી રહ્યા હતા.

ભગતસિંહે એ મુદ્દે તેમનો ખુલ્લો વિરોધ કર્યો હતો. પણ અંગ્રેજ પોલીસના લાઠીમારથી લાલાજીનું મૃત્યુ થાય, તેમાં ભગતસિંહને દેશનું અપમાન લાગ્યું.

તેનો બદલો લેવા માટે તેમણે સાથીદારો સાથે મળીને પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ સ્કૉટને ફૂંકી મારવાની યોજના ઘડી.

પણ એક સાથીદારની ભૂલથી, સ્કૉટને બદલે 21 વર્ષનો પોલીસ અધિકારી સૉન્ડર્સ વીંધાઈ ગયો.

એ કિસ્સામાં તો ભગતસિંહ છટકી ગયા હતા, પણ થોડા વખત પછી તેમણે કેન્દ્રની ધારાસભામાં ચાલુ કાર્યવાહીએ બૉમ્બ ફેંક્યો.

એ વખતે વિઠ્ઠલભાઈ પટેલ (સરદારના મોટા ભાઈ)ગૃહના પહેલા ભારતીય અધ્યક્ષ તરીકે કાર્યવાહી ચલાવતા હતા. બૉમ્બનો આશય જાનહાનિનો નહીં, બહેરી અંગ્રેજ સરકારના કાને પણ દેશની વાસ્તવિકતા પહોંચાડવાનો હતો.

બૉમ્બ ફેંક્યા પછી ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત ભાગી શક્યા હોત, પણ તેમણે ધરપકડ વહોરી. ભગતસિંહની પાસે તેમની રિવોલ્વર પણ હતી.

પછીથી એ જ રિવૉલ્વર પોલીસ અધિકારી સૉન્ડર્સની હત્યામાં વપરાઈ હોવાનું સ્થાપિત થયું.

એટલે ધારાસભામાં ધડાકા માટે પકડાયેલા ભગતસિંહ થોડા વખતમાં સૉન્ડર્સની હત્યાના વધુ ગંભીર કેસમાં આરોપી બન્યા અને ફાંસીની સજા પામ્યા.

ગાંધીજી અને સજામાફી

દાંડીકૂચ (1930) પછી ગાંધીજી-કૉંગ્રેસ અને અંગ્રેજ સરકાર વચ્ચેનો સંઘર્ષ જોરમાં હતો.

દરમિયાન ભારતની રાજવ્યવસ્થામાં સુધારાવધારાની ચર્ચા માટે અંગ્રેજ સરકારે વિવિધ ભારતીય નેતાઓને ગોળમેજી પરિષદમાં લંડન બોલાવ્યા.

આવી પહેલી કૉન્ફરન્સમાં ગાંધીજીએ અને કૉંગ્રેસે ભાગ ન લીધો. એટલે તેમાંથી કશું નીપજ્યું નહીં.

બીજી કૉન્ફરન્સમાં અગાઉનું પુનરાવર્તન ટાળવા માટે અંગ્રેજ સરકારે સંઘર્ષને બદલે વાતચીત માટેની તૈયારી બતાવી.

17 ફેબ્રુઆરી, 1931થી વાઇસરૉય ઇર્વિન અને ગાંધીજી વચ્ચે વાતચીત શરૂ થઈ. 5 માર્ચ, 1931ના રોજ બંને વચ્ચે કરાર થયા.

આ કરારમાં અહિંસક ચળવળમાં પકડાયેલા બધા કેદીઓને છોડી મૂકવાની વાત હતી.

રાજકીય હત્યાના આરોપસર ફાંસીની સજા પામેલા ભગતસિંહને આ કરાર હેઠળ માફી ન મળી. બીજા ઘણા કેદીઓને પણ ન મળી. અહીંથી વિવાદની શરૂઆત થઈ.

ગાંધીજી સામે વિરોધ

ભગતસિંહ અને બીજાઓના માથે ફાંસીનો ગાળિયો ઝળૂંબી રહ્યો હોય ત્યારે સરકાર સાથે શાંતિથી સમજૂતી થાય જ કેવી રીતે?

આવી મતલબનાં ચોપાનિયાં ગાંધી-ઇર્વિન કરાર પછી વહેંચાઈ રહ્યાં હતાં.

સામ્યવાદીઓ આ કરારથી નારાજ હતા. ગાંધીજીની જાહેર સભાઓમાં તે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરતા હતા.

એવામાં 23 માર્ચ, 1931ના રોજ ભગતસિંઘ-સુખદેવ-રાજગુરુને ફાંસી આપવામાં આવી.

તેનાથી લોકોનો રોષ ભડક્યો...ફક્ત અંગ્રેજ સરકાર સામે નહીં, ગાંધીજી સામે પણ ખરો.

ગાંધીજી સામે એટલા માટે, કારણ કે તેમણે 'ભગતસિંહની ફાંસીની સજા માફ નહીં, તો કરાર પણ નહીં', એવો આગ્રહ ન રાખ્યો.

26 માર્ચના રોજ કૉંગ્રેસનું કરાચી અધિવેશન શરૂ થયું (જેના પ્રમુખપદે પહેલી અને છેલ્લી વાર સરદાર પટેલ હતા).

તેના માટે 25 માર્ચના રોજ કરાચી પહોંચેલા ગાંધીજી સામે વિરોધ પ્રદર્શન થયાં.

કાળાં કપડાંનાં ફુલ અને 'ગાંધીવાદ મુર્દાબાદ', 'ગાંધી ગો બૅક' જેવા નારાથી તેમનું 'સ્વાગત' કરવામાં આવ્યું. (આ વિરોધને ગાંધીજીએ 'તેમની ઊંડી વ્યથા અને તેમાંથી નીપજતા રોષનું એક હળવું પ્રદર્શન' ગણાવ્યો અને તેમણે 'રોષ બહુ ગૌરવભરી રીતે ઠાલવ્યો' એમ પણ કહ્યું.)

ટાઇમ્સ ઑફ ઇંડિયાના અહેવાલ પ્રમાણે, 25 માર્ચની બપોરે કેટલાક લોકો ગાંધીજીના ઉતારામાં ઘૂસી ગયા.

'ક્યાં છે ખૂની' એવી બૂમો સાથે તે ગાંધીજીને શોધતા હતા. ત્યારે પંડિત નહેરુ તેમને મળી ગયા.

તે આ યુવાનોને એક ખાલી તંબુમાં લઈ ગયા અને તેમની સાથે ત્રણ કલાક વાતો કરી. છતાં સાંજે ફરી વિરોધ કરવા તેઓ પાછા આવ્યા.

કૉંગ્રેસની અંદર સુભાષચંદ્ર બોઝ સહિતના કેટલાક પણ ગાંધી-ઇર્વિન કરારના વિરોધમાં હતા.

તેઓ માનતા હતા કે અંગ્રેજ સરકાર ભગતસિંહને ફાંસીની સજા માફ ન કરે, તો તેની સાથે કરાર કરવાની જરૂર ન હતી.

જોકે, કૉંગ્રેસની વર્કિંગ કમિટીનો ગાંધીજીને સંપૂર્ણ ટેકો હતો.

ગાંધીજીનું વલણ

ગાંધીજીએ આ મુદ્દે જુદાંજુદાં ઠેકાણે આપેલા પ્રતિભાવનો મુખ્ય સૂર, તેમના જ શબ્દોમાં. (ગાંધીજીનો અક્ષરદેહ-45)

  • ભગતસિંહની બહાદુરી માટે આપણને માન ઊપજે છે, પણ મારે તો એવો આત્મભોગ જોઈએ છે કે જેમાં બીજાને ઈજા કર્યા વિના...લોકો ફાંસીના માંચડે ચડવા તૈયાર થાય.
  • સરકારની ઉશ્કેરણી અતિશય ગંભીર સ્વરૂપની છે. છતાં (ભગતસિંહ અને સાથીઓની) ફાંસી અટકાવવાનું સમાધાનની શરતોમાં નહોતું. એટલે સમાધાનમાંથી પાછા ફરવાનું યોગ્ય નથી.
  • (સ્વરાજમાં) મોતની સજા તો હું નાબૂદ જ કરું.
  • ભગતસિંહ અને તેમના સાથીઓ જોડે વાત કરવાની તક મળી હોત તો હું તેમને કહેત કે તેમણે લીધેલો રસ્તો ખોટો અને નિષ્ફળ હતો...ઈશ્વરને સાક્ષી રાખીને હું આ સત્ય જાહેર કરવા માગું છું કે હિંસાને માર્ગે સ્વરાજ આવી શકે એમ નથી, માત્ર આપત્તિ જ આવી શકે એમ છે.
  • મારાથી સમજાવી શકાય એટલી રીતે મેં વાઇસરૉયને સમજાવી જોયા. મારી સમજાવટની જેટલી શક્તિ હતી તે બધી મેં તેમના પર અજમાવી... ૨૩મીએ સવારે વાઇસરૉયને એક અંગત કાગળ લખ્યો. એમાં મેં મારો આખો આત્મા રેડ્યો હતો. પણ એ વ્યર્થ નીવડ્યો.
  • ભગતસિંહ અહિંસાના પૂજારી નહોતા, પણ હિંસાને ધર્મ નહોતા માનતા...આ વીરો મરણના ભયને જીત્યા હતા. તેમની વીરતાને સારુ તેમને હજારો વંદન હો. પણ તેમના કૃત્યનું અનુકરણ ન થાય. તેમની કૃતિથી દેશને લાભ થયો માનવા હું તૈયાર નથી...જો ખૂન કરીને દાદ મેળવવાની પ્રથા આપણામાં પડી જાય તો આપણે જેને ન્યાય માનતા હોઈએ તેને સારુ પોતપોતામાં ખૂન કરતાં થઈ જઈશું...બળાત્કાર (બળજબરી)ને ધર્મ કરીએ તો હાથનાં કર્યાં હૈયે વાગવાનાં.

વિશ્લેષણ

  • ભગતસિંહની ફાંસીની સજા માફ કરવા માટે ગાંધીજીએ વાઇસરોય પર પૂરતું દબાણ આણ્યું હોય, એવા પુરાવા સંશોધકોને મળ્યા નથી. ફાંસીના દિવસે વહેલી સવારે તેમણે વાઇસરૉયને લખેલો ભાવસભર પત્ર એવું દબાણ આણનારો હતો. ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતું. ત્યાર પહેલાંના સમયમાં, વાઇસરૉય સાથેની વાતચીત દરમિયાન ભગતસિંહની ફાંસીના મુદ્દાને ગાંધીજીએ બિનમહત્ત્વનો ગણ્યો, એવી છાપ ઉપલબ્ધ સંશોધનો પરથી પડે છે. એટલે, બધી સમજાવટશક્તિ વાપર્યાનો ગાંધીજીનો દાવો મહદ્ અંશે સાચો લાગતો નથી.
  • વિરોધી લોકલાગણીનો પ્રચંડ ઊભરો આવ્યો હતો ત્યારે પણ ગાંધીજીએ, ટીકા અને વિરોધ ખમીને, પોતાના વિચાર લોકો આગળ મૂક્યા. ભગતસિંહની બહાદુરીને પ્રમાણવા છતાં, તેમના રસ્તાનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કર્યો અને તેના ગેરફાયદા બતાવ્યા. એક નેતા તરીકે ગાંધીજીની આ નૈતિક હિંમતને પણ યાદ રાખવી પડે. તો જ આખા મુદ્દે ગાંધીજીના વર્તનનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે.
  • ભગતસિંહ પોતે સજામાફી માટે રજૂઆત કરવા તૈયાર ન હતા. તેમના પિતાએ આવી રજૂઆત કરી ત્યારે ભગતસિંઘે તેમને આકરા શબ્દોમાં પત્ર લખ્યો હતો. ગાંધીજી સજા માફ ન કરાવી શક્યા, એ મુદ્દે ભગતસિંહને કશો કચવાટ હતો કે નહીં એ જાણવા મળતું નથી. પણ તેમની પ્રકૃતિ જોતાં, એવો કચવાટ હોવાની સંભાવના નહીંવત્ છે. કોમવાદ અને રાષ્ટ્રવાદની ભેળસેળનાં મૂળિયાં કેટલાં જૂનાં છે તેનો ખ્યાલ આપતી હકીકત : ભગતસિંહની ફાંસી પછી ફરજિયાત શોક પળાવવાની લ્હાયમાં કાનપુરમાં કોમી રમખાણ ફાટી નીકળ્યાં હતાં, જે ઠારવા જતાં ગણેશશંકર વિદ્યાર્થી મોતને ભેટ્યા.

વર્તમાનમાં વિચારવાના મુદ્દા

  • ભગતસિંહની સજાના મુદ્દે ગાંધીજીની ટીકા ભગતસિંહ પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈને થાય છે કે ગાંધીજી પ્રત્યેના દ્વેષથી પ્રેરાઈને?
  • ભગતસિંહના નામને કેવળ પ્રતીક બનાવીને પચાવી પાડનારા, તેનો ઉપયોગ મુખ્યત્વે ગાંધીજીને ઝૂડવામાં કે નારાબાજીમાં કરનારા એ કહે છે, કે ભગતસિંહ ડાબેરી વિચારસરણી ધરાવતા, નાસ્તિક, બૌદ્ધિક અને કોમવાદના કટ્ટર વિરોધી હતા? ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બૉમ્બ ફેંક્યો ત્યારે વિખ્યાત લેખક ખુશવતંસિંઘના પિતા સર સોભાસિંહ પણ ધારાસભામાં હાજર હતા. તેમણે અદાલતમાં ભગતસિંહને ઓળખી બતાવ્યા હતા. એટલે પછીનાં વર્ષોમાં ખુશવંતસિઘને નીચા પાડવા માટે મુખ્યત્વે જમણેરી પરિબળો તરફથી એવો રાજકીય પ્રચાર શરૂ થયો કે ખુશવંતસિંહના પિતાની જુબાનીથી ભગતસિંહને ફાંસી થઈ. હકીકતમાં, ભગતસિંહને ફાંસી ધારાસભામાં બૉમ્બ ફેંકવા માટે નહીં, સૉન્ડર્સના ખૂન માટે થઈ હતી (જેની સાથે સોભાસિંહને કશી લેવાદેવા ન હતી.)
  • સૌથી નવાઈની વાત એ છે કે ભગતસિંહને ફાંસી થઈ તેમાં સૌથી મહત્ત્વની ભૂમિકા સરકારી સાક્ષી બની ગયેલા કેટલાક ક્રાંતિકારી સાથીદારોની હતી (જેમાંના એક જયગોપાલની ભૂલને લીધે સ્કૉટને બદલે સૉન્ડર્સ માર્યો ગયો હતો).
  • આટલાં વર્ષે ભગતસિંહની ફાંસીને નામે ગાંધીજીને (કે સોભાસિંઘને) વખોડતી વખતે પેલા નબળા સાથીદારોનો ઉલ્લેખ સરખો થતો નથી. કેમ? કારણ કે, એમ કરવાથી રાજકારણમાં કશો ફાયદો મળવાનો નથી.

(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર 'બાપુ, બોલે તો...' શૃંખલામાંનો આ તેમનો પ્રથમ લેખ હતો. આ શૃંખલાના બીજા લેખ બીબીસી ગુજરાતીની વેબસાઇટ પર વાંચી શકાશે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો