You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાપુ, બોલે તો...: પૂજવા કે ભાંડવા જેવા નહીં, ઓળખવા જેવા માણસ ગાંધીજી
- લેેખક, ઉર્વીશ કોઠારી
- પદ, બીબીસી ગુજરાતી માટે
તમને ગાંધીજી માટે એ વાતનો ગુસ્સો છે કે તેમણે ભગતસિંહને કેમ બચાવ્યા નહીં અને ફાંસીએ ચડી જવા દીધા? કે પછી તેમણે ભારતના ભાગલા કેમ પડવા દીધા? (ઘણા તો માને છે કે ગાંધીજીને કારણે ભારતના ભાગલા પડ્યા.)
પાકિસ્તાનને પપ કરોડ રૂપિયા અપાવવા તેમણે ઉપવાસ કર્યા. એવું કેમ ચાલે? ઝીણાને તેમણે બહુ ચઢાવી માર્યા હતા કે નહીં?
શું ઘણા માને છે તેમ, ગાંધીજી 'દલિતોના દુશ્મન' હતા? જ્ઞાતિવાદી, રૂઢિચુસ્ત અને રીઢા રાજકારણી હતા?
આજના ભારતમાં ગાંધીજી સામે ઘણાને એવો વાંધો છે કે તેમણે આઝાદી પહેલાં મુસ્લિમોનું ઉપરાણું લીધું અને હિંદુઓનાં હિતને નુકસાન કર્યું.
ગાંધીજીના હત્યારાને રાષ્ટ્રભક્ત ગણનારા લોકો ત્યારે પણ હતા અને હજુ છે.
ગાંધીજીના બ્રહ્મચર્યના પ્રયોગો તેમના સત્યના પ્રયોગો કરતાં વધારે વિવાદાસ્પદ અને વધારે સવાલ પેદા કરનારા છે. અને રાષ્ટ્રપિતાની પિતા તરીકેની નિષ્ફળતાનું શું?
તમે આ વાંચ્યું કે નહીં?
ગાંધીજી વિશે આવા અનેક સવાલ અને શંકા, આરોપ અને અધૂરી માહિતી ઘણા લોકોનાં મનમાં, ખાસ કરીને યુવા પેઢીનાં મનમાં, જોવા મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોશિયલ મીડિયા પર એવી સામગ્રી ધડાધડ ફૉર્વર્ડ થતી ને ગેરસમજણો ફેલાવતી રહે છે. ફક્ત યુવાનોનાં નહીં, મોટેરાંનાં મનમાં પણ કાચીપાકી માહિતીના આધારે ગાંધીજી વિશે ઉકળાટ જોવા મળે છે.
'ગાંધી મરતો ગયો ને મારતો ગયો' એવું પણ ક્યારેક સાંભળવા મળે છે.
ગાંધીજી વિશે આટલો અભાવ ઓછો હોય તેમ, બીજી ઑક્ટોબરથી સરકારી-બિનસરકારી રાહે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિનાં ઉજવણાં શરૂ થશે.
તેમાંથી મોટા ભાગનામાં ગાંધીમહિમાનો ઉપરછલ્લો અતિરેક થશે. તે કદાચ લોકોના મનમાં ઓર ચીડ પેદા કરશે. તેમાં ગાંધીજી વિશેના મૂળ સવાલ ઊભા ને ઊભા જ રહેશે.
ગાંધીજી વિશેના અણિયાળા સવાલ પૂછાય ત્યારે તેમને સાંભળ્યા-ન સાંભળ્યા કરવાની જરૂર નથી.
'ગાંધીજી વિશે આવુંબધું ન પૂછાય.' એવું કહેવાની પણ જરૂર નથી. એ પૂછનાર કોઈ યુવાન હોય ત્યારે તો ખાસ.
કેમ કે, ઘણાખરા કિસ્સામાં યુવાનો સુધી ફક્ત સવાલો જ પહોંચ્યા હોય છે. તેના તથ્યઆધારિત, તાર્કિક જવાબ તેમને મળતા નથી. આ સાપ્તાહિક લેખમાળા એ દિશામાં એક પ્રયાસ છે.
યાદ રહે. આપણે અણિયાળા સવાલના જવાબ આપવાની વાત કરીએ છીએ. ગાંધીજીની વકીલાત કરવાની કે ગમે તેમ કરીને તેમનો બચાવ કરવાની જરૂર નથી. એવું કરવાનો કશો અર્થ પણ નથી.
'ગાંધીજી કશું ખોટું કરી જ ન શકે. તે કરે તે બધું બરાબર જ હોય.' એવો અહોભાવ ગાંધીજીને વધારે નુકસાન પહોંચાડી શકે છે. ભક્તિ કોઈ માણસની ન થાય. ગાંધીજીની પણ નહીં.
તેમને ભગવાન બનાવવાની જરૂર નથી ને વિલન બનાવવાની પણ નહીં.
ગાંધીજી માણસ હતા. આપણા જેવા માણસ. માણસમાં હોય એવી બધી મર્યાદાઓ તેમનામાં હતી. સાથોસાથ, મોટા ભાગના માણસોમાં ન હોય એવી ખાસિયતો પણ તેમનામાં હતી.
તો તેમની મર્યાદાઓને સંતાડવી શા માટે? અને તેની સામે ખૂબીઓનું વજન વધારે હતું કે ઓછું, તે વાચકો જ નક્કી કરે. પણ એ નિર્ણય તથ્યના આધારે હોવો જોઈએ.
'વૉટ્સઍપ યુનિવર્સિટી'ની ડિગ્રીના આધારે નહીં.
ગાંધીજીનું વ્યક્તિત્વ એવું છે કે તેમની સાથે વાંધો પાડી શકાય, લડી શકાય અને આ બધું કર્યા પછી પણ દોસ્તી કરી શકાય.
જરૂર છે ગાંધીજીને સરકારી ઑફિસની છબીઓમાંથી ને બાવલાંપૂતળાંમાંથી બહાર કાઢીને, તેમની સાથે સંવાદમાં ઊતરવાની. અહોભાવનો અતિરેક કે નકરી નિંદાખોરી બાજુ પર રાખીને, તેમના વિશે પાયાની વિગતો જાણવાની.
બીજી ઑક્ટોબરથી શરૂ થતી શ્રેણી 'બાપુ, બોલે તો...' એ દિશામાં આગળ વધવા માટે ઉપયોગી બની રહેશે. તેના દરેક લેખમાં ગાંધીજી વિશેના એક અણિદાર સવાલની તથ્યોનાં આધારે મુક્તપણે ચર્ચા કરવામાં આવશે.
ભૂલાઈ ગયેલાં તથ્યો તાજાં થશે. નવાં તથ્યો ને અર્થઘટનો ઊઘડશે.
શક્ય છે કે એ વાંચ્યા પછી ગાંધીજી વિશેના તમારા અભિપ્રાયોને નવી હકીકતો ને નવી દિશા મળે.
અને આપણે આપણા, સામાન્ય લોકોના, સામાન્ય લોકોને સ્પર્શે અને કામ લાગે એવા ગાંધીજીને સરકારો પાસેથી ને રાજકારણીઓ પાસેથી પાછા મેળવી શકીએ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો